Kabhi Khushi Kabhi Gum in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | કભી ખુશી કભી ગમ

Featured Books
Categories
Share

કભી ખુશી કભી ગમ

                                           શ્રી ગણેશાય નમઃ

            કભી ખુશી કભી ગમ

પાત્ર પરિચય

  જયંત      દેસાઈ  60 વર્ષ  પપ્પા

  વીણા    જયંત દેસાઈ  57 વર્ષ  મમ્મી

  વીરેન    જયંત દેસાઈ  35 વર્ષ  મોટો દીકરો

  કપિલા     વિરેન દેસાઈ  33 વર્ષ  વહુ

  નીલમ    જયંત  દેસાઈ  30 વર્ષ  દીકરી

  પરમ    રમણીક જોશી  31 વર્ષ  જમાઈ

  ટીનુ    વિરેન્દ્ર દેસાઈ  10 વર્ષ  પૌત્ર

ACT 1

SCENE 1

[  એનાઉન્સમેન્ટ બાદ  પડદો ખુલે છે  સ્ટેજ ઉપર લાઈટ આવે છે  બોલીવુડ સોંગ  ચાલુ છે  નીલમ અને પરમ ડાન્સ કરી રહ્યા છે  “તેરી બાતો મેં એસા જીયા “ વીણા બેન   ડાઇનિંગ ટેબલ પર બેઠા  શાક કાપી રહ્યા છે  કપિલા ફોન પર મ્યુઝિક વગાડી રહી છે  નીલમ  સરસ ડાન્સ કરે છે  પરમ ગડબડ ડાન્સ કરી રહ્યો છે નીલમ ચીડાય છે]

 નીલમ - ભાભી મ્યુઝિક બંધ કરો પ્લીઝ. પરમ તુ આ શુ કરે છે ?

 પરમ - ડાન્સ યાર.

 નીલમ - આને ડાન્સ કહેવાય ? તારું ધ્યાન ક્યાં છે ?  કેટલી વાર શીખવાડ્યું  પણ એક પણ સ્ટેપ તને યાદ રહેતું નથી  . હું કાંઈ કહું છું ને તું કાંઈ કરે છે . મારી સામે  જ   જોયા કરે છે  અને કોપી કરે છે  ટાઈમિંગ જ નથી આવતો.

પરમ -  શું વાત કરે છે યાર  આટલું સરસ ડાન્સ કરું છું  તું સાસુમમ્મી ને પૂછી જો.

 નીલમ -  મમ્મીને શું પૂછવાનું એ તો તારી  બધી વાતમાં હા પાડે છે  જમાઈ થવાનો છે ને .

  પરમ - એક મિનિટ ભાભી  તમે અહીં સામે આવો  સાસુ-મમ્મી તમે પણ સામે આવો  પહેલેથી મ્યુઝિક વગાડો  અને તમે બધા જ જુઓ.

[  મ્યુઝિક વાગે છે  પરમ ડાન્સ કરે છે  ભાભી અને મમ્મીને હસવું આવી જાય છે  નીલમ ને ગુસ્સો આવે છે]

  નીલમ - તું ડાન્સ કરે છે ને  તો એવું લાગે છે જાણે સાયકલમાં હવા ભરતો હોય.  મારે તારી સાથે કોઈ ડાન્સ નથી કરવો આ સંગીત નો પ્રોગ્રામ કેન્સલ કરો  મારે બધાની સામે મજાક નથી બનવું.

  પરમ - જુઓ સાસુમમ્મી  આ તમારી દીકરી લગ્ન પહેલા મને આટલું દબડાવે છે.  લગ્ન પછી તો જાણે શું કરશે ? હું તમને કહી દઉં છું લગ્ન પછી મારા પર આવો ગુસ્સો કરશે ને તો હું મારું ઘર છોડીને અહીંયા રહેવા આવી જઈશ.

  નીલમ - જોયુ મમ્મી આ કોઈ વાત સિરિયસલી લેતો નથી  બધી વાત મજાકમાં ઉડાવે  છે.

  કપિલા - શું નીલમબેન તમે આટલી વાતમાં ગુસ્સે થાવ છો.  જુઓ સંગીત કેન્સલ કરવાની જરૂર નથી  હજી એક મહિનાની વાર છે  ત્યાં સુધી શીખી જશે . આપણે એક ડાન્સ માસ્તરને બોલાવશું એ શીખવાડશે.  કુમાર તમે શું કહો છો ?  જરા ધ્યાન આપશો તો ધીમે ધીમે શીખી જશો  ચાલો હજી એકવાર પાછી પ્રેક્ટિસ કરીએ  તૈયાર થઈ  ને  નાચવાનો  મોકો રોજ રોજ થોડો મળે છે.

 નીલમ - શું ભાભી તમે પણ એની સાઈડ લો છો.  તમે જોયું નહીં કેવો ડાન્સ કરે છે  તમે પણ હસતાતાને  હવે મારો મૂડ નથી  તમે તમારા ગીત પર ડાન્સ કરો

  કપિલા -  હું એકલી કેવી રીતે ડાન્સ કરું તમારા ભાઈ વગર ?  અમારો તો કપલ ડાન્સ છે .

  પરમ - હા તો સાસુ મમ્મીની સાથે ડાન્સ કરો

  નીલમ - હા મમ્મી  પપ્પા તો ડાન્સ કરવાના નથી  તું અને ભાભી જે ડાન્સ કરવાના છો  એ ગીત વગાડો અને પ્રેક્ટિસ ચાલુ કરો.

  વીણા - ના ભાઈ ના  અત્યારે નહીં  અમારી પ્રેક્ટિસ હજી બરાબર થઈ નથી  અને તારા પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે  રસોઈ કરવામાં મોડું થશે  એટલે પછી ક્યારેક કરશું.

 પરમ -  સાસુ મમ્મી પ્લીઝ  મેં એક પણ વાર જોયું નથી  થોડો તો થોડો એક સ્ટેપ તો કરીને બતાવો.

 વીણા - ભલે તારી ઈચ્છા છે તો કરીએ  પણ એક જ સ્ટેપ હો.

  નીલમ - જોયું ને જમાઈએ એકવાર કીધું એટલે તરત હા પાડી દીધી.

  પરમ -  ભાભી તમે ગીત ચાલુ કરો  આનું કમ્પ્લેન કરવાનું તો બંધ જ નહીં થાય.

[   ‘ ડોલા રે ડોલા  મન ડોલા  તન ડોલા ‘ આ સોંગ ઉપર  સાસુ વહુ  સરસ ડાન્સ કરે છે  . વીણાબેન થાકી સોફા પર બેસી જાય છે  બધા તાળીઓ પાડે છે   પરમ  વિનાબેન ના પગમાં  શાષ્ટાંગ  દંડવત  કરતો સૂઈ જાય છે]

  પરમ -  સાસુ મમ્મી  યાર શું ડાન્સ કરો છો તમે  હવે મને ખબર પડી  આ નીલુડી આટલું સારું કેમ નાચે છે . માતાજી  મને પણ તમારો શિષ્ય બનાવો . તમારો આશીર્વાદ આપો  હવે કોઈ ડાન્સ માસ્તરની જરૂર નથી  સાસુ મમ્મી  તમે મને શીખવાડશો ને ?

  વીણા - અરે ના ભાઈ  તમે ડાન્સ માસ્ટર રાખો  અને ઉભા થાવ.

  નીલમ - મમ્મી  તમે લોકોએ ક્યારે પ્રેક્ટિસ કરી.

  કપિલા - નીલમબેન  પપ્પા ને તમારા ભાઈ સવારે દુકાને જાય  . તમે નોકરીએ જાઓ . ચિન્ટુ એના મામાને ઘરે ભુજ ગયો છે  . એટલે બપોરે અમે બંને  સાવ નવરા હોઈએ છીએ  અને અમારી તો બસ એક જ વાત ચાલતી હોય લગ્ન  અને લગ્નની તૈયારીઓ  એમાં પ્રેક્ટિસ પણ કરી લઈએ.  આ  જે વો  મોમ ડાન્સ નો પ્રોગ્રામ થાય છે  એવી રીતે જો દાદી ડાન્સનો પ્રોગ્રામ થાય  તો આપણા મમ્મીનો ફસ્ટ નંબર આવે.

  વીણા - સાચું કહું તો  મેં તો આશા છોડી દીધી હતી કે  નીલમ લગ્ન કરશે.  પણ પરમ એના જીવનમાં આવ્યો અને  નિલમે લગ્ન માટે હા પાડી . હું દસ વર્ષ  જવાન થઈ ગઈ  એટલે આટલા ઉત્સાહને ખુશીમાં જોશ આવી ગયો . મારી ઈચ્છા તો તારા પપ્પા સાથે ડાન્સ કરવાની છે  પણ એમને તો કંઈ કહેવાય નહીં આપણને ડાન્સ કરવાની  અનુમતી મળી છે એ જ મોટી વાત છે  થેંક્યુ નીલમ  થેન્ક્યુ પરમ.

[  વીણાબેન ની આંખો ભીની થાય છે  નીલમ  એને ગળે લગાડી લે છે]

  નીલમ - શું મમ્મી તું પણ.

  વીણા -  કપિલા તુ ભાખરી કરવાનું ચાલુ કર  હું શાક વગારી દઉં  આ લોકો આવતા જ હશે.

[  ડોરબેલ વાગે]

 કપિલા - આવી ગયા . હું દરવાજો ખોલું છું.

[ વીણાબેન  ડાઇનિંગ ટેબલ તરફ જાય  નીલમ ઊભી થઈ સાઈડમાં જાય  પરમ સોફા પર શાંતિથી બેસે  પપ્પા અને વિરેન આવે  કપિલા વિરેનના હાથમાંથી ટિફિન અને બેગ લઈ  કિચન તરફ જાય]

 કપિલા - બેસો હું પાણી લાવું છું.

[   ઘરમાં  એકદમ  શાંતિ છવાયેલી છે  પરમ  મોબાઇલ જોઈ રહ્યો છે]

  વિરેન -  અરે પરમ  તું ક્યારે આવ્યો. [   બંને ભેટે]

  જયંત -  એ તારો મિત્ર હશે  પણ હવે આ ઘરનો જમાઈ થવાનો છે  માનથી બોલાવો.

  વિરેન -  ઓ સોરી  કેમ છો જીજાજી ? એટલે  કેમ છો કુમાર  ? ક્યારે આવ્યા ?

[ પરમ    પપ્પાને  પગે લાગે]

  જયંત -  દર વખતે પગે લાગવાની જરૂર નથી બેસો .

[   કપિલા પાણી લાવે  ત્રણેયને આપે]

  જયંત -  વિરેન  કેટલી વાર કહેવાનું  પાણી હંમેશા બેસીને પીવાનું બેસી જાતો.

  વીરેન -  હા પપ્પા.

  વિણા -  હું શાક બનાવી લઉં  તમે નાહી લો પછી બધા સાથે જમવા બેસીએ.

  જયંત -  તુ શું કામ બનાવે છે ? નિલમના હાથમાં હજી મહેંદી લાગી નથી  એક મહિનાની વાર છે.  પછી એને એના ઘરમાં રસોઈ   કરવાની છે  તો જરા હાથ પગ ચલાવો  અને મમ્મી પાસેથી બધું શીખી લો  સાસરે ભાભીના હાથનું તૈયાર ટિફિન  અને રાત્રે મમ્મીની હાથની તૈયાર રસોઈ મળવાની નથી  બધું જાતે જ કરવું પડશે.

 વીણા -  શું તમે દીકરી સાથે આવી રીતે વાત કરો છો.  એ હવે મારી સાથે માત્ર એક મહિનો છે  તુ બેટા આરામ કર  અમે   રસોઈ કરીએ છીએ.

  જયંત - દીકરી 30 વર્ષની થઈ ગઈ છે  પણ હજી સાત વર્ષની હોય  એવા લાડ કરે છે.

[  નીલમ ગુસ્સામાં  બેડરૂમમાં જાય છે  કપિલા અને  વીણા  રસોડામાં જાય છે]

  પરમ - પપ્પા તમે ચિંતા ના કરો  અમે મેનેજ કરી લે  શું.

  જયંત - જુઓ પરમ કુમાર  અમારા લાડ પ્યારે  એને જીદ્દી બનાવી દીધી છે . જે   ભૂલ  અમે કરી  એ તમે કરશો તો માથે બેસી જશે બાકી તમારી મરજી.  હું નાહીને આવું છું.  વિરેન તું પરમ કુમાર પાસે બેસ.

 વિરેન - પપ્પાની વાતનું ખોટું ન લગાડતો  એમનો સ્વભાવ એવો જ છે.  પહેલા આવું નહોતું  પણ ત્રણ વર્ષ પહેલાં  જ્યારે નીલમે પપ્પાએ પસંદ કરેલા છોકરા સાથે  સગાઈ તોડી નાખી  ત્યારથી બંને વચ્ચે જરા અબોલા છે .

 પરમ -  ચીલ માર યાર.  હું આ ઘરમાં પહેલીવાર થોડી આવ્યો છું . મારા પોતાના મમ્મી પપ્પા તો વર્ષો પહેલા ગુજરી ગયા  હવે તો આજ મારા મમ્મી પપ્પા છે  અને પપ્પા ના ગુસ્સામાં પ્રેમ છે ચિંતા છે  એનું ખોટું ન લાગે  પણ ખુશી થાય છે કે હવે હું એવા લોકો સાથે જોડાયો છું જેમને મારી ચિંતા છે.  એ બધું જવા દે રવિવારે મેચ રમવા તો આવીશ ને.

 વિરેન - ખબર નહિ યાર  પપ્પાનો મૂળ સારો હશે  અને દુકાને કામ ઓછું હશે  તો કદાચ આવીશ.

 પરમ - તું નહીં આવે તો હું પણ નથી જવાનો  આપણે એક કામ કરીએ  આપણે ચારે તું હું ભાભી અને નીલમ  સાંજે ડિનર માટે બહાર જઈશું.

  વિરેન -  છોડ યાર રવિવારની વાત રવિવારે.  તું જણાવ ડાન્સ પ્રેક્ટિસ કેવી ચાલે છે .

  પરમ - જોરદાર ચાલે છે.  હવે નોકરી જાય તોય વાંધો નહીં  સાયકલ રીપેર ની દુકાન ખોલી નાખીશ.  તારી બેન કહે છે  કે હું ડાન્સ કરું છું તો લાગે છે  જાણે સાયકલમાં હવા પૂરતો  હોઉ.

[  બંને હશે છે  . ફોન પર વાત કર્તા પપ્પા ઉતાવળે બહાર આવે છે ]

  જયંત - વિરેન ટીવી ચાલુ કર  સમાચાર લગાવો  બધા હોલમાં આવો.

[   પપ્પાની બૂમ સાંભળી  બધા હોલમાં આવે છે  અને ટીવી પર  સમાચાર સાંભળે છે  ટીવીમાં  પ્રધાનમંત્રી દ્વારા  જનતા કર્ફ્યુનું  એનાઉન્સમેન્ટ સાંભળે છે]

  જયંત -  આ શું નવું છે ?  જનતા કર્ફ્યુ રવિવારે ? અને રવિવારે તો આપણે મેરેજ હોલ ઉપર જવાનું છે ડેકોરેશન અને કેટરિંગ વાળા સાથે મીટીંગ છે.

  વિરેન -  કાંઈ નહિ પપ્પા  સોમવારે કરી લઈશું મીટીંગ .

  નીલમ -  મને નથી લાગતું આ એક દિવસમાં પૂરું થઈ જશે .

  વીણા -  એટલે  મને તો કંઈ સમજાયું નહીં  શું છે આ બધું .

  નીલમ -  મમ્મી  દુનિયામાં એક નવી બીમારી આવી છે  એક  ચેપી રોગ છે  બીજા દેશોમાં  ઘણા સમયથી આ બીમારી છે  હવે આપણા દેશમાં પણ આના કેસ મળી રહ્યા છે  બીમારીને  ફેલતી  રોકવા માટે  lockdown પણ કરવામાં આવે છે.

 જયંત -lockdown એટલે શું ?

 પરમ -lockdown એટલે લોકોએ ઘરમાં જ રહેવાનું  બહાર જવાનું નહીં  ફક્ત ઇમરજન્સી સર્વિસ ચાલુ હોય  ઇનશોર્ટ જ્યાં સુધી આ રોગ કાબુમાં ના આવે  કે એની કોઈ દવા ન શોધાય  ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું.

  વિરેન -  મને નથી લાગતું આવું કંઈ થાય . આ એક દિવસનું કર્ફ્યું છે  પછી બધું નોર્મલ થઇ જશે . આવા ચેપી રોગ તો પહેલા પણ આવ્યા છે  પરમ તને ખબર છે ને  બે ત્રણ વર્ષ પહેલા  આવી બીમારીની વાતો ચાલતી હતી  ત્યારે આપણું સ્વિમિંગ પૂલ  ત્રણ ચાર મહિના બંધ કરી દેવાયું હતું.

પરમ - હા આ એવું જ કહી છે  પણ મેં જે ઓફિસમાં સાંભળ્યું છે  અમારા  ફોરેન  ક્લાઇન્ટ્સ  સાથે જે વાત થઈ છે  એ પરથી લાગે છે  આ વખતે મામલો સિરિયસ છે.  આપણે કદાચ  લગ્નની તારીખ બદલવી પડે.

[  બધાને ચિંતા થાય છે  ટેન્સ મ્યુઝિક સાથે  બ્લેક  આઉટ]