zodiac sign in Gujarati Moral Stories by Thummar Komal books and stories PDF | રાશિચક્ર

Featured Books
Categories
Share

રાશિચક્ર

આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રીસ વર્ષીય મહિલા છે. પતિ પત્ની બંને શહેરમાં એકલા રહે છે. લગ્નને થોડો જ સમય થયો હશે જેથી હજુ કોઈ સંતાન નથી. આનવી ખૂબ જ પ્રેક્ટીકલ અને એક્શન- રિએક્શન વિશે વિચારીને પગલા ભરનારી આધુનિક નારી છે. કોઈની આડી અવળી વાતો એમ જ સાંભળીને સ્વીકારી લેવું એ એની ફિતરત જ નથી. પતિ પત્ની બંને અલગ અલગ કંપનીમાં નોકરી કરે છે. જે અલગ અલગ દિશામાં આવેલી છે. જેથી બંને પાસે પોતાના પર્સનલ વ્હીકલ છે. આનવી પાસે લેડીઝ ટુવિલર છે અને પતિ પાસે કાર છે. પતિના જવાનો સમય નવ વાગ્યાનો છે, જ્યારે આનવી નવ ને વીસ મિનિટ જેવા સમયે ઘરે થી નીકળે. બંને ટિફિન લઈને કામ પર જતા અને સાંજ પડ્યે ફરી મળતા.

સવાર સવાર માં કામ કરતા કરતા ટીવી પર ભજન સાંભળવા એ આન્વીને ગમતી પ્રવૃત્તિ હતી. એક દિવસ ભજન પછી 'આજનું રાશિ ભવિષ્ય' એવો નવો પ્રોગ્રામ શરૂ થયો. કામ કરતા કરતા ચેનલ બદલવા જવાની આળસ થઈ અને આન્વીએ ટીવી પર જે ચાલતું હતું તે ચાલવા દીધું. આવા કોઈ પ્રેડીક્શન કે રાશિમાં ન માનવાવાળી આન્વીએ બે ત્રણ દિવસ સુધી આમ સાંભળ્યું. પછી એક દિવસ પ્રોગ્રામમાં પંડિતજીએ કહેલું કે મેષ રાશિના જાતકોએ આજે લીલા રંગના કપડાં પહેરવાથી ફાયદો થશે. સંજોગોવસાત આન્વીએ તે દિવસે લીલા રંગનું શૂટ કાઢેલું હતું. પંડિતજીના શબ્દો કાને પડી ગયા હતા. આન્વી આખો દિવસ ખૂબ જ કોન્ફિડન્ટ હતી. સબ કોન્સિયન્સ માઈડે ક્યાંક એવું સ્વીકારી લીધું હતું કે આજે ફાયદો થશે. 'કાગડાનું બેસવું અને ડાળનું પડવું' આન્વીએ તે દિવસે રૂટિન કરતાં વધારે ડીલ સાઇન કરાવી. અને મેનેજર પાસેથી વખાણ નું સર્ટિફિકેટ પણ મળી ગયું. લીલા રંગનું સૂટ અને પંડિતજીના શબ્દો આખરે આન્વીના માઈન્ડ સેટને બદલવા કુચ કરી ચૂક્યા હતા.

ત્યારબાદ પછીના દિવસે પણ આન્વી એ પંડિતજીના કહ્યા પ્રમાણેનો રંગ પહેર્યો. "આવું કંઈ હોતું નથી, પરંતુ મારે તો કોઈ પણ રંગના કપડા પહેરવા છે તો મારી રાશિ પ્રમાણે નો રંગ પહેરું તો શું વાંધો, એમાં કોઈ નુકસાન તો નથી." પોતાના નબળા પડતા દિમાગનો બચાવ કરતા આવું વિચારીને એ દરરોજ પોતાની રાશિ પ્રમાણે નો રંગ પહેરતી થઈ. થોડા દિવસ તો કોન્ફિડન્સમાં સારું જ ચાલ્યું. હવે તો તેને પંડિતજીના શબ્દો જેવા કે "આજે આ રાશિના જાતકોએ વિવાદ ટાળવો, પરિવારિક આનંદ જળવાઈ રહે, પ્રયાસનું પૂરું ફળ જોવા મળે... વગેરે વગેરે જેવા કથનો પણ સત્ય લાગવા માંડ્યા. આન્વી ભજનને બદલે હવે આજનું રાશિ ભવિષ્ય પ્રોગ્રામની વધારે રાહમાં હોય.

એક દિવસ રાત્રે સુતા સુતા આન્વી વિચારતી હતી. કાલનો દિવસ ખૂબ જ અગત્યનો છે. કંપનીના કર્મચારીઓના સારા કામને બિરદાવવા અને યોગ્ય પ્રમોશન ફાળવવા માલિકે એક મીટીંગ રાખેલી છે. નક્કી કાલે સારા સમાચાર મળશે એવી આશા સાથે આન્વી સૂઈ જાય છે.

વાર્તા હવે શરૂ થાય છે. સવારે જાગીને આન્વીએ જોયું તો નળમાં પાણી નહીં આવતું હતું. વૉચમેનને ફોન કર્યો તો જાણવા મળ્યું કે મોટર ખરાબ થઈ ગઈ છે, બે કલાક લાગશે. ગેસ પર દાળ નું કુકર ચડાવી બહાર દૂધની થેલી લેવા ગઈ. આન્વી દરરોજ એક કાપડની થેલી બહાર ખૂટી પર રાખતી. જેમાં દૂધવાળો દૂધની થેલી મૂકતો. આજે કાપડની થેલી મુકવાનું ભુલાઈ ગયું હતું, તો દૂધની થેલી નીચે જ પડી હતી. બિલાડીને ગંધ આવતા તેણ દૂધની થેલી તોડીને ગેબમાં દૂધ રેલાવી નાખ્યું હતું. આજુ બાજુના ફ્લેટવાળા અને વોચમેન સાથે આ બિલાડી અને પાણીની ચર્ચા કરવામાં એ ભૂલાઈ ગયું કે ગેસ પર કુકર છે. દાળ ઉભરાઈને બેસિન સુધી દોડતી હતી. પતિને જગાડીને દૂધ લેવા મોકલ્યા અને પોતે ગેબ માં દૂધ અને પછી કિચનમાં પ્લેટફોર્મ સાફ કર્યું. જેમતેમ કરીને નાસ્તો અને ટિફિન બનાવ્યું.

રાશી પ્રમાણે જે રંગના કપડા પહેરવાના હતા એને ઇસ્ત્રી કરવાની બાકી હતી. ઓફિસ જવાનો સમય થઈ ગયો હતો. પરંતુ જે રીતે તેનું દિમાગ રાશિ ભવિષ્યને વશમાં હતું તેને ઉતાવળમાં કપડાને ઇસ્ત્રી કરી અને ઓફિસ જવા નીકળી. આ બધી માથાકૂટમાં પતિને પણ ઓફિસ જવામાં મોડું થઈ ગયું હતું. બંને સાથે નીચે ઉતર્યા. નીચે જઈને જોયું તો ટુવિલર માં પંચર હતું. તેને પોતાના પતિને આગ્રહ કર્યો કે આજ મને ઓફિસ મૂકી જાવ. પતિએ કહ્યું કે મને ઓલરેડી લેટ થઈ ગયું છે તારા માટે કેબ બુક કરાવી દઉં છું. ત્યારે આન્વીને સવારથી અત્યાર સુધીનું બધું ફ્રસ્ટેશન બહાર આવ્યું. અને બોલી પડી કે એક દિવસ મૂકવા આવવા કહ્યું એટલું પણ નથી થતું. સામે તેના પતિને પણ ખૂબ જ ઉતાવળ હતી. એણે કેબ પણ બુક કરી દીધી અને કહ્યું, "અનુ ! હું મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરું છું, તારી જેમ ફાલતુ શો રૂમમાં નહીં. અહીંયા સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી હોય છે" ત્યાં હવે બંનેના સ્વમાન ટકરાય છે. અને જ્યાં સુધી કેબ ન આવી ત્યાં સુધી બંને નો ઝગડો ચાલ્યો.

આન્વી ઓલરેડી એક કલાક લેટ હતી. તે પહોંચી ત્યારે મિટિંગ લગભગ પૂરી થવાની તૈયારીમાં હતી. હોલમાં બધાની નારાજ નજરનો સામનો કરીને આખરે તે રિસેપ્શનની ખુરશી પર બેઠી. બેઠા બેઠા પંડિતજીના શબ્દો તેના કાનમાં ગુંજ્યા. તેના માટે આજનું રાશિ ભવિષ્ય કઈક આવું હતું.. "આપના દરેક કામમાં સાનુકૂળતા જણાય, દામ્પત્ય જીવન સુખદાયી નીવડે, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને સાથે જ પારિવારિક આનંદ જળવાઈ રહે."

સવારમાં ઉઠતા ની સાથે એને સમજાય જવું જોઈતું હતું કે આજનો દિવસ કેવો જશે. જો રાશિ ભવિષ્ય પ્રમાણે જીવન જીવાતું હોય તો કંસ અને કૃષ્ણની, રાધા -રુકમણી અને રામ - રાવણની રાશિ એક જ હતી. ક્યારેક સંજોગોવસાત કોઈ આગાહી સાચી પડી જાય બની શકે. પરંતુ એ થવાનું હોય. કોઈ પંડિતજી કે જ્યોતિષીના કથન પ્રમાણે જ થશે એવું માનનારાએ રાશી ભવિષ્ય સારું હોય ત્યારે બધા સિગ્નલ તોડી નાખવા, અરે સિગ્નલ શું સવારમાં એક ચાનો કપ તોડી બતાવવો. પછી જોવો દિવસની શરૂઆત કેવી થાય છે.

ઘણી વાર કોઈ તોડેલા સિગ્નલ કે હેલ્મેટ, સીટ બેલ્ટ વગરનું ડ્રાઇવિંગ.. ખોટી જગ્યાએ ગાડી પાર્કિંગ.. કે ઇલેક્ટ્રિસિટી નો પાવર કટ.... કૂકરની ઊભરાતી સીટી કે હાથમાંથી પડી ગયેલું ભરેલું મસાલિયું કે પછી વિચાર્યા વગરના બોલાયેલા શબ્દો આપણા આખા દિવસનું રાશિ ભવિષ્ય નક્કી કરી લે છે. હા! જ્યોતિષશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે એનો કોઈ વિરોધ નથી. પરંતુ માત્ર એના સહારે ચાલનારા ક્યારે કશે પહોંચતા નથી.