Ram janmabhumi, Ayodhya in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | રામ જન્મભૂમિ, અયોધ્યા

Featured Books
Categories
Share

રામ જન્મભૂમિ, અયોધ્યા

શ્રીરામ જન્મભૂમિ, અયોધ્યા

અમે  મંદિર ખુલ્લું મુકાયું ત્યારથી ઈચ્છા હતી તે માટે ખાસ  રામ મંદિરનાં દર્શન કરવા  ન્યુદિલ્હીથી  સવારે 6 વાગે ઉપડતી વંદે ભારત ટ્રેન દ્વારા અયોધ્યા કેન્ટ  સ્ટેશન 2.30 બપોરે આવી પંદર મિનિટમાં તો હોટેલ પહોંચી ગયા. દિલ્હી થી અયોધ્યા 700 કિમી છે  તે ખાલી 8 કલાકમાં પહોંચી.  અમદાવાદ થી  તો 1400 કિમી જવા ખાસ્સા 29 કલાક લે છે!

 તરત સાંજે 4.00 વાગે તો દર્શને નીકળી પણ ગયાં. એમ લાગે કે ચારે બાજુથી માનવ મહેરામણ ફક્ત રામલલ્લાનાં દર્શને જ જાય છે.  દેશભરના લોકો એકલા, નાનાં ગ્રુપમાં કે મોટા યાત્રા સંઘ સાથે દર્શન કરવા જાણે દોડતા હતા.

20 મિનિટ ચાલી જન્મભૂમિ મંદિર પહોંચતાં જ જોયું કે હજી એક વર્ષ પછી દર્શને આવીએ તો ખોટું નહીં. હજી તો ચારે બાજુ અને નજીકમાં કંસ્ટ્રક્ટ થઈ રહ્યું છે.

પાંચ લાઈનોમાં લોકો સાથે દોડતા પહેલાં ચંપલ આપવા ગયા. તેનાં 18 કાઉન્ટર છે, પછી મોબાઈલ અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જમા કરાવવા લોકરની લાઈનમાં ઊભા ત્યારે દહેશત હતી કે અંધારું અહીં જ ઉતરી આવશે.  એ વખતે  સાંજે સાડાચાર વાગેલા.

એ જ રીતે અંદર જવા લાઈનમાં બે નાનાં બાળકો સાથે ઊભા ત્યારે આશરે 4.40 થયેલી.

જૂતાં અને ઇલેક્ટ્રોનિક આઈટમ, બેયની લાઈનોમાં પહેલાં, પછી જ દર્શનની લાઇનોમાં ઉભાય.  પોલીસનું બરાબર ચેકીંગ. મોબાઈલ કે ચાર્જર જેવી આઈટમ રહી ગઈ તો પાછા મોકલે. ઠેકઠેકાણે પોલીસ અને પેરા મીલીટરી તૈનાત હતી. પણ બધા ખૂબ વિવેકી અને માર્ગદર્શક હતા.  એન્ટ્રી થી એક્ઝિટ સુધી કોઈ ગોર કે પંડો નહીં.

લાઈનોમાં આગળ વધતા મંદિર સુધી પહોંચ્યા.

અંદર મંદિર આપણા ગાંધીનગરના અક્ષરધામ જેવું જ છે. ગુલાબી પત્થરો, એવી જ સફેદ અને વચ્ચે લીટાઓ વળી આરસની ટાઇલ્સ, વચ્ચે બ્રાઉન આરસની પટ્ટીઓ. કોતરણી પણ એવી જ, કમળો, ફૂલવેલ, હાથીઓ, કળશ વગેરે.

એન્ટ્રી પર બેય બાજુ હાથી, પછી સિંહ, પછી એક તરફ બે પાંખ વાળા ગરુડજી અને બીજી તરફ નીચે તરફ ગદા વાળા હનુમાનજી તમારું સ્વાગત કરે.  હવે કુલ 5 લાઈનમાં અંદર જતાં જોતજોતામાં મૂર્તિ સુધી પહોંચી ગયા.

મુખ્ય મૂર્તિનું  સ્ટેન્ડ જ પાંચેક ફૂટ ઊંચું છે. તે પછી મૂર્તિ સાતેક ફૂટ ઊંચી છે એટલે ખૂબ વિશાળ લાગે. પીળા, લાલ, લીલાં ફૂલોનો હાર આખી મૂર્તિ ફરતે ચડાવેલા હતા.

કાળા આરસની ચમકતી મૂર્તિ સાચે જ જીવંત આંખો વાળી લાગતી હતી. મસ્તક પર કિંમતી અલંકારો જડિત મુગટ ધ્યાન ખેંચતો હતો.

જો કે  દર્શન માટે માંડ ત્રીસ સેકંડ, બીજી રો માં ઊભી સન્મુખ થઈ શક્યો.

 ફટાફટ લાઈનો આગળ ચાલે અને એની સાથે ચાલતાં શ્રીરામની મૂર્તિ સમક્ષ ત્રીસેક સેકંડ ઊભી આગળ જઈ બહાર આવ્યા ત્યાં હજી 5.10! ફરી ઘડિયાળ જોઈ. માની ન શકાય કે વીસ મિનિટમાં દર્શન કર્યાં.

મૂળ જેનો hype ઊભો કરેલો એ જુવાળ કોઈ કારણે શમી ગયો લાગે છે. લોકોને હવે કદાચ રામલલ્લાનાં દર્શનમાં એટલો રસ નથી જેટલી 22 જાન્યુઆરીએ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે લોકજુવાળ ઉમટેલો. તેમ છતાં ભારતના દરેક ભાગમાંથી લોકો દર્શને આવે છે. અમારી આખી વંદે ભારત ટ્રેનના 300 પેસેન્જર લગભગ ત્યાં જ આવેલા ને બીજે બધેથી પણ ઘણા આવેલા.

મોબાઈલ જ અંદર મુકાવી દે પછી ફોટા ક્યાંથી મળે? એક સેલ્ફી પ્રભુ રામની replica સાથે લેવાતી હતી એ લીધી.

તરત ગયા સરયુ ઘાટ સાંજની આરતી જોવા. 

સરયુ ઘાટ આવતાં જ એક વિશાળ વીણા ની પ્રતિમા મુકેલી છે એ જોઈ. સરસ છે.

અહીં કોઈ લાઇન કરાવતું ન હતું પણ લોકો થોડી સ્વયં શિસ્તથી ઝાઝી ધક્કામુક્કી સિવાય બેસી જતા હતા જેનો એક અઠવાડિયા પછી વારાણસી દશાશ્વમેઘ ઘાટ ખાતે સંપૂર્ણ અભાવ જોયો.

તો 6 વાગે તો બધાં પગથિયાં ભરાઈ ગયેલ. બેસવાની જગ્યા મેં બીજે જ સ્ટેપ પર ગોતી ને બેસી ગયો. કુટુંબ દીવા તરાવવા ને શ્રીરામ લખેલું તિલક કરાવવા વગેરે માટે ગયું. અહીં ઘાટ, બે દિવસ અગાઉ સારો એવો વરસાદ પડી જવા છતાં ઘણો સ્વચ્છ હતો.

આરતી છેક પોણાસાતે શરૂ થઈ. પહેલાં જે ટોળાં નદીની આગળ ઊભાં હતાં તેમાનાં ઘણાંને પોલીસે જ બેસાડી દીધાં. છતાં  બીજી રો માંથી પણ પહેલાં તો દીપશિખાની માત્ર ટોચ દેખાઈ. પછી જાણીતાં સ્તોત્રો સાથે સ્ટેજ પર આરતી થઈ. પછી અલગ જ અનુભૂતિ થાય એવી આરતી, લગભગ ડોલન નૃત્ય સાથે યુવાન પુજારીઓએ કરી. એ વખતે નજીકથી જોઈ, માણી.

આખરે સાડાસાતે આરતી પૂરી થઈ અને ધાડાં નાં ધાડાં શેરિંગ રિક્ષાઓની કતારોમાં ઠલવાઈ હોટેલો ભેગાં. અમે ગામ વચ્ચેથી  થઈ હોટેલ પાસે એક ચોરાહા થઈ ઉડીપી માં! પૂર્વમાં આવેલ ઉત્તર ભારતનાં  આ શહેરમાં દક્ષિણી રેસ્ટોરાંમાં!  ઉડીપી આખી ભરેલી ને વેઇટીંગ હતું.

બસ, પહેલો દિવસ પૂરો.

બીજે દિવસે હોટેલ રામ જન્મભૂમિ થી નજીક હોઈ વહેલો, સવારે 9 વાગે નીકળી 9.20 ના મંદિરના ગેટમાં પ્રવેશી ગયો અને 9.35 વાગે દર્શન કરી પોણા દસે તો બહાર પણ નીકળી ગયો!

હા, એ જણાવવું જરૂરી છે કે મંદિરમાં એન્ટ્રી પછી 500 મીટર જેવું અને  ફરજીયાત બીજે રસ્તે એકઝીટ માટે પણ 500 મીટર ચાલવાનું છે.

અહીં કોઈ દર્શનની ટિકિટ નથી અને વીઆઇપી દર્શન જેવું નથી.

દર્શન પૂરાં કરી બહાર નીકળતાં  સરસ વેઇટિંગ એરિયામાં નિરાંતે બેસવા  મોટા હોલમાં ખુરશીઓ, ઠંડા પાણીનાં કૂલર વગેરે છે.

તો અયોધ્યામાં સવારે 9.30 થી 10 બીજી વાર રામ જન્મભૂમિનાં દર્શન કરી બજાર ફર્યાં. દરેક સાઈઝની રામની મૂર્તિઓ, રામ સીતા લક્ષ્મણ, એ ત્રણ સાથે હનુમાનજી ની મૂર્તિઓ સોનેરી મેટલ અને પથ્થરની જુદાજુદા ભાવે વેંચાતી હતી.  

બજારમાં થઈ, રામજન્મભૂમિથી માત્ર 800 મીટર દૂર  હનુમાનગઢી આવ્યાં. જેટલું રામમંદિરમાં તંત્ર વ્યવસ્થિત હતું એટલી જ ગેરવ્યવસ્થા હનુમાન ગઢી પાસે હતી.

ત્યાં તો પડે એના કટકા, ભયંકર અવ્યવસ્થા અને પંડાઓ પણ ફરે. ત્યાં વ્યવસ્થિત લાઇન ન હતી પણ લોકો ગમે તેમ આગળ પાછળ એક બીજામાં દબાઈને ઉભેલા. કોલાહલ ખૂબ હતો. એ લાઇન કદાચ રામમંદિરની બહારની લાઈનથી ઘણી વધુ લાંબી હતી કેમ કે અંદર જવા નાની, સાંકડી શેરી અને ગમે તેમ ઊભી ધક્કામુક્કી કરતાં લોકો. અમે બહારથી શિખરના દર્શન કરી ચાલતા થયા. રામમંદિરમાં તો મીલીટરી અને પોલીસ કશું ચાલવા ન દે એ અહીં ચાલતું હતું. ત્યાં દર્શન ન કર્યાં.

આજે હવે સરયુ નદી પર વૈદેહી ઘાટ અને રામ કી પૌડી ગયાં. ઘાટ પર ઘણા લોકો નહાતા હતા એટલે મેં, પુત્ર, પૌત્રે ઝંપલાવ્યું. પછી ખૂબ પ્રાચીન એવા નાગેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં. ત્યાં એક વાનર પૂજારીની જેમ બેસી કમળ ફૂલો   ચુંથતો જોયો.  પ્રાચીન શિવ મંદિરમાં અભિષેક કરી હોટેલ ચેકઆઉટ કરી જમીને થોડું બેસી અયોધ્યાધામ રેલ્વે સ્ટેશન ગયાં.

અયોધ્યાધામ સ્ટેશન રામમંદિરથી માત્ર 750 મીટર દૂર છે. મુખ્ય માર્ગથી અંદર એક શેરીમાં થઈ જવાય છે.  છેક સુધી ખબર પણ ન પડે કે અહીં સ્ટેશન છે એવી શેરી હતી. એ લોકોએ નવું સ્ટેશન બનાવી તો નાખ્યું, બેસવા પુરી બેંચો પણ નથી, નથી પંખા. અને પ્લેટફોર્મ 1 ખૂબ ગંદુ. 

અયોધ્યામાં બધું  ઉતાવળે હરખમાં આવી કરી નાખ્યું પણ હજી યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી.

શહેરમાં ક્યાંય યોગી કે મોદીજીના ફોટા ન જોયા! કોઈ કહે અહીં તો શ્રીરામ ના જ ફોટા હોય ને?

કદાચ અયોધ્યામાં બીજેપી હારી એટલે હવે ધ્યાન નથી આપતા અને અહીંના લોકો જો મોદી, યોગીને ભૂલી ગયા હોય તો દુઃખદ છે. મંદિર ખૂબ પ્રયત્ને મળ્યું છે અને એ છે તો અયોધ્યા છે.

શ્રદ્ધાથી દર્શન કરવા બને તો રજા સિવાયનો દિવસ લેવો. હજી થોડો વખત રહીને જાઓ તો વધુ સારું.

***