Sangharsh - 7 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 7

Featured Books
Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 7

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૭ રાજકરણ સિંઘ

 

‘રાજ, તારી વાત તો સાવ સાચી છે, પણ આપણે પલ્લડી ગામના ત્રણસો-ચારસો લોકો આ રાધેટક સામ્રાજ્યની હજારોની સેના સામે કેમનું કામ પાર પાડીશું?’ રાજકરણ સિંઘના કાકા અને ગામના સરદાર એવા જગત સિંઘે રાજકરણને પૂછ્યું,

‘કાકા, મેં ક્યાં એમ કીધું છે કે કાલને કાલ આપણે આશાવન પર ચડાઈ કરવાની છે? મને ખબર છે કે એકલું પલ્લડી ગામ આ નહીં કરી શકે, આપણે બીજા ગામોની પણ મદદ ખપશે. મને એ પણ ખબર છે કાકા, કે એકલું આપણું ગામ નહીં, પણ સુનંદા, જુહાજીપુરા, ફત્તેહસિંઘનો ગઢ, જે આપણી આસપાસ આવેલા આ બધા ગામો છે એ ગામોથી શરુ કરીને છેક મહવાણ અને પટ્ટપુત્ર સુધી આ બે રાક્ષસોના અત્યાચારો વિરુદ્ધ ભારેલો અગ્નિ ધૂંધવાઈ રહ્યો છે. આપણે આ વાતાવરણનો લાભ લેવાનો છે.’ રાજકરણ એની તલવારની મૂઠને જોરથી દબાવતા બોલ્યો. 

રાજકરણની આંખમાં ગુસ્સો હતો, એ લાલચોળ થઇ ગઈ હતી. દસ દિવસ પહેલાં એની નજર સામે એના પિતા રાયકરણ સિંઘે જીવ છોડ્યો હતો, કારણ ફક્ત એટલું જ હતું કે બે મહિનાનું મહેસૂલ એ રાજા વિષદેવ રાયને ચૂકવી શક્યો ન હતો. એ સમયે રાજકરણ મહવાણ અને પટ્ટપુત્રથી ખેતીવાડીના સાધનો લઈને હજી ઘરનાં આંગણે ખડી ભીડને ચીરીને અંદર જ આવ્યો અને પલ્લડી ગામના નાયકે રાયકરણની છાતીમાં તલવાર પરોવી દીધી હતી, એની નજર સામે જ! 

‘હાથમાં મહવાણ દેવીનો પ્રસાદ હોવાને લીધે હું કમરે લટકતી તલવારને અડી ન શક્યો, નહીં તો કાકા એ નાયકને તો મેં ત્યાં જ પૂરો કરી દીધો હોત.’ રાજકરણ ગુસ્સામાં બોલી રહ્યો હતો. 

‘બસ! આ જ... આ જ કારણ છે કે હું તને કાયમ ચેતવું છું, ટોકું છું. આ તારો ગુસ્સો તને કાયમ ભાન ભૂલવે છે. તેં ત્યારે નાયકને મારી નાખ્યો હોત તો આજે તું એ જ રાજા વિષદેવની કેદમાં હોત જેને તું મારવા માંગે છે.’ જગત રાજકરણને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

‘કાકા, વિષદેવ અને શ્રીમૈય્યાનો વધ એ મારું અંતિમ લક્ષ્ય નથી. મારું અંતિમ લક્ષ્ય છે આશાવનને આ બંનેની નાગચૂડમાંથી બહાર કાઢવું અને સુશાસન શું છે તેનું ભાન કરાવવું. મને ખબર છે કે તેના માટે મારે ભારે મહેનત કરવાની આવશે, હું કરી લઈશ. કાલે પહેલા પહોરે જ હું જુહાજીપૂરા અને સુનંદા ગામના સરદારોને મળવા નીકળી જવાનો છું. સાંજ સુધીમાં પાછો આવી જવાનો છું.’

‘અને ત્યાં જઈને તું શું કરીશ દીકરા?’

‘એ બંને ગામના આગેવાનોને સમજાવીશ કે આમ પરદેશીઓના દાસ બનીને રહેવા કરતા આપણે આપણું પોતાનું, ગુજરવાસીઓનું પોતાનું એક સ્વતંત્ર આશાવન કેમ ન સ્થાપિત કરવું? જેમાં, બધા સુખી અને સુરક્ષિત રહે, સ્વતંત્ર રહે. મને વિશ્વાસ છે કે ભણેલા ગણેલા આ બંને સરદારો મારી વાત માનીને એમનાં ગ્રામવાસીઓને પણ સમજાવશે. વિચાર તો કરો જગતકાકા, દોઢ હજારની વસ્તીવાળું સુનંદા ગામ અને લગભગ બારસો માણસનું જુહાજીપૂરા જો આપણી સાથે જોડાય તો આપણા માણસો કેટલા બધા વધી જાય?’ 

‘માણસો વધવાથી યુદ્ધ જીતાતું નથી ભત્રીજા! બધાને બધું ન આવડે. બધાને અસ્ત્ર-શસ્ત્ર ચલાવતાં શીખવાડવું પડે. એય પૂરતું નથી. એ તો ચલો તારી-મારી શીખવાડવાની મહેનતે ચલાવતાં આવડી જાય પણ હોંશિયારીના દાવ તો માણસ મા ના પેટમાંથી શીખીને આવે છે એનું શું કરશું?’

‘જગતકાકાની વાત સાચી છે. મારી જ વાત કરને રાજ. હું તો તારા જ ગામનો છું, તારો બાળપણનો મિત્ર છું. પણ કરમે વેપારી છું. અહીં પલ્લડી ગામમાં ગોળ વેંચું છું. મને ન તો અસ્ત્ર ચલાવતા આવડે, ન તો શસ્ત્ર, કે ન તો મને કાકા કે’ છે એવા દાવપેચ રમતા આવડે. આપણા પાંચસો જણના ગામમાં મારા જેવા તો પચીસ હશે. તો તું કાલ જાય છે ત્યાં તો એવા સો-સો લોકો હશે. શું કરીશ?’ રાજકરણનો ખાસ મિત્ર ધૂળીચંદ બોલ્યો. 

‘ધૂળ્યાની વાતમાં માલ છે હોં રાજ!’ જગતે પણ ધૂળીચંદને સમર્થન આપ્યું.

‘હું શું કરીશ? તું શું કરીશ? એમ વિચારતાં રહીશું તો સાત તો શું સત્તર પેઢી સુધી સ્વતંત્રતા નહીં મળે ધૂળ્યા! ક્યારેક તો પહેલું પગલું માંડવું પડશે ને? ક્યારેક તો લડાઈના મેદાનમાં ઉતરવું પડશે ને? અરે! ભલે આપણે બધા કાલે સ્વતંત્રતાની, આપણા આશાવનને શાંતિ અને સમૃદ્ધિ આપવાની લડાઈમાં ખપી જઈએ, તો આપણા પછીની પેઢીને એટલું તો કહેતાં જઈશુંને કે દાસપણાંમાં કોઈ માલ નથી? રાધેટક સામ્રાજ્યનું વિષથી ભરેલું વૃક્ષ કદાચ આપણે આ જનમમાં કાપી નહીં શકીએ પણ હલાવી તો શકીશુંને? એના મૂળિયાં તો નબળાં પાડીશું ને? આમ રોજ ગોળનું ગાડું લઈને ત્રણ ગામના ત્રણ ફેરા ફરવાથી કે રોજ રાત્રે હુક્કો ગગડાવીને ખાલી અમથી વાતો કરવાથી સ્વતંત્રતા નહીં આવે.’ જેમ જેમ પોતાનો વિરોધ થતો જતો હતો તેમ તેમ રાજકરણનો નિશ્ચય વધુને વધુ પાક્કો થતો જતો હતો.  

‘એટલે તું અમને ટોણો મારે છે?’ જગત જરા ગુસ્સે થયો. એ આજની જેમ રોજ રાત્રે ગામના વડીલો સાથે હુક્કો ગગડાવતો અને વાતોના વડા કરતો અને એના સિવાય એને કોઈ ખાસ કામ પણ ન હતું. 

‘કાકા, વિનંતીથી તમને અને ગામના લોકોને કોઈ અસર ન થઇ, તો થયું કટાક્ષનો ઉપયોગ કરી લઉં. બાકી, હું હવે રોકાવાનો નથી. હું તો કાલે સવારે ઉપડવાનો જ.’

‘કાલથી ત્રણ દિવસ તારા બાપની પિંડદાનની વિધિ કરવાની છે એનું શું? આશાવનથી ખાસ શુક્લજીને બોલાવ્યા છે, એમને દક્ષિણા આપ્યા વગર પાછા મોકલું?’ જગતે અવાજ મોટો કરીને કહ્યું.

‘રાજ, એક કામ કરીએ. ત્રણ દિવસ સ્વર્ગીય કાકાની પિંડદાનની વિધિ કરવાની છે. આ ત્રણ દિવસ કાકા, હું અને બાકીના ગામવાળાઓ તારી વાત પર વિચાર કરી લઈએ. કાકાની તેરમાંની વિધિ પતે એ રાત્રે ફરીથી આહીં ભાગોળે ભેગા થઇએ અને બધા એકમતે કોઈ નિર્ણય લે.’ હોંશિયાર ધૂળીચંદે સૂચન કર્યું.

‘મને વાંધો નથી, પણ તેરમાંની રાતે તારો, કાકાનો અને બાકીના ગામવાળાઓનો જે નિર્ણય હોય તે, હું એના બીજા પ્રભાતે જુહાજીપૂરા તરફ મારો ‘રાજટેક’ દોડાવી દઈશ!’ 

‘રાજટેક જેટલી ઝડપ સ્વભાવમાં ન રાખ રાજ. કોક દિવસ પસ્તાઈશ.’ જગત ભાગોળના સહુથી મોટા વડના ઝાડ નીચેના વિશાળ પથરા પરથી ઉભા થતા બોલ્યો.

‘જેના માટે હવે સ્વતંત્રતા કે મૃત્યુ આ બે જ વિકલ્પ હોયને કાકા, એના માટે પસ્તાવો કરવો ભારે પડે.’ 

રાજકરણનું આ વાક્ય જગતને ઝેર સમું લાગ્યું. એણે કતરાતી નજરે રાજકરણ સામે જોયું. પોતાની ભરાવદાર મૂંછ નીચે માંડ માંડ દેખાતા હોઠનાં જમણા ખૂણેથી એણે રાજકરણ સામે કડવું સ્મિત કર્યું અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. 

પલ્લડી ગામની પૂર્વ દિશાએ વહેતી હિરણમતી નદીના આરે ત્રણ દિવસ રાજકરણે પોતાના પિતાની પિંડદાનની વિધિ સંપૂર્ણ ભક્તિભાવથી, શ્રદ્ધાથી કરી. ત્રણેય દિવસ આખા ગામને એણે જમાડ્યું. તેની પિતૃભક્તિથી ગામના ઘણા લોકો સંતોષ પામ્યા, ખાસ કરીને કેટલાક યુવાનો તેની તરફ જરૂર આકર્ષાયા હતા. 

તેરમાંની વિધિ પૂરી થઇ એ રાત્રે નક્કી થયા અનુસાર ગામના વડીલો અને યુવાનો ગામના સરદાર જગત સિંઘની અધ્યક્ષતામાં ભાગોળે આવેલા વડલા નીચે એકઠા થયા. રાજકરણ પણ આવ્યો હતો. એને ઉત્કંઠા હતી ગામવાસીઓ શું નિર્ણય કરે છે તે જાણવાની. બધાની નજર જગત ઉપર હતી કે એ બેઠકની શરૂઆત ક્યારે કરે. 

પરંતુ જગત તો નિરાંતે પોતાનો હુક્કો ગગડાવી રહ્યો હતો. કોઈ કોઈની સાથે વાત નહોતું કરતું. બધાને એમ હતું કે હમણાં જગત બધાને પૂછશે કે સ્વતંત્રતાની લડાઈ શરુ કરવાની જે વાત રાજકરણ સિંઘ ઈચ્છે છે તેના વિષે તેમનો શો મત છે?  પરંતુ આ તમામના આશ્ચર્ય વચ્ચે જગત સાવ મૂંગો મૂંગો હુક્કો જ ગગડાવી રહ્યો હતો.

‘કાકા, પેલું પૂછવું નથી?’ અમુક ઘડી આ મૌન સહન કર્યા બાદ ધૂળીચંદની ધીરજ ખૂટી.

‘પેલું?’ જગતે સાવ ઠંડકથી પૂછ્યું.

‘પેલું? રાજના નિર્ણય સાથે કોણ છે અને કોણ નહીં?’

‘એમાં પૂછવાનું શું હોય? ગામના સરદાર તરીકે પલ્લડી ગામ રાજ સાથે નહીં જોડાય એ મારો નિર્ણય છે. જેને પોતપોતાની રીતે આ મોતના કૂવામાં પડવું હોય એને મારા તરફથી છૂટ છે!’ 

પોતાના સગા કાકાની આવી વાત સાંભળીને રાજકરણ તો સાવ છક્ક જ થઇ ગયો. જે પાંચ-પંદર લોકો હતા એમને પણ નવાઈ લાગી. પિતાની હત્યાનો જે સ્તરનો રોષ રાજકરણમાં હતો તે તેના સગા કાકામાં જરાય ન હતો તે તમામને આશ્ચર્ય પમાડવા માટે પૂરતું હતું. 

‘તો ઠીક છે, મને લાગે છે કે આ ઉધામો મારે એકલાએ જ કરવાનો આવશે. મારો બાપ મર્યો છે એટલે હું આ  કરવાનો છું એવું જો બધા માનતા હોવ તો ખોટું છે. હા, બાપુજીની હત્યાએ અત્યાર સુધીના દાસપણાથી મારી બંધ  રહેલી આંખ જરૂર ખોલી નાખી છે, પરંતુ હવે એ અચાનક ઉઘડેલી આંખ છેલ્લા તેર દિવસથી બહુ બહોળું ચિત્ર જોઈ રહ્યું છે, અને એ ચિત્રમાં ફક્ત આશાવનને વિષદેવ-શ્રીરામૈય્યાની જોડીમાંથી સ્વતંત્ર કરવાનું જ ચિત્ર છે.’

આ સાંભળીને જગત અને ધૂળીચંદ સાથે બાકીના તમામ રાજકરણ સિંઘ સામે ફાટી આંખે જોઈ રહ્યા. જગતનાં હોઠમાથી હુક્કો બહાર નીકળી ગયો હતો. 

‘આપણી આશા, આપણું આશાવન! આપણો નિર્ધાર, સ્વતંત્ર આશાવન!’

આ સૂત્ર જોરથી બોલીને રાજકરણ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો.  

‘ઉભો રહે રાજ!’ ત્યાં જ પાછળથી અવાજ આવ્યો.