Narad Puran - Part 41 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 41

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 41

સનંદન બોલ્યા, “હે નારદ, પૈલ આદિ બ્રાહ્મણો પર્વત પરથી નીચે ઊતરી ગયા પછી પરમ બુદ્ધિમાન ભગવાન વ્યાસ પુત્ર સહિત એકાંતમાં મૌન ભાવથી ધ્યાનસ્થ થયા.

        તે સમયે આકાશવાણી થઇ, ‘વસિષ્ઠકુળમાં ઉત્પન્ન મહર્ષિ વ્યાસ, આ સમયે વેદધ્વનિ શાથી થતો નથી? તમે એકલા કંઈક ચિંતન કરતા હો તેમ ચૂપચાપ બેઠા છો.ધ્યાન લગાવીને શાથી બેઠા છો? વેદોચ્ચારણ ધ્વનિથી રહિત થઈને આ પર્વત શોભતો નથી; તેથી હે ભગવન, આપના વેદજ્ઞ પુત્ર સાથે પરમ પ્રસન્ન ચિત્ત થઈને સદા વેદોનું સ્વાધ્યાય કરો.’

        આકાશવાણી દ્વારા બોલાયેલ શબ્દો સાંભળીને વ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજી સાથે વેદોના સ્વાધ્યાયનો આરંભ કરી દીધો. તે બંને પિતાપુત્ર દીર્ઘકાળ સુધી વેદોનું પારાયણ કરતા રહ્યા. એવામાં જ એક દિવસે સમુદ્રની હવાથી પ્રેરાઈને મોટું વંટોળ ઊભું થયું. આને અનધ્યાયનો હેતુ માનીને વ્યાસજીએ પુત્રને વેદોનું સ્વાધ્યાય કરવાના કાર્યથી અટકાવ્યા. આથી તેમણે પિતાને પૂછ્યું, “ભગવન, આ જોરદાર પવન સાથે વંટોળ શાથી ઊઠયું છે? વાયુદેવની આ સર્વ ચેષ્ટા શાથી થઇ તે કૃપા કરીને મને જણાવો.”

         અનધ્યાયના નિમિત્ત સ્વરૂપ વાયુના વિષયમાં વ્યાસજી બોલ્યા, “પુત્ર, તમને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઇ છે, તેથી તમારા હૃદયમાં વેદોનો વિચાર કરીને તમે પોતે જ બુદ્ધિ દ્વારા અનધ્યાયના કારણરૂપ વાયુના વિષયમાં આલોચના કરો.

        પૃથ્વી અને અંતરિક્ષમાં ચાલતા વાયુના સાત માર્ગ છે. ધૂમ તથા ગરમીથી ઉત્પન્ન થયેલા વાદળસમૂહ અને કરાઓને જે આમતેમ લઇ જાય છે, તે પ્રથમ માર્ગમાં પ્રવાહિત થનારો ‘પ્રવહ’ નામનો પ્રથમ વાયુ છે. આકાશમાં રસની માત્રાઓ અને વીજળી આદિની ઉત્પત્તિ માટે જે પ્રકટ થાય છે, તે મહાન તેજથી સંપન્ન દ્વિતીય વાયુ ‘આવહ’ નામથી પ્રસિદ્ધ છે અને ઘણા ભારે અવાજ સાથે વહે છે. જે સદા સોમ-સૂર્ય આદિ જ્યોતિર્મય ગ્રહોનો ઉદય તેમ જ ઉદ્ભવ કરે છે; મનીષી પુરુષો શરીરની અંદર જેને ઉદાન કહે છે. જે ચારે સમુદ્રોમાંથી જળગ્રહણ કરે છે અને તેને ઉપર ઉઠાવી ‘જીમૂતો’ ને આપી દે છે તથા જીમૂતોને જળથી સંયુક્ત કરીને તેમને ‘પર્જન્ય’ ના હવાલે કરે છે, તે તૃતીય મહાન વાયુ ‘ઉદ્વહ’ કહેવાય છે.

        જેનાથી પ્રેરાઈને અનેક પ્રકારના નીલવર્ણના મહામેઘ ઘટારૂપે છવાઇને જળ વરસાવવાનો આરંભ કરે છે તેમ જ જે દેવતાઓના આકાશ માર્ગથી જનારા વિમાનોને પોતે જ વહન કરે છે, તે પર્વતોના માનનું મર્દન કરનારો વાયુ ‘સંવહ’ નામથી પ્રસિદ્ધ છે. જે રુક્ષભાવથી વેગપૂર્વક વહીને વૃક્ષોને તોડી નાખી ઊખેડીનેફેંકી દે છે તથા જેના દ્વારા સંગઠિત થયેલા પ્રલયકાલીન મેઘ ‘બલાહક’ સંજ્ઞા ધારણ કટે છે અને જેનું સંચરણ ભયાનક ઉત્પાત આણનારુ છે તથા જે પોતાની સાથે મેઘોની ઘટાઓ લઈને ચાલે છે, તે અત્યંત વેગવાન પંચમ વાયુ ‘વિવહ’ કહેવાયો છે.

જેના આધારે આકાશમાં દિવ્યજળ પ્રવાહિત થાય છે, જે આકાશગંગાના પવિત્ર જળને ધારણ કરીને સ્થિત છે અને જેના દ્વારા દૂરથી જ પ્રતિહત થઈને સહસ્ર કિરણોના ઉત્પત્તિ સ્થાનરૂપ સૂર્ય એક જ કિરણથી યુક્ત હોય તેવો જણાય છે. જેનાથી આ પૃથ્વી પ્રકાશિત થાય છે તથા અમૃતના દિવ્યનિધિ ચંદ્રમાંનું પણ જેનાથી પોષણ થાય છે, તે છઠ્ઠા વાયુનું નામ ‘પરિવહ’ છે. તે સમગ્ર વિજયશીલ તત્વોમાં શ્રેષ્ઠ છે.

`જે અંતકાળે સર્વ પ્રાણીઓના પ્રાણોને શરીરમાંથી બહાર કાઢે છે. જેના આ પ્રાણ કાઢવારૂપ માર્ગનું મૃત્યુ અને વૈવસ્વત યમ અનુગમન માત્ર કરે છે; સદા અધ્યાત્મચિંતનમાં લાગેલી શાંત બુદ્ધિ દ્વારા સારી પેઠે વિચાર કે અનુસંધાન કરનારા ધ્યાનના અભ્યાસમાં પરાયણ પુરુષોને અમૃતત્વ આપવામાં જે સમર્થ છે; જેમાં સ્થિત થઈને પ્રજાપતિ દક્ષના દશ હજાર પુત્ર અતિવેગથી સર્વ દિશાઓના અંતમાં પહોંચી ગયા તેમ જ જેનાથી વૃષ્ટિનું જળ તિરોહિત થઈને વરસાદ બંધ થઇ જાય છે, તે સર્વશ્રેષ્ઠ સપ્તમ વાયુ ‘પરાવહ’ નામથી પ્રસિદ્ધ છે. તેનું અતિક્રમણ કરવું બધાને માટે કથન છે. આ પ્રમાણે આ સાત મરુદગણ દિતિના પરમ અદ્ભુત પુત્ર છે. એમની સર્વત્ર ગતિ છે. એ બધા સર્વત્ર વિચરતા રહે છે.

પરંતુ ભારે આશ્ચર્યની વાત છે કે તે વાયુના વેગથી આજે પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય પણ સહસા કંપી ઊઠ્યો છે. પુત્ર, આ વાયુ ભગવાન વિષ્ણુનો નિ:શ્વાસ છે. જયારે કોઈ વખતે તે નિ:શ્વાસ વેગથી નીકળી પડે છે ત્યારે આખું જગત વ્યથિત થઇ જાય છે. એટલા માટે બ્રહ્મવેત્તા પુરુષો પ્રચંડ વાયુ ચાલતાં કે ઝંઝાવાત સમયે વેદોનો પથ કરતા નથી. વેદ પણ ભગવાનનો નિ:શ્વાસ છે. તે સમયે વેદપાઠ કરવાથી વાયુ દ્વારા વાયુને ક્ષોભ પ્રાપ્ત થાય છે.”

અનધ્યાયના વિષયમાં આ વાત કહ્યા પછી ભગવાન વ્યાસ શુકદેવને વેદપાઠ કરવાનું કહીને તેઓ આકાશગંગાના તટ પર ગયા. વ્યાસજી સ્નાન કરવા ગયા પછી શુકદેવ વેદોનો પાઠ કરવા લાગ્યા. એ જ સમયે ભગવાન સનત્કુમાર એકાંતમાં તેમની પાસે આવ્યા. શુકદેવજીએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું. હે નારદ, ત્યારબાદ સનત્કુમારે શુકદેવજીને પૂછ્યું, “હે મહાભાગ, હે મહાતેજસ્વી વ્યાસપુત્ર, શું કરી રહ્યા છો?”

શુકદેવજી બોલ્યા, “બ્રહ્મકુમાર, અત્યારે વેદોના સ્વાધ્યાયમાં લાગેલો છું. મારા કોઈ અજ્ઞાત પુણ્યના ફળથી આપના દર્શન થયાં છે. હે મહાભાગ, મોક્ષરૂપી પુરુષાર્થનો સાધક હોય એવા કોઈ એક તત્વના વિષયમાં હું આપને પૂછવા ઈચ્છું છું; તેથી મને તેનું જ્ઞાન થવા માટે કહો.”

સનત્કુમાર બોલ્યા, “બ્રહ્મન, વિદ્યા સમાન કોઈ નેત્ર નથી; સત્ય જેવું કોઈ તપ નથી; રાગ સમાન કોઈ દુઃખ નથી અને ત્યાગના જેવું કોઈ સુખ નથી. પાપકર્મથી દૂર રહેવું; સદા પુણ્યનો સંચય કરતા રહેવું. સાધુ પુરુષોના વર્તાવને અપનાવવો અને ઉત્તમ સદાચારનું પાલન કરવું-આ સર્વોત્તમ શ્રેયનું સાધન છે. જ્યાં સુખનું નામ પણ નથી એવા માનવશરીરને પામીને વિષયોમાં આસક્ત થનારો મોહમાં ડૂબી જાય છે. વિષયોનો સંયોગ દુઃખરૂપ છે; તે દુઃખમાંથી ક્યારેય છોડાવી શકતો નથી. આસક્ત મનુષ્યની બુદ્ધિ ચંચળ થઇ જાય છે અને મોહજાળનો વિસ્તાર કરનારી હોય છે. તે મોહજાળથી જે ઘેરાઈ જાય છે, તે આ લોક અને પરલોકમાં પણ દુઃખનો જ ભાગી થાય છે. પોતાનું કલ્યાણ ઈચ્છનારાએ બધા જ ઉપાયોથી કામ અને ક્રોધને કાબૂમાં રાખવા જોઈએ.

માણસે તપને ક્રોધથી, સંપત્તિને ઈર્ષ્યાથી, વિદ્યાને માનઅપમાનથી અને પોતાને પ્રમાદથી બચાવવો જોઈએ. ક્રૂર સ્વભાવનો પરિત્યાગ સર્વથી મોટો ધર્મ છે. ક્ષમા સર્વથી મોટું બળ છે. આત્મજ્ઞાન સર્વોત્તમ જ્ઞાન છે અને સત્ય જ સર્વથી ચડિયાતું હિતનું સાધન છે. હિતકારક વાત કહેવી એ તો સત્ય કરતાં પણ ચડી જાય એવું કાર્ય છે. જેનાથી પ્રાણીઓનું અત્યંત હિત થતું હોય તેને જ હું સત્ય માનું છું.

જેણે નવાં નવાં કર્મના આરંભ કરવાનો વિચાર છોડી દીધો છે; જેના મનમાં કોઈ કામના નથી; કોઈ પણ વસ્તુનો જે સંગ્રહ કરતો નથી અને જેને સર્વસ્વનો ત્યાગ કર્યો છે, તે જ વિદ્વાન છે. પોતાના વશમાં કરાયેલી ઇન્દ્રિયો દ્વારા અનાસક્ત ભાવથી જે વિષયોનો અનુભવ કરે છે, જેના અંત:કરણમાં સદા શાંતિ વિરાજે છે; જે નિર્વિકાર અને એકાગ્રચિત્ત છે, તે સર્વ બંધનોથી છૂટીને શીઘ્ર જ પરમ કલ્યાણ પ્રાપ્ત કરી લે છે.

કોઈ પણ જીવ સાથે હિંસા ન કરવી, સર્વ પ્રાણીઓ સાથે મિત્રભાવે વર્તવું. આ જન્મ પ્રાપ્ત કરીને કોઈ સાથે વેરભાવ ન કરવો. આત્મતત્વને જાણનારા અને મનને વશમાં રાખનારાએ કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો મનમાં પૂર્ણ સંતોષ રાખવો. કામના તથા ચપળતાનો ત્યાગ કરવો. જેમણે ભોગોનો સર્વથા ત્યાગ કર્યો હોય છે, તેઓ ક્યારેય શોકમાં પડતા નથી. કોઈથી પણ પરાજિત ન થનારા પરમાત્માને જીતવા ઇચ્છનારે તપસ્વી, જિતેન્દ્રિય, મનનશીલ , સંયમી થવું જોઈએ. જે ત્રિગુણાત્મક વિષયોમાં આસક્ત ન થતાં સદા એકાંતવાસ કરે છે તે સર્વોત્તમ સુખ (મોક્ષ) પ્રાપ્ત કરી લે છે.

જીવ સદા કર્મોને અધીન રહે છે, તે શુભ કર્મોથી દેવત્વ પ્રાપ્ત કરે છે; શુભ અને અશુભ બંનેના આચરણથી મનુષ્યયોનિમાં જન્મ પામે છે અને કેવળ અશુભ કર્મોથી પશુપક્ષી આદિ નીચ યોનિઓમાં જન્મ ગ્રહણ કરે છે. તે તે યોનિઓમાં જીવને સદા જરા-મૃત્યુ તથા નાના પ્રકારનાં દુઃખોનો શિકાર થવું પડે છે. આ પ્રમાણે સંસારમાં જન્મ લેનારા પ્રત્યેક પ્રાણીને સંતાપની આગમાં પકવવામાં આવે છે.

અહીં જુદી જુદી વસ્તુઓના સંગ્રહપરિગ્રહની કોઈ આવશ્યકતા નથી, કારણ કે સંગ્રહથી ભારે દોષ લાગે છે. સ્ત્રી, પુત્ર આદિ કુટુંબમાં આસક્ત રહેનારા જીવ, જંગલમાંના ઘરડા હાથીઓ તળાવના કળણમાં ફસાઈને દુઃખ ભોગવે છે તેવી જ રીતે કષ્ટ પામે છે. કુટુંબ, પુત્ર, સ્ત્રી, શરીર અને દ્રવ્યનો સંગ્રહ આ સર્વ કંઈ પારકું છે, સર્વ અનિત્ય છે. અહીંયા પોતાનું શું છે? કેવળ પુણ્ય અને પાપ.

આ સંસાર એક નદીના જેવો છે. રૂપ એનો કિનારો છે, મન ઝરણું છે; સ્પર્શ દ્વીપ છે અને રસ જ પ્રવાહ છે. ગંધ આ નદીનો કાદવ, શબ્દ જળ અને સ્વર્ગરૂપી દુર્ગમ ઘાટ છે. આ નદીને માનવશરીરરૂપી નૌકાની સહાયતાથી પાર કરી શકાય છે. ક્ષમા એને ચલાવવા માટેનાં હલેસાં છે અને ધર્મ એને સ્થિર કરનારું લંગર છે. વિષયાસક્તિના ત્યાગરૂપ પવન દ્વારા જ એ નદીને પાર કરી શકાય છે. તેથી તમે કર્મોથી નિવૃત્ત સર્વ પ્રકારનાં બંધનોથી મુક્ત, સર્વજ્ઞ, સર્વવિજયી, સિદ્ધ તથા ભાવ-અભાવથી રહિત થઇ જાઓ.

 

 

ક્રમશ: