Kanta the Cleaner - 52 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 52

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 52

52.

એક વર્ષ પછી.

સવારે સાડાસાત. ટાઇમ 9 વાગ્યાથી છે પણ હેડ, હાઉસકીપિંગ કાંતા સોલંકી ચકચકિત રિવોલ્વિંગ  ડોરમાંથી પ્રવેશી અંદર ગયાં. બહાર ગેટ પર ઉભેલા નવા ચોકીદારે તેમને ગ્રીટ કરી ડોક નમાવી. કાંતાને વ્રજલાલ યાદ આવ્યા જેમણે ખરે વખતે તેને મદદ કરેલી. વ્રજલાલ હવે હોટેલમાંથી રિટાયર થઈને પોતાની  વકીલ પુત્રીની ફર્મ બંસલ એસોસીએટ્સમાં ક્લાયંટ્સના પેપર્સ ફાઈલ કરવા,  કોર્ટમાં તારીખો લેવી વગેરે કામ કરે છે.

કાંતાએ પોતાનો ઇસ્ત્રીબંધ કડક યુનિફોર્મ ચડાવ્યો. 'કાંતા સોલંકી. હેડ, હાઉસકીપિંગ' લખેલી સફેદ અક્ષરો વાળી કાળી પટ્ટી ભરાવી.

તેઓએ જનરલ મેનેજર રાધાક્રિષ્નન સાથે આજના કામ અંગે ચર્ચા કરી.

હેડ ક્લીનર સુજાતાને બોલાવી આજથી પોતે રજા ઉપર હશે પણ કાઈં કામ હોયતો ગમે તે મિનિટે વિના સંકોચે બોલાવવા કહ્યું.

"વિશ યુ એ વેરી હેપ્પી લાઇફ અહેડ. '  સુજાતાએ કહ્યું.

સહુ ક્લીનર્સ તેમની ટ્રોલીઓ સાથે લાઈનમાં ગોઠવાઈ ગયા. ગઈકાલે આખી હોટેલમાં મળેલી બધી ટીપની સરખે ભાગે વહેંચણી થઈ. કાંતાએ નવો રિવાજ પાડેલો, જેનો જન્મ દિવસ હોય તેને હોટેલ તરફથી ચોકલેટનું બોક્સ અને, હા. જેમને ઇન્સ્પેકશનમાં એ ગ્રેડ કે ક્લાયન્ટ તરફથી સારો ફિડબેક મળે તેમને હોટેલ તરફથી મીઠાઈનું બોક્સ. કાંતા તરફથી પણ 101 થી 501  સુધીની અંગત ભેટ. પોતે આ બધામાંથી પસાર થઈ ચૂકેલી. 

બધી ટ્રોલીઓ પર રાખેલી ઈન્વેન્ટરી ચેક થઈ. ટુવાલો, નેપકીન, સોપ, કલીનિંગ સ્પ્રે બધું. બધાએ આજનો દિવસ આ મધપૂડાની પોતે મધમાખી છે અને તેમાંથી મળતું મધ તેમની જિંદગીમાં મીઠાશ લાવે તે માટે એક ટીમ બની કામ કરવાના શપથ લીધા અને કાંતાએ સહુને આપેલ ડ્યુટી લીસ્ટ મુજબ કામે ચડવા મોકલ્યા.

આજે કાંતા  લાંબી રજા ઉપર જવાની હતી.

રાધાક્રિષ્નને અને સ્ટાફે હોટેલ આજે તો એક્સ્ટ્રા સાફ કરી દુલ્હન જેવી શણગારી. હોટેલમાં  બે ત્રણ હોલમાં લગ્ન પ્રસંગ હતા. ઉપરાંત ખાસ કારણ હતું -

રાત્રે -

કિચનમાંથી જ બનેલી સુંદર કેક સ્યુટ 712 માં લઇ શેફ જીવણ બહાદુર ખુદ ગયો. તેણે ડોર નોક કર્યું. અંદરથી કાંતા ખુદ બહાર આવી અને કેક લીધું.

"વાહ, કાંતા! શાદી મુબારક.  પરફેક્ટ સજેલી  દુલ્હન લાગે છે મારી બોસ!" તેણે કહ્યું.

"બોસ નહીં, મને દીદી કહે." કહેતાં બેય તાળી દઈને હસ્યાં. કાંતાને આ જ રૂમમાં સરિતા 'દીદી' સાથેની ક્ષણો યાદ આવી ગઈ.

એ જ સ્યુટ 712 ના નવા વસાવેલા  લંબગોળાકાર પલંગ ઉપર આજે શ્વેત ને બદલે ગુલાબી ચાદર પાથરેલી. ગુલાબની પાંદડીઓ વેરેલી.

કાંતા થોડું શરમાતી, થોડું હોઠમાં સ્મિત કરતી  ડિઝાઇનર સોનેરી એમ્બ્રોઈડરી કરેલી લાલ સાડી પહેરી બેઠી પોતાના વીતી ગયેલ સમયને યાદ કરી રહી.

વિકાસે પોતાને છેતરી, રાઘવે તો બરાબર ભોળવી તેનો ઉપયોગ કર્યો, મમ્મી વગરની એકલી જિંદગી, એમાં ભાડું પૂરું કરવા થોડો વખત જીવણ, એક પુરૂષને પોતાની સાથે ફ્લેટ શેર કરવા રાખ્યો, પોતે અધૂરો હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કર્યો અને કોઈ કેમ્પસ ઇન્ટરવ્યૂ વગર વ્રજલાલની ભલામણથી ક્લીનરની જોબ મળવી, પછી સહુની પ્રશંસા, ઓચિંતું ખૂનના અને ડ્રગ ટ્રાફિકીંગના આરોપમાં ફસાઈ જવું, આખરે ચાલેલો કેસ, કોર્ટે કરેલું તેનું પ્રશંસા ભર્યું નિરીક્ષણ અને રાધાક્રિષ્નન સરની મહેરબાની, તેને સીધી ઓફિસ એડમીનિસ્ટ્રેશનમાં લઇ લીધી અને એક વર્ષમાં પોતે સહુની પ્રીતિપાત્ર હેડ પણ બની ગઈ. જે આંખો કાલ સુધી તેને મઝાકથી જોતી એ જ બધી તેની પ્રશંસા કરવા લાગી.

એમાં જ તેનો સંપર્ક કર્યો - કોઈએ નહીં ને અગ્રવાલની પ્રથમ પત્નિએ. કાંતાનું ચોકસાઈ ભર્યું કામ અને સરળતા, પેટ છુટ્ટી વાત કહેવાની ટેવ અને સાદાઈ, ક્લાયન્ટ સાથે ઉપરાંત કોઈ પણ સાથે વિનયથી વાત કરવાની ટેવ તેનાં મનમાં વસી ગયેલી. પોતાના હવે પચીસ વર્ષના થયેલ પુત્ર માટે વહુ તરીકે તેણે કાંતાનો સંપર્ક કર્યો.

કોઈ નહીં ને અગ્રવાલ? જેને કારણે પોતે જેલના સળિયા પાછળ જતી બચેલી?  પહેલાં કાંતા મૌન રહી, પછી વિચાર કર્યો.

 જે હતું તે  અગ્રવાલના મૃત્યુ સુધી. ખોટું હતું પણ અર્ચિત અગ્રવાલ કાળા ધંધા કરતો હતો. તેનો પુત્ર તો ભલે કદાચ એ કાળી કમાણીમાંથી,  યુ.એસ. ની સારી યુનિ. માંથી એમ.બી.એ. થએલો. તે સારો હતો.

અગ્રવાલની ગુસ્સાખોર દીકરી હવે કોઈ સી.એ. ને પરણી ચૂકેલી, તેને તો નાનકડી, નાજુક અને ખાસ તો ક્યારેય દલીલમાં ન ઉતરતી ભાભી બહુ ગમતી.

કાંતાએ હાથની મેંદી જોઈ. સરસ હતી. પણ તે દિવસે સરિતાએ મુકેલી, તેણે પોતાને તૈયાર કરેલી તે તેનો પહેલો અનુભવ હતો. હા. મેક અપ પહેલાં સારી રીતે સાફ થવું, બેઈઝ પરફેક્ટ કરવો, વાળ કેમ ટ્રિમ રાખવા જેવી  ટ્રીક તે સરિતા પાસેથી શીખી હતી તો ક્લાયન્ટસ સાથે પ્રોફેશનલ વિનય વિવેક આ નોકરીએ શીખવેલાં.

આજે જે સંકોચ, જે ભાવો તેના હૃદયમાં ઉમટી રહ્યા હતા એ તો ક્યારેય અનુભવેલા ન હતા. વિકાસ કે રાઘવમાં પોતે ખોવાઈ જતી ત્યારે પણ નહીં.

અને તેને યાદ આવ્યું.

પહેલી મિસિસ અગ્રવાલે પહેલેથી શેર, પ્રોપર્ટી વગેરે ના ભાગ સી.એ.જમાઈ સાથે રહી પાડી દીધેલા. તેઓ, કાંતા અને જુનિયર અગ્રવાલ, બે  પતિપત્નિ મળી  નવી હોટેલ જ શરૂ કરી રહ્યાં હતાં. અન્ય શહેરમાં. 

પોતાની પાસે આજે કરોડોની સંપત્તિ હસ્તમેળાપના પહેલાં જ ટ્રાન્સફર થઈ ચૂકેલી. સાસુએ કહેલું કે મારો દીકરો એના બાપ જેવું નહીં જ કરે છતાં કોઈ પણ આ કુટુંબમાં પૈસાના અભાવે ન જીવે એટલે. પહેલેથી દરેક પ્રોપર્ટીની માલિકી નક્કી થઈ ચૂકેલી.

તે ડ્રેસિંગ ટેબલના અરીસામાં પાછળથી આવતી લાઈટમાં પોતાનું રૂપ નિહાળી રહી.

ત્યાં તો કાંતાની વિચારધારા તૂટી.    તેને  દેખાયું કે જાણે કોઈ સ્લાઇડિંગ   ડોર ખોલી ડ્રોઈંગ રૂમને બદલે બાલ્કનીમાંથી  તેની તરફ આવી રહ્યું છે. એ માનવ ઓળો છે.  તેને યાદ આવી ગઈ એ ઓશીકાં સાથેના ઓળાની. એ સાથે તે બેહોશ થઈ ગઈ.

 ભાનમાં  આવી ત્યારે એ લાઈટ બંધ હતી. આછી માદક ભૂરી લાઈટમાં પોતે જુનિયર અગ્રવાલની બાંહોમાં ભીંસાયેલી  હતી. રૂમમાં કોઈ બીજું હતું? તેને ભ્રાંતિ થતી હતી? 

તે સંકોચની મારી નજીક પડેલું ઓશીકું મોં આડું રાખવા ગઈ ત્યાં તો ડીમ લાઈટ પણ બંધ થઈ ગઈ અને  તેણે પોતાના દેહ પર વજન અનુભવ્યું. તેના આખા દેહને ભીંસીને ગૂંગળાવી દેવામાં આવી રહ્યો હતો.  તેનું રોમેરોમ હજી ભીંસાય તેમ પોકારતું હતું.

તે ખોવાઈ ગઈ. અગાધ સમુદ્રમાં. પતિના પ્રેમના સાગરમાં.

એક વખતની ક્લીનર કાંતાનું રોમેરોમ  આજે એ સાફ કરી ચમકાવતી એ ટાઇલ્સો જેવું ચકચકીત થઈ રહ્યું હતું.

ભોળીભાળી કાંતા સોલંકી,  મેડમ કાંતા અગ્રવાલ બની પતિને સમર્પિત થઈ ગઈ.

સમાપ્ત.