Talash 3 - 10 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 10

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 10

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"જા રે જા, ક્યાં છો?" પૃથ્વી એ ફોનમાં પૂછ્યું.

"ઉદયપુરની ફ્લાઇટ પકડું છું. પરબત, તું ક્યાં પહોંચ્યો?" જીતુભાએ જવાબ આપતા સામો પ્રશ્ન કર્યો. 

"દુબઇ પહોંચ્યો અહીં 4 કલાકનો હોલ્ટ હતો હવે 3 કલાક પછી કનેક્ટિંગ ફ્લાઇટ છે. પણ ઉદયપુર કેમ? અને આ એડ્વર્ટાઇઝનું શું લફડું છે."

"તે વી.સી.એન્ટરપ્રાઇઝનું નામ સાંભળ્યું જ હશે. એનો માલિક છે કોઈ વિક્રમ ચૌહાણ, એણે અહીં ઘણા ઉત્પાત મચાવ્યા છે. એરપોર્ટ આવી ગયું છે મને ચેક ઇન કરવામાં મોડું થાય છે. ખડકસિંહ બાપુને બધું સમજાવ્યું છે. તો કાલે સાંજ સુધીમાં બને તો મને મળ."

"મને બધું મેસેજમાં કહે." કહીને પૃથ્વી એ ફોન કટ કર્યો.અને રેસ્ટોરાંના ટોયલેટ માંથી બહાર આવીને પૂજા રાઠોડ બેઠી હતી. એ ટેબલ તરફ ચાલ્યો એ જ વખતે પૂજાના ફોનમાં ઘંટડી વાગી.એણે પૃથ્વી તરફ જોયું અને કહ્યું "એક્સ્ક્યુઝમી, પૃથ્વી જી જરા મારા પર્સ નું ધ્યાન રાખજો" કહીએ ફોનમાં વાત કરવા એક કોર્નર તરફ ચાલી.

xxx   

"બોલ પૂજા શું કામ હતું?" રાજીવ પૂછી રહ્યો હતો.

"વિક્રમ એનો ફોન કેમ નથી ઉપાડતો? એક કલાકથી હું એને કોલ કરું છું." કઈક રૂવાબ થી પૂજાએ કહ્યું.

"એ અનાથાશ્રમમાં ગયો છે. આજે ત્યાંના બાળકો માટે એને એક જાયન્ટ પાર્ટીનું આયોજન કર્યું છે. આજે એ બહુ ખુશ છે."

"શુ ઉઉઉ... એટલે એટલે... ઓલી છોકરીએ એને હા કહી દીધી?" તો પછી..?

"ના હજી એણે હા નથી કીધી. પણ વિક્રમે એવો ચક્રવ્યૂહ રચ્યો છે કે એણે હા પડ્યે જ છૂટકો થશે. એટલે જ કહું છું એને મૂક પડતો અને મારો વિચાર કર" 

"માઈન્ડ યોર લેંગ્વેજ. મારે વિક્રમ સાથે અર્જન્ટ વાત કરવી પડશે.ને કહેવું પડશે. જલ્દી એને કહે મને ફોન કરે. અહીં મોટી તકલીફો ઉભી થઇ છે" પૂજા એ એટલા જોરથી બુમ પાડી કે 8-10 ફૂટ દૂર ઉભેલા પૃથ્વીને પણ સંભળાયું.

"હું 10 મિનિટમાં કોલ કરાવું છું." કહી રાજીવે ફોન કટ કર્યો અને વિક્રમને ફોન લગાવવા માંડ્યો.  

xxx 

"એની પ્રોબ્લેમ?" ટેબલ પાસે આવેલી પૂજા ને પૃથ્વીએ પૂછ્યું.

"ના રે ખાસ કાંઈ નથી પણ શું છે કે કોઈ માણસને ખાસ તો તમારા હાથ નીચેના માણસ સાથે તમે સારી રીતે વાત કરો એટલે એ માથે ચડી જાય. પછી એને એની ઓકાત બતાવવી પડે."

"હા એ તો બરાબર પણ તમે આ હમણાં કંઈક તકલીફ છે એવું બોલ્યા એટલે પૂછ્યું."

"હમણાં તમે વોશરૂમમાં ગયા ત્યારે તમારા મિત્રના ડોક્ટર કે જે આંટીની સારવાર અહીં કરે છે એમનો ફોન હતો કે એકાદ દિવસ અહીં હોસ્પિટલમાં ઓબ્ઝરવમાં રાખો તો સારું છે. આંટીનું હાર્ટ થોડું નબળું છે અત્યારે આ સંજોગોમાં ફ્લાઈટની મુસાફરી હિતાવહ નથી. એટલીસ્ટ 24 કલાક તો નહિ જ."

“કોઈ વાંધો નહિ,” પોતાના મોબાઇલમાં કંઈક ચેક કરતા કરતા પૃથ્વીએ કહ્યું. “એ અહીંના બેસ્ટ ડોક્ટર છે અને એમની બહુ સારી હોસ્પિટલ અહીં નજીકમાં જ છે. એ તમને સ્પે રૂમ એલોટ કરી દેશે એટલે બીજી કોઈ ચિંતા નથી. તમે આ આંટીના દીકરાને બોલાવી લો"

"હું ક્યારનીય એ જ ટ્રાય કરું છું પણ વિક્રમનો ફોન લાગતો નથી." એટલે જ મારે ઓલ રાજીવડાંને વતાવવો પડ્યો."

"ઇફ યુ ફીલ સો તો હું રોકાઈ જાઉં, આમેય મારે ત્યાં ઇન્ડિયામાં કઈ ખાસ કામ નથી. તમારા આંટી આઉટ ઓફ ડેન્જર થશે પછી જઈશ બસ." 

"અને આવી બધી મહેરબાની કરવા પાછળનું કારણ જાણી શકું, મિસ્ટર પૃથ્વી?" પૂજાએ કંઈક બ્લન્ટલી પૂછ્યું.

"કારણ તમે નહીં સમજી શકો, જવા દો"

"છતાં કંઈક કહો તો સમજાય. અને મારી જગ્યાએ બીજું કોઈ હોય તો એ પણ એ જ વિચારે ખરુંને"

"ઓ.કે. તો હું તમને ખરું કારણ પણ કહી જ દઉં છું. તમે હમણાં જ થોડી વાર પહેલા કહ્યુંકે 800-1000 જણા તમારે ત્યાં કામ કરે છે. હવે તમે દિવાળીમાં કે તમારા."

"એક મિનિટ. મિસ્ટર પૃથ્વી, આ તમારા, તમારા શું માંડ્યું છે તમે મને હેલ્પ કરી છે. અને હું કઈ ડોશી કે આંટી નથી. યુ કેન કોલમી પૂજા ઓકે."

"ઓકે. પૂજા અને મને પણ મિસ્ટર પૃથ્વી નહીં ખાલી પૃથ્વી જ કહે જે. તો હું એ કહેતો હતો કે વર્ષમાં 2-3 વાર કર્મચારીઓને ગિફ્ટ આપવાનું બનતું જ હશે. તો મારો ગિફ્ટ આર્ટિકલ નોજ બિઝનેસ છે બેલ્જિયમમાં ઓફિસ છે અને આજુબાજુના નાના કન્ટ્રીમાંથી ઇન્ડિયા માટે ફોરેનની કહેવાય એવી ગિફ્ટ હું મંગાવું છું જે પ્રમાણમાં સસ્તી હોય અને ફોરેનની કહેવાય. તો તારા પાસેથી 2-4 નાના મોટા ઓર્ડર મળી જાય તો મારો એકવારનો વિદેશનો ખર્ચ નીકળી જાય."

"વાહ, સરસ બિઝનેસ માઈન્ડ છે તમારું પૃથ્વી."

"મેં તો એથીય આગળનું વિચાર્યું છે કે આ તારા આંટીનો દીકરો તો બહુ મોટો બિઝનેસમેન છે એનો જો ઓર્ડર મળે તો મારો બેડો પાર થઇ જાય." પોતાના ફોનમાં જ માથું નાખીને બેઠેલા પૃથ્વીએ કહ્યું.

"એક્સેલેન્ટ, તમારે તો માર્કેટિંગના પ્રોફેસર થવાની જરૂર હતી." 

"તો હવે સમજાયું ને ખરું કારણ, હું તો મારા ધંધાને પુશ અપ કરવા માટે રોકાવા તૈયાર થયો છું." 

"બહુ સરસ. તો હું આ તમારી મદદ સ્વીકારું છું. કેમ કે વિક્રમનો કોન્ટેક્ટ થતો નથી અને વળી એ કઈ તરત એના ધંધાને પડતો મૂકીને આવે એના ચાન્સ ઓછા છે."

"તો આ તમારા આંટી અને વિક્રમ એટલે કે તમારો કઝીન.."

"ના એ મારો કઝીન નથી. અને આ આંટી મારા કઈ સગામાં ન થાય."

"તો પછી.."

"અત્યારે એ સગપણ ગોતવાનો કઈ અર્થ નથી હવે ફટાફટ આપણે હોસ્પિટલ પહોંચીયે. અને ઓલા તમારા રજવાડી મિત્રનો પણ આભાર માનવાનો બાકી છે. મને એનો કોન્ટેક્ટ નંબર આપી દેજો."

"એ આવશે હોસ્પિટલમાં ખબર કાઢવા. રૂબરૂ જ આભાર માની લેજો   

xxx 

"એક ગરબડ થઈ છે" ધર્મેન્દ્ર ચૌહાણ કોઈને ફોનમાં કહી રહ્યો હતો.

"જે હોય એ મને કહી દો. હું મેસેજ પહોંચાડી દઈશ." સામેથી જવાબ મળ્યો,

"પણ મારે અત્યારે જ વિક્રમ સાથે વાત કરવી જરુરી છે."

"તમારે જો મેસેજ આપવો હોય તો કહી દો. સાહેબ હમણાં આરામ કરે છે. અને ડિસ્ટર્બ કરવાની ના કહી છે."

"બહુ જ જરૂરી વાત છે. પ્લીઝ એને જગાડીને મને ફોન કરાવો."

"હું કોશિશ કરું છું." કહીને એણે ફોન કટ કર્યો અને પોતાની ચેર પરથી ઉભો થઈને વિક્રમના બેડરૂમના બારણાં સુધી પહોંચ્યો બારણું હવે હાથે ખોલ્યું અને બેડ પર નજર નાખી વિક્રમ ભર નીંદરમાં સૂતો હતો. સહેજ મુશ્કુરાઈને એણે બારણું બંધ કર્યું. અને પાછો પોતાની ઇઝી ચેર પર બેસી ગયો. ખિસ્સામાંથી એક સિગારેટ કાઢીને સળગાવી પછી પોતાના મોબાઈલ થી કોઈને ફોન જોડ્યો અને કહ્યું "એ બેહોશ છે અને સવાર પહેલા નહિ ઉઠે. અને હા રાજીવ, પૂજા મેડમ અને ધર્મેન્દ્ર અંકલ સતત ફોન કરે છે." કહી ફોન બંધ કર્યો પછી આરામથી ઇઝી ચેર પર આરામ કરવા મંડ્યો એ વિક્રમનો બોડીગાર્ડ શેરા હતો.

xxx 

"કામિની મેડમ એક ગરબડ છે." તમે અત્યારે જ બોસને મેસેજ આપજો કે બેલ્જીયમનું ઓપરેશન પૂર્ણ નથી થયું." ધર્મેન્દ્ર ચૌહાણ કોઈને કહી રહ્યો હતો.

"તમે તો કહેલું કે ત્યાંના તમારા સોર્સ મજબૂત છે અને 100% સફળતા મળશે" સામેથી એક રૂવાબદાર સ્ત્રી કહી રહી હતી.

"ખબર નહિ કેમ આપણા મારાઓ પહોંચ્યા એની 2-3 મિનિટ પહેલાં એ છટકી ગયો અને એને ત્યાં કોઈ એનો કલીગ બેઠો હતો એ ઘવાયો છે અને.."

"ક્યાંય આપણું નામ ન આવવું જોઈએ."

"હૂમલો કરવા જનારા બધા મૃત્યુ પામ્યા છે. અને એ લોકોને સોપારી દેનાર કોણ છે, એ કોઈને ખબર નથી આપણે તો ફિફ્થ પાર્ટી છીએ. એ લોકોને સોપારી આપનારને કોઈ ત્રીજાએ કહ્યું અને એ ત્રીજાને આપણા સોર્સે કહેલું. ચિંતા ન કરો."

"પણ આમ ગરબડ થયા કરશે તો કામ કેવી રીતે ચાલશે. મને નથી લાગતું કે તમને વી.સી.એન્ટરપ્રાઇઝ માં 50% ભાગીદારીમાં કોઈ રસ હોય. હવે સાંવરિયા શેઠ વાળા પ્રોજેક્ટમાં શું પોઝિશન છે"

 

"તૈયારી પૂર જોશમાં છે. ટીમ રેડી છે. અને રો મટીરીયલ ઈમ્પોર્ટ થઇ ગયું છે. થોડુંક રસ્તામાં છે કાલે રાત સુધીમાં બધું રેડી હશે. એ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવાનો છે? "

"આઠ દિવસ પછી. પણ તમે પરમ દિવસ પછી એની ટાઈમ રેડી રહેજો."

"મને તૈયારી માટે 8 કલાક પહેલા કહેવું પડશે."

"હું તમને 36 કલાક પહેલા કહીશ બસ. પણ એન્ટવર્પમાં થઇ એવી ભૂલ બીજીવાર ન થાય એ ધ્યાન રાખજો." 

"સોરી મેડમ, મારુ ગણિત થોડું કાચું પડ્યું."

"બીજા મિશનમાં ભુલ થઈ તો તમારી લાશ પર ફૂલ ચડાવવાવાળું કોઈ નહિ હોય, અને જે બચશે એની પાસે 10 રૂપિયાનો હાર લેવાના પૈસા નહિ હોય. ખેર એ છોડો હવે એ ક્યાં છે. એની કોઈ ખબર કઢાવી?"

"એણે એન્ટવર્પથી લંડન અને લંડનથી ડાયરેક્ટ મુંબઇની ફ્લાઇટ બુક કરી છે. અને મુંબઈમાં એ ઉતરશે તો એરપોર્ટ પર જ."

"મૂર્ખ જેવી વાતો કરો છો તમે, એરપોર્ટ પર નહિ, એરપોર્ટની બહાર ક્યાંક અંધારિયા ખૂણે. અને સુરેન્દ્ર સિંહનું શું થયું."

"એ હમણાં લગભગ અડધી રાત્રે આઝાદ થઇ જશે."

"વેરી ગુડ, કોઈ ગરબડ નહિ થાય તો એકાદ મહિનામાં તમે વીસી એન્ટરપ્રાઇસ ના 50% ભાગીદાર બની જશો. હવે કાલે રાત્રે 11 વાગ્યે કોલ કરજો હું બોસ સાથે વાત કરી લઈશ" કહી સામેથી ફોન કટ થઈ ગયો.

xxx 

 જે વખતે ધર્મેન્દ્ર પોતાના ઘરમાંથી કોઈક કામિની મેડમ સાથે વાત કરી રહ્યો હતો એ વખતે વિક્રમનો બોડીગાર્ડ પોતાની ઇઝી ચેરમાં બેઠા બેઠા સુઈ ગયો હતો. એ વખતે જીતુભાની ફ્લાઈટ મુંબઈથી ઉદયપુર જવા ઉપડી હતી. તો મુંબઈમાં જીતુભાનાં ઘરેથી મોહિત અને એની વાઈફ સોનલ પાસેથી શું ગરબડ છે જાણીને વિદાય થઇ રહ્યા હતા. એ વખતે રાજીવ વીસી એન્ટરપ્રાઈસ મેઈન ઓફિસથી વિક્રમના બંગલે પૂજાનો અરજન્ટ મેસેજ આપવા જવા નીકળ્યો હતો. તો એજ વખતે ઉદયપુરથી ત્રીસેક કિલોમીટર કોઈ નાનકડી વસ્તીમાં સુરેન્દ્રસિંહે.એના અપહરણકર્તા રૂપસી અને મંગલશી તથા એનાય બોસ સાથે દાલ બાટી અને લસણની ચટણી ખાતા ખાતા વાતોના તડકા મારી રહ્યા હતા. એ જ વખતે જગદીશ ગુપ્તા અને એની ટીમ ઉદયપુરની એક આલીશાન રેસ્ટોરાંમાં પાર્ટી કરી રહી હતી. બધા ફૂલ મસ્તીમાં હતા. અચાનક ગુપ્તાના આસિસ્ટન્ટ પંડિતનો મોબાઇલ રણક્યો. પંડિતે ઝુમતા ઝુમતા એક હાથ એની ટીમની એક મહિલાની કમરમાંથી બહાર કાઢીને ખિસ્સામાંથી મોબાઈલ બહાર લઈને કાને માંડ્યો.એના બીજા હાથમાં સ્કોચનો ગ્લાસ હતો.

"હેલો,"

"તમારું પાર્સલ આવી ગયું છે." સામેથી કોઈકે કહ્યું.  

"સવારે શ્રીનાથદ્વારામાં ડિલિવરી કરી દેજો" પંડિતે કહ્યું.

"ઓકે" કહીને એને ફોન કટ કર્યો. અને પછી કાર માં આગળ બેઠેલા કપલને ઉદ્દેશીને કહ્યું. "સવારે સાડા અગિયાર વાગ્યે શ્રી નાથદ્વારામાં પાર્કિંગ એરિયામાં." એ અઝહર હતો.   

 

ક્રમશ:  

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.