પોતાની કરિયરની શરૂઆત કરતાં પહેલા જ પોતાના પ્રોફેશન બાબતે પરી આટલી બધી સભાન છે અને આજે તેણે જે બંને નિયમ લીધા તે સાંભળીને ક્રીશા, શિવાંગ તેમજ નાનીમા ત્રણેય ખૂબ ખુશ થઈ ગયા. અને છુટકી તો વળી તાળી પાડીને પોતાની દીદીનું હ્રદયપૂર્વક સન્માન કરવા લાગી.જમવાનું પૂરું થયું એટલે બધા પોત પોતાના રૂમમાં ગયા પરી તેમજ છુટકી પણ પોતાના રૂમમાં ગયા.રૂમમાં જતાં વેંત પરીએ છુટકીને પૂછ્યું કે, "શું કરે છે તારો પેલો ફ્રેન્ડ દેવાંશ, તેની ગાડી બરાબર ટ્રેક ઉપર આવી કે નહીં?"હવે આગળ...."ના દીદી, સાચું કહું તને જે જેવા હોય ને તેવા જ રહે છે તેમનામાં કોઈ ફરક પડતો નથી એટલું તો મેં જોઈ જ લીધું તમે તેની પાછળ ગમે તેટલો પ્રયત્ન કરો તમે તેને માટે તમારો સમય, તમારી શક્તિ બધું જ વેડફી દો તો પણ તેમનામાં કોઈ ફરક પડતો નથી.. છેવટે તો પરિણામ શૂન્ય જ આવે છે અને ત્યારે બહુ દુઃખ થાય છે કે તમે આની પાછળ ક્યાં તમારો કિંમતી સમય વેડફ્યો..""તારી વાત સાચી છે છુટકી પણ તને બીજી એક વાત કહું તો, જ્યારે માણસને કોઈ ખરાબ આદત લાગી જાય છે ને ત્યારે તે છોડવાનું તેને માટે મુશ્કેલ જ નહીં પણ નામુમકીન બની જાય છે અને તે પોતે પણ હિંમત હારી જાય છે પરંતુ તે સમયે જો તેનો કોઈ સાચો સાથી કે સાચો મિત્ર સતત તેની પાછળ પડી જાય અને તેને ટોક્યા કરે, તેને વ્યસન મુક્ત થવા માટે સતત સમજાવ્યા કરે તો તેણે પોતાની જાતને બદલવા માટે મજબુર થવું પડે છે, પોતાની આદતો છોડવા માટે મજબુર થવું પડે છે અને ત્યારે તે આમ કરવા માટે તૈયાર થાય છે અને તે દિવસથી તેની જીતની શરૂઆત થાય છે. કોઈ ખરાબ વ્યસન કે ખરાબ લત લાગી જાય તો તેમાંથી મુક્તિ મેળવવી ખૂબ અઘરું છે પણ જો તે મુક્તિ મેળવી શકે તો તે પોતાની જિંદગી તરી જાય છે અને ત્યારે તો ઈશ્વર પણ તેને માફ કરી દે છે..એટલે તું જો એવું સમજતી હોય કે તું દેવાંશને એક બે વખત સમજાવીશ અને તે માની જશે અને બધું છોડી દેશે તો તે શક્ય જ નથી તારે દેવાંશની પાછળ ખૂબ મહેનત કરવી પડશે આમ તું જો હિંમત હારી જઈશ તો કઈરીતે ચાલશે?""અચ્છા, હવે મને ખબર પડી કે મારે શું કરવું પડશે..મારે સતત દેવાંશની સાથે રહેવું પડશે..સતત તેને ટોકતા રહેવું પડશે... એમ જ ને?""ટોકવાનો તો ખરો પણ તું તેને સમજાવતી હોય તે રીતે ટોકવાનો. નહીં તો તે તારાથી દૂર ભાગી જશે તારે એવું વિચારવાનું કે, "અત્યારે દેવાંશ નાનું નિર્દોષ બાળક છે એમ સમજીને તારે તેને ટ્રીટ કરવાનું છે આપણે નાના બાળકને કેવું પ્રેમથી, વ્હાલથી સમજાવીએ અને સિફતથી આપણી વાત મનાવી લઈએ બસ તારે એવી રીતે જ દેવાંશ સાથે ટ્રીટ કરવાનું છે.. સમજી..??" પરી ખૂબજ પ્રેમથી છુટકીને સમજાવી રહી હતી."મારાથી આ બધું નહીં થાય દીદી.." છુટકી મોં ફુલાવીને બોલી.."તો તું તારી નજર સામે જ તારા ફ્રેન્ડને બરબાદ થતો જોઈ રહીશ.. તે તારાથી થશે..??""ના, તે પણ મારાથી નહીં થાય??"તો પછી તારે હિંમત હાર્યા વગર દેવાંશની મદદ કરવી જ રહી..." પરીએ છુટકીના ખભા ઉપર પ્રેમથી હાથ મૂકીને તેને હિંમત આપી.એ રાત્રે..આખી રાત છુટકીના દિલોદિમાગમાં દેવાંશ સાથે કઈરીતે ટ્રીટ કરવું? દેવાંશને ખરાબ વ્યસનમાંથી કઈરીતે મુક્તિ અપાવવી? અને પોતે આ બધું કરી તો શકશે ને? આવા બધા અનેક વિચારો તેને ઘેરી વળ્યાં હતાં... આજે તેની ઊંઘ તો જાણે તેનાથી જોજનો દૂર ચાલી ગઈ હતી.આખી રાત આમ વિચારોમાં જ વીતી ગઈ અને પરોઢિયે તેની આંખ બરાબર લાગી ગઈ...જ્યારે તે ઉઠી ત્યારે સવારના સાત વાગી ગયા હતા..પરી બાથ લઈ રહી હતી...તેની મોમ તેને ઉઠાડી રહી હતી...રેડ કલરના સિલ્કી નાઈટડ્રેસમાં તે બ્યુટી ક્વીનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી...અને તેમાં પણ આજે અધૂરી ઊંઘે તેની આંખો સુજાડી દીધી હતી.... એટલે તે વધારે આકર્ષક લાગી રહી હતી...તે આંખો ચોળતી ચોળતી બેઠકરૂમમાં આવી અને બગાસું ખાતાં ખાતાં બેઠકરૂમમાં રાખેલા સોફા ઉપર આંખો મીંચીને ફસડાઈ પડી...ક્રીશા મોમ સિવાય બીજું પણ કોઈ તેને જગાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું...."કવિશા, ઉઠ યાર શું કરે છે? વી આર ગેટીંગ લેટ...""આ દેવાંશ સપનામાં મારી સાથે વાતો કરી રહ્યો છે અને મને જગાડી રહ્યો છે...""આવું છું યાર તું જા ને..." તે બબડી."અરે, હું તને લેવા માટે આવ્યો છું. તે ગઈકાલે કહ્યું હતું ને કે, તારું એક્ટિવા બગડ્યું છે."એક્ટિવાની વાત સાંભળીને કવિશા ચમકી... તેને યાદ આવ્યું, આવું તો મેં ગઈકાલે દેવાંશને કહ્યું હતું...તેને થયું, "આજે આ દેવાંશ મારો પીછો નથી છોડતો, હજી તો સપનામાં એક્ટિવાની વાતો કરે છે..."તેણે બાજુમાં રહેલું કુશન મોં ઉપર ઢાંકી દીધું અને પાછી સૂઈ ગઈ...શું દેવાંશ ખરેખર કવિશાને લેવા માટે આવ્યો છે કે પછી આ કવિશાનું સપનું જ છે....તમને શું લાગે છે????વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 27/9/24