Speech break! And of feeling,....? in Gujarati Human Science by Nency R. Solanki books and stories PDF | વાણીનો વિરામ! અને લાગણીનો,....?

Featured Books
Categories
Share

વાણીનો વિરામ! અને લાગણીનો,....?

વાણીને તો વિરામ આપ્યો પરંતુ લાગણીના વિરામ નું શું એ ક્યારેય વિચાર્યું? કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ લાગણીઓની બાબતમાં ઠોકર ખાય ત્યારે વેદનાભર્યો અહેસાસ કઈ રીતે બહાર લાવવો એ માટે મથતો હોય છે. ઘણીવાર આ અનુભવોને કોઈની સમક્ષ ઢાળી શકાતો નથી. ત્યારે આ ચિતરેલા અનુભવોને ઢાળવા એક અલગ જ પરિભાષા ઉભરીને બહાર આવે છે અને કદાચ એમાંનું જ એક એટલે લેખન!
માનો કે ના માનો પરંતુ એક વાત તો અનુભવથી ચોક્કસ જણાવીશ કે લાગણીઓને શબ્દરૂપી માળામાં મોતી જેમ પરોવ્યા બાદ ખરેખર લાગણીઓમાં આવેલા જ્વાળારૂપી ઘોડાપૂરને થોડે ઘણે અંશે તો જરૂરથી ઠારી શકાય છે.
જ્યારે માળા પરોવાતી હોય ત્યારે તેની શરૂઆતમાં પ્રથમ મોતી પરોવાયું હોય ત્યારનો આનંદ અને અંતિમ મોતી પરોવાયા બાદ સંપૂર્ણ માળા તૈયાર થઈને જે આનંદ પ્રાપ્ત થાય છે તેવો જ આનંદ નહીં પરંતુ હળવાશ કહી શકાશે કે જે લખાણના અંતિમ શબ્દ સાથે થાય છે.
લાગણીને વિરામ ક્યારે મળે? લાગણી એક માનસિક ભાવ છે. એ સકારાત્મક કે નકારાત્મક હોઈ શકે. પ્રેમ, દયા, ધૃણા, ઈર્ષા, સહાનુભૂતિ, આનંદ અનેક પ્રકારની લાગણીઓથી વ્યક્તિ સદંતર ઘેરાયેલો હોય છે. લાગણીને વ્યક્ત કરવી એ સારી બાબત છે. પરંતુ ઘણીવાર માત્ર ચુપકીદીમાંજ લાગણીઓનું મહત્વ જળવાઈ રહેતું હોય છે.
આપણી લાગણીને કોઈ આત્મસાત કરી શકે તેવો વિસામો મળે તો? શું એ વિસામો જ પ્રેમ છે? એવો પ્રશ્ન પણ થાય ખરો! પણ અંતેતો પ્રેમ પણ એક લાગણી જ છે જે વ્યક્તિ આપણી લાગણીઓને સમજીને તથા તેને આદર આપીને આપણી સાથે સાનુકૂળ વર્તન કરે તેના પ્રત્યે સ્વાભાવિક રીતે એક અલગ જ પ્રકારનું જોડાણ અનુભવાય છે. એ વ્યક્તિ જ્યારે આપણી ઉપર લાગણી વરસાવે, જરૂરિયાતને સમજે ત્યારે એવું પણ ફીલ થાય કે પોતાનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. જાણે એ વ્યક્તિ આપણા જીવનના તમામ અંધકારને મિટાવીને અજવાળા તરફ લઈ જવા માટે પ્રયાણ કરતો હોય છે એવો એક તાજગીભર્યો અનુભવ થાય છે. ત્યારે એ વ્યક્તિ આપણને ખરેખર એક વરદાનરૂપી વિસામો જ લાગે છે ખરું ને!
પણ ઘણીવાર એ જ વરદાનરૂપી વિસામો ફરી જીવનમાં અંધકાર ઢાળે તો? ઘણા પ્રશ્નો ઊભા થાય.....
જે વ્યક્તિ આપણને ખૂબ જ સારી રીતે સમજતો હતો એ હવે સમજવાનું બંધ કરી દે છે એવું લાગે કે જે વ્યક્તિ માત્ર આપણા હાવભાવ દ્વારા જ સમજી જતો તેના માટે હવે આપણા શબ્દો પણ પૂરતા સાબિત થતા નથી.
"શબ્દેશઃ સમજાવું છતાંય સમજતા નથી એ,
નિ:શબ્દ સમજવાના વચન આપે છે જે!"
ખરેખર લાગણી હોય તો સમજાવવું પડે? અને જો સમજાવવું પડે છે તો લાગણી છે ખરી? જો આવું વિચારતા અને આ પ્રશ્નોના જવાબ મેળવતા થઈ જઈએ તો લગભગ મહદઅંશે પ્રશ્નોના જવાબ આપમેળે જ હલ થઈ જશે.
પણ એક વાત તો ખરી જ કે વાણીના વિરામ સાથે લાગણીનો અંત ક્યારેય આવતો નથી. હા! લાગણીને જુદા જુદા માધ્યમ દ્વારા શાબ્દિક કે અશાબ્દિક રીતે વ્યક્ત જરૂરથી કરી શકાય અને હળવાશ પણ અનુભવી શકાય પરંતુ લાગણીને મિટાવવી કે વ્યક્ત કર્યા બાદ તુરંત જ ભૂલવી એ લગભગ અશક્ય ઘટના છે.
અને હા જો તમને કોઈ પ્રત્યે લાગણી હોય તો એ માત્ર બોલીને જણાવવું કેટલું આવશ્યક છે? એ પણ વિચારજો! એક ઉદાહરણ દ્વારા સમજો કે, તમે માળીનો છોડ અને બગીચા પ્રત્યેનો પ્રેમ તો જોયો જ હશે. શું તે માત્ર છોડને શબ્દો દ્વારા જ પ્રેમ વ્યક્ત કરતો હશે? તો તુરંત જવાબ આવશે કે ના. અને શું માત્ર શબ્દો દ્વારા વ્યક્ત કરેલા પ્રેમથી બગીચો હર્યો ભર્યો અને ખીલેલો રહેશે? તો એનો જવાબ પણ આવશે કે ના. બગીચાને હર્યો ભર્યો અને ખીલેલો રાખવા માટે માળી દરેક છોડવાઓનું જતન કરે છે સમયાંતરે પાણીની પૂર્તતા કરે છે, દવાઓનો છંટકાવ તથા અન્ય તમામ પ્રકારની દેખરેખ પણ માળી કરે છે. જેના પરિણામે આપણે તેના બગીચાને તથા બગીચાના ફૂલોને ખીલેલા જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ.
બસ! તેવી જ રીતે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણી હોય તો તે લાગણી તમારા શબ્દોની સરખામણીએ તમારા દ્વારા એ વ્યક્તિ માટે થતા તમારા વર્તન થકી એ વ્યક્તિ સુધી વધુ સારી રીતે પહોંચી શકશે. માટે તમે જો કોઈને દિલથી ચાહતા હો તો તે વ્યક્તિ પ્રત્યે તમારા વર્તનથી સાબિત કરજો નહીં કે માત્ર શબ્દો થી!
લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો એક સાધન છે પરંતુ તમારું વર્તન એ સાધ્ય છે તે હંમેશા યાદ રાખજો. માળી છોડને એમ કહી દે કે, "હે છોડ! હું તને ખૂબ જ પ્રેમ કરું છું. મને કાલે એક ગુલાબ દઈશ ને!" શું એમ એ છોડમાં ગુલાબ ખીલશે? નહીં ને? બસ એ જ અગત્યની વાત છે અને જો એ સમજાય તો તમારા તમામ સંબંધો હંમેશા ખીલેલા ફૂલોથી ઘેરાયેલા બગીચા જેવા સુગંધિત અને હર્યાભર્યા રહેશે.