Shakti Parva - Navratri in Gujarati Magazine by Thummar Komal books and stories PDF | શક્તિ પર્વ - નવરાત્રી

Featured Books
Categories
Share

શક્તિ પર્વ - નવરાત્રી

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આપણા શાસ્ત્રો અનુસાર આમ તો મૂળ ચાર નવરાત્રી નો ઉલ્લેખ છે. પરંતુ જે આસો મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે એ નવરાત્રી વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગરબા ના નામે ગુજરાત મોખરે છે. ગરબા એ ગુજરાતીઓની ઓળખ છે. આપણો કોઈ પણ તહેવાર, ઉત્સવ કે સેલિબ્રેશન ગરબા વગર અધૂરું લાગે. નવરાત્રી નવ દિવસ સુધી ચાલતો તહેવાર છે. એટલે કે સૌથી લાંબો તહેવાર. નવે નવ દિવસ સુધી નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે.

સમય પ્રમાણે નવરાત્રી ની વ્યાખ્યા થોડી બદલતી જાય છે. ગ્રામ્ય લેવલે પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. જેમાં નાની નાની બાળાઓ પારંપારિક પરિધાનમાં સજ્જ થઈને સાક્ષાત જગદંબા સ્વરૂપે નવ દિવસ સુધી પ્રાચીન ગરબા ના ગીત સાથે ઝૂમે છે. અને એ ગરબા નિહાળવા વાળાને જાણે સ્વયં માતાજી પ્રગટ થઈને ગરબે ઘૂમતા હોય એવી અનુભૂતિ થાય છે.

જ્યારે હાલમાં શહેરોની નવરાત્રી થોડીક અલગ હોય છે. ખરાબ હોય છે કે નથી સારી હોતી એવો કહેવાનો બિલકુલ મતલબ નથી. થોડીક અલગ હોય છે. સમયની માંગને સમય જ પહોંચી વળે. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. અત્યારે ભલે નવરાત્રિનું આયોજન મોટા મોટા ડોમ કે પાર્ટી પ્લોટ માં થતું હોય. તેમજ ટિકિટ આપીને ખેલૈયાઓ ગરબે રમતા હોય. છતાં પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતી દરેક દીકરી સાક્ષાત જોગમાયા જ લાગતી હોય છે. એટલે તો નવરાત્રીને શક્તિ પર્વ કહેવાય છે. શક્તિ એટલે ઊર્જા... નવરાત્રિની નવ નવ રાત્રી દરમિયાન સતત ત્રણથી ચાર કલાક સુધી ગરબે રમવું એ જ તો ઉર્જાનું પ્રદર્શન છે. સ્ત્રીમાં કેટલી ઉર્જા રહેલી છે એ દર્શાવતું પર્વ એટલે નવરાત્રી. જોકે હાલમાં તો સ્ત્રીઓની સાથે પુરુષો પણ એટલી જ મોટી સંખ્યામાં ગરબે રમે છે. એ પણ ઉર્જાનું, શક્તિનું જ પ્રદર્શન છે.

શિવની સાથે શક્તિ નું નામ જોડાયેલું છે. શિવ શક્તિ સ્વરૂપ એટલે અર્ધનારીસ્વર ભગવાન શિવ. ભગવાન શિવ જો શક્તિ વિના સંપૂર્ણ નથી, તો માણસનું શું ગજુ છે. શાસ્ત્રો અનુસાર મહિષાસુર નામનો રાક્ષસ જે કોઈ પુરુષ જાતિથી ન મરી શકે એવું વરદાન પામે છે. જેને પહોંચી વળવા ભગવાન શિવની મદદથી દેવોએ એક શક્તિનું સર્જન કર્યું. જે નવ દિવસ સુધી મહિષાસુરને નાથવા યુદ્ધ કરે છે. અને દસમા દિવસે તેનું મર્દન કરે છે. એટલે જ એ શક્તિને મહિષાસુર મર્દીની અને નવ દિવસના સંગ્રામને દર્શાવવા, શક્તિનું પ્રદર્શન કરવા, શક્તિ પર્વ એટલે કે નવરાત્રીનું આયોજન થયું હોય એવું દર્શાવાયું છે. આમ, આધ્યાત્મિક રીતે નવરાત્રિનું મહત્વ કંઈક આવું છે.

આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈપણ તહેવાર દેશના અર્થતંત્રને ગતિમાન કરવા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. નવરાત્રિના આયોજનો કરનારા મંડળો, ગરબા ના ગાયકો, પારંપરિક પોશાકો જેવા કે ચણિયાચોળી, દાંડિયા, ઓર્નામેન્ટ્સ બનાવનારા કારીગરો તેમજ માટીની વસ્તુ બનાવનારા ગરબા તેમજ કોડિયા બનાવીને આ પર્વમાં રોજીરોટી કમાય છે. જેનાથી આપણા દેશના અર્થતંત્રનું ચક્ર ફરતું રહે છે.

નવરાત્રી બે ઋતુના સંધિકાળ દરમિયાન આવે છે. આ સમયે બે ઋતુના મિશ્રણથી કફ, પિત્ત નું સંતુલન ખોરવાય છે. અને મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય છે. આવી પરિસ્થિતિમાં ઉપવાસ શરીર માટે ખૂબ જ લાભદાયક નીવડે છે. ગરબા એ એક પ્રકારનો યોગ છે, ધ્યાન અને સમાધિ છે. ગરબા રમવાથી શરીરની નકારાત્મક ઊર્જા પરસેવા રૂપે બહાર નીકળી જાય છે. ઘણી જગ્યાએ હોમ - હવન કરવામાં આવે છે. જેનાથી વાતાવરણમાં રહેલા જીવાણુઓ નષ્ટ થાય છે અને વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. આપણા ઋષિમુનિઓ ખરેખર કોઈ વૈજ્ઞાનિકોથી ઓછા નહીં હતા. તેમણે જે પણ તહેવારોનું આયોજન કર્યું છે ઘણું બધું વિચારીને કર્યું છે.

હમણાં ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે એક વડીલ માજી બોલ્યા કે અત્યારના છોકરા છોકરીઓને નાચવાનું હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. અહીંયા હું મારું મંતવ્ય રજૂ કરું છું. નાચવું એ કોઈ એન્ગલથી ખરાબ નથી. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. સાક્ષાત શિવ જેમણે તાંડવ કરીને નટરાજ એટલે કે નાચનારાઓનો રાજા એવું બિરુદ મેળવ્યું છે. અને શક્તિ, નવ દુર્ગા જેના સન્માનમાં આપણે નવરાત્રીનું આયોજન કરીએ છીએ. નર્તન, નૃત્ય, નાચવું કે ગરબા કરવા એ એક કળા છે. બસ થોડી સમજ અને જવાબદારી નું ભાન રહેવુ જોઇએ.બાકી પચાસ પચાસ સ્ટેપના ગરબા યાદ રાખવા અને બધાની સાથે તાલ મિલાવીને લેવા એ કોઈ સાધનાથી ઓછું નથી. જોગમાયા સમાન દરેક જોગણીઓને નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા.