Nitu - 23 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 23

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 23

નિતુ : ૨૩ (લગ્નની તૈયારી)


નિતુના હા કહેવાથી આજે અચાનક જાણે વિદ્યાને મનોમન ખુબ ખુશી છલકતી હતી. દરેક સાથે તોછડાઈ ભરેલું વર્તન કરનારી વિદ્યા મનોમન હસી રહી હતી. તે પોતાની કેબિનમાં આંખો બંધ કરીને બેઠી હતી. તેણે જેવી જ આંખો બંધ કરી કે કેટલાક સ્મરણો તેને તાજા થયા. અચાનક કોઈ હસવા લાગ્યું અને અંધારામાં તેને કોઈ કાનમાં ફૂંક મારતું ભાસ્યું. તેને કોઈ અલગ પ્રકારના જ વિચારો અને અનુભવો મનમાં ઘર કરી ગયા અને તે જાણે એ વિચારોમા રમવા લાગી. આવા વિવિધ અને અલગ સ્મરણો જેને જોઈ કોઈને ઘૃણા આવે એવા સ્મરણોમાં તેને કોઈ અલગ પ્રકારનો જ આનંદ થવા લાગેલો.

નિતુ ત્યાં આવી અને તેને આંખો બંધ કરીને હસતા જોઈ તેણે ટકોર કરી અને બોલી, "મે આઈ કમ ઈન મેમ?"

વિદ્યાએ આંખો ખોલીને તેની તરફ જોયું અને ઉભા થતા બોલી, "ઓહ...હો! આવ." તે અંદર જવા લાગી તો વિદ્યા ફરી બોલી, "નિતુ, ડોર બંધ કરીને આવ." નિતુને આશ્વર્ય થયું. પણ તેણે કંઈ બોલ્યા વિના દરવાજો બંધ કર્યો અને અંદર ગઈ. ટેબલની એક બાજુની જે ખુરશી પર વિદ્યા બેઠેલી, તે ટેબલની સામેની બાજુ પડેલી ખુરશી પાસે જઈને નિતુ ઉભી રહી. હાથમાં રહેલા ફોનને એ જ સ્થિરતા સાથે હાથમાં પકડીને વિદ્યા નિતુની એકદમ નજીક ગઈ અને તેનો હાથ પોતાના હાથમાં લઈને કહેવા લાગી, "મેં તને ઘણા સમય પહેલા સમજાવેલું કે મારી ઓફર એક્સેપટ કર. પણ તું ના માની. સ્વાભાવિક છે કે તારા જેવી સ્ત્રી મારી વાત શું કામ માને? તું આટલી સુંદર છો અને હોંશિયાર પણ છો. તને મારી ઓફરની જરૂર શું કામ લાગે? પણ જો ઈશ્વરની લીલા એને પણ મારો વિચાર યોગ્ય લાગ્યો. આખરે તારે મારી પાસે આવવું જ પડ્યું."

"આ મારી મજબૂરી છે મેડમ કે હું તમારી વાત માનવા માટે તૈય્યાર થઈ છું. મને અહીં શું કામ બોલાવી છે?"

"મજબૂરી હોય કે ના હોય, તે મારી ઓફર એક્સેપ્ટ કરી છે એ જ સત્ય છે." તેણે તેને પોતાનો ફોન બતાવ્યો અને તેમાં નિતુનો જ આવેલો મેસેજ હતો. "જો, તને ખબર છે? જ્યારથી આ તારો મેસેજ આવ્યો છેને, મને મનોમન કેટલી ખુશી થાય છે નિતુ?" ફોનની સ્ક્રીન બંધ કરી બાજુમાં મુક્યો અને નિતુના વાળમાંથી પડેલી એક લટને તેના કાન પર રાખી. નિતુની આંખો પળવાર માટે બંધ થઈ ગઈ અને વિદ્યા ધીમા અવાજે બોલી, "મને હતું નહિ કે તું મારી વાત માનશે. પણ વિશ્વાસ હતો કે એક દિવસ તું મારી પાસે આવશે ખરી. વેલ, જે પણ હોય, હવે જવા દે. હું તને અહીં બોલાવવાનું કારણ કહું છું. બઉ જલ્દી તારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે. તું જે જહેમત કરી રહી છે એની જાણ છે મને. લગ્નનો ખર્ચ, તારી મમ્મીનો હોસ્પિટલનો ખર્ચ!"

"સોરી મેડમ, તમે કહેવા શું માંગો છો?"

તે ફરી પોતાની ખુરશી પર જતી રહી. "નિતુ! તુ જે શર્માના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે એ તારો અંતિમ પ્રોજેક્ટ છે. તને યાદ છેને? મે એક વખત તને સોલો પ્રોજેક્ટ પર વાત કરેલી. જો શર્માનો પ્રોજેક્ટ કમ્પલીટ ના થાય તો હું તને ડાઈવર્ટ કરી દઈશ. જ્યાં આપણી કંપનીમાંથી એક નવો માણસ તને જોઈન કરી લેશે. બાકી રહી મારી ઓફરની વાત તો પહેલા લગ્ન પતાવ. પછી હું મારી ઑફર શરૂ કરીશ. આ લે." સંવાદ વચ્ચે તેણે પોતાના ટેબલનું એક ખાનું ખોલ્યું અને એક બોક્સ તેના હાથમાં આપતા આગળ કહ્યું, " આમાં તારી જરૂરત છે. દસ લાખ પુરા, જો વધારે જરૂર પડે તો ખચકાયા વગર મને ફોન કરજે." તે ફરી તેની નજીક ગઈ અને ધીમા અવાજે તેના કાનમાં કહ્યું, "પણ તારી બહેનના ધામધૂમથી લગ્ન કરજે, ડિયર નિતુ."

"થેન્ક યુ મેડમ, તમે મારી જે હેલ્પ કરી તે બદલ. હું મારી સેલેરીમાંથી દર મહિને થોડા થોડા કરીને આ પૈસા તમને પાછા આપી દઈશ."

"હા, એક વાત તો હું તને કહેવાનું ભૂલી જ ગઈ. શર્માના પ્રોજેક્ટ પરથી તું હટીને નવો પ્રોજેક્ટ હાથ ધરશે એટલે તારી જે સેલેરી છે એ પણ હું ડબલ કરી દઈશ."

"જી!?"

"સાંભળીને ખુશી ના થઈ?"

"ના એવું નથી, પણ હું એમ વિચારું છું કે... "

"કમોન, છોડને એ બધું. જસ્ટ બી હેપ્પી. તું જઈ શકે છે." તે ફરી "થેન્ક યુ" કહીને ચાલવા લાગી કે વિદ્યાએ તેને રોકી કહ્યું, "અને સાંભળ, સિટીથી કેનાલ રોડ પર થોડે દૂર, મેં એક પાર્ટી પ્લોટ બુક કર્યો છે. તારા ઘરમાં કદાચ સંકડાશ પડશે. લગ્નની વ્યવસ્થા ત્યાં કરજે. હું તેનું એડ્રેસ તને મેસેજ કરી દઈશ."

"પણ મેડમ એની શું જરૂર હતી? હું મેનેજ કરી લેત."

"મારા તરફથી, કૃતિ માટે ઍજ અ ગિફ્ટ સમજી લે."

તેને ત્રીજી વખત "થેન્ક યુ." કહી તે હરખાતા મોઢે ત્યાંથી બહાર આવી. આજે એમ લાગતું હતું જાણે નિતુના તમામ સુખ દુઃખમાં ભાગીદારી કરવા માટે વિદ્યા તૈય્યાર હતી. નિતુની માત્ર એક હા કહેવાથી તેનો નિતુ પ્રત્યે સ્વભાવ બદલાઈ ગયો. તે જે રીતે પ્રેમથી વાત કરતી હતી એવી આજ સુધી ક્યારેય નહોતી કરી. નિતુને આ થોડું વિચિત્ર લાગતું હતું. એક તરફ મનમાં ડર હતો કે, "આજ સુધી વિદ્યાના પ્રકોપ સિવાય કશું જોયું નથી એ આજે એટલી બધી કેમ બદલાઈ ગઈ? શું આ દયાના બદલામાં તેની ઓફરમાંથી કોઈ તીર તો નહિ છૂટેને? કે જે મને બાળી નાખશે!" તો બીજી બાજુ તેણે વિચાર કર્યો, "છોડ નિતુ. જે થશે એ જોયું જશે. આમેય હવે તો તેની ઓફર મેં સ્વીકાર કરી જ લીધી છે. તેની શરતો તો માનવી પડશે."

તેણે બહાર નીકળતાની સાથે હરેશને ફોન કર્યો કે થોડીવારમાં તે ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યો. નિતુ ગાડીમાં બેઠી કે તેનો હસતો ચેહરો જોઈને હરેશને આશ્વર્ય થયું. તેણે પૂછ્યું, "એવું તે શું બન્યું ઘડીક વારમાં કે ઓફિસમાંથી બહાર આવતા જ આટલો બધો આનંદ અનુભવે છે?"

"તને વિશ્વાસ નહિ આવે હરેશ. ડબલ ખુશી છે."

"ડબલ?"

"હા"

"શું? સંભળાવો."

"પહેલીવાત એ કે મેડમે મને પૈસા આપવા બોલાવેલી."

"એટલે?"

"એટલે એમ, કે... કૃતિના લગ્નના ખર્ચ માટે મેં મેડમ પાસે એડવાન્સ મનીની વાત કરેલી. યુ વોન્ટ બીલીવ હરેશ કે તેણે મને દસ લાખ રૂપિયા આપ્યા."

"ઓહ... હો...! જબરદસ્ત. મતલબ તારું ટેંશન તો ગાયબ. પણ એડવાન્સ મની એટલે તારી સેલેરી પચ્ચીસ હજારની છે. તું આટલી મોટી રકમ પરત ક્યારે કરીશ?"

"હા. એટલે જ મેં કહ્યું કે ખુશીના બે સમાચાર છે."

"અને બીજી ખુશી કઈ છે?"

"બીજું એમ કે મેડમે મને મારા ચાલુ પ્રોજેક્ટને કૃતિના લગ્ન સુધી ચલાવવા માટે કહ્યું છે. એ પછી મને બીજા પ્રોજેક્ટ પર ડાઇવર્ટ કરશે અને ઈંક્રિમેંટના રૂપમાં મારી સેલેરી ડબલ."

"ઓહોહો... સોને પે સુહાગા. શું વાત છે! એટલે તારી સેલેરી પચ્ચીસમાંથી સીધી પચાસ... ચાલ સૌથી પહેલા એક મિઠાઈવાળા પાસે જઈએ. હું આખું બોક્સ લઈશ તારી પાસેથી."

"હા હા ભૈ, એ તો હું તને આપીશ. પણ સૌથી પહેલા હું જ્યાં કહું ત્યાં ચાલ."

"ક્યાં જવાનું છે?"

"કૃતિના કપડાં બદલવા. આપણે ત્યાં જઈએ અને કૃતિને જે કપડાં પસંદ છે એ જ હું તેને અપાવીશ. યાદ રહે, આ વાત તું બીજા કોઈને ના કરતો. કૃતિ તેના લગ્ન માટે જ્યારે તૈય્યાર થશેને, ત્યારે કમ્પ્રોમાઈઝ કરેલા નહિ, તેણે પસંદ કરેલા કપડાં જોઈને તેને જે આનંદ થશે, હું તેના ચેહરા પરનો એ ભાવ જોવા ઈચ્છું છું." હરેશે પોતાની ગાડી સીધી કપડાંની શોપ પર લીધી.

ઘરમાંથી સાગર અને જીતુભાઈ ગયા કે કૃતિએ અંદર આવી શારદા અને ધીરુભાઈ સાથે વાત કરી, "કાકા, શું થોડા દિવસ પહેલા મયંક જીજુએ કોઈ માણસને મોકલ્યો હતો?"

"કેમ એવું પૂછે છે?"

"કાકા મને ખબર પડી કે જીજુએ પૈસા મોકલાવ્યા હતા."

"હા બેટા. એણે મોકલાવેલા અને આપડી નિતુએ ઈ લેવાની ના પાડી."

"હું જાણું છું. પણ દીદીએ પોતાના દાગીના કોઈ શેઠને ત્યાં ગીરવે મુક્યા અને બેન્કમાંથી લોન ઉપાડી. આટલું બધું કરવાની શી જરૂર હતી. હમણાં સાગર અને તેના પપ્પા પણ મદદ માટે કહી રહ્યા હતા. દીદી એ કોઈની હેલ્પ કેમ નથી લેતી? આવા સાંધા કરવા કરતા તો સારા જ હતા ને?"

શારદાએ થોડા મોટા અવાજે તેને જવાબ આપ્યો, "કારણ કે એનામાં કોઈના ઉપરાણા લેવાની હિમ્મત નથી. ઈ સ્વાભિમાની છે અને કોઈના હાથ હેઠે કામ નઈ કરે."

"પણ મમ્મી આવી રીતે જાણી જોઈને હેરાન થવાની શી જરૂર છે?"

"છે. હા જરૂર છે અને ઈ જરૂર તને નથી હમજાતિ. તને ભાન છે? હું જ્યાં હુધી દવાખાને પડીથી ત્યાં હુધી તું એની હારે બોલીયે ન્હોતી. એણે કેમ કરીને આ ઘરને અને તારા હગપણને ઉભું રાખ્યું છે ઈ જાણે છે? અરે કોઈની મદદ લઈને વાંહેથી એના શબ્દો હામ્ભળવાની એનામાં હિમ્મત નથી એટલે ઈ જાતને વેચે છે."

ધીરુભાઈએ પણ તેને સમજાવતા કહ્યું, "અરે દીકરા! મયંક તો એનો ભૂતકાળ. એની પાંહેથી મદદ લઈને હુ કરવાનું? તું ભૂલી ગઈ કેવી કેવી વાતો થાતી 'તી આખા ગામમાં? જે થયું ઈ બધું જાવા દે અને તારી મોટી બેનનો સાથ આપ. એની નજરે એમ વિચાર કે આવેલા અવસરને પાર પાડવાનો છે. આમથી તેમ, હવાર હાંજ દોડે છે તો ઈ એટલા હારુ દોડે છે કે એને કોઈ પાંહે હાથ લાંબો નો કરવો પડે. કાલ હવારે કો'ક એમ નો કહી જાય કે એના કારણે આ ઘરનો અવસર પાર પડો છે."

બંનેની વાત સાંભળી તેને એ સમજાયું કે નિતુ માટે બીજા પાસેથી લીધેલી મદદ કરતા સ્વાભિમાન કેટલું મોટું છે અને તેના માટે તે કેટલી મહેનત કરી રહી છે. તેને અંતે સત્યનું ભાન થયું અને પોતાની ભૂલ સમજાય. બીજી બાજુ હરેશે અને નિતુએ કરેલા પ્લાનિંગ પ્રમાણે બંનેએ કૃતિના પસંદના કપડાં સિલેક્ટ કર્યા અને કૃતિ માટે આ સરપ્રાઈ પ્લાન કર્યું. એ પછી મીઠાઈના બોક્સ લઈને તેઓ ઘરે પહોંચ્યા તો દરેક જણ મોં લટકાવીને બેઠેલા હતા. બંનેને એ જોઈને આશ્વર્ય થયું. ધીરુભાઈ અને શારદા મોં લટકાવીને બેઠેલા તો કૃતિની ભીની આંખો વિચારોમાં ખોવાયેલી. આ બધા આ રીતે

કેમ બેઠા છે? એ તેઓને ન સમજાયું અને ધીમેથી તેઓ પાસેથી વાત જાણવાનું નક્કી કર્યું.