નિતુ : ૩૧ (યાદ)
નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી આવી પહોંચ્યો. માથામાં પહેરેલી સફેદ રંગની પોતાની ટોપીને સરખી કરતાં ધીરુભાઈ શારદાના ઘરે આવી પહોંચ્યા. જોયું તો જગદીશ ત્યાં બેઠેલો.
"અરે રામ રામ જગદીશભાઈ!"
"રામ રામ! આવો, બેસો."
"માફ કરજો હું જરા કામમાં હતો. ભાભીએ વાત કરેલી પણ હું થોડો મોડો પુઈગો." તેની બાજુમાં બેસતા ધીરુભાઈ બોલ્યા.
"કશો વાંધો નહિ ધીરુભાઈ. હું પણ હજુ પહોંચી જ રહ્યો છું."
"તમી એકલા આઇવા?"
"હા, હું એકલો જ આવ્યો છું."
"ઠીક તારે."
એટલામાં નિતુ શરબત લઈને બહાર આવી અને તેઓનુ આપ્યું. શરબતનો ગ્લાસ લેતા તેણે પોતાના સસરા સામે સ્મિત વેર્યું. તેને જોઈ તેણે પણ સ્મિત આપ્યુ અને ધીરુભાઈને કહ્યું, " તમને થોડી રાહ જોવરાવવી પડી એ બદલ માફ કરજો. હું આવવાનો જ હતો. અચાનક કામ આવી ગયેલું એટલે બે દિવસ વધારે મોડું થયું."
"એમાં કાંય હરકત નય જગદીશભાઈ. તમી તો આટલા મોટા માણહ છો! કેટલું કામ હોતું હશે, નઈ? ઈ તો બે દી' આમ કે આમ. હુ ફેર પડવાનો?"
શારદા કહે, "ધીરુભાઈને મેં મોકલેલા. એણે જઈને તારીખ જોવરાવી લીધી છે. બે મહિના પછીની છે. જો તમને ફાવે તો આ જોઈ લ્યો."
શારદાએ એના હાથમાં કુંડળીનો મેળાપ કરાવેલ અને મુહૂર્ત લખેલું કાગળ આપ્યું. તે વાંચી જગદીશે કહ્યું, "શારદાબેન આ તારીખમાં તો અમને કોઈ વાંધો નથી. બહુ સારું મુહૂર્ત છે. બધી તૈય્યારી પણ સારી રીતે થઈ જશે."
ધીરુભાઈ બોલ્યા, "સારું સારું, તો આ પરમાણે અમી લગનની તૈય્યારી શરુ કરી દેહુ. તમી તમ- તમારે જાન લઈને માંડવે આવી જાજો."
અચકાતા અવાજમાં જગદીશે વર્ષાની કહેલી વાત તેઓની સામે રાખી. "ધીરુભાઈ, શારદાબેન, જો તમને લોકોને વાંધો ના હોય તો હું એક વાત કરવા માંગુ છું."
"હા બોલો બોલો. અમને તો હુ વાંધો હોય!"
"વાત જરાક... એમ છે... કે."
તેને બોલવામાં અચકાતા જોઈને શારદાએ કહ્યું, "અરે ભાઈ! તમ તમારે જે હોય ઈ ખુલીને કહી દ્યો, જે કેવું હોય એમાં અચકાતા નય."
"જો, તમને લોકોને સારું લાગે તો... અમારું માનવું છે, કે... તમે નીતિકાના લગ્ન ત્યાં આવીને કરો. "
સાંભળતાની સાથે જ તેઓ આશ્વર્યમાં મુકાય ગયા. શારદા અને ધીરુભાઈ બંને ને કૂતુહલ થયું અને એકાબીજીની સામે જોવા લાગ્યા. ધીરૂભાઇએ પૂછ્યું, "અમને કાંય હમજ નો પડી. તમારો કે'વાનો અરથ હુ છે ઈ?"
તે ફરી બોલ્યો, "ખોટુના લગાડતા પણ મારો કહેવાનો આશય છે, કે તમે જો લગ્ન અહીં ગામને બદલે ત્યાં શહેરમાં આવીને કરો તો વધારે સારું. આપણે લગ્ન પણ ધામધૂમથી કરી શકીશું."
"હા, પણ લગન તો આન્યાયે એવા જ થાહે ને..."
"વાત સાચી છે વેવાય. અમારા બધા મહેમાનો જે આવશે તેઓ મોટી હસ્તીઓ હશે અને તેઓને કોઈ વાતની ખેંચ ના રહે એટલા માટે હું આપની સામે આવો પ્રસ્તાવ મૂકી રહ્યો છું."
શારદા બોલી, "જગદીશભાઈ, અમને કહેતા સારું તો નથી લાગતું પણ... ઈ અમી કરી નય હકીએ."
"શારદાબેન એકવાર વિચાર કરી લીધો હોત... પછી જણાવજો. કોઈ ઉતાવળ તો નથી."
"તમે ત્યાં લગન કરવાનું કહો છો એનું કારણ?" ધીરભાઈએ જિજ્ઞાસાવશ પૂછ્યું.
"કારણ કોઈ ખાસ નથી. પણ અમારું માનવું છે કે જો ત્યાં થાય તો વધારે સારું. જેમ મેં કહયું એમ અમારા મહેમાનો પણ મોટા આવશે, તેઓને વીઆઈપી સગવડ જોઈશે અને અહીં તેની પુરતી સગવડ થઈ શકે કે ના થઈ શકે! બીજું કારણ કે, જો ત્યાં થશે તો અમે લગ્નમાં કોઈ તાણ નહિ રહેવા દઈએ. ત્યાં તો બધી સગવડ મળી રહેશે અને લગ્ન પણ સારા થશે."
"વાત હાચી છે, પણ અમી એમ તો કાંય આવી નો હકીએ ને! વળી નાનપણથી નિતુ આંય રમીને મોટી થઈ છે. અમારો સંબંધ તો આંય વધારે છે અને એ બધાને મેલી અમી ન્યાં નો આવી હકીએ." શારદાએ ચોખવટ કરતા કહી દીધું.
જગદીશ સમજી ગયો કે તેની વાત નો મર્મ નીકળવાનો નથી, છતાં એક અંતિમ પ્રયત્ન કરતા તેણે કહ્યું, "શારદાબેન હું સમજુ છું તમે શું કહેવા માંગો છો. છતાં મારી વિનંતી છે કે જો એકવાર આપ વિચાર કરી જુઓ. ભલે અત્યારે નહિ તો કંઈ નહિ. આપડી પાસે સમય છે. થોડા સમય પછી પણ એવું લાગે કે મારી વાત યોગ્ય છે તો આપ મને ફોન કરી દેજો."
ધીરુભાઈએ કહ્યું, "જગદીશભાઈ આ તો ધરમ ઢુકડો કરવાની વાત થઈ. આંય અમારો વેવાર હાલે છે ને આંયનો વેવાર મેલી અમી એકલા એકલા લગન પતાવી દઈએ ઈ કેમ ખપે? અમી તમારી વાતને હમજીએ છીએ. તમી ચિંતા નય કરતા, તમારા મેં'માનો ને અમી કાંય ઓછું નહિ પડવા દઈએ. અમી બધી વ્યવસ્થા કરી લેહું. "
"એમાં તમને તકલીફ પડે એના કરતા..."
જગદીશની વાત પુરી થાય એ પહેલા શારદાએ કહ્યું, "ના ના ભાઈ! તમી એની ચિંતા ના કરો. મુરત આવી ગયું છે અને ઈ તારીખની આપ તૈય્યારી કરો. આંયની વ્યવસ્થા થઈ જાહે."
"ઠીક છે તો જેવી તમારી મરજી. હું તો વધારે શું બોલવાનો. પણ હું શક્ય તેટલી મહેનત કરીશ કે આપને મદદ કરી શકું."
"એની કોઈ જરૂર નથી, હશે તો કહીશું. બાકી અમી અમારી વ્યવસ્થા જાતે કરી લેશું. આપનું આવું પૂછવું એ જ અમારા માટે મોટી વાત કે'વાય."
"ઠીક છે તો પછી, જેવી તમારા બધાની ઈચ્છા. ચાલો હું રજા લઉં."
પોતાની વાત રાખી તે ચાલતો થયો અને એની વાતને ન માનીને શારદાએ જાતે બધી વ્યવસ્થા સંભાળવાનો જે નિર્ણય લીધો એ તમામ સંવાદ નિતુ સાંભળી રહી હતી. નમસ્કાર કરી જગદીશ ચાલ્યો તો તેને દરવાજા સુધી છોડવા જતા નિતુ બોલી, "પપ્પા... મમ્મીએ જે વાત કરી તે આપને ના ગમી હોય તો સોરી. પણ હું જાણું છું કે મમ્મી કોઈનું ઉપરાણું સહન નહિ કરી શકે. એટલે તેમણે તમારી વાતને નામંજુર કરી. તે થોડા હઠી છે."
"હું જાણું છું નીતિકા બેટા. કહેવું એ મારું કર્તવ્ય હતું. મને એની વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. આટલો હઠી સ્વભાવ તો દરેકનો હોવો જ જોઈએ. આ અંગે મયંકે મને પહેલા જ કહી દીધેલું કે મારી આ વાત માન્ય નહિ થાય. એટલે હું તો પહેલેથી જ જાણતો હતો કે ધીરુભાઈ અને શારદાબેન બંનેનો જવાબ શું આવશે. પણ વર્ષાની વાત મને કરવા જોગ લાગી એટલે હું માત્ર મારી વાત રાખી રહ્યો હતો. ઈનફેક્ટ શારદાબેનનો નિર્ણય મને ગમ્યો. અમને આ અંગે કોઈ બાધા નથી." એટલું કહી એક સ્મિત આપી તે પોતાની ગાડીમાં બેસી ગયો.
નિતુ તેની આ અભિમાન રહિત વાતોને સાંભળી પોતાની માના કરેલા નિર્ણય પર ગર્વ અનુભવી રહી હતી. બાપ વગરના ત્રણ સંતાનને કેટલા સ્વાભિમાન અને ખુમારીથી ઉછેરેલા તેની સાક્ષી નિતુ પોતે જ હતી. તેને તેના મા- બાપ પાસેથી બીજું વધારે ન્હોતું મળ્યું પણ આત્મિય ઉણપ અને સ્વનિર્ભર જીવનનો પાઠ બરાબર મળેલો. એ પાઠ તેણે પોતાના જીવનમાં એવો વણી લીધેલો કે કોઈ પરિસ્થિતિમાં ઝૂકવું એને મંજુર ન્હોતું.
શારદાની જિદ્દને માન્ય ગણી મયંકની જાન જગદીશભાઈ તેના ગમે લઈને આવ્યા. શારદાની આગતા સ્વાગતા જોઈને તેઓ પણ દંગ રહી ગયેલા. તેમની આશાઓ કરતા ઓછું હતું પણ ઘટતું તો કશું જ નહોતું. ધીરુભાઈ અને તેનો અનંત બંને વ્યવસ્થામાં એવા લાગી ગયા કે કોઈ ખોટ ના રહેવા દીધી. શંકરલાલ કામ જ એવું કરી ગયેલા કે એની દીકરીના લગ્ન છે એવું સાંભળતા લોકો સામે ચાલી તેઓના કામ કરવા લાગેલા. અંતે એક સુખદ અંત પામેલી વાર્તાની જેમ તેઓની પ્રણય ગાથામાં લગ્નનું પ્રકરણ પણ પાર પડી ગયું.
મયંકના આ પ્રકરણને યાદ કરતા કરતા તે પોતાના ફોનની બંધ બ્લેક સ્ક્રિનને ઝીણી નજરે જોઈ રહેલી. ફોન એક બાજુ મુક્યો અને ફરી પેન હાથમાં લીધી. મનમાં બોલી, "ચાલ નિતુ... આ ભુલાયેલી વાતોને યાદ કરવાનો કોઈ ફાયદો નથી. મારી વખતે તો મમ્મીએ કામ કરી બતાવેલું. હવે તારો વારો છે, કે કૃતિના લગ્નમાં કોઈ ખામી ના રહે." અને પોતાની યાદી બનવવાના કામમાં ફરીથી પરોવાય ગઈ.