Bhitarman - 37 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 37

Featured Books
Categories
Share

ભીતરમન - 37

મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ અમે લોકો એ બંગલે રહેવા ગયા હતા. આદિત્ય આ નવા ઘરે આવ્યા બાદ ખૂબ ખુશ હતો. ફળિયુ અને હોલ એકદમ મોટો હોવાથી એ છૂટથી ગમે ત્યાં રમી શકતો હતો. ધીરે ધીરે આડોશપાડોશમાં પણ બધા બાળકો સાથે એને મિત્રતા થઈ ગઈ હતી. ભણવામાં એનું ચિત ઓછું હતું આથી એ કોઈ ને કોઈ રમતમાં જ પોતાનો દિવસ પસાર કરતો હતો. પંદરેક દિવસમાં આખું ઘર હવે ગોઠવાઈ ગયું હતું. જેટલો જરૂરી હતો એટલો જ સામાન અહીં જામનગર લાવ્યા હતા. ખંભાળિયાના મકાને પણ અમુક સામાન રાખ્યો હતો જેથી અચાનક ત્યાં જવાનું થાય તો કોઈ જ વસ્તુ જામનગર થી સાથે લાવવી પડે નહીં!

મારું અને મુક્તારનું કામ હવે ખૂબ સારી રીતે થઈ શકતું હતું. કારણ કે મુક્તારનો નાનો ભાઈ સલીમ હવે અમારી સાથે આ ધંધામાં જોડાઈ ગયો હતો. શરૂઆતમાં તો મારે અને સલીમને કોઈ તકલીફ થતી નહોતી, પણ સમય જેમ જેમ વીતવા લાગ્યો તેમ તેમ અમારા બંને વચ્ચે થોડો અણ બનાવ થવા લાગ્યો હતો. સલીમથી કદાચ મારી અને મુક્તારની ભાગીદારી સહન થતી નહોતી. મુક્તાર નિખાલસતાથી મિત્રતા પણ નિભાવતો હતો, પરંતુ સલીમ હંમેશા નફો અને હિસાબને જ ધ્યાનમાં લેતો હતો. મુક્તાર અને સલીમના સ્વભાવમાં ખૂબ જ ફરક હતો.

હું સલીમનો સ્વભાવ જાણી ચૂક્યો હતો. આથી મેં જરૂરિયાત કરતા વધુ બોલવાનું ઓછું કરી નાખ્યું હતું. હું હંમેશા મુખ્તારને મિત્ર તરીકે જ ગણી બધી જ વાત જણાવતો હતો પરંતુ હવે હું સલીમની હાજરીમાં વાતને કેહવાનું ટાળતો હતો. મુક્તાર પણ મારામાં આવેલ આ બદલાવ જાણી ચૂક્યો હતો, અને કદાચ બદલાવનું કારણ સમજતો પણ હતો.

અમારે એક જગ્યાનો કબજો હટાવવા માટે મુંબઈ અઠવાડિયા માટે જવું પડે એવું હતું. આ કામની સોપણી મૂકતારે મને અને સલીમને સોપી હતી. જેવું કલેજુ મુકતારનું હતું એવું સલીમનું નહોતું જ! મુંબઈના મરાઠીના એક પરિવારે ગુજરાતી પરિવારના ઘર પર કબજો કરી લીધો હતો. એ મરાઠી પરિવાર પણ બધી જ બાબતે પહોંચેલો પરિવાર હતો. આથી કોઈ એમને ત્યાંથી હટાવી શકતું નહોતું. પોલીસ પણ આ બાબતમાં રસ લેતી નહોતી. બધા જ એમને હટાવવાની બાબતથી દૂર જ રહેતા હતા. ગુજરાતી પરિવાર મોં માંગી કિંમત આપવા તૈયાર હતા. એમના બાપ દાદાની જમીન હોવાથી એમને એ જમીન કોઈપણ હાલતમાં જોઈતી હતી. પોતાના પૂર્વજોના આશીર્વાદએ જમીન સાથે જોડાયેલ હોય, એ જમીન એમના માટે ખૂબ શુભ ફળ આપનાર હતી. હું જે કામ હાથમાં લેતો એ અવશ્ય પૂરું જ કરતો હતો. આ કામ માટે મેં મુક્તારને હા તો પાડી પરંતુ સલીમ મારી સાથે હોય મને એક ભય હતો કે, સલીમ આ કામ પર મારો ગુસ્સો ઉતારે નહીં!

હું અને સલીમ નક્કી કરેલ સમયે મુંબઈ પહોંચી ગયા હતા. જે જગ્યાએ કબ્જો હટાવો હતો ત્યાં અમે રૂબરુ મુલાકાત લેવા ગયા હતા. મેં ત્યાં જઈને મરાઠી પરિવારને ત્રણ મહિનાની મુદત આપી હતી, જો ત્રણ મહિના બાદ એ લોકો ત્યાંથી નહીં જાય તો એમના જીવ પર જોખમ રહેશે એવી ખુલ્લી ધમકી હું આપીને ત્યાંથી નીકળી ગયો હતો. એ લોકો પણ વિચારમાં પડી ગયા કે, આજ દિવસ સુધી કોઈ એમની મરજી વગર ઘરમાં પ્રવેશી શકતું ન હતું, અને આ બહારનો વ્યક્તિ ઘરમાં ઘૂસીને અમને ધમકી આપી ગયો હતો! સલીમ મારું આજનું રૂપ જોઈને અવાચક થઈ ગયો હતો. મારું આજનું વ્યક્તિત્વ એની નજરમાં કંઈક અલગ જ છાપ સ્થાપી ગયું હતું. મેં હવે એ મકાનનો આખો અભ્યાસ મારા હસ્તકે લીધો હતો. ત્યાં રહેતા લોકો, એમનો ધંધો, એમની જરૂરિયાત, એ લોકોની નબળાઈ, એમને ક્યાં અને કેવા લોકો સાથેની ઉઠક બેઠક જેવી બધી જ માહિતી મેં એકઠી કરી લીધી હતી. 

મારી જાણ મુજબ એ લોકોએ મારી પણ માહિતી એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું. હું અઠવાડિયા બાદ બધી જ માહિતી લઈને જામનગર પરત ફર્યો હતો. મે મુક્તાર સાથે બધી જ વાતોની ચર્ચા કરી લીધી હતી. મેં એકત્ર કરેલ માહિતી જાણીને સલીમ મારાથી પ્રભાવિત થઈ ચૂક્યો હતો. મેં આ મરાઠી પરિવારમાં ક્યારે ક્યાં સંબંધનો ફાયદો ક્યાં ઉઠાવવો એ જાણકારી પણ મુક્તારને આપી હતી. એમના એક અંગત સભ્ય મુક્તા૨નો સૌથી મોટો ઘરાક હતો, જે ગુજરાતમાંથી ગાંજો અને અફીણ મંગાવતો હતો. એ સભ્યને વચ્ચે લઈને કબજો હટાવી શકાય એવી પૂરી શક્યતા હતી. મારી જાણ મુજબ ભાડાની બાબતે રકજક થવાથી મરાઠી પરિવાર રીસ ચડાવી ભાડુ પણ આપતા નહોતા, અને મકાન પણ ખાલી કરતા નહોતા. આખી વાત ઘમંડ પર વણસી ગઈ હતી. બંને પાર્ટી એકબીજાને પોતાનું જોર અને વર્ચસ્વ દેખાડી રહી હતી. મારી એકત્ર કરેલ માહિતીથી કામ થવાની શક્યતા પૂરેપૂરી હતી. 

મેં મુક્તારને કહ્યું, હું એક મહિના પછી ફરી ત્યાં જઈશ અને આ પરિસ્થિતિનું નિવેડો લાવીશ. સલીમ મારી ચાલચલગત જોઈ રહ્યો હતો. એને હવે ખાતરી થઈ ગઈ કે, ઘણીવાર રૂપિયાથી જ બધું કામ થતુ નથી. કલેજુ પણ કઠણ હોવું જરૂરી છે, જે મારી પાસે ખૂબ મજબૂત હતું. આથી જ હું આ કામમાં વધુ સફળ રહેતો હતો. લોકો મારી વાત કરવાની રીત અને મારા પ્રભાવથી જ ડરી જતા હતા. આજ દિવસ સુધી મારે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કે જાનહાની કરવી પડી નહોતી. મારું કામ ફક્ત ધમકીથી જ થઈ જતું હતું. કદાચ મારી મા ના આશીર્વાદ મને ખૂબ કામ આવી રહ્યા હતા, જે મને ક્યારેય જાનહાની નો પાપ કરવાની પરિસ્થિતિ ઉભી થાય એવું કાર્ય કરાવતા નહોતા. હું આ ધંધામાં જોડાયો ત્યારથી મારા વચન પર કટિબંધ રહ્યો છું. ઘરેથી કામ માટે જાઉં ત્યારે એ વાત મનમાં ગાંઠ બાંધીને જ નીકળતો કે સાંજે ભાગ્યમાં હશે તો જ પરત ફરવાનું રહેશે! આ મુંબઈ વાળો કેસ જેટલો સરળ દેખાતો હતો એટલો બિલકુલ નહતો. ખબર નહિ પણ અંદરખાને મને એમ થઈ રહ્યું હતું કે, એ લોકો મારી વાત આટલી સરળતાથી સ્વીકારશે નહીં. વચન પર અને સંબંધ પર જ ટકતું આ કામ થઈ શકશે કે નહીં એ તો સમય જ બતાવશે! હું તો મારો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો કે કામ ખૂબ ઝડપથી અને સરળતાથી કોઈપણ પ્રકારની અડચણ વગર પતી જાય. 

હું અને સલીમ એક મહિના બાદ ફરી મુંબઈ આ કામનો નિવેડો લાવવા જઈ રહ્યા હતા. એ મરાઠી પરિવારે પણ મારી ઉપર નજર રખાવી હતી, એમને પણ અંદાજ હતો કે, હું મારા ઘરેથી મુંબઈ જવા નીકળી ગયો છું. મારી એક એક ક્ષણ ની નજર એ લોકોએ રાખી હતી. આ દરેક સમાચાર મારા એક ખબરીએ મને આપ્યા હતા કે મારી ઉપર પણ નજર રખાઈ રહી છે. હું બધું જાણતો હતો છતાં પણ નીડરપણે મારા કામને ઝડપથી પૂરું કરવાની રાહમા જ હતો. અમે મુંબઈ પેલા એરિયાની નજીક પહોંચવા જ આવ્યા હતા ત્યારે ચા પાણીનો સ્ટોપ કર્યો હતો. બસ આ જ ક્ષણ નો લાભ ઉઠાવી એ મરાઠી પરિવારે મારા પર ફાયરિંગ કર્યું હતું. અચાનક આખા મોહલ્લામાં હોહાકાર મચી ગયો હતો. બધા ભયના માર્યા પોતાના જીવ બચાવવા ભાગા ભાગી કરી રહ્યા હતા. હું મારી જાતને બચાવતો અમારી ગાડી સુધી પહોંચ્યો ત્પા એક ગોળી મને વાગી ચુકી હતી. હું હિંમત હાર્યા વગર ગાડીમાં ઝડપભેર બેસી રહ્યો હતો ત્યારે બીજી ગોળી ફરી મને વાગી ચુકી હતી.

વિવેકના જીવને કેટલું જોખમ હશે? વિવેકથી આ કેસનો નીવેડો આવશે ખરો?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏