૯. મિત્ર કે દુશ્મન ?
અમે હાંફતા હતા. તંબૂ છોડી દીધે અમને એક કલાક થઈ ગયો હતો. ચઢાણ હવે થોડું કપરું થયું હતું. સ્વેટરની ઉપર જાડું જેકેટ પહેર્યું હોવા છતાં ઠંડીથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નહોતા. અમારા સામાનમાં પણ વિલિયમ્સ અને ક્રિકની કેટલીક વસ્તુઓનો વધારો થતાં થેલો વધુ ભારે બની ગયો હતો.
અમે થાક્યા એટલે એક મોટા પથ્થર પર બેઠા. આ ઊંચાઈ પર હજી ક્યાંક-ક્યાંક બરફ દેખા દેતો હતો. તેના સિવાય બધે ખડકાળ જમીન હતી. ચારેય દિશાઓ શાંત હતી. ખીણનાં જંગલમાંથી એન્ડીઝનાં પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. અમને અહીંના પૂમા એટલે કે હિમ ચિત્તા જેવાં જનાવરોનું પણ જોખમ હતું. જોકે પિન્ટોએ અમને એ વાતે આશ્વાસન આપ્યું હતું કે એ અહીંનાં પક્ષીઓના બદલાયેલા અવાજોથી વાકેફ છે. આસપાસમાં કોઈ હિંસક પ્રાણી હશે તો પક્ષીઓ વિચિત્ર અવાજ કરવા લાગશે.
જમણી બાજુ નીચે ખીણ પ્રદેશ હતો. ઊંચા-નીચા એ પ્રદેશથી દૂર-દૂર વળી બીજો પર્વત દેખાતો હતો. ખીણમાં અમને લગૂન કહેવાતાં ભૂરા રંગના પાણીનાં બે સરોવરો છૂટાંછવાયાં દેખાયાં. આટલી ઊંચાઈ પરથી એ બંને સરોવર નાનાં-મોટાં ધાબાં જેવાં દેખાતાં હતાં. આવા બ્લ્યૂ લગૂન્સ વાસ્કરનની વિશિષ્ટતા છે.
એકાએક જેમ્સ ઊભો થઈને એક બાજુ ગયો. નીચેથી કંઈક ઉપાડ્યું અને અમારી પાસે આવીને અમને બતાવ્યું, ‘આ જુઓ !’
માત્ર અડધી મિનિટમાં થોમસ ઉત્સાહથી બોલી ઊઠયો, ‘ક્રિકના ટી શર્ટનો ટુકડો !’
અમારામાં નવું જોમ આવ્યું. એનો અર્થ એ કે અમે દિશા તો સાચી પકડી હતી. કારણ કે આરોહણ માટેનો આ માર્ગ સરળ હતો. મારો તર્ક સાચો પડયો એ જાણીને મને અલગ આનંદ થયો.
‘આપણા સૌ મિત્રોના વિચારો ખરેખર કેટલા મળે છે !’ મેં ફિક્કું સ્મિત કરતાં કહ્યું, ‘આપણે વિચાર્યું હતું એમ જ એ લોકોએ આપણા માટે આ નિશાની મૂકી છે. પોતાના મિત્રો પર એમને કેટલો મજબૂત ભરોસો છે ! આપણે એમનો આ વિશ્વાસ તૂટવા નહીં દઈએ.’ મેં કપડાનો કટકો મુઠ્ઠીમાં બંધ કરતાં દૃઢ સ્વરે કહ્યું. મારી બંધ મુઠ્ઠી પર થોમસ અને જેમ્સે પોતાના હાથ મૂકીને વધુ જુસ્સો આપ્યો.
બાજુમાં બેઠેલો પિન્ટો આ દૃશ્ય જોઈને મલકી ઊઠયો.
થોડી વારે અમે ફરી ચાલવાનું શરૂ કર્યું.
‘સામાન્ય રીતે સહેલાણીઓ માટે અહીંથી પાછા ફરી જવાનું નક્કી કરાયું છે.’ પિન્ટોએ ચાલતાં ચાલતાં કહ્યું, ‘પણ આપણે તો જવું પડશે આગળ... કોઈ વિકલ્પ નથી.’ એણે બેગમાંથી બોટલ કાઢી પાણી પીધું.
એ પછીની થોડી મિનિટો કોઈ કાંઈ બોલ્યું નહીં.
બપોર પડી. અમે થેલાઓ નીચે મૂક્યા. સાથે લાવેલા એ ખોરાકના અનામત જથ્થામાંથી થોડું જમ્યા. સૂકવેલું માંસ, ચોકલેટ, બિસ્કિટ ખાઈને ઉપર કૉફી પીધી. મને ખોરાકની પણ ચિંતા થવા લાગી હતી. જો અમારા મિત્રો નહીં મળે, અમારું મિશન સમયસર સફળ નહીં થાય અને ભોજન ખૂટવા લાગશે ત્યારે શું કરીશું ? હાલતુરંત એ વિચારો પડતા મૂકીને અમે ફરી આગળ વધ્યા.
આકાશમાં એન્ડીઝ પર્વતમાળાનાં ખાસ કોન્ડોર ગીધ ચકરાવા લેતાં હતાં. આ પ્રદેશ સમતળ હતો. ગાઢ જંગલ તો હજી સુધી આવ્યું જ નહોતું. આસપાસ કમર સુધીનું ઘાસ ઉગેલું હતું. તેમાંથી જાંબલી, લાલ અને સફેદ રંગના ફૂલોવાળી વનસ્પતિઓ ડોકિયાં કરતી હતી.
જમ્યા પછી પિન્ટોએ હોકાયંત્રથી દિશાનો ક્યાસ મેળવ્યો અને ઓલ્ટીમીટરથી ઊંચાઈ માપી. અમે ઉત્તર દિશાથી સહેજ ભટકી ગયા હતા. ઊંચાઈ હતી 8,500 ફૂટ. હજી 500 ફૂટનું ચઢાણ વધુ અને પછી પશ્ચિમ તરફ ફંટાવાનું હતું. જે સંકેત અમે ઉકેલ્યો હતો એય સાચો હતો કે નહીં એ પણ કોણ કહી શકતું હતું ?
હવેનું ચઢાણ એકદમ સીધું હતું. તેના માટે મેં બેઝ પરથી ચોરેલા દોરડાં, ગરગડી, ક્લિપ, પિટોન વગેરે સામાન બહાર કાઢવો પડે એમ જ હતું. મેં ધડકતા દિલે એ સામાન મારા થેલામાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું. મારી નજર પિન્ટો પર જ જડાયેલી હતી. જેવો એ સાધનો તરફ જોશે કે તરત જ મને બે-ચાર સંભળાવશે. એનું મોઢું મારી તરફ ફર્યું. એણે ચઢાણનો સામાન જોયો. પણ કાંઈ બોલ્યો નહીં ! ઊડતી નજર નાખીને એ બીજી દિશામાં જોવા માંડ્યો. મારા હ્રદયના ધબકારા નિયમિત થતાં મેં બાજુમાં ઊભેલા જેમ્સ અને થોમસને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. પછી થોમસના કાનમાં મેં સાધનો ક્યાંથી આવ્યા એ અંગે ફોડ પાડ્યો. એણે જેમ્સને જણાવી દીધું.
પિન્ટો અમારાથી દસેક ડગલાં આગળ ઊભો ઊભો પહાડની ઊંચી કરાડને જોતો હતો. પર્વતારોહણ એજન્સીના ગાઈડ તરીકે એણે પોતાની એજન્સીનો સામાન ઓળખી કાઢવો જોઈતો હતો. તેને બદલે એણે અજાણ હોવાનો ડોળ કેમ કર્યો ? સાધનો પોતાની એજન્સીના છે એ ઓળખી કેમ ન શક્યો ? અને બહુ નવાઈ લાગી.
આ દરમિયાન ક્રિક, વિલિયમ્સ અને સ્ટીવ સાથે શું બન્યું એ કહું.
***
ક્રિકની આંખો ખૂલી ત્યારે એને ખુલ્લાં આકાશને બદલે પથ્થરની છત દેખાઈ. એણે ધીમે રહીને પોતાની જાતને બેઠી કરી. એની બાજુમાં જ વિલિયમ્સ હજી બેભાન અવસ્થામાં સૂતો હતો. પણ સ્ટીવ ક્યાંય દેખાતો નહોતો.
અમારાથી છૂટા પડ્યા બાદ કેટલાક લોકો પહાડ ચડાવીને એમને આ જગ્યાએ લઈ આવ્યા હતા. ત્યાર બાદ શું બન્યું એનો ક્રિકને ખ્યાલ નહોતો.
માથું ભમતું લાગતાં એમને બેભાન કરી દેવાયા હશે એવું ક્રિકે અનુમાન કર્યું. પોતે એક મોટી ગુફાની અંદર હતો. ડાબી બાજુ થોડે દૂર ગુફાના દ્વાર પાસે બે માણસો પહેરો ભરી રહ્યા હતા. એ લોકોના હાથમાં ક્રિકે પિસ્તોલ જોઈ. એણે વિલિયમ્સને જગાડવાનો પ્રયત્ન કર્યો. એને થોડો ઢંઢોળતાં એ ઊઠ્યો. આંખો ચોળીને ચારે બાજુ ફાંફાં મારવા લાગ્યો. પછી પોતાની જાતને સ્વસ્થ કરી.
ખૂબ ચાલીને બંને થાકી ગયા હતા. બંનેમાંથી કોઈમાં ઊભા થવાની તાકાત નહોતી.
બંનેને ભાનમાં આવી ગયેલા જોઈને પેલા બેમાંથી એક શખ્સ નજીક આવ્યોઃ ‘ગુડ ઈવનિંગ, દોસ્તો ! મજા આવી ઊંઘવાની ?’ જાણે મશ્કરી કરતો હોય એવા લહેકાથી એ બોલ્યો. પછી દાંત કાઢીને જોરથી હસ્યો.
‘કોણ છો તમે લોકો ? અમારી સાથે શું દુશ્મનાવટ છે તમને ?’ વિલિયમ્સ ગુસ્સે ભરાઈ ગયો.
‘શાંત, ભઈલા, શાંત થઈ જા. નહીં તો એક મિનિટમાં કાયમને માટે શાંત કરી દઈશ.’ પેલાએ પણ ગર્જીને જવાબ આપ્યો. અત્યાર શાણપણ બતાવવાનું છે એવું વિલિયમ્સને સમજાયું. એ સમસમીને બેસી રહ્યો.
‘જો ભાઈ. એક જ વાત છે. તમારે ફ્રેડી જોસેફની સંપત્તિ શોધવાની કોઈ જ જરૂર નથી. અહીં જ શાંતિથી બેઠા રહો. સમય આવશે ત્યારે તમને સહી સલામત છોડી મૂકીશું.’ ચોકિયાતે વાતનો ફોડ પાડ્યો.
એની વાત ક્રિક અને વિલિયમ્સના ગળે ન ઊતરી. બંને બાઘાની જેમ એને તાકી રહ્યા. આવું કેવી રીતે બને ? આ બદમાશોના સરદારે જ તો એ લોકોને આ પહાડ પર છૂપાવેલી ફ્રેડી જોસેફની સંપત્તિ લાવવાનું ફરમાન આપ્યું હતું. હવે એ લોકો કહેતા હતા કે અમારે એ મિલકત શોધવાની જરૂર નથી !
‘પણ તમે લોકો છો કોણ ?’ આ વખતે ક્રિકે પૂછ્યું. ‘અમને ફ્રેડી જોસેફની દોલત શોધી કાઢવા માટે કહેવામાં આવ્યું છે. કોણે ફરમાન કર્યું છે એની અમને ખબર નથી. એ માણસે અમારા મિત્રનું અપહરણ કર્યું છે. અમારે એને...’
‘ચૂપ કર ! અમારે આવી વાર્તા નથી સાંભળવી. જેટલું કહેવામાં આવ્યું છે એટલું જ કરો.’ ચોકિયાતે બરાડો પાડ્યો.
ક્રિક પણ શાંત થઈ ગયો. ખરેખર આ ગૂંચવાડો હતો. અચાનક જ હુમલો કરીને આ લોકોએ શા માટે ઝડપી લીધા હતા એ પ્રશ્નએ બંનેના મગજ જડ બનાવી દીધાં હતાં.
થોડી વારે ફરી ક્રિક બોલ્યો, ‘અમારી સાથે એક છોકરો હતો... સ્ટીવ. એ ક્યાં છે ? પ્લીઝ એટલું જણાવી દો અમને.’
સવાલ સાંભળીને પેલાએ આખી ગુફા હલી જાય એવું અટ્ટહાસ્ય કર્યું. ક્રિક-વિલિયમ્સની મજાક ઉડાવી રહ્યો હોય એમ જ એ હસતો હતો. એના હાસ્ય વચ્ચેથી એક અવાજ સંભળાયોઃ ‘બીચારા ! એક પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો ત્યાં બીજો આઘાત લાગશે.’
જમણી બાજુ ગુફાના અંધારામાંથી પરિચિત અવાજ પડઘાયો અને પછી પરિચિત ચહેરો દેખાતાં જ વિલિયમ્સ અને ક્રિક આભા બની ગયા. બંનેની આંખો આશ્ચર્યથી એકદમ ખૂલી ગઈ.
સ્ટીવ ઊભો ઊભો હસતો હતો !
(ક્રમશઃ)