Sangharsh - 3 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 3

Featured Books
Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 3

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ –  ૩ કૃષ્ણદેવની છાવણીમાં

 

ભીમા દેવા અને ચતુરના ઘોડા કૃષ્ણદેવ રાયના શિબિરના સામે કાંઠે ઉભા રહ્યા ત્યારે સુરજ ઊગું ઊગું થઇ રહ્યો હતો. આકાશમાં એ આવી રહ્યો છે તેના સંકેતરૂપે આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. જેઠ મહિનામાં હરણમતિ સાવ સુકીભઠ્ઠ હોય એટલે આ બંનેને સામે કાંઠે ઘોડા ઉપર જ જવાનું હતું. જોકે દર વર્ષે ફક્ત ચાર-છ મહિના માટે આવનારા પાણીની આશાએ આજીવિકા રળતા નાવિકોએ આજે પણ બંને કાંઠે પોતપોતાની હોડીઓ જરૂર લાંગરી રાખી હતી. 

નદીના પટમાં ઘોડાને આગળ વધવાનો સંકેત આપતા પહેલા ભીમો દેવો હજી પણ થોડી શંકામાં હતો અને કૃષ્ણદેવને મળીને લડવા પહેલા જ શરણાગતિ સ્વીકારી લેવી કે કેમ એ વિષે વિચારી રહ્યો હતો. ચતુર કાયમની જેમ આ સંકેત પારખી ગયો. 

‘દેવ, અત્તારે જ આ સુકી રણ જેવી હરણમોં જો નઈ ઉતરો તો પરમ દી’ આસાવન પણ આવું જ દીઠસો! કદાસ આપણી પરજાનું લોઈ નદી બની ન ચોક્કસ દોડતું હસે.’ ચતુરે ભીમા દેવાની આંખમાં આંખ નાખીને સ્પષ્ટ શબ્દોમાં પોતાનાથી બને તેટલો ભાર મૂકીને બોલ્યો. 

‘હેંડો તાણ.’ ભીમો આટલું જ બોલ્યો ને ઘોડાને દોડતો કર્યો. ચતુરનો ઘોડો પાછળ દોડ્યો. 

***

કૃષ્ણદેવ રાયની છાવણી વિશાળ હતી. ચાલીસ-પચાસ હજારનું સૈન્ય લઈને આટલું લાંબુ અંતર કાપવું અને એ પણ યુદ્ધ લડતા લડતા એ નાનીસુની ઘટના ન હતી. તેની સેના અડધો લાખની હતી પણ તેની સાથે ચાકરો, સેવકો, સેવિકાઓ, નૃત્યાંગનાઓ, કલાકારો, બગડેલા શસ્ત્રો સરખા કરનારાઓ, હાથી-ઘોડા અને ઊંટ-ઊંટડીઓને સંભાળનારાઓ, રસોઈયાઓ આ બધા પણ ખરા. સો વર્ષ સુધી પોતાની પેઢીને રાજ્ય વધારવું ન પડે એવા કૃષ્ણદેવ રાયના આ મહાન સપનાને સાકાર કરવું અઘરું હતું, પણ તે માટે તેના પ્રયાસો અને તેના વ્યવસ્થાપનમાં કોઈજ કમી ન હતી. 

આ મહાન વ્યવસ્થાપન અને પ્રયાસોને પોતાની કુશાગ્ર બુદ્ધિ અને કૌશલ્યથી તેને સરળ બનાવ્યા હતા કૃષ્ણદેવના મહાઅમાત્ય થીરુ વત્સલમે. થીરુ વત્સલમ મૂળ થાલાદેશનો વતની, પણ એના માસીની દીકરી મત્સ્યા એ કૃષ્ણદેવની ફઇ થાય. મત્સ્યાને પોતાના નાનકડા ભાણેજ સાથે પહેલેથી જ ખૂબ બનતું અને થીરુનું પણ એવું જ. બંને માસી-ભાણેજ એકબીજા વગર ન રહી શક્યા એટલે કૃષ્ણદેવના દાદા વરુણદેવ રાય સાથે લગ્ન થયાના મહિના બે મહિનામાં જ મત્સ્યાએ પોતાના બહેન-બનેવી સાથે થીરુને પણ રાધેટક બોલાવી લીધો. રાધેટકના નિવાસીઓ આજે પણ ખાનગીમાં થીરુ વત્સલમ દાદા મહારાજના આણામાં આવ્યો હોવાનું બોલતા અને મજા કરતા. 

કૃષ્ણદેવ અને થીરુ બંનેની ઉંમર સરખી એટલે સાથે ભણ્યા, સાથે રમ્યા અને સાથે શસ્ત્ર ચલાવતા પણ શીખ્યા અને આથી બાળપણથી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ. જ્યારે કૃષ્ણદેવ રાયના પિતા રામદેવ રાય ઉંમરને કારણે પરલોક ચાલી ગયા અને પોતે રાધેટકનું વિશાળ સામ્રાજ્ય સાંભળ્યું ત્યારે પિતાના બુઢ્ઢા મંત્રીઓ અને અમાત્યોને બદલવાનું કામ એણે સહુથી પહેલા કર્યું. 

શારીરિક અને માનસિક રીતે જરીપુરાણા થઇ ગયેલા મંત્રી મંડળના મૂંગા પણ કઠણ વિરોધનો સામનો કરીને અને મક્કમ રહીને કૃષ્ણદેવે પોતાના પરમ સખા પંડિત થીરુ વત્સલમને પોતાનો મહાઅમાત્ય પસંદ કરી લીધો. આમ પંડિત પણ રાજકાજના જાતઅનુભવ વગરનો થીરુ રાજાને શું સલાહ આપવાનો એવી વાત રાધેટકીઓ કરતા. એમણે તો એમ પણ ભાખી લીધું હતું કે આવા બિનઅનુભવી રાજા અને તેના જેવા જ બિનઅનુભવી મહાઅમાત્યના રાજને જોઇને હવે છ-આઠ મહિનામાં આસપાસના રાજાઓ આપણા ઉપર આવશે અને રાધેટક હતું-નહતું થઇ જશે. 

પરંતુ પરાક્રમી કૃષ્ણદેવ અને તેના હ્રદય અને મગજ બની ગયેલા થીરુ વત્સલમે તમામ અટકળો ખોટી પાડી અને ફક્ત પ્રજાને જ નહીં પરંતુ પડોશી રાજ્યોને અને જૂના મંત્રીઓ અને અમાત્યોને પોતાની શાસન શૈલીથી ગદગદ કરી દીધા અને અમુક જ વર્ષમાં રાધેટકને વધુ મજબૂત બનાવ્યું.

પોતાનો વિશ્વાસ ખરો પાડવા બદલ કૃષ્ણદેવને પણ થીરુ પર અનહદ માન હતું. એ રાજ્ય અને રાજકારણની ચર્ચા કરતી વખતે કે રાજદરબારમાં થીરુનો રાજા હતો પણ અંગત વાતચીત દરમ્યાન એ થીરુનો કિસલો જ હતો. 

નવું રાજ્ય જીતી લીધા બાદ અથવાતો કોઈ રાજા શરણાગતિ સ્વીકારે તો નવા રાજ્યમાં પોતાની ઉદાહરણરૂપ શાસનવ્યવસ્થા બેસાડવાની અથવાતો સંધિની શરતો નક્કી કરવાની સઘળી જવાબદારી કૃષ્ણદેવે થીરુ વત્સલમ પર મૂકી દીધી હતી.તામ્રપત્ર પર થીરુ દ્વારા લખવામાં આવેલી આ વ્યવસ્થા એટલી તો સરળતાથી ચાલી રહી હતી કે કૃષ્ણદેવ ફક્ત આવનારા યુદ્ધની રણનીતિ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન એકત્રિત તેમજ કેન્દ્રિત કરી શકતો. કૃષ્ણદેવ જે રીતે એક પછી એક રાજ્ય સરળતાથી જીતી રહ્યો હતો તેની પાછળ ચોક્કસ એની વીરતા જવાબદાર હતી પરંતુ થીરુ વત્સલમની મુત્સદ્દીગીરીની સફળતા જરાય ઓછી ન હતી. 

આશાવન જેવા વનવાસી અને સાવ નાના પ્રદેશની નાનકડી સેના પર પોતાનો વિજય નિશ્ચિત હતો, પરંતુ વનવાસીઓના અકળ સ્વભાવથી પરિચિત એવા કૃષ્ણદેવ અને થીરુ વત્સલમે જો અશાવનનો રાજા ભીમો દેવો કોઈ પ્રસ્તાવ લાવે તો તેના પર સકારાત્મક વિચાર કરવો એ માટે પણ તૈયાર હતા.

થીરુની યોજના એવી હતી કે ભોળા વનવાસીઓ એમનાં બોલાવે તો વાત કરવા નહીં જ આવે, એટલે એવું વાતાવરણ ઉભું કરવું કે તેઓ સામેથી ચર્ચાની ઈચ્છા કરે. આ કારણસર જ તેમણે પોતાના સૈન્યમાં વાત ફેલાવી દીધી હતી કે થાકને લીધે બે-ત્રણ દિવસ પછી તેઓ આશાવન પર ચડાઈ કરવાના છે.

આ ઉપરાંત થીરુને એ વાતની પણ ખબર હતી કે આશાવન ભલે નાનકડું રાજ્ય હોય પણ તેના ચર સમગ્ર આર્યવર્ષમાં ફરતા હોય છે અને કશું નવાઈ જેવું લાગે તો ઝડપી ઊંટડીઓ પર માણસ મોકલી ભીમા દેવાને સંદેશ મોકલી આપતા જ્યારે અત્યારે તો તેઓ આશાવનની હદમાં આવીને બેઠા છે એટલે ભીમા દેવાને ચોક્કસ સમાચાર મળી ગયા હશે. થીરુને તો ચતુરની ચતુરાઈ વિષે પણ ખબર હતી અને એના પ્રત્યે અને તેણે ઉભા કરેલા અસામાન્ય ગુપ્તચર વિભાગ વિષે તે અલગ સન્માન ધરાવતો હતો. 

‘નીવુ વત્સલમ, બહાર બે જણા આવ્યા છે. એક પોતાને આશાવનનો રાજા ભીમા દેવા કહે છે અને બીજો તેનો મંત્રી ચતુર હોવાનો દાવો કરે છે.’ પોતાના તંબુની બહાર ચોકી કરતા ચોકીદારે આવીને થીરુ વત્સલમને સમાચાર આપ્યા. 

(નીવુ એ રાધેટકની ભાષામાં કોઈને સન્માન આપતો શબ્દ છે.)

‘એમને પૂરા સન્માન સાથે રાજાજીની છાવણીમાં જે રાહ જોવાની જગ્યા છે ત્યાં લઇ જાઓ, હું હમણાં પહોંચ્યો.’ થીરુની આંખમાં એક અલગ જ ચમક હતી અને તેના ચહેરા પર સ્મિત હતું જાણેકે એને ખબર જ હતી કે આશાવન તરફથી મોટેભાગે આ બંને જ યુદ્ધની સ્થિતિ ઉભી થતાં જ આવી જશે.

ચોકીદાર ભીમા દેવા અને ચતુરને સન્માનપૂર્વક રાજાના વિશાળ તંબુમાં આગંતુકોને બેસવાની જગ્યા સુધી લઇ ગયો અને તેમને પ્રણામ કરીને પોતાના સ્થાન તરફ જતો રહ્યો. 

આટલું બધું સન્માન મળવાથી ભીમા દેવાની ચિંતા થોડી ઓછી થઇ અને તેને ચતુરની બીજી વાત પણ યાદ આવી કે કૃષ્ણદેવ ભલે પોતાની હદ વધારવામાં માને છે પણ માનવતાને ભોગે નહીં, એને પોતાના દૂરંદેશી મંત્રી પર માન વધી ગયું. 

‘પધારો રાજા ભીમા દેવાજી અને મંત્રીશ્વર ચતુર સાહેબણજી.’ ભીમો હજી વિચારતો જ હતો ત્યાં અંદરથી થીરુ વત્સલમ પોતાના બંને હાથ જોડતો તેમની પાસે આવ્યો. 

કૃષ્ણદેવ રાય જેવા મહાન રાજાનો મહાઅમાત્ય આટલો નમ્ર છે તો રાજા તો કેટલો નમ્ર હશે એ વિચારીને ભીમા દેવાના મન પર રહ્યો સહ્યો ભાર પણ ઉતરી ગયો. એને એ પણ ગમ્યું કે થીરુએ પોતાના નામ પાછળ જી લગાડ્યું અને ચતુરનું આખું નામ બોલીને એની પાછળ પણ જી લગાડ્યું.

થીરુ વત્સલમ ભીમા દેવા અને ચતુર બંનેને સંપૂર્ણ સન્માન સાથે આ વિશાળ તંબુમાં રાજ કૃષ્ણદેવ રાયના કક્ષમાં લઇ ગયો. રાજા તો જાણે આ બંનેની રાહ જોઇને જ બેઠો હોય એમ ઉમળકાથી પોતાની ગાદી પરથી ઉભો થઇ ગયો અને ભીમા દેવાના બંને હાથ પકડી લીધા. ભીમા દેવાએ રાજાની આંખમાં ગજબની શાંતિ અને પ્રેમ જોયા, જોઇને એ તો ત્યાં જ ગદગદ થઇ ગયો. 

રાજાએ અને થીરૂએ આ બંનેને રાજાની ડાબી બાજુની ગાદી પર બેસાડ્યા. થીરૂએ તાલી પાડી અને અંદરથી ફળો અને પીણાં લઈને દાસીઓ આવવા લાગી અને ભીમા અને ચતુર સામે એક પછી એક થાળી મુકવા લાગી. 

વિવિધ પ્રકારના ફળો અને પીણાંઓના વાસણો જોઇને ભીમો તો આભો જ થઇ ગયો. ચતુર આ બધા ફળો અને પીણાંઓ પોતાની અસંખ્ય યાત્રાઓ દરમ્યાન જોઈ અને માણી ચૂક્યો હતો એટલે એ નિર્લેપભાવે બધું જોઈ રહ્યો. જો કે ચતુરને રાજા કૃષ્ણદેવ ભલે દયાળુ રાજા હોય પણ પોતાના દેવની આટલી મોટા પાયે આગતાસ્વાગતા કરશે એવી કોઈ જ આશા ન હતી.   

કૃષ્ણદેવ અને થીરુ વત્સલમ વિષે વિશેષ જ્ઞાન હોવા છતાં હવે ચતુરને આ બંનેના આ પ્રકારના વર્તનને લીધે થોડી શંકા થવા લાગી, તો બીજી તરફ ભીમા દેવા આવું સ્વાગત જોઇને કૃષ્ણદેવની તમામ શરતો માનવા અત્યારથી જ તૈયાર થઇ ગયો હતો.