સિંહાસન સિરીઝ
સિદ્ધાર્થ છાયા
Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.
સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય
સંઘર્ષ
પ્રકરણ – 5 રાજધાની નગરમ્
પોતાની પ્રજા સમક્ષ સત્ય જણાવીને ભીમા દેવા અને ચતુરે પ્રજાને તેમનું અને આશાવનનું ભલું નવી વ્યવસ્થામાં જ છે એ સમજાવી દીધું હતું. પોતાની સંસ્કૃતિ અને પોતાનો વારસો જીવંત રહેશે અને માનપાન જળવાઈ રહેશે એનાથી વધુ એ પ્રજાને બીજું કશું જોઈતું પણ ન હતું. આથી તેમણે પણ પોતાના રાજાની જેમ જ કૃષ્ણદેવ રાયને પોતાનો રાજા અને ગુજરાતના સેનાપતિ પ્રકાશ દંડ્ડને પોતાનો દંડનાયક સ્વીકારી લીધો. ત્યારબાદ રાત્રિભોજ માટે આવેલા કૃષ્ણદેવ, થીરુ વત્સલમ અને ભીમા દેવા સમક્ષ આ વનવાસીઓએ પોતપોતાની કળા અને સંસ્કૃતિ રજુ કરી અને પોતાના નવા શાસકને પ્રસન્ન કરી દીધો.
જે સરળતાથી સત્ય અને પરિસ્થિતિ બધે સમજાઈ ગઈ તેનાથી ભીમા દેવા, કૃષ્ણદેવ રાય, ચતુર અને થીરુ વત્સલમ આ તમામને આ મિત્રતાનો સંબંધ વર્ષો સુધી ચાલશે તેની ખાતરી થઇ ગઈ. ભોજન સમારંભ બાદ ચોકમાં થીરુ અને ચતુર ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા.
‘તમારી મહેમાનગતિથી હું અને મહારાજ બંને ગદગદ થયા છીએ, ચતુર સાહેબણજી. શું આપની સંસ્કૃતિ,શું આપની કળા! સાચું કહું તો, આશા મા ના દર્શન કરીને અમે બંને પાવન થઇ ગયા.’ થીરુ વત્સલમે ચતુરને કહ્યું.
‘તમ અમન મિત્ર કીધા ન હવે મે’માન મે’માન કરો સો?’ ચતુરે હસતાં હસતાં જવાબ વાળ્યો.
‘ક્ષમા, ક્ષમા ચતુરજી ક્ષમા.’ થીરુએ પણ પોતાના કાન પકડવાનો અભિનય કરતાં હસીને જવાબ આપ્યો.
‘પણ હું તમન ચ્યારનો જોવું સું, તમ કોઈ ચ્યન્તામાં લાગો સો. હું હાચું ઝોવું સું ને?’ ચતુરે થીરુ સામે જોઇને કહ્યું.
‘તમે ફક્ત નામના જ નહીં પરંતુ કામના પણ ચતુર છો. પણ ના, હું ચિંતામાં નથી પણ એક ગુંચવણમાં છું. સારું થયું તમે આ વાત સામે લાવ્યા, તમારા જેવો જ્ઞાની અને ગુજરદેશનો ખૂણેખૂણો ફરી વળેલો વ્યક્તિ મારી જોડે ઉભો છે અને હું નાહક ગૂંચવણ અનુભવી રહ્યો હતો.’ થીરૂએ માનપૂર્વક ચતુરના બંને હાથ પકડી લીધા.
‘બોલો થીરુજી, હું ગુંસવાડો સ તમન?’ ચતુરે પણ પ્રેમ પૂર્વક પૂછ્યું.
‘તમે જાણો જ છો કે મહારાજની એષણા તો સમગ્ર આર્યવર્ષ પર એકચક્રી શાસન સ્થાપવાનું છે. એ જ સ્થાપવા અમે દક્ષિણથી ઉત્તર તરફ ગુજરદેશ તરફ આવ્યા છીએ. પરંતુ ગુજરદેશની ભૂગોળ મને જરા ગૂંચવે છે.’ થીરૂએ શરુ કર્યું.
‘બોલો ન... હું હોમભ્રું જ સું.’ ચતુરને હવે આતુરતા થઇ.
‘હું, મહારાજ અને અમારા સેનાપતિ ડોડે હલ્લી એ વિચારે ચડ્યાં છીએ કે અહીંથી ઉત્તર જવું કે પશ્ચિમે મરુ તરફ જવું, કે પછી સુરાષ્ટ્રનો રસ્તો પકડવો? તમે તો અહીંના જ છો અને આ તમામ જગ્યાએ ફર્યા છો, હવે તમે જ કહો અમે શું કરીએ.’ થીરુએ પોતાની સમસ્યા જણાવી.
જવાબમાં ચતુરે સ્મિત કર્યું. પંડિત હોવાને કારણે થીરુ સમજી ગયો કે ચતુર પોતાની સમસ્યાને બરાબર જાણી ગયો છે અને તેના મનમાં પણ આ પ્રકારનો વિચાર, ભલે કોઈ બીજી રીતે, કોઈ બીજા સમયે જરૂર આવ્યો હતો અને તેની પાસે જવાબ તૈયાર હતો. તેણે હવે ચતુરને શાંતિથી સાંભળવાનું નક્કી કર્યું.
‘થીરુજી, જો મારું માનો તો આશાવનની ઉતર દીસાએ આવેલ ગુજરદેશના રાજ્યો પછી વધુ ઉપર રાજથોણા તરફ ઉપડો. મરુ અને સુરાષ્ટ્ર ભૂલી જ હાવ તો હારું.’ ચતુરે ટૂંકમાં પતાવ્યું.
‘કેમ એમ?’ થીરુને સમસ્યાના મૂળથી આવેલો ઉકેલ જોઈતો હતો.
‘મરુના રાજા અજીત સિંધણનો ગઢ સ મરુ પ્રદેશ. ભગવોને જ એન એવી વ્યવસ્થા કરી આપી સ કે એના રાજની ચારે બાજુ માટી જ માટી સ અને એ જ એની સુરક્સા. આપણી સેના આ કાળી ગરમીમોં ત્યોં ઝાય તો હમજી લો કે કાયમ મોટે એ જઈ. બીજું, એનું રાજ પણ કેટલું પોરું પોરું સ. તમઅ ઝુવો તો ખરા, ગુજરની હદથી છેક ત્યોં રાજથાણા લગી ન બીજી તરફ છેક પરસની ખાડી લગી એનું રાજ છે. તૈણ બાજુ ગરમોગરમ માટી ન એક બાજુ લોંબો સમદર. એને અડવા ઝાવ તો આપણી જ અડી જાય.’ ચતુરે સમજાવ્યું.
‘તો સુરાષ્ટ્ર?’ થીરુએ બીજા વિકલ્પ વિષે પૂછ્યું.
‘એ બધા આમ કહમ્બાના (કસુંબા) બંધાણી. વીરતા ભારોભાર પણ પોતપોતાનો ગઢ હાચવી ન બેઠા સ. પણ થીરુજી, એમનો એક એક કિલ્લો, જાણ ક લોઢાથી બનેલો હોય એટલો કાઠો. મા’રાજની પાંચ પેઢી એકલા ભાવ પરદેસના કિલ્લાને કાપવામ ખપી જાય. અને આ તો એકની જ વાત સ. બીજા ચાર તો એમનેમ એ ઉભોં ત્યોં અડીખમ.’ ચતુરે સુરાષ્ટ્રના મહાન અને મજબૂત પાંચ કિલ્લાના વખાણ કરી લીધા.
‘હમમ.. તમારી વાત સાચી છે ચતુરજી. એમનાં વિષે તો પછી પણ વિચારી શકાય. અમારો દંડનાયક હવે અહીં જ રહેશે એટલે એ આ રણનીતિ વિચારતો રહેશે. આવી અભેદ્ય જગ્યાએ સમય બગાડવા કરતા ઉત્તર તરફ જઈને નવા રાજ્યો જ ન જીતીએ? હું જાણતો જ હતો કે તમે મારી સમસ્યા આમ ચપટીમાં ઉકેલી નાખશો.’ આટલું કહીને થીરુ ચતુરને ભેટી પડ્યો.
***
રાજા-મહારાજાઓની વિસ્તાર વિકાસની એષણાઓ ઘણી વિશાળ હોય છે. મોટેભાગે જ્યારે આવા રાજાઓ કુમાર હોય ત્યારે તેમને આવી ઈચ્છાઓ જાગતી હોય છે, અને યુવાની આવતા અને પોતાના હાથમાં સેના અથવાતો રાજ આવવાની સાથે જ તે તેના પર અમલ કરવાનો શરુ કરી દેતા હોય છે. ઘણા સફળ જાય છે તો ઘણા નિષ્ફળ.
કૃષ્ણદેવ રાય જેવા વીર અને સફળ રાજાઓ જે એકપછી એક રાજ્ય પોતાના સૈન્યબળ દ્વારા અથવાતો પોતાની કુશળતાથી જીતી લેતા હોય છે કે પોતાના વિશાળ રાજ્યમાં જોડી દેતા હોય છે અને આગળ વધતા હોય છે. પરંતુ જીવન જ્યારે એક ખાસ વય વટાવી જાય છે ત્યારે સામાન્ય મનુષ્યોની જેમ રાજાઓ પણ પરિપક્વ થવા લાગે છે અને ‘બસ હવે બહુ જીતી લીધું’ એવી સંતોષની ભાવના તેમનામાં આવી જતી હોય છે.
ગુજરદેશ બાદ રાજથાણા, હરિત પ્રદેશ, પંચજલ સુધી અને છેક હિમપ્રદેશની તળેટી સુધીનું બધું જ જીતી લીધા બાદ જ્યારે પૂર્વ તરફ જવાનો વખત આવ્યો ત્યારે લગભગ બીજા પાંચ વર્ષ વીતી ગયા હતા. સતત પાંચ-સાત વર્ષ રાધેટકથી, કુટુંબથી, પત્નીથી અને બાળકોથી દૂર રહ્યા બાદ હવે કૃષ્ણદેવને એ બધું યાદ આવી રહ્યું હતું, એના સૈનિકો, સેનાપતિઓ, મંત્રીઓ અને રસાલાના તમામ સભ્યો પણ હવે થાક અનુભવવા લાગ્યા હતા તે એ સ્પષ્ટરૂપે જોઈ રહ્યો હતો. પરંતુ તેને એ સત્યની પણ જાણ હતી કે પોતાના આ વિશાળ રાજ્ય જે છેક દક્ષિણમાં મલયાળની સીમાથી ઉત્તરે લગભગ હિમપ્રદેશ સુધી વિસ્તરી ચૂક્યું હતું તેને દક્ષિણના છેક છેડે એટલેકે રાધેટકની રાજધાની બેંગારલથી તો કાબૂમાં ન જ રાખી શકાય. આથી તેના રાજ્યની બિલકુલ મધ્યમાં આવેલા કોઈ પ્રદેશમાં એ પોતાનું રાજધાની નગરમ્ સ્થાપે જેથી ચારેતરફ ચાંપતી નજર રાખી શકાય અને સૈન્ય અને અન્ય બાબતોનો યોગ્ય વહીવટ પણ થઇ શકે.
એક સાંજે કૃષ્ણદેવ, થીરુ વત્સલમ, મુખ્ય સેનાપતિ ડોડે હલ્લી, ભીમા દેવા અને ચતુર પંચજલના પ્રખ્યાત સૂર્ય મહેલમાં બેઠા હતા ત્યારે કૃષ્ણદેવે આ તમામને પોતાના મનની વાત કહી.
‘મિત્રો, હવે જ્યારે મેં નક્કી કર્યું છે કે બસ, હવે બહુ થયું અને આપણી કૂચ હવે અહીં જ રોકી દેવી છે, ત્યારે મને એ પણ ખબર છે કે હવે રાધેટક સામ્રાજ્યની અંતિમ સીમાઓ પણ નક્કી થઇ ગઈ છે. સમગ્ર ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય-પૂર્વ આર્યવર્ષનો અમુક ભાગ અત્યારે રાધેટક સામ્રાજ્યના ગૌરવવંતા ભાગ છે. આથી, ભૌગોલિક રીતે હવે એ જરૂરી બની ગયું છે કે આપણે આપણી નવી રાજધાની નગરમ્ ક્યાં હશે તેના વિષે વિચારીએ. આ માટે આપણા આ વિશાળ સામ્રાજ્યનું કેન્દ્ર મેં શોધી લીધું છે, જે વ્યવહારુ પણ છે અને વ્યૂહાત્મક રીતે પણ અતિશય યોગ્ય છે.’ કૃષ્ણદેવે સૂર્ય મહેલની બહાર વહી રહેલી સિંધણી નદી પર પડેલા આથમતા સૂર્યના કિરણો જોઇને કહ્યું.
‘મહારાજે જો નવા રાજધાની નગરમ્ અંગે નિર્ણય લીધો છે તો મને વિશ્વાસ છે કે એ સન્માન આપણા આ મહાન રાજ્યના કયા ક્ષેત્રને મળશે એ પણ એમણે જરૂર વિચારી લીધું હશે.’ બાળપણથી જ કૃષ્ણદેવની રગેરગ ઓળખતો એનો મિત્ર અને મહાઅમાત્ય થીરુ વત્સલમ બોલી પડ્યો.
‘હા, થીરુ તું બરાબર સમજ્યો છે. મેં એ નિર્ણય પણ કરી લીધો છે. આજે સવારે મેં આ બાબતે આપણા સૈન્ય સાથે સતત ચાલતા અને આપણી સેનાને ભૌગોલિક માર્ગદર્શન આપતા આપણા ભૂગોળશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી છે અને એમની સલાહ પર પૂરેપૂરો વિચાર કર્યા બાદ એક નાનકડા સ્થાન પર મારી નજર અને મન બંને ઠર્યા છે, જેને આવનારા દિવસોમાં રાધેટકની ભવ્ય તેમજ ન ભૂતો ન ભવિષ્યતિ એવા રાજધાની પુરમ્ તરીકે વિકસાવવામાં આવશે.’
‘તો મહારાજ આપની આજ્ઞાની અમને પ્રતીક્ષા રહેશે. આપ કહો તે વિસ્તારને અને કહો તેટલા વિસ્તારને ઘેરી લેવા માટે આપણું સૈન્ય તૈયાર છે જે આપણી આવનારી નવી રાજધાની નગરીની સીમાઓ બનશે.’ મુખ્ય સેનાપતિ ડોડે હલ્લીએ કૃષ્ણદેવને નમન કરીને કહ્યું.
‘આશાવન!’ કૃષ્ણદેવના મુખમાંથી આ શબ્દ નીકળ્યો અને અહીં બેસેલા તમામના ચહેરાઓ પર ખાસકરીને ભીમા દેવા અને ચતુરના ચહેરા પર એક પહોળું સ્મિત આવી ગયું.