Sangharsh - 6 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 6

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૬ પહેલા વિરોધનો સંકેત

 

સમયનું ચક્ર ફરતાં વાર પણ નથી લાગતી અને તેની ફરવાની ગતિ પણ ઝડપી હોય છે. પરંતુ સમયના આ ચક્રને ફક્ત ફરવાનું જ કાર્ય કરવાનું હોય છે, એના ફરવાને કારણે દુનિયા પર શું અસર પડે છે કે તેના ફરવાને કારણે તે દરરોજ કેટલી બદલાઈ રહી છે તેની તેને કોઈજ પડી નથી હોતી. સમગ્ર આર્યવર્ષને જીતવાની કુમારાવસ્થાની પોતાની ઈચ્છા લઈને ઉપડેલો કૃષ્ણદેવ રાય જ્યારે પંચજલ પહોંચ્યો ત્યારે લાગણીના સમુદ્રમાં ડૂબકી લગાવવા માંડેલો. એનું સૈન્ય પણ થાકી ગયું હતું. એક કુશળ રાજવીને ખબર હોય છે કે તેણે આજની નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે કશુંક એવું મૂકીને જવાનું છે જેથી તેને કોઈ તકલીફ ન પડે. 

કૃષ્ણદેવ રાય પણ આવનારી સાત પેઢીઓ માટે એક વિશાળ, મજબૂત અને સમૃદ્ધ રાજ્ય છોડીને ઉંમરના સિત્તેરમાં દાયકામાં અવસાન પામ્યો. તેણે આર્યવર્ષના લગભગ સાઈઠ ટકા વિસ્તાર પર ચાર દાયકા સુધી રાજ કર્યું. આ દરમ્યાન રાધેટક સામ્રાજ્ય આર્થિક અને સામાજિક રીતે ખૂબ ફૂલ્યુંફાલ્યું. આટલું જ નહીં, પરંતુ થીરુ વત્સલમ જેવા પ્રકાંડ પંડિતની હાજરીએ આ સામ્રાજ્યમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક વિકાસના નવા સોપાન સર કર્યા. 

આશાવનને પોતાના આ વિશાળ રાજ્યની રાજધાની બનાવવાના કૃષ્ણદેવ રાયનો એ દૂરંદેશીભર્યો નિર્ણય વારંવાર ત્યારે સાચો ઠરવા લાગ્યો જ્યારે રાધેટકને કોઈ રાજકીય, વિદેશી અથવાતો આર્થિક મુશ્કેલીનો જરાક જેટલો પણ સામનો કરવાનો આવતો હતો અને એ મુશ્કેલી ચપટી વગાડતાં જ દૂર થઇ જતી, ફક્ત તેના યોગ્ય ભૌગોલિક સ્થાનને કારણે. આશાવન પણ કૃષ્ણદેવ રાય અને થીરુ વત્સલમના કુશળ માર્ગદર્શન હેઠળ એક નમુનારૂપ રાજધાની બન્યું. વિદેશથી આવતા પ્રવાસીઓ અને ખાસકરીને એ પ્રવાસીઓ જે પ્રવાસ નોંધ રાખતા, તેમણે પોતાની નોંધમાં નાનકડા વનવાસી વિસ્તારમાંથી વિશાળ નગર બનેલા આશાવનના ભરપેટ વખાણ કર્યા. એવું કહેવાતું કે કૃષ્ણદેવ રાયના સમયમાં આશાવન એ સમયે દુનિયાનું દસમું સહુથી મોટું નગર હતું! 

શરૂઆતમાં એવું લાગતું હતું કે દક્ષિણના રાજ્ય એવા રાધેટકના રાજા, એમનાં મંત્રીઓ અને અન્ય મહત્વના વ્યક્તિઓ જે હવે ગુજરદેશના એક વિસ્તારમાં આવીને વસ્યા હશે એમની અને અહીંની સંસ્કૃતિ અલગ હોવાથી કેવી રીતે હળીભળી શકશે? પરંતુ ગુજરદેશની પ્રજાનો લોહીમાં વસેલો પ્રેમ અને તેમની આતિથ્ય ભાવનાની સાથે જ્યારે રાધેટકના લોકોની નમ્રતા ભળી ત્યારે દૂધમાં સાકર ભળી જાય એમ બંને સંસ્કૃતિઓ ભળી ગઈ હતી. ગુજર ભાષા અને લિપી ધીરેધીરે સમગ્ર રાધેટક સામ્રાજ્યની રાષ્ટ્રભાષા બનવા તરફ વધી રહી હતી.  

જ્યારે કૃષ્ણદેવ રાય શાંતિથી પોતાની પથારીમાં દેહત્યાગ કરી રહ્યો હતો ત્યારે તેની આસપાસ તેનું ભરપૂર કુટુંબ હતું. થીરુ વત્સલમ તો પાંચ વર્ષ પહેલાં જ પોતાના આ બાળપણના સખાનો સાથ છોડીને પ્રભુસેવામાં જતો રહ્યો હતો. થીરુના ગયા બાદ જ કૃષ્ણદેવની તબિયત ધીરેધીરે ખરાબ થવા લાગી અને પાંચ વર્ષમાં તો તે મૃત્યુની સાવ નજીક પહોંચી ગયો હતો. મૃત્યુ અગાઉ તે એકદમ શાંત હતો. તેને ખબર હતી કે તે પોતાની પાછળ એક વિશાળ, મજબૂત, સમૃદ્ધ, સુખી અને શાંત રાજ્ય છોડી જઈ રહ્યો છે. 

કૃષ્ણદેવ રાયના અવસાન બાદ તેનો મોટો પુત્ર પ્રશાંતદેવ રાય રાધેટકનો મહારાજ બન્યો. તે પણ પોતાના પિતાની જેમજ વીર, દયાળુ અને કરુણાથી ભરપૂર હતો. તેણે પોતાના રાજ્યને પૂર્વમાં પણ વિસ્તૃત કર્યું. પંચજલથી સહેજ દક્ષિણ માર્ગે પૂર્વ તરફ તે આગળ વધ્યો અને હસ્તિપુર જેવા વિશાળ સામ્રાજ્યને જીતી લીધું. 

પ્રશાંતદેવ રાયનો આ વિજય તેના પિતાના અનેક વિજયો કરતાં પણ મહાન ગણવામાં આવ્યો કારણકે એ સમયે હસ્તિપુર છેક પૂર્વમાં પાટલીકન્ય અને બંગજોય સુધી વિસ્તરેલું હતું. પરંતુ અહીંનો વૃદ્ધ રાજા અશક્ત અને નબળો હતો. તેના રાજ્યમાં તેના સેનાપતિઓ અને સામંતો સ્વતંત્રરૂપે કામ કરવા લાગ્યા હતા. એટલે આમ પણ હસ્તિપુર ગમેત્યારે વેરવિખેર થવાનું જ હતું, પરંતુ તે પહેલાં પ્રશાંતદેવ રાય ત્યાં પહોંચી ગયો અને સમસ્ત રાજ્યને આરામથી કબજે કરી લીધું. 

પ્રશાંત દેવ રાયે પણ નવા રાજ્યને સામેલ કર્યા બાદ પોતાની રાજ્ય વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે તે માટે પોતાના પિતા કૃષ્ણદેવ રાય અને તેના પંડિત મહાઅમાત્ય થીરુ વત્સલમે ઉભી કરેલી પદ્ધતિને જ અમલમાં મૂકી, પરંતુ એક ફેરફાર સાથે. પ્રશાંતદેવ રાયને ખબર હતી કે હસ્તિપુરનું આટલું વિશાળ રાજ્ય જે આખું તેના હાલના રાધેટક સામ્રાજ્યના ચોથા ભાગ જેટલું હતું, તેને છેક આશાવનથી ચલાવવું ઘણું અઘરું હતું. આથી તેણે પોતાના અમાત્યોની સલાહ અનુસાર ચાર ભાગમાં વહેંચી નાખ્યું અને ચારેય ભાગમાં ચાર અલગ અલગ દંડનાયકોની નિમણુંક કરી દીધી. 

એવું કહેવાય છે, સાચું કે ખોટું એ પ્રભુ જાણે, કે પહેલી પેઢી પાયો નાખે, બીજી પેઢી ઈમારતને મજબૂત બનાવે અને ત્રીજી તેને બરબાદ કરી નાખે. રાધેટકના નસીબે આ કહેવાતી કહેવત સાચી પડી. 

કૃષ્ણદેવ રાયનો પૌત્ર અને પ્રશાંતદેવ રાયના પુત્ર વિષદેવ રાય તેના નામની જેમજ હળાહળ વિષ જેવા સ્વભાવનો હતો. તેણે પોતાના દાદા અને પિતાના સંઘર્ષની ચપટી જેટલો સંઘર્ષ પણ અનુભવ્યો ન હતો. સમગ્ર રાધેટક સામ્રાજ્ય તેને સોનાની થાળીમાં મળી ગયું હતું. જે રીતે થીરુ વત્સલમ જેવા પંડિત અને વિદ્વાનની મિત્રતા બાળપણમાં મેળવીને કૃષ્ણદેવ રાયનો ઉદ્ધાર થઇ ગયો હતો તેનાથી સાવ વિરુદ્ધ વિષદેવ રાયને ખરાબ મિત્રોની સંગત બાળપણમાં જ લાગી ગઈ અને તેનું જીવન બરબાદી તરફ વધવા લાગ્યું.

પરંતુ રાજા જેવા રાજા વિષદેવનું જીવન જો બરબાદી તરફ આગળ વધતું હોય તો તેના ભાગ્ય સાથે જોડાયેલા તેના સામ્રાજ્ય રાધેટકનું ભવિષ્ય પણ તેની સાથે જ એ તરફ વધે તે સ્વાભાવિક છે. સહુથી પહેલાં પિતાના મોસાળ એવા કંકણરાષ્ટ્ર સાથે ખટપટ કરીને તેની સાથે સંબંધ બગાડ્યો. બે પેઢી સુધી રાધેટક સામ્રાજ્ય અને તેના મિત્રરાષ્ટ્ર એવા કંકણરાષ્ટ્ર વચ્ચે પ્રજા અને વ્યાપારીઓની આવનજાવન માટે કોઈ જ બંધન ન હતું તે વિષદેવના શાસન સંભાળવાની સાથે માત્ર છ મહિનાની અંદર જ લાગી ગયું. 

પારિવારિક સંબંધ હોવા છતાં કંકણરાષ્ટ્ર અને રાધેટક વચ્ચે ફરીથી સરહદો દોરી લેવામાં આવી, ફરીથી આ સરહદોની બંને તરફ સેનાઓ ખડકી દેવામાં આવી. કોઈ યુદ્ધ કે નાનું એવું છમકલું તો ન થયું, પરંતુ બંને રાજ્યો વચ્ચે સતત ભરેલો અગ્નિ અને અજંપાભરી શાંતિ તો રહેતી જ. પ્રજા અને વ્યાપારીઓ માટે બંને જગ્યાએ જવા-આવવા માટે આગોતરા પરવાના મેળવવા જરૂરી બન્યા. આ પરવાના આપવા માટે રાધેટકના અધિકારીઓ અપાર ભ્રષ્ટાચાર આચરવા લાગ્યા હતા.

આ બધું થયું વિષદેવના બાળપણના મિત્ર શ્રીરામૈય્યાને કારણે. વિષદેવના મનમાં વિષ ભરવાનું અને તેને આડે માર્ગે લઇ જવાનું કામ જાણે-અજાણે શ્રીરામૈય્યાએ તેના બાળપણથી જ શરુ કરી દીધું હતું. પોતાને રાજકાજનું કોઈજ જ્ઞાન ન હતું તેમ છતાં તે ફક્ત રાજા સાથેની ગાઢ મિત્રતાને આધારે તે વિશાળ રાધેટક સામ્રાજ્યનો મહાઅમાત્ય બની ગયો.

પરંતુ આ પ્રકારના શાસનને લોકો ક્યાં સુધી સહન કરે? પ્રજામાં તો અસંતોષ વધતો જ ચાલ્યો હતો. ઉત્તર અને પૂર્વ તરફના રાજ્યો હવે કુશાસન અને અસંતોષની ગંધ પારખી ગયા હતા. અહીંના સામંતો હવે રાધેટકને તેની અંતિમ સરહદોથી શરુ કરીને કીડીની જેમ ખાવાનું શરુ કરી ચૂક્યા હતા. આશાવનમાં બેસેલા વિષદેવ અને શ્રીરામૈય્યાને ખબર પણ ન પડી કે ક્યારે પૂર્વ રાધેટક તેમનાથી સ્વતંત્ર થઈને ત્રણથી ચાર સ્વતંત્ર રાજ્યોમાં પરિવર્તિત પણ થઇ ગયું.

વિષદેવ અને શ્રીરામૈય્યાને એમ હતું કે એ તરફથી ભલેને રાજ્ય ટૂંકું થવા લાગે, હજી આપણી પાસે દક્ષિણ આર્યવર્ષથી શરુ કરીને છેક હિમપ્રદેશ સુધીનું રાજ્ય તો છે! પરંતુ એમને એ ખબર ન હતી કે તેમના એક દાયકાના કુશાસને રાધેટકની ચાર સરહદોએ જ નહીં પરંતુ તેના હાર્દસમા એવા ગુજરદેશ રાજ્યમાં જ એવો અસંતોષ અને રોષની લાગણી ફેલાવી દીધી છે કે અહીં આવનારો ધરતીકંપ સમગ્ર રાધેટક રાજ્યને ખેદાનમેદાન કરી નાખશે. 

જ્યારે પણ કોઈ જબરદસ્ત ધરતીકંપ ધરતીને ધ્રુજાવે છે ત્યારે તેના કેન્દ્રબિંદુસમા વિસ્તારમાં સહુથી વધુ નુકસાન થતું હોય છે. એવી જ રીતે રાધેટક સામ્રાજ્યના કેન્દ્ર એવા ગુજરદેશ અને તેના પણ કેન્દ્ર એવા આશાવનથી થોડે દૂર આવેલા પલ્લડીગ્રામના એક યુવાન પાસે અત્યારે ફક્ત રાજા વિષદેવ રાય અને મહાઅમાત્ય શ્રીરામૈય્યા વિરુદ્ધ રોષ જ નથી પરંતુ તેની પાસે આ બંને વિરુદ્ધ સફળ બળવો કેવી રીતે પાર પાડવો તેની એક સંપૂર્ણ યોજના પણ છે.

ગુજરદેશના મૂળ વતનીઓમાં બળવાનો અગ્નિ પ્રગટાવવા માટે આ યુવાન પાસે હાથવગું અને સહુથી અસરકારક હથિયાર હતું જેનું નામ હતું ‘રાષ્ટ્રવાદ’! 

આ તરવરતા અશ્વ જેવા યુવાનનું નામ હતું, ‘રાજકરણ સિંઘ!’