Narad Puran - Part 43 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 43

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 43

સૂત બોલ્યા, “દેવર્ષિ નારદ આ વાત સાંભળીને શુકદેવજીના પ્રસ્થાન વિષે ફરી તે મુનિ સનંદનને પૂછવા લાગ્યા.”

        નારદ બોલ્યા, “હે ભગવન, આપે અત્યંત કરુણાથી સર્વ કંઈ કહ્યું અને તે સાંભળીને મારું મન શાંતિ પામ્યું. હે મહામુને, મને મોક્ષશાસ્ત્ર વિષે ફરીથી કહો; કારણ કે કૃષ્ણના અનંત ગુણો સાંભળીને મારી તૃષા પૂર્ણ થતી નથી. સંસારમાંથી મુક્ત થઈને મોક્ષશાસ્ત્રમાં મગ્ન થયેલા ક્યાં નિવાસ કરે છે? મારા મનમાં ઊભો થયેલો સંશય દૂર કરો.”

        સનંદન બોલ્યા, “હે દેવર્ષે, કૈલાસ પર્વત પર ગયા પછી, સૂર્યોદય થતાં વિદ્વાન શુકદેવજી હાથ પગ ઉચિત રીતે ગોઠવી વિનમ્ર ભાવથી પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા અને યોગમાં નિમગ્ન થયા. તે સમયે તેમણે સર્વ પ્રકારના સંગોથી રહિત પરમાત્માનાં દર્શન કર્યાં. આ પ્રમાણે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને શુકદેવજી મોકળા મનથી હસ્યા. ત્યારબાદ તેઓ વાયુની જેમ વિચરવા લાગ્યા. તે સમયે તેમનું તેજ ઉદય સમયના અરુણ સમાન પ્રકાશિત થઇ રહ્યું હતું. તેઓ મન અને વાયુના સમાન આગળ વધી રહ્યા હતા. તે સમયે બધાંએ પોતાની શક્તિ તથા રીત અને નીતિ અનુસાર તેમનું પૂજન કર્યું. દેવતાઓએ તેમની ઉપર દિવ્ય પુષ્પો વરસાવ્યાં.

        તેમને આ પ્રમાણે આકાશમાં ઊડતા જોઈને ગંધર્વ, અપ્સરા, મહર્ષિ તથા સિદ્ધગણ બધા નવાઈ પામી ગયા. ત્યારબાદ તેઓ નિત્ય, નિર્ગુણ તેમ જ લિંગરહિત બ્રહ્મપદમાં સ્થિત થઇ ગયા. તે સમયે તેમનું તેજ ઘુમાડા વગરના અગ્નિ જેવું પ્રકાશી રહ્યું હતું. તે સમયે શુકદેવજીએ પર્વતનાં બે અનુપમ શિખર જોયાં. જેમાં એક હિમાલય જેવું શ્વેત અને બીજું મેરુ સમાન પીત વર્ણનું હતું. એક રજતમય અને બીજું સુવર્ણમય. હે નારદ, એમનો વિસ્તાર ઉપરની બાજુ તથા આસપાસ સો સો યોજનનો હતો. શુકદેવજી બંને શિખરોની વચ્ચેથી એકદમ આગળ નીકળી ગયા. તે શ્રેષ્ઠ પર્વત તેમની ગતિને રોકી શક્યો નહિ.

        પરમ યોગવેત્તા શુકદેવજી શ્વેતદ્વીપમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે પહેલાં ભગવાન શ્રીનારાયણ દેવનો પ્રભાવ જોયો. ત્યારબાદ વેદની ઋચાઓ જેમને શોધતી ફરે છે, તે દેવાધિદેવ જનાર્દનનાં સાક્ષાત દર્શન કર્યાં. તે પછી શુકદેવજીએ ભગવાનની સ્તુતિ કરી. હે નારદ તેમની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન બોલ્યા, “હે યોગીન્દ્ર, હું સર્વ દેવતાઓ માટે પણ અદૃશ્ય થઈને રહું છું, તોપણ તમે મારાં દર્શન કરી લીધાં છે. હે બ્રહ્મચારી શુક, સનત્કુમારે બતાવેલા યોગ દ્વારા તમે સિદ્ધ થઇ ચૂક્યા છો; તેથી વાયુના માર્ગમાં સ્થિત થઈને ઇચ્છાનુસાર સર્વ લોકને જુઓ.”

        હે વિપ્રવર, ભગવાન વાસુદેવે આ પ્રમાણે કહ્યા પછી શુકદેવ મુનિ તેમને પ્રણામ કરીને વિષ્ણુના ધામમાં ગયા. હે નારદ, વૈકુંઠલોક વિમાનમાં વિચરનારા દેવોથી સેવાયેલ છે. તેને વિરજા નામની દિવ્ય નદીએ ચારેબાજુથી આવરી લીધેલ છે. તે દિવ્યધામ પ્રકાશિત થવાથી જ આ સર્વ લોક પ્રકાશિત થઇ રહ્યા છે. ત્યાં સુંદર વાવડીઓ બનેલી છે. તે હંમેશાં કમળોથી પરિપૂર્ણ રહે છે. તેમના ઓવારા પરવાળાના બનેલા છે. તેમાં સુવર્ણ અને રત્ન જડેલાં છે. તે બધી વાવડીઓ નિર્મળ જળથી ભરેલી છે. ત્યાંના દ્વારપાળ ચાર ભુજાવાળા હોય છે. તે બધા વિશ્વકસેનના અનુયાયી તથા સિદ્ધો છે. તેઓ કુમુદ વગેરે નામોથી પ્રસિદ્ધ છે. તેમાંના કોઈએ પણ શુકદેવજીને અટકાવ્યા નહીં.

        શુકદેવજીએ અંદર જઈને સિદ્ધ સમુદાય દ્વારા નિરંતર સેવાતા ભગવાન વિષ્ણુનાં દર્શન કર્યાં. તેમને ચાર ભુજાઓ હતી. તેઓ શાંત તેમ જ પ્રસન્ન જણાતા હતા. તેમણે પીતાંબર ધારણ કરેલું હતું. શંખ, ચક્ર, ગદા અને પદ્મ મૂર્તિમાન થઈને ભગવાનની સેવામાં ઉપસ્થિત હતાં. તેમની બાજુમાં લક્ષ્મીજી વિરાજેલાં હતાં અને કૌસ્તુભ મણિથી તેઓ પ્રકાશી રહ્યાં હતાં. માથા ઉપર મંડળાકાર કિરીટ અને ચરણોમાં નૂપુર શોભી રહ્યાં હતાં. ભગવાન મધુસૂદનનાં દર્શન કરીને શુકદેવે ભક્તિભાવથી તેમની સ્તુતિ કરી.

        શુકદેવજી બોલ્યા, “સર્વ લોકોમાં એકમાત્ર સાક્ષી આપ ભગવાન વાસુદેવને નમસ્કાર છે. સર્વ જગતના કારણરૂપ, સર્વત્ર પરિપૂર્ણ અને નિશ્ચલ આત્મરૂપ આપને નમસ્કાર છે. વાસુકી નાગની શય્યા પર શયન કરનારા શ્વેતદ્વીપનિવાસી શ્રીહરિને નમસ્કાર છે. આપ હંસ, મત્સ્ય, વારાહ તથા નરસિંહરૂપ ધારણ કરનારા છો. ધ્રુવના આરાધ્ય દેવ આપ જ છો. આપ સાંખ્ય અને યોગ બંનેના સ્વામી છો, આપને નમસ્કાર છે. ચારે સનકાદિ આપના જ અવતાર છે. આપે જ કચ્છપ અને પૃથુરૂપ ધારણ કર્યાં છે. આત્માનંદ જ આપનું સ્વરૂપ છે. આપ જ નાભિપુત્ર ઋષભદેવજીના રૂપમાં પ્રકટ થયા છો. જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરનારા આપ જ છો. આપને નમસ્કાર છે.

        ભૃગુનંદન પરશુરામ, રઘુનંદન શ્રીરામ, પરાત્પર શ્રીકૃષ્ણ, વેદવ્યાસ, બુદ્ધ અને કલ્કિ પણ આપનાં જ સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. કૃષ્ણ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ-આ ચાર વ્યૂહોનાં રૂપમાં આપ જ વિરાજી રહ્યા છો. નરનારાયણ, શિપિવિષ્ટ તથા વિષ્ણુ નામથી પ્રસિદ્ધ આપને નમસ્કાર છે. સત્ય જ આપનું ધામ છે. આપ ધામરહિત છો. ગરુડ આપનું જ સ્વરૂપ છે. આપ સ્વયંપ્રકાશ ઋભુ, ઉત્તમ વ્રતનું પાલન કરવા માટે વિખ્યાત, ઉત્કૃષ્ટ ધામવાળા ને અજિત છો; આપને નમસ્કાર છે.

        સંપૂર્ણ વિશ્વ આપનું જ સ્વરૂપ છે, આપ જ વિશ્વરૂપમાં પ્રકટ છો. યજ્ઞ અને તેના ભોક્તા, સ્થૂળ અને સૂક્ષ્મ તથા યાચના કરનારા વામનરૂપ આપને નમસ્કાર છે. સૂર્ય અને ચંદ્ર આપનાં નેત્ર છે, સાહસ, ઓજ અને બળ આપથી વિભિન્ન નથી. આપ યજ્ઞો દ્વારા યજન કરવા યોગ્ય સાક્ષી, અજન્મા તથા અનેક હાથપગ અને મસ્તકવાળા છો. આપને નમસ્કાર છે. આપ લક્ષ્મીના સ્વામી, તેમના નિવાસસ્થાન અને ભક્તોને અધીન રહેનારા છો. આપ શારંગ નામનું ધનુષ્ય ધારણ કરો છો. આઠ પ્રકૃતિઓના (ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર) અધિપતિ બ્રહ્મા તથા અનંત શક્તિઓથી સંપન્ન આપ પરમેશ્વરને નમસ્કાર છે.  બૃહદારણ્યક ઉપનિષદ દ્વારા આપના તત્ત્વનો બોધ થાય છે.

        આપ ઇન્દ્રિયોના પ્રેરક તથા જગતના સ્રષ્ટા બ્રહ્મા છો. આપનાં નેત્ર વિકસિત કમળ જેવાં છે. ક્ષેત્રજ્ઞના રૂપમાં આપ જ પ્રકાશિત થઈ રહ્યા છો. આપને નમસ્કાર છે. ગોવિંદ, જગતકર્તા, જગન્નાથ, યોગી, સત્ય, સત્યપ્રતિજ્ઞ, વૈકુંઠ અને અચ્યુતરૂપ આપને નમસ્કાર છે. અધોક્ષજ, ધર્મ, વામન, ત્રિધાતુ, તેજ:પુંજ ધારણ કરનારા, વિષ્ણુ, અનંત તેમ જ કપિલરૂપ આપને નમસ્કાર છે. આપ જ વિરિંચિ નામથી પ્રસિદ્ધ બ્રહ્મા છો. ત્રણ શિખરવાળો ત્રીકૂટ પર્વત આપનું જ સ્વરૂપ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આપનાં જ અભિન્ન સ્વરૂપ છે. એક શીંગડાવાળા શૃંગી ઋષિ પણ આપની વિભૂતિ છે. આપનો યશ પરમ પવિત્ર છે તથા સંપૂર્ણ વેદશાસ્ત્ર આપનાથી જ પ્રકટ થયાં છે. આપને નમસ્કાર છે. આપ વૃષાકપિ, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય અને અગ્નિ છો. આ આખું વિશ્વ આપની જ રચના છે. ભૂર્લોક, ભુર્વલોક અને સ્વર્લોક આપનાં જ સ્વરૂપ છે. આપ દૈત્યોનો નાશ કરનારા તથા નિર્ગુણરૂપ છો. આપ નિરંજન, નિત્ય, અવ્યય અને અક્ષયરૂપ છો. શરણાગતવત્સલ ઈશ્વર, આપને નમસ્કાર છે. આપ મારી રક્ષા કરો.”   

        શુકદેવજીની સ્તુતિ સાંભળીને શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુ બોલ્યા, “ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે મહાભાગ વ્યાસપુત્ર, હું તમારા પર પ્રસન્ન છું, તમને વિદ્યા અને ભક્તિ બંને પ્રાપ્ત થાઓ. તમે જ્ઞાની છો અને સાક્ષાત મારું સ્વરૂપ છો. તમે પહેલાં શ્વેત દ્વીપમાં જે મારું સ્વરૂપ જોયું છે, તે જ છું; સંપૂર્ણ વિશ્વની રક્ષા માટે હું ત્યાં રહેલો છો. મહાભાગ, મોક્ષધર્મનું નિરંતર ચિંતન કરવાથી તમે સિદ્ધ થઇ ગયા છો. વાયુ તથા સૂર્ય આકાશમાં વિચરણ કરે છે તેમ તમે પણ સમસ્ત શ્રેષ્ઠ લોકમાં ભ્રમણ કરી શકો છો. તમે નિત્ય મુક્તસ્વરૂપ છો. બદરિકાશ્રમમાં નરનારાયણ ઋષિ કલ્પના અંતકાળ સુધીના સમય માટે તપશ્ચર્યામાં સ્થિત છે. તેમની આજ્ઞાથી ઉત્તમ વ્રતનું પાલન કરનારા તમારા પિતા વ્યાસ ભાગવતશાસ્ત્રની રચના કરશે. તેથી તમે પૃથ્વી પર જાઓ અને તે શાસ્ત્રનું અધ્યયન કરો. અત્યારે તેઓ ગંધમાદન પર્વત ઉપર તપશ્ચર્યા કરી રહ્યા છે.”

        હે નારદ, ભગવાને આ પ્રમાણે કહ્યાથી શુકદેવજીએ તે ચાર ભુજાવાળા શ્રીહરિને નમસ્કાર કાર્ય અને તેઓ પિતાની પાસે પાછા ફર્યા. શુકદેવજીને પોતાની પાસે ફરેલ જોઇને ભગવાન વ્યાસ પ્રસન્ન થઇ ગયા અને તપશ્ચર્યાથી નિવૃત્ત થઇ ગયા. પછી ભગવાન નારાયણ અને નરશ્રેષ્ઠ નરને નમસ્કાર કરી શુકદેવજી સાથે પોતાના આશ્રમે આવ્યા. હે મુનીશ્વર નારદ, તમારા મુખથી ભગવાન નારાયણનો આદેશ પ્રાપ્ત કરી તેમણે અનેક પ્રકારનાં શુભ આખ્યાનોથી યુક્ત ભાગવત સંહિતા બનાવી. વેદ જેટલી આદરણીય ભાગવત સંહિતા ભગવાનની ભક્તિ વધારનારી છે. વ્યાસજીએ તે સંહિતા પોતાના નિવૃત્તિપરાયણ પુત્ર શુકદેવને ભણાવી.”

 

(દ્વિતીય પાદ સમાપ્ત)

 

ક્રમશ: