સિંહાસન સિરીઝ
સિદ્ધાર્થ છાયા
Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.
સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય
સંઘર્ષ
પ્રકરણ – ૩ સંધિ
‘ભીમા રાજા, રાજા કૃષ્ણદેવ રાય સમગ્ર આર્યવર્ષમાં પોતાનું શાસન સ્થાપવા માંગે છે એ ખરું, પરંતુ માનવતાના ભોગે અથવાતો મિત્રતાના ભોગે તો જરાય નહીં. આપણી વાત આગળ વધે એ પહેલા મહારાજ અમુક સ્પષ્ટતા કરી લેવા માંગે છે.’ થીરુ વત્સલમે અત્યારસુધી રહેલી અબોલ શાંતિનો મજબૂત બની રહેલો બરફ તોડ્યો.
જવાબમાં ભીમા દેવા અને ચતુર બંનેએ હકારમાં પોતાના ડોકાં હલાવ્યા અને રાજા તરફ જોયું.
‘રાજાઓ, મહારાજાઓની વિસ્તાર વિકાસની ઈચ્છાઓ હોય જ, પરંતુ મારે માટે મિત્રતા વધુ મહત્વ ધરાવે છે. આથી જ હું કોઇપણ રાજ્ય પર આક્રમણ કરતા અગાઉ એ રાજા પાસે મારા દૂત દ્વારા મિત્રતાનો સંદેશ મોકલું છું. આપને ત્યાં પણ આજે સવારે જ થીરુને મારો દૂત બનાવીને મોકલવાનો હતો, પરંતુ એમ બને તે પહેલા આપ સામેથી પધાર્યા ભીમા દેવા, એ સાબિત કરે છે કે તમે પણ અકાળ અને અનિચ્છનીય લડાઈને બદલે મિત્રતામાં તો માનો જ છો, બિલકુલ મારી જેમ જ.’ કૃષ્ણદેવે પોતાની બાજુમાં બેસેલા ભીમા સામે જોઇને કહ્યું.
પહેલા થીરુ અને પછી કૃષ્ણદેવ આ બંનેએ અગાઉથી જ સંધિ પ્રસ્તાવ સ્વીકારી લેવાનું નક્કી કરીને આવેલા ભીમા દેવા અને ચતુર પાસે સંધિ સ્વીકારવા માટે થઇ રહેલી આ ગોળગોળ વાતને સ્વીકારી લેવા સિવાય બીજો કોઈજ વિકલ્પ ન હતો. જો કે ભીમાનો એક રાજા તરીકેનો અહમ હજી પણ તેને જાતે સંધિ સ્વીકારવાનું કહેવાથી રોકી રહ્યો હતો, ચતુર એ સમજતો હતો એટલે એણે જ વાત આગળ વધારી.
‘અમઅ હોમેથી શંધી કરવા સેક વડાઈદ પોંચવાના હતા, પણ દેવને અમુક સંકા હતી એનું શમાધાન આજ દિ લગી નથી થયું, અટલે આટલી વાર લાગી.’ ચતુરે સંધિ પ્રસ્તાવ તરફ પહેલું ડગલું માંડ્યું.
‘કેવી શંકા ચતુર સાહેબણજી?’ થીરુએ વધુ પળની શાંતિ ન છવાય તેનું ધ્યાન રાખ્યું.
‘એમ જ કે તમારા શુબા બન્યો પસી, અમારા દેવાના મોનપોનનું હું? હત્તર પેઢીથી આસાવન પર રાજ કરનાર ઓમ હાવ શુબો બની ન રે’ તે ઈની પરજાને હું મોઢું દેખાડઅ?’ ચતુરે ભીમા દેવાની શંકાને વ્યવસ્થિત શબ્દોમાં રજૂ કરી.
ભીમાએ પણ ચતુર સામે જોઇને હકારમાં ડોકું હલાવ્યું.
‘જુઓ, દેવા રાજા અને ચતુરજી, મહારાજે કહ્યું તેમ મિત્રતા એમના માટે વધુ મહત્વની છે. સુબો તો ફક્ત એક પદ છે રાજકાજ ચલાવવા માટે. તમે જ્યારે અમારા તામ્રપત્ર પર તમારી મુદ્રા છાપશો ત્યારે તમે સુબા તો આધિકારિક રીતે બનશો જ પરંતુ અમારા મહારાજની મિત્રયાદીમાં પણ સામેલ થઇ જશો. મહારાજ આટલું વિશાળ રાજ્ય ત્યાં રાધેટકથી એકલા તો ચલાવી ન શકે? એટલે તમે તેમના પ્રતિનિધિ થઈને આશાવનનો કારભાર ચલાવજો.’ થીરુએ બને તેટલા સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘હમજી ગયા, પણ વેવારનું સું?’ હવે ભીમા દેવાએ પ્રશ્ન કર્યો.
‘અમે જાણીએ છીએ ભીમા રાજા કે તમારું આદિવાસી રાજ્ય છે આથી તમે મહેસુલ પદ્ધતિ વગેરેમાં માનતા નથી. તમારા રાજ્યે અમને કશું જ આપવાનું નથી. ફક્ત ભવિષ્યમાં જ્યારે પણ અમારી સેના, અમારો કોઈ મંત્રી કે મહારાજ આ તરફ આવે ત્યારે અમુક દિવસો તેમના ભોજન, રહેવાની અને મનોરંજનની વ્યવસ્થા તમારે કરી આપવાની રહેશે, આટલું જ તમારું કામ. અમારી સેના, અમારો મંત્રી આશાવનની સંસ્કૃતિ અને સન્માનને જાળવશે એ અમારું તમને અત્યારે જ વચન. પરંતુ, મહારાજની તો બીજી જ ઈચ્છા છે.’ છેલ્લે થીરુએ મમરો મૂક્યો અને ભીમો દેવો અને ચતુર બંને ચમકી ગયા.
બંનેને લાગ્યું કે ક્યાંક કૃષ્ણદેવ અને થીરુએ છેલ્લે કોથળામાંથી બિલાડું તો નથી કાઢ્યુંને? તેઓ બંને ચકળવકળ ડોળા સાથે કાંઈક અધીરાઈથી કૃષ્ણદેવ અને થીરુ સામે જોઈ રહ્યા.
થીરુ આ બંનેના મનમાં ચાલી રહેલી ગૂંચવણ સમજી ગયો હતો કારણકે એણે જ આ ગૂંચવણ જાણીજોઈને ઉભી કરી હતી. તેણે સ્મિત સાથે કૃષ્ણદેવ રાય સામે જોયું.
‘ભીમા રાજા, તમારું આશાવન ભલે નાનકડું રાજ્ય હોય પણ તમારી અને તમારી પ્રજાની વીરતા ખાસ કરીને છુપાઈને યુદ્ધ કરવાની કલામાં રહેલી તમારી હોંશિયારી અમારા દક્ષિણ આર્યવર્ષ સુધી પહોંચી છે હોં. વળી, ચતુર સાહેબણજીએ જે રીતે ગુપ્તચરોની એક મજબૂત અને જીવંત જાળ ઉભી કરી છે તેના પર તો અમારા આ થીરુ વત્સલમ સમ ખાવા પણ તૈયાર છે.’ કૃષ્ણદેવ આગળ બોલતા જરાક રોકાયો.
પરંતુ ભીમા દેવા અને ચતુરના શ્વાસ થંભી ગયા હતા. તેમને ખબર નહોતી પડતી કે આગળ કૃષ્ણદેવ શું કહેશે.
‘તો મારી ઈચ્છા એવી છે કે આપ, ભીમા રાજા, અમારી સેનામાંથી હજાર-બે હજાર, કે પછી જેટલી સંખ્યા આપને યોગ્ય લાગે એટલી, એટલા અમારા સૈનિકોને તમારી આ છુપી આક્રમણની કળાને સમજવાનું પ્રશિક્ષણ આપો. આ પ્રશિક્ષણ આપ અમારી સેના સાથે જોડાઈને ત્યારે જ આપો જ્યારે અમે અહીંથી આગળની તરફ કૂચ કરીએ. તમે અમારી એ સૈન્ય ટૂકડીના માનવંતા સેનાપતિ બનો. અને ચતુરજી, આપ ભીમા રાજાની જેમ જ અમારી સેનામાંથી તમારી પસંદગીના વ્યક્તિઓને ગુપ્તચર કેમ બનવું એ શીખવાડો અને આપ અમારી એ ટુકડીના નાયક બનો. જો આપ બંને આપની આ બંને લાક્ષણીકતાઓનો લાભ અમને આપશો તો મારું સમગ્ર આર્યવર્ષને પરિવર્તિત કરવાનું સ્વપ્ન બહુ જલ્દીથી સાકાર થઇ જશે એવો મને વિશ્વાસ છે.’
‘મા’રાજની વાત તો અમ સમજી જ્યા, પણ જો અમ તમાર સાથે રૈસુ તો આસાવનનો શુબો કુણ બનસે? અમારી સેનાનું રણીધણી કુણ? અમારી પરજાનું હું? અમ ઈને હું જવાબ આલીસું?’ ચતુરે સ્વાભાવિક પ્રશ્ન કર્યો.
‘આશાવનનો સુબો અમારો જ વ્યક્તિ જયપ્રકાશ દંડ્ડ બનશે. તમારી સેના એ ભીમા રાજાની જે નવી સેના બનશે તેના પહેલા સભ્યો હશે, એ લોકોમાંથી જે અનુભવી હશે એ અમારા સૈનિકો જે આ સેનામાં જોડાશે તેમને શીખવાડશે. તમે પણ ચતુરજી તમારા સૈનિકોમાંથી કે અત્યારે જે તમારા ચર બનીને સમગ્ર આર્યવર્ષમાં ફરી રહ્યા છે તેમને તમારી ગુપ્તચરોની ટુકડીમાં લઇ શકો છો. એટલે એમના જીવન જીવવાનો પ્રશ્ન તો નહીં જ રહે. તમારી બાકીની પ્રજા, પુરુષો, સ્ત્રીઓ, બાળકો એમનાં રોજીંદા જીવનમાં કોઈ જ પરિવર્તન નહીં આવે, બલ્કે એમનું જીવનધોરણ કેમ સુધરે એની જવાબદારી હું થીરુ વત્સલમ લઉં છું. તમે જોજો એક દિવસ આ આશાવનની પ્રજા સમગ્ર આર્યવર્ષમાં સહુથી હોંશિયાર અને વ્યાપારી પ્રજા તરીકે માન પામશે. એનો પાયો હું જાતે નાખીશ. પ્રજા તમારી છે, એટલે એને જવાબ આપવાની જવાબદારી તમારી છે, પરંતુ જો આશાવન જ નહીં રહે તો પ્રજા ક્યાંથી રહેશે? આટલી સરળ વાત ચતુર સાહેબણજી તમે તમારી પ્રજાને તો સમજાવી જ શકશો એનો મને વિશ્વાસ છે.’
ભીમો દેવો અને ચતુર સંધિ ન કરવા વિષે ઘડીભર પણ ન વિચારે એ માટે છેલ્લે થીરુએ એક નાનકડી ધમકી ઉચ્ચારી જ દીધી.
ચતુરે ભીમા દેવાને આંખના ઈશારે સમજાવી દીધો કે હવે આપણી પાસે હા પાડવા સિવાય અને તમામ શરતો સ્વીકારવા સિવાય બીજો કોઈજ વિકલ્પ બચ્યો નથી. મરવા કરતાં કૃષ્ણદેવ રાયની બે સાવ નવી સેના ટુકડીઓના સેનાપતિ બનીને પોતે તો સન્માનીય જીવન જીવશે જ પરંતુ એમનાં નાનકડા રાજ્યની સાવ ઓછી વસ્તી ધરાવતી પ્રજાનો નાશ થતા પણ બચાવી લેશે.
‘તો...?’ ભીમા દેવા અને ચતુર વચ્ચે બે-ત્રણ પળની આંખોથી થયેલી વાત જોઈ રહેલા થીરુ વત્સલમે આ વાતચીતનો ભંગ કરતાં પૂછ્યું.
ચતુરે ભીમા દેવાને વાત કરવાનો આંખેથી જ ઈશારો કર્યો.
‘મા’રાજ, અમ વનવાશી, અમન વધુ ખબર ના પડે, પણ તમારી અને આ થીરુભ’ઈની વાત હોમ્ભરીને મન એટલું તો હમજાઈ જ્યુ સ ક જીવતા રૈસું તો પરજાને હાચવી હક્સું. મુવે અમ તો નરકે જૈસું જ પણ પરજાને પણ દવમાં નોખીન જૈસું. અમન તમારી સરત માન્ય સ.’ આટલું બોલતાં જ ભીમો દેવો પોતાના આસન પરથી ઉભો થઇ ગયો. એનું માથું નમેલું હતું અને એના હાથ કૃષ્ણદેવ રાય સામે જોડાયેલા હતા.
રાધેટકનો રાજા કૃષ્ણદેવ રાય, જે માનવીય મૂલ્યોને બહુ સારી રીતે સમજતો હતો, તેને ખ્યાલ આવી ગયો કે ભીમા દેવાને એક પળ પણ એવું ન લાગવું જોઈએ કે આજથી એ તેનો ચાકર બની ગયો છે. દરેક રાજાને પછી તે ભલેને હારેલો, પકડાયેલો કે સંધિ સ્વીકારનાર રાજા હોય તેના આત્મસન્માનને જરા પણ ઠોકર ન લાગવી જોઈએ.
કૃષ્ણદેવ બીજી જ પળે પોતાના સિંહાસન ઉપરથી ઉભો થઇ ગયો અને ભીમા દેવાને વળગી પડ્યો.
‘મારા મિત્ર વિશ્વમાં તમારું સ્વાગત છે ભીમા દેવા!’ કૃષ્ણદેવ રાયે ભીમના કાનમાં હળવેથી કહ્યું.
તેમની બરાબર સામે થીરુ વત્સલમ અને ચતુર પણ ભેટી પડ્યા હતા.