નિતુ : ૨૪ (લગ્નની તૈયારી)
નિતુ અને હરેશ બન્ને મીઠાઈના બોક્સ લઈને ઘરે આવ્યા અને જોયું તો બધા મોં લટકાવીને બેઠેલા. એ જોઈને બન્નેને આશ્વર્ય થયું. દાદરના પહેલા પગથિયાં પર બેઠેલી કૃતિની ભીની આંખો વિચારોમાં ખોવાયેલી હતી. નિતુએ હાથમાં રહેલું બોક્સ હરેશને આપ્યું અને અંદર જઈને કાકાને પૂછ્યું, "કાકા! તમે બધા આ રીતે ઉદાસ બનીને કેમ બેઠા છો?"
"કાંય નય, બસ એમ જ. નિતુ, તું ક્યારે આવી?"
"બસ હમણાં જ આવી. પણ તમે લોકો આમ ઉદાસ- ઉદાસ બનીને કેમ બેઠા છો?"
શારદાએ જવાબ આપતા કહ્યું, "અરે કાંય નથી થ્યું નિતુ. તને કીધું તો ખરા! બસ તારી આવવાની વાટ જોતા 'તા. થયું કે તું આવે એટલે હારે વાળું કરવી."
એટલામાં કૃતિ ઉભી થઈને ત્યાં આવી. તેને આવતા જોઈને તે બોલી, "હા મમ્મી, તમારી તો તબીયત સારી નથી. હજુ હમણાં જ હોસ્પિટલથી ઘરે આવ્યા છો. એટલે તમે કશું કરી શકો એમ નથી અને કૃતિ તો સાગર સાથે વાતો કરવામાંથી બહાર નહિ આવી હોય. હવે હું આવું ત્યાં સુધી તમારે રાહ તો જોવી જ પડેને! કારણ કે રસોઈ મારી સિવાય કોણ બનાવશે?"
ઘરના વાતાવરણને સુધારવા નિતુ પોતાની વાત ચલાવી પરિહાસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ કૃતિને એની વાતમાં કે એના મજાકમાં કોઈ રસ ન્હોતો. તે તેની પાસે આવી, "દીદી." કહીને રડવા લાગી.
"શું થયું કૃતિ?" તે તેની આંખમાંથી નીકળતા આંસુ જોઈને બોલી. એટલામાં તો કૃતિએ ફરી "દીદી" કહીને તેને બાથ ભીડી દીધી.
"કૃતિ!..."
"સોરી દીદી...આઈ એમ સોરી. હું એ સમજી જ ના શકી કે તમે એકલા હાથે આખું ઘર મેનેજ કરો છો. હું બસ મારી અપેક્ષાઓ તમારા પર થોપતી રહી. ક્યારેય તમારા પક્ષેથી જોવાનો મેં વિચાર જ ના કર્યો. મેં આટલા દિવસથી તમારી જોડે વાત પણ ના કરી. આઈ એમ સો સોરી દીદી."
તેને પોતાના હાથ વડે આલિંગન આપતા નિતુએ કહ્યુ, "ઇટ્સ ઓકે કૃતિ. બસ, હવે રડવાનુ બંધ કરી દે. તને સમજાયું એ જ મારા માટે બૌ છે." બંને વિખુટી પડી અને તેના ગાલ પર હાથ મુકતા તે આગળ બોલી, "મને તારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે ક્યારેય? તો આજે પણ નહિ."
"પણ દીદી..."
"બસ, શું થયું શું ન્હોતું થયું એ બધું ભૂલી જા. તારા લગ્ન ધામધૂમથી કરવાના છે."
ધીરુભાઈએ સવાલ પૂછતા કહ્યું, "બેટા..." પણ એની વાત પુરી થાય એ પહેલા નિતુએ ફરી કહ્યું, "કાકા! તમને ખબર છે મેડમે મને શું કામ બોલાવી હતી?"
"શું કામ?"
"કાકા, મેડમે કૃતિના લગ્ન માટે ગિફ્ટ આપી છે. શું ગિફ્ટ છે ખબર છે? મેડમે... પાર્ટી પ્લોટ બુક કરાવ્યો છે અને એ પણ ગિફ્ટ તરીકે માત્ર કૃતિ માટે."
"હૂ વાત કરે છે? તારી એ શિબ્લી કે દિ' ની સુધરી ગઈ?" ધીરુભાઈ એ આશ્વર્ય પામતા પૂછ્યું.
"અરે કાકા એટલું જ નહિ. હું ત્યાં ગઈ એટલે એમણે મને એક બહુ જ સારા સમાચાર આપ્યા."
શારદાએ પણ તેને પૂછ્યું, "બીજું હૂ કીધું?"
"મમ્મી, મારી સેલરી પ્લસ કરી દીધી છે." પાછળથી હરેશ આવ્યો અને મીઠાઈનું બોક્સ ખોલીને બધાને મીઠાઈ આપતા બોલ્યો, "હા માસી. તમને ખબર છે મેડમે આપડી નિતુનો પગાર સીધો ડબલ કરી દિધો. લ્યો પેંડા ખાવ." તેણે બોક્સ ખોલીને કૃતિ સામે ધર્યું.
"આ શું છે?" કૃતિએ પૂછ્યું.
"શું છે કે તમારું મૂડ ક્યારે કેવું થઈ જાય એ અત્યાર સુધી આ ઘરમાં કોઈને ખબર નથી પડી. તને શું ભાવશે શું ખબર? એમ જાણી અમે બધી મીઠાઈઓ મિક્સમાં લઈને આવ્યા. જેવું તારું મૂડ અને જે પસંદ આવે તે ઉપાડી લે."
કૃતિએ તેમાંથી શોધીને એક ટુકડો લીધો અને હરેશ શારદા તરફ ગયો. તેણે ધીમેથી નિતુના કાનમાં કહ્યું, " દીદી!"
"હમ્"
"આ જેમ્સ વાળો પણ તમારી સાથે આવેલો."
"શીશ્શ્શ્..." તેણે નાક પર આંગળી રાખી કૃતિને ચૂપ કરાવી. હરેશ એક પછી એક કરીને બધાને મીઠાઈ આપી રહ્યો હતો અને બધા સાથે વહેંચાતી આ ખુશી જોઈ નિતુની આંખ ભીની થઈ ગઈ. કૃતિએ તેના તરફ જોયું અને ફરીવાર હળવેથી તેનું નામ લીધું. "દીદી...!"
નિતુ તેના તરફ ફરી કે એક મુસ્કાન આપી પોતાના હાથમાં રહેલ મીઠાઈનો ટુકડો તેણે તેના મોં તરફ કર્યો અને બોલી, "આના પર મારાથી પહેલા તમારો અધિકાર છે. કોંગ્રેજ્યુલેશન્સ દીદી." તેણે સામે મુસ્કાન આપી બટકું ભરવા ગઈ કે તે અચાનક બોલી, " આખું નથી ખાવાનું! મારા માટે રાખજે." તેણે હસીને અર્ધું ભટકું ભર્યું અને અર્ધું તેણે પોતાના હાથમાં લઈને તેને ખવરાવ્યું. બંને બહેનો વચ્ચે રહેલા આ સ્નેહને જોઈને શારદાને આનંદ થયો. તેને મનોમન એ વાતની ખુશી છલકાણી કે બંને વચ્ચે જે ગેરસમજ વધતી હતી એ પુર્ણ થઈ. આજે ઘણા સમય પછી આખા પરિવારે સાથે ભોજન કર્યું. બધું કામ પતાવી નિતુ પોતાની રૂમમાં ગઈ.
વિદ્યાએ આપેલા પૈસા તે પોતાના કપબૉર્ડમાં રાખવા માટે તેણે દરવાજો ખોલ્યો અને સામે પડેલા તેના જૂના કપડાઓ એકબાજુ કર્યા તો તેને એક ફ્રેમ દેખાય. તેણે પૈસા મૂકી તે ફ્રેમ પોતાના હાથમાં લીધી અને સીધી કરી. ફ્રેમમાં પોતાના પપ્પાના ફોટાને જોઈ તેને હાથમાં લઈને પલંગ પર બેઠી. છબી પર હાથ ફેરવતા જાણે પોતાના પપ્પા સાથે વાતો કરતી હોય એમ એ ભાવથી છબી સાથે બોલવા લાગી, "પપ્પા! જે તમારાથી શીખી છું એ બધું પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહી છું. એકવાર માટે તો લાગ્યું કે હું નાનકીને નહિ સંભાળી શકું. પણ એ તમારી આપેલી હિમ્મત છે જેણે આજ સુધી મને અડગ ઉભી રાખી છે."
તેને પોતાના નાનપણના એ ચિત્રનું સ્મરણ થયું જ્યારે પપ્પાના ખોળામાં બેઠેલી છ વર્ષની નાનકડી નિતુ ચોકલેટ માટે હઠ કરી રહી હતી. તેના પપ્પાએ તેને સમજાવતા કહ્યું, " નિતુ દીકરી! તું તો મારી ડાહ્યી દીકરી છે અને ડાહ્યા માણસો આવી જીદ્દ કરે?"
"ના કરે."
"તો તું કેમ કરી રહી છે?"
"મારે ચોકલેટ ખાવી છે. તમે ત્રણ ચોકલેટ લઈને આવ્યા, એ ત્રણેય કૃતિ લઈ ગઈ. મેં એની પાસેથી માંગી તો કહે ઘરે જઈને આપીશ. ઘરે પહોંચતા સુધીમાં તો એ ત્રણેય ખાય ગઈ. હું સ્કૂલેથી ઘરે આવી તો એક પણ નહોતી વધી."
"જો, ક્યારેય કોઈના આધારે નહિ રહેવાનું હમ્મ... અને એણે તને આપી તો તારે લઈ લેવાયને? એ તો નાની છે. એને શું ભાન? એને એવી ખબર ના પડે. મારી આ વાત હંમેશા યાદ રાખજે, જે લાયક નથી એને કામ નહિ સોંપવાનું અને બીજાને આધારે ક્યારેય નહિ રહેવાનું. પોતાની અપેક્ષાઓ બીજાના આધારે રહીને ક્યારેય પુરી ના થાય. શું સમજી?"
પપ્પાની આ વાત યાદ કરતા કરતા એને પોતાના જીવનના એ ચિત્રો પણ યાદ આવતા હતા જ્યારે નાનકડી કૃતિ તેની સાથે કાલી ઘેલી ભાષામાં બોલીને રમત રમતી હતી. તે ફરી તે ફોટા સાથે બોલી, "પ્રયત્ન તો કરું છું પપ્પા. પણ આજે એ જ મારી નાનકીની અપેક્ષાઓ હું કોઈ બીજાના આધારે પુરી કરવાનો પ્રયત્ન કરું છું. તમારા આદર્શોને જીવંત રાખવા મેં કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો. બસ આગળ પણ તમારા આદર્શોને કોઈ નજર ના લાગે. મારી ડગરમાં કોઈ એવી વસ્તુના આવે જે મને તમારી આપેલી રાહ પર ચાલતા અટકાવે." એક ઊંડો ઉચ્શ્વાસ ભરી તેણે ફરી ફોટોફ્રેમને જેમ હતી તેમ મૂકી દીધી. કામકાજના ટેબલ પર બેસીને તેણે એક ડાયરી ખોલી અને એક કોરું પેજ ખોલી પોતાની જાત સાથે વાતો કરવા લાગી, "ચાલ નિતુ... લગ્નમાં શું કરવાનું છે? એનું લિસ્ટ તૈય્યાર કરી લઈએ. બહુ ઓછો સમય વધ્યો છે. "