હું દિપ્તી ના વિચારોમાં ભૂતકાળમાં વિતાવેલ સમયને યાદ કરવા લાગ્યો હતો. ઘર નાનું હતું પણ લાગણી અપાર હતી. એક જ થાળીમાં બધા સાથે જમતા હતા. થાળીમાં વાનગીઓ ઓછી હતી છતાં ભૂખ સંતોષાતી હતી. સમય સાથે આવેલ પરિવર્તન મારી આંખમાં ભીનાશ બની યાદોને ધૂંધળી કરવા લાગી હતી. એક સાથે અનેક વાતો મને ભૂતકાળમાં જ ખેંચીને રાખી રહી હતી.
તુલસીને આદિત્યનો જન્મ થયો ત્યારે જ એવું થતું હતું કે, મારે પહેલા ખોળે દીકરી જોઈએ છીએ. આદિત્યના જન્મથી એ ખુશ હતી જ પણ એની ઈચ્છા અધૂરી રહેતા અમે બીજા બાળક વખતે દીકરી તરીકેનું સૌભાગ્ય મેળવ્યું હતું. દીપ્તિના જન્મબાદ ખરેખર મારા ધંધામાં પણ ખૂબ ચડતી આવી હતી. મારા ધંધા વિશે બાળકો કશું જ જાણતા નહોતા. તુલસી એટલી સમજદાર હતી કે, એણે બાળકો પર મારા વિચારો અને મારા ધંધાની જરા પણ ભણક બાળક સુધી પહોંચવા દીધી નહોતી. મારો સૌથી નાનો પુત્ર રવિ પણ તુલસી પર જ ગયો હતો. અતિશય લાગણીશીલ અને ખૂબ જ વિશ્વાસુ એના સ્વભાવમાં તુલસીના વ્યક્તિત્વની છાંટ હતી. રવિ જેમ જ એનો પુત્ર અપૂર્વ પણ ખૂબ માયાળુ હતો. ટૂંકમાં કહું તો દીપ્તિ અને રવિ બંને તુલસી જેવા થયા હતા. એ બંને ભણવામાં ખૂબ રુચિ ધરાવતા હતા. દીપ્તિ અને રવિ સાથે આદિત્યને ઓછું ફાવતું હતું. આદિત્યને ભણવામાં પણ ઓછી રુચિ હતી. ખૂબ હોશિયાર હતો, બસ ભણવું ગમતું ન હતું. દીપ્તિ અને રવિ બંને આદિત્યને ભણવા માટે ખૂબ સમજાવતા હતા, એમનું સમજાવવું આદિત્યને આંખમાં કણા માફક ખટકતું હતું. એ હંમેશા એમની વાત તોડી પાડતો અને કહેતો હું તમારા બંનેથી મોટો છું. તમારે બંને એ મને સલાહ આપવાની જરૂર નથી. દીપ્તિ અને રવિ ખૂબ ભણી અને એક સારો હોદ્દો સમાજમાં મેળવી ચૂક્યા હતા. જ્યારે આદિત્ય મારાજ લોહીના ગુણ લઈને જનમ્યો હતો. એ ઘોડે સવારી પર સટ્ટો રમતો અને કેસીનો ચલાવતો હતો. આદિત્ય મુંબઈ રહેતો હતો. એણે પણ અઢળક રૂપિયા કમાયા હતા. ઓછા સમયમાં ખૂબ સંપત્તિ ભેગી કરી હતી. મારા જેવું જ જુનુન એનામાં હતું. એ ક્યારેય કોઈથી ડરતો જ નહીં. જ્યાં પણ જતો ત્યાં પોતાનું જ સામ્રાજ્ય સ્થાપી લેતો હતો.
બાળકોની યાદમાં આજે હું ખુદને એક અસફળ પિતા સમજી રહ્યો હતો. બાળકો એમના બાળપણમાં મારા પ્રેમ માટે ખૂબ જ રાહ જોતા હતા, પણ હું મારા ધંધાના હિસાબે એમને સમય ફાળવી શકતો જ નહોતો. બાળકોની પૂરી પરવરીશ તુલસી અને માએ જ કરી હતી. પિતા તરીકેની મારી રૂપિયા આપવા સિવાય કોઈ જ ફરજ મેં બજાવી નહોતી. હું મારા બાપુના સ્વભાવથી વિરુદ્ધ હતો, પણ ક્યા સમયે હું એમના જેવો જ બની ગયો એનો મને ખ્યાલ જ ન રહ્યો! આજે જ્યારે હું બધું વિચારી રહ્યો હતો ત્યારે મને સમજાય રહ્યું હતું કે, બાળકો મારા સાથ વગર જ મોટા થઈ ગયા હતા. હું ફક્ત રૂપિયા આપી એમ સમજતો કે મારા જેટલો પ્રેમ કોઈ પિતા એમના બાળકોને કરતો જ નહીં હોય! મારું ગણિત કેટલું ખોટું હતું એ આજે હું સમજી રહ્યો છું. મેં જે મારા બાળકોને આપ્યું એ જ બાળકો મને આપી રહ્યા હતા. એમની પાસે આજે મને આપવા રૂપિયા જ હતા, પણ સમય નહોતો. અને રૂપિયા તો મેં પણ ખૂબ કમાયા હતા. મારે તો એમનો સમય જ જોતો હતો ને! હું અનુભવી રહ્યો હતો કે, અજાણતા જ મેં બાળકોને એ શીખડાવી દીધું હતું કે, રૂપિયા થકી લાગણી સંતોષી દેવી! મન ક્યારેય રૂપિયાથી સંતોષ પામતું નથી મનના સંતોષ માટે હુંફ અને પરિવારના સાથની પણ જરૂર પડે છે, આટલી નાની અમથી વાત સમજવા માટે મેં કેટલું બધું જીવન વેડફી નાખ્યું હતું. પણ હવે એ વિચારવાનો કોઈ મતલબ જ નહોતો. ફક્ત અફસોસ જ હતો જે કોઈપણ સમયે મારી આંખમાંથી ટપકવા લાગતો હતો. સમયની સાથે હું સમજી રહ્યો હતો કે, જેને જીત સમજી રહ્યો હતો એ ખરેખર મારા જીવન સૌથી મોટી હાર હતી. રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે, એવી મારી માન્યતા મને હરાવી રહી હતી. આજે રૂપિયાથી ન તો મને માતૃત્વનો પ્રેમ મળે છે કે, ન તો મારી જીવનસંગીની તુલસી! ચાલો, એક સમયે તો માની લઈએ કે, એ બંને તો હયાત નથી, પણ બાળકો તો જીવિત છે! છતાં એમનો પ્રેમ પણ હું રૂપિયાથી ખરીદી શકતો નથી. હરી ફરીને મારું મન મને એમ જ કહી રહ્યું હતું કે, તારા જ કર્મ તું અત્યારે ભોગવી રહ્યો છે!
આલ્બમમાં રહેલ ફોટાઓ જોવાનું મેં બંધ કર્યું અને હું નહાવા માટે બાથરૂમ તરફ જવા લાગ્યો હતો. મારા લક્ઝરીયસ બાથરૂમમાં પ્રવેશ્યા બાદ પણ મને ગામડાની એ ખુલ્લી ચોકડી યાદ આવી! જ્યાં હું માએ કૂવામાંથી ભરેલી ડોલથી હું નહાતો હતો! અચાનક આજે ગામડાની એક એક વાત મારા મનમાં ઉત્પાત મચાવા લાગી હતી.
મેં ફુવારો ચાલુ કરી અને મારા મનમાં ઉઠેલી વેદનાને ઠાળવાનો પ્રયત્ન કર્યો હતો. મેં મારી જાતને ફુવારાની નીચે ઉભી રાખીને મનને ધોવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો.
મનની ભાવનાઓને એમ ક્યાં શાતા મળે છે?
મન જ્યાં ખેંચાતું હોય ત્યાં જ એ ભમ્યા કરે છે.
મારા મનમાં ઉઠેલા અનેક યાદોના તરંગો મારા મનને વિચલિત કરી રહ્યા હતા. મારુ મન જ્યારે આમ વિચલિત થતું, ત્યારે તુલસીનું સાનિધ્ય મને મારી વેદના માંથી બહાર લાવતું હતું. તુલસીની યાદ મને અતીતના મારા એક હૃદયસ્પર્શી બનાવવામાં ખેંચી ગઈ હતી.
***********************************
અમે જામનગર રહેવા જતાં રહ્યા હતા. મેં જામનગરમાં જોવાલાયક સ્થળોએ મા અને તુલસીને ફેરવ્યા બાદ હું એમને અમારા બંગલે લઈ ગયો હતો. અમારો બંગલો જોઇ મા ખૂબ જ રાજી થઈ ગઈ હતી. માં જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે બોલી, "ઘર તો ખુબ જ સરસ અને એકદમ સુવિધા વાળું છે પણ એનો પહેલો પ્રશ્ન એ હતો કે, બેટા કુવો નથી તો પાણી કેવી રીતે મળશે?"
"અરે મા! આ આપણું ગામડું નથી. તું હવે શહેરમાં રહેવા આવી ગઈ છે. મા અહીં કૂવામાંથી સીંચીને પાણી ભરવું પડતું નથી. તું નળ ખોલીશ અને પાણી આવશે." એમ કહી મેં માના હાથને મારા હાથમાં લઇ વહાલ થી ચૂમી લીધા હતા.
માને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. મા એટલી ખુશ થઈ ગઈ કે, એની આંખમાંથી હરખના આંસુ છલકવા લાગ્યા હતા. એને હરખ એ ન હતો કે ડોલ ઉચકવી નહીં પડે, પરંતુ એને હરખ એ વાતનો હતો કે, મારો દીકરો એક મોટો સાહેબ બની ગયો છે. મા આજ ખૂબ ખુશ હતી. બસ, એ જ ક્ષણે તુલસી બોલી,"માં તમે મને કહેતા હતા ને કે, મારી લાગણી આ ઘરમાં આવ્યા બાદ દુભાતી તો નથી ને? તમે જ કહો જે દીકરો એની જનેતાને એટલો પ્રેમ કરતો હોય એ એની ધર્મપત્નીને કેમ દુઃખી રાખી શકે? ખરું ને મા?"
આ સાવ સામાન્ય લાગતી વાત મારા મનને ખૂબ ખુશ કરી ગઈ હતી. મને એમ હતું કે, સાસુ અને વહુ હંમેશા પોતાનો જ પ્રેમ સર્વશ્રેષ્ઠ છે એવી જ મનમાં ગાંઠ બાંધી રાખે છે. તે દિવસે માએ પોતાનું મન નિખાલસ ભાવે તુલસી સામે ખોલ્યું હતું, આજે તુલસીએ પણ એના પ્રેમની નિખાલસતા રજૂ કરી હતી. હું કદાચ એ પહેલો પુરુષ હોઈશ કે, જે મા અને પત્ની વચ્ચે ક્યારેય પીસાયો નથી. હું ખુદને ખૂબ જ ભાગ્યશાળી આ બાબતે માની રહ્યો હતો. અને હજુ માનું છું.
શું જામનગરની ભૂમિ વિવેકને ફળશે? શું હશે એમના આવનાર જીવનના ઉતાર ચઢાવ?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏