Divorce - Is it ultimate end up? in Gujarati Magazine by Thummar Komal books and stories PDF | છૂટાછેડા - ફારગતી કે દુર્ગતિ

Featured Books
Categories
Share

છૂટાછેડા - ફારગતી કે દુર્ગતિ

હમણા જ આપણે સૌએ ગણપતિ વિસર્જનની ધામધૂમથી ઉજવણી કરી. ઘર, સમાજ, સોસાયટી, સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે જોયું કે ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતા કેટલાય લોકોની આંખોમાં આંસુ હતા. આંખોમાંથી લાગણીનો પ્રવાહ વહી રહ્યો હતો. આમ જોઈએ તો જેનું વિસર્જન કર્યું એ માત્ર એક મૂર્તિ જ તો હતી. ના! એ માત્ર મૂર્તિ નહી લોકોની શ્રદ્ધા, આસ્થાની પ્રતિમા હતી. જેના પર શ્રદ્ધા મૂકી હોય એના દૂર જવાથી તકલીફ થાય છે. જેનો સાથ ગમતો હોય એનાથી છૂટતા તકલીફ થાય છે. એક નિર્જીવ મૂર્તિને આપણે આપણી શ્રદ્ધાથી જીવંત કરીએ છીએ. એની સાથે વાતો કરીએ, એની આરતી, પૂજા વિધિ, પ્રસાદ, વિસર્જન વધુ ભાવપૂર્વક કરીએ છીએ. કારણ કે આપણને નિર્જીવ મૂર્તિમાં પણ શ્રદ્ધા છે. અને એના છૂટવાથી આપણને તકલીફ થાય છે.

પરંતુ આપણે અહીંયા એક સજીવ મૂર્તિ એટલે કે જીવંત માણસની વાત કરવી છે. હમણાં થોડા સમય પહેલા મારી પાસે એક કેસ આવ્યો. લગ્નને બે વર્ષ જેવો સમય થયો હશે અને પતિ પત્ની બંને બે ત્રણ મહિનાથી એકબીજાથી અલગ રહે છે. જ્યારે કારણ પૂછવામાં આવ્યું ત્યારે બંનેમાંથી કોઈ પાસે સચોટ જવાબ નહીં હતો. નાની નાની બાબતમાં ઝઘડી પડવું, એકને સન્ડેના મુવી જોવા જવું હોય જ્યારે બીજાને માંડ એકાદ રજા મળી હોય તો ઘરમાં આરામ કરવો હોય. એકને બહારનું જમવાનો શોખ હોય જ્યારે બીજાને બહારનું એવોઇડ કરવું હોય. એકને જોઈન્ટ ફેમિલીમાં રહેવું પસંદ હોય જ્યારે બીજાને બધી બાબતમાં પ્રાઈવસી જોઈતી હોય. બંનેને એક મેક માટે ભરપૂર લાગણીઓ હોવા છતાં પોત પોતાનો ઈગો અહંકાર એ લાગણીઓ રજૂ કરતા રોકે છે. આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે બંનેમાંથી એક પાત્ર એ છૂટાછેડા ની રજૂઆત કરી.

પોતાના અહંકારને પોષવા હવે "હું તને કરી બતાવું જો" આ વાક્યને સાર્થક કરવા માણસ કેટલી હદે પહોંચી જાય છે. જ્યારે દિલ દિમાગ પર અહંકાર રાજ્ય કરે ત્યારે આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણે એકબીજાને શું કામ પસંદ કર્યા હતા. લગ્ન કરતાં પહેલાં એકબીજાના સ્વભાવ ઓળખી, એકબીજાને બધી બાબતે પરખીને, ઘર પરિવાર જોઈને બધા પાસા વિચારીને સહમત થયા હોય. કોઈ એક માણસ સાથે આખી જિંદગી વિતાવવા, એના સારા ખરાબ પાસા ને સ્વીકારવા માટે પહેલા જ વિચારી લીધું હોય. બધું સમજી વિચારીને જોડાયા પછી અલગ થવાનો વિચાર કેમ? જો લગ્ન બંનેની સંમતિથી થયા હોય તો કોઈ એક વ્યક્તિને અલગ થવાનો અધિકાર ખરો?

જીવનસાથી નો મતલબ જ એ છે કે જીવનરૂપી સફરમાં ચાલતા એકબીજાને સાથ આપવો. જિંદગી ગમે તેવા વળાંક આપે સાથ નહીં છૂટે એવું તો પહેલા જ વિચારીને પછી જ આગળ વધ્યા હતા. તો બે વર્ષમાં જે આંખના પલકારામાં પસાર થઈ જાય એવા ટૂંકા સમય ગાળામાં એવું તો શું થઈ જતું હશે, કે એકબીજાને છોડવાની અણીએ આવીને ઊભા રહી જાય. આવા સંબંધોને મંથન કર્યા પછી એક એવું કારણ સામે આવે કે આજકાલ જતું કરવાની, ચલાવી લેવાની કે માફ કરી દેવાની ભાવનાની ખૂબ જ અછત છે. માણસને તરત બીજો વિકલ્પ દેખાઈ આવે છે. પરંતુ એ સભાનતા નથી રહેતી કે "ઘરે ઘરે ગેસના ચૂલા" (માટીના ચૂલા નો જમાનો ગયો એટલે કહેવતને પણ અપડેટ કરીએ) જોક્સ અપાર્ટ... માણસને પોતાના પાત્ર પાસે જે અપેક્ષાઓ હોય એ બીજા કોઈ પાત્ર પાસેથી પૂરી થશે એવી કોઈ ગેરંટી નથી.

આપણા હિન્દુ ધર્મમાં લગ્નને ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે. સંબંધ એટલે બંને બાજુથી સમાન રીતે જોડાયેલું. કોઈ ઊંચનીચ નહીં. કોઈ વધારે અગત્યનું કે કોઈ ઓછા મહત્વનું નહીં. સમકક્ષ. જેમ રથના બે પૈડાં. જો એક પણ પૈડું વધારે ઊંચું કે નીચું હોય તો રથ ગબડી પડે છે. એટલે પતિ પત્ની બંને સંસારરૂપી રથના બે સમાન પૈડાં છે. બંને પોતપોતાની જગ્યાએ ખૂબ જ અગત્યના છે. એકબીજાના પૂરક છે. એકબીજાની ઈચ્છાઓ, ગમા- અણગમાને સન્માન આપવું જોઈએ. તોછડી વાણી અને તોછડું વર્તન હંમેશા વિનાશ નોતરે છે. એટલે વાણી અને વર્તન યોગ્ય હોવું જોઈએ. મને પૂછવામાં આવ્યું કે "શું જીવનસાથી સામે પણ વિચારીને બોલવાનું ? કોઈ તો એવું હોવું જોઈએ જ્યાં વિચાર્યા વગર બોલી શકાય". ના! વિચાર્યા વગર ઉચ્ચારેલા શબ્દો ઘણીવાર સંબંધના આકર્ષણને ખાઈ જાય છે. જેની સાથે જીવવું છે એની સામે વિચારીને બોલવું જોઈએ. કોઈ માણસે આપણને ગમાડ્યા છે, આપણને પસંદ કર્યા છે, તો જીવનભર એને ગમતા રહેવાની જવાબદારી આપણી પોતાની છે. તેથી કોઈ માણસનું આપણા પ્રત્યેનું આકર્ષણ જળવાઈ રહે તે આપણા વર્તન પર નિર્ભર કરે છે.

આપણે આપણી પ્રાયોરિટીમાં જેને રાખ્યા છે, જે સંબંધ કોઈપણ સંજોગોમાં જોઈએ છે એવા વીસ થી પચ્ચીસ સંબંધ હોય છે. બસ એની સામે જ વિચારીને બોલવાનું છે. આટલું તો થઈ જ શકે. ત્યારે ઘણીવાર એવા પણ પ્રશ્નો આવે કે "હંમેશા મારે જ જતું કરવાનું? એને તો કંઈ નથી પડી કે એને તો કંઈ નથી સમજવું" ત્યારે એક વાત મૂકી શકાય કે સંસાર રૂપની સફરમાં ક્યારેક રસ્તો ઉબડ ખાબડ આવે, ખાડા વાળો હોય, ઉતાર ચઢાવ હોય અને એક પૈડું જ્યારે ખાડામાંથી પસાર થાય ત્યારે રથ નું બેલેન્સ જાળવવા બીજા પૈડાને પણ એટલી જ મહેનત લાગતી હોય છે.

બીજા દેશોની સરખામણીએ આપણા ભારત દેશમાં છૂટાછેડા નું પ્રમાણ નહીવત છે. આપણે એ સંસ્કૃતિને અપનાવી છે જ્યાં લગ્નને પણ સોળ સંસ્કાર માનો એક સંસ્કાર ગણવામાં આવે છે. અને એમાંથી છૂટા પડવું બિલકુલ સહેલું નથી. એક નિર્જીવ મૂર્તિના વિસર્જનમાં પણ જો આટલી તકલીફ થતી હોય. એવા લાગણીપ્રધાન સ્વભાવ વાળા આપણે બધા ચલાવી લેવાને વધારે પ્રાધાન્ય આપીએ છીએ.