ઘરથી દૂર, મીડિયા ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવવાની મહત્વાકાંક્ષા સાથે, દેવિકા નાયર માયાનગરી મુંબઈમાં એકલી રહેતી હતી. મોડેલિંગની દુનિયામાં સૌથી મોહક સ્મિતની માલિક દેવિકા નાયર, દરેક મેગેઝિનના કવર પર છવાયેલો ચહેરો હતો. તેની સુંદરતા લોકોને મંત્રમુગ્ધ કરી મુકે એવી હતી. તેના દિલકશ લક્ષણો અને આકર્ષક આભાનું સંપૂર્ણ મિશ્રણ બધાનું ધ્યાન ખેંચવામાં હંમેશા સફળ રહેતું. લાંબા પલકના પડછાયા નીચે તેની બદામ આકારની આંખો મોતીની જેમ ચમકતી હતી. તેની દોષરહિત મુલાયમ ત્વચા, કોઈપણ પ્રકાશ હેઠળ ઝગમગતી. બસ એમ સમજો કે દેવિકા આરસમાંથી કોતરેલી દેવીની કોઈ મૂરત હતી. લોકો ફકત તેની સુંદરતાની પ્રશંસા નહોતા કરતા, પરંતુ તેને પૂજતા હતા.
“દેવિકા, હું ખરેખર તારી ઈર્ષ્યા કરું છું, કાશ હું પણ તારા જેટલી સુંદર હોત. ભગવાને તને અવિરત આપ્યું છે, તું ખૂબ નસીબદાર છે છોકરી!” દરેક વખતે કોઈ પણ પ્રવૃત્તિ પહેલા, તેની બ્યુટીશીયન દેવિકાને તૈયાર કરતી વખતે ટીપ્પણી કરતી. ખુશીથી ફુલાઈ જતા, દેવિકા સ્મિત સાથે કહેતી, “તું પોતે પણ કેટલી સુંદર છે, શાંતિ. થેંક્યું ડિયર. ખબર નહીં, આ કરિશ્મા કેટલો સમય ચાલશે."
તેમ છતાં, શાંતિ તેને ટેકો આપતા કહેતી, "તું ચિંતા નહીં કર, હું છું ને, તને હંમેશા યુવાન અને સદાબહાર રાખીશ."
જો કે, દુર્ભાગ્યે દેવિકાના ક્ષણિક આનંદ પર તેનો ઘેરો પડછાયો પાડ્યો અને એક મોટો અકસ્માત થયો! એક ભયંકર અથડામણ, અચાનક અને ઘાતકી: ચીસ પાડતા ટાયર, વિખરાયેલા કાચ, તે નિષ્ઠુર અસરએ બધું બદલી નાખ્યું. દેવિકાનો ચહેરો, જે એક સમયે કલાકૃતિ કહેવાતો, હવે તે ડાઘી થઈ ગયો હતો. ડોકટરો જે કરી શકતા હતા તે કર્યું, પરંતુ કોઈ સર્જરી તે સ્ત્રીને પાછી ન લાવી શક્યા જે ક્યારેક લોકોના દિલની ધડકન હતી.
દેવિકાની મમ્મી દિવ્યા, તેની સાથે રહેવા આવી. "મમ્મી, મને હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં, મહેરબાની કરીને ઘરના બધા અરીસા ઢાંકી દેજો, હવે એમાં મારું વિખરાયેલું પ્રતિબિંબ જોવાની હિંમત નથી મારામાં." દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં વિસ્તર્યા. આખો સમય દેવિકા એકલી તેના રૂમમાં બંધ રહેતી અને કોઈની સાથે મેલમીલાપ કરવામાં હવે તેને કોઈ રસ નહોતો રહ્યો. આ દુર્ઘટનાએ ફકત તેની કારકિર્દી જ નષ્ટ નહોતી કરી, પરંતુ તેની ઓળખ પણ વિખંડિત કરી નાખી હતી.
એક સવારે બારીમાંથી ફૂંકાતા જોરદાર પવને તેના બેડરૂમના અરીસા પરથી ચાદર સરકાવી નાખી. દેવિકા જ્યારે બાથરૂમમાંથી બહાર આવી, ત્યારે મહિનાઓ પછી પહેલીવાર તેની નજર અરીસામાં તેના પ્રતિબિંબ પર પડી. ગાલ પર વહેતા ડાઘની ઝલક જોઈને તેનું હૃદય વળગી ગયું. એક લાંબો ચીરો, જેણે તેની સુંદરતા છિનવી લીધી હતી. હતાશાથી સળગીને, તેણે બાજુના ટેબલ પરથી ફૂલદાની ઉપાડી અને અરીસા પર ફેંકી, અરીસાના ટુકડે ટુકડા થઈ ગયા. પલંગ પર પડીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અચાનક ગર્જનાનો અવાજ સાંભળીને તેની મમ્મી તેના રૂમમાં દોડતી આવી. "દેવિકા!" હતાશ દીકરીને તેના ઉષ્માભર્યા આલિંગનમાં રાખીને, દિવ્યાએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, "તારી જાતને સંભાળ બેટા."
કડવા આંસુ વચ્ચે હાંફતા, દેવિકાએ ફરિયાદ કરી, “મારો ચહેરો, મારી સુંદરતા, મારી સૌથી મોટી સંપત્તિ હતી. હવે મને જુઓ, હું તેના વિના શું છું? હું જે હતી, હવે બસ તેનો કદરૂપો પડછાયો બનીને રહી ગઈ છું. હું એક મજાક બનીને રહી ગઈ છું, મમ્મી!"
“દેવિકા, સૌંદર્ય ફકત એક વધારાનું આકર્ષણ છે બેટા. શું તારી ઓળખ માત્ર આ ત્વચા પૂર્તિ છે? શું તું તેનાથી વધુ પ્રતિભાશાળી નથી? બીજું ઘણું બધું છે, જે અગર તું ચાહે તો હાંસિલ કરી શકે છે. જો તું મન મક્કમ કરે, દિલ લગાડે, તો તારી ઉડાનને કોઈ સીમિત નહીં કરી શકે." પણ કોઈ આશ્વાસન દેવિકાના ઘટી ગયેલા સ્વાભિમાન અને અપમાનની ભાવનાઓને ભૂંસી ન શક્યું.
તેની પુત્રી નિરાશામાં ડૂબી જાય તે પહેલાં, દેવિકાને પાછી પાટા પર લાવવા માટે દિવ્યાએ કંઈક કરવું હતું. તેણે તેની બહેનપણીને ફોન કર્યો અને તેને દેવિકાની આખી પરિસ્થિતિ કીધી. "પ્લીઝ પુષ્પા, મારી હારી ગયેલી દીકરીમાં ફરી થોડીક ઉમંગ ફૂંકવામાં મારી મદદ કર." પુષ્પા સાથે ફોન પર વાત કરતી વખતે દિવ્યા અતિશય ભાવુક થઈ ગઈ.
“દિવ્યા ચિંતા ના કર, હું જરૂર તારી મદદ કરીશ. પણ હું તારા ઘરે નહીં આવું, દેવિકાને અહીં લાવ અને તેને મારું વાતાવરણ જોવા દે, વિશ્વાસ કર આ વાતની તેના પર વધુ ભારી અસર થશે."
"દેવિકા, આજે હું મારી એક જૂની મિત્રને મળવા જઈ રહી છું અને હું ઈચ્છું છું કે તું મારી સાથે આવે."
"મમ્મી પ્લીઝ, હું ક્યાંય નથી જવાની."
“આ હુકમ છે, દેવિકા, હું તને કોઈ વિકલ્પ નથી આપી રહી. તારે મારી સાથે આવવાનું છે એટલે આવવાનું છે, બસ!” અનિચ્છાએ, દેવિકા તેના ગૂંગળામણભર્યા એકાંતમાંથી બચવા માટે દિવ્યા સાથે જવા માટે સંમત થઈ.
પુષ્પા સોની એક નિવૃત્ત નૃત્યનર્તિકા હતી જેણે સમય અને નુકસાન સાથે પોતાની લડાઈનો સામનો કર્યો હતો. પુષ્પા દેવિકા અને દિવ્યા સાથે ગળે લાગી અને મા દીકરીને પ્રેમથી આવકાર્યા. તેના વૃદ્ધ હાથ નરમ છતાં મજબુત હતા. તેનું એક સમયે સુંદર શરીર હવે સહેજ લંગડાઈ રહ્યું હતું, પરંતુ તેનો ઉત્સાહ સમયના વિનાશથી અસ્પૃશ્ય લાગતો હતો. પુષ્પા તેમને તેના આરામદાયક લિવિંગ રૂમમાં લઈ ગઈ, જ્યાં હવામાં ગુલાબની સુગંધ પ્રસરી રહી હતી. પુષ્પાની આંખો દયાથી ચમકતી રહી હતી, જ્યારે તેણે દેવિકાને કહ્યું, "તું હજુ પણ એટલી જ સુંદર છે જેટલી મને યાદ હતી."
દેવિકાએ કટાક્ષ કરી. “સુંદર? તમે મજાક કરી રહ્યા છો ને? હું જે હતી તે બધું મેં ગુમાવી દીધું છે.”
પુષ્પાએ હળવેકથી સ્મિત કર્યું. "શું તારી પાસે ફકત સુંદરતા જ છે?"
"તો બીજું શું છે?" દેવિકા બોલી. "લોકોએ ફક્ત મારો ચહેરો જોયો. તેના વિના, હું બસ... અદ્રશ્ય છું."
પુષ્પા અને દિવ્યાએ અર્થપૂર્ણ નજરની આપલે કરી. અમુક સેકન્ડ પછી પુષ્પા ટેબલ પર મુકેલો ફોટો લઈ આવી. તે તેની જુવાનીનો ફોટો હતો, સ્ટેજ પર આકર્ષક પોઝમાં ઉભી હતી, સ્પોટલાઇટ જાણે તેને ગૌરવમાં ભીંજવી રહી હોય.
" એક જમાનામાં હું પણ સ્ટાર હતી," પુષ્પાએ શરૂ કર્યું. “પરંતુ સમય, ઇજા અને ભાગ્યની પોતાની યોજના હતી. મેં નૃત્ય કરવાની ક્ષમતા ગુમાવી દીધી. શરૂઆતમાં, મને લાગતું જાણે મેં બધું જ ખોઈ નાખ્યું."
દેવિકા ધ્યાનથી સાંભળી રહી હતી, તેની ભમર જિજ્ઞાસાથી ઉભરાઈ આવી.
“નૃત્ય કરવાની મારી ક્ષમતા ગુમાવવું મૃત્યુ જેવું લાગતું હતું. પણ પછી મને કંઈક સમજાયું,” પુષ્પાએ આગળ કહ્યું. “મેં મારું આખું જીવન મુદ્રાઓ પૂર્ણ કરવામાં, મારા શરીરને નિપુણ બનાવવામાં વિતાવ્યું હતું, પરંતુ હું સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ભૂલી ગઈ હતી: નૃત્ય સિવાય પણ હું કંઇક છું. જ્યારે ગુમાવવા માટે કાંઈ બચ્યું જ નહોતું, ત્યારે મને મારી સાચી ઓળખ સમજાઈ."
"તે તમે કેવી રીતે કર્યું?" દેવિકાએ ધીમેથી પૂછ્યું. "તમે તમારી વેદનામાંથી કેવી રીતે બહાર આવ્યા?"
દિવ્યાને દીકરીની જિજ્ઞાસુતામાં આશાની કિરણ દેખાણી.
"મેં શીખવવાનું શરૂ કર્યું," પુષ્પાએ સહજતાથી કહ્યું. “જ્યારે મેં યુવાન નર્તકોને શીખતા જોયા, ત્યારે મને સમજાયું કે મારું મૂલ્ય મારા પોતાના કૌશલ્ય કરતા, વધુ એમાં છે, કે હું અન્યને કેટલું આપી શકું છું. સૌંદર્ય અને પ્રતિભા નિસ્તેજ થઈ શકે છે, દેવિકા, પરંતુ તું બીજાને જે આપીશ એની કિંમત વધારે છે, પછી ભલે તે જ્ઞાન હોય, દયા હોય કે પછી પ્રેમ. તે જે લાંબા સમય સુધી ચાલશે."
દેવિકાના વિચારો દોડવા લાગ્યા. હમણાં સુધી તે માનતી હતી કે તેની સુંદરતા જ તેની ઓળખ છે. તેમ છતાં પુષ્પાને મળ્યા પછી તેને એહસાસ થયો, કે તે પોતાના પ્રતિબિંબથી વધીને છે.
પુષ્પા કપમાં ચા રેડી રહી હતી કે દેવિકાની નજર દરવાજા પાસે લટકતા નાના અરીસા તરફ ગઈ. તેમાં તિરાડ હતી, પરંતુ પુષ્પાની વાતો સાંભળ્યા પછી દેવિકાને તે અરીસો તૂટેલા ને બદલે મોઝેક ડિઝાઇન જેવું લાગ્યું, જેમાંથી જુદી જુદી દિશામાં પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તેની અપૂર્ણતામાં કંઈક નવું, કંઈક સુંદર લાગી રહ્યું હતું.
"મેં એ અરીસાને ક્યારેય બદલવાનું નહીં વિચાર્યું," પુષ્પાએ દેવિકાની નજર જોઈને કહ્યું. "તે મને યાદ અપાવે છે કે જીવનને સુંદર બનવા માટે સંપૂર્ણ હોવું જરૂરી નથી."
દેવિકાએ ધીમેથી માથું હલાવ્યું, તેની અંદર કંઈક પરિવર્તિત થયું. ઘરે તેનો પોતાનો તૂટેલો અરીસો યાદ આવી ગયો. જેને તે ધિક્કારતી હતી, હવે અચાનક તે તેની ખોટના પ્રતીક જેવો ઓછો લાગી રહ્યો હતો. તે એક યાદ હતી કે સુંદરતા સંપૂર્ણતામાં મર્યાદિત નથી. તે મહિનાઓ સુધી છુપાઈને બેઠી રહી, પોતાની જાત પર તરસ ખાતી રહી, પરંતુ હવે સમય આવી ગયો હતો કે દેવિકા તેના વ્યક્તિત્વના અન્ય પાસાઓને સમજે અને પોતાની સાચી ઓળખને ચમકાવે.
પુષ્પાના ઘરેથી નિકળતી વખતે, દેવિકાની આંગળીઓ તેના ગાલ પરના ડાઘને મહેસૂસ કરવા લાગી. ડાઘ હજી પણ ત્યાં જ હતો, એક કાયમી નિશાન, પરંતુ હવે તે કોઈ ખામી જેવો નહોતો લાગી રહ્યો. તે દેવિકાની વાર્તાનો હિસ્સો હતો…એક વાર્તા જે અધૂરી હતી.
મહિનાઓમાં પહેલી વાર, દેવિકાએ દિવ્યા તરફ સ્મિત કર્યું, જે તેની દીકરીનું નવું સંસ્કરણ જોવાની આકાંક્ષા સાથે તેની બાજુમાં બેઠી હતી. મમ્મીનાં હાથમાં આંગળીઓ પિરોવિને દેવિકાએ હળવેથી શરૂઆત કરી, “થેંક્યું મમ્મી, મને પુષ્પા માસીના ઘરે લઈ જવા બદલ થેંક્યું. આજની સાંજ મારા જીવનમાં ક્રાંતિકારક બદલાવ લાવ્યું."
નાની બેંક લોન અને પરિવાર અને મિત્રોના ઘણા સમર્થન સાથે, ત્રણ મહિના પછી, દેવિકા નાયરે પોતાની મોડેલિંગ એકેડમી ખોલી. તે યુવાન મોડેલોને માર્ગદર્શન આપતી હતી, પરંતુ દેવિકાએ જે તેમને સૌથી મોટી શીખ આપી તે હતી, "છોકરીઓ, એમાં કોઈ શંકા નથી કે તમે ફેશન ઉદ્યોગ વિશે શીખવા માટે અહીં છો, પરંતુ જો તમે એમ વિચારશો, કે સહનશીલતા, સ્વ-મૂલ્ય અને તમારી ઓળખ, તમારા રૂપરંગ પર આધારિત છે, તો એ તમારી સૌથી મોટી ભૂલ હશે!"
શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram
https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=