Naari Mann ane sex vishe ketlaak lekho - 9 in Gujarati Health by yeash shah books and stories PDF | નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 9

Featured Books
Categories
Share

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 9

શું તું કમ્ફર્ટેબલ છે?...

આપણે આગળ વધી શકીએ?...

તારી શું મરજી છે? 

તને શું ગમે છે? 

એવું કંઈ છે જે આપણા બંને માટે સુગમ હોય અને સરળ હોય? 

તારા વિચારો પણ મહત્વના છે.. મને તારા મનની વાત જણાવીશ?

આપણે કકળાટ મૂકીને સંવાદ ન કરી શકીએ? 

ફરિયાદોનો ક્યાં અંત છે, ચાલ બે ઘડી સંબંધોની ઉષ્માને ફરી યાદ કરી લઈએ.. બે ઘડી ખુશ ન થઈ શકીએ? 

           નવા સંબંધની શરૂઆત કરો અથવા રિલેશનશિપ કેટલો પણ જૂનો હોય... આ પ્રશ્નો સદાય જે કપલની વચ્ચે પુછાય છે...એ કપલ વચ્ચે તારતમ્ય રહે છે.. કોઈપણ છોછ વગરનું અને મુક્ત આદાન પ્રદાન સંબંધને નવજીવન આપે છે. દબાયેલી લાગણીઓના બાંધને ખોલી દે છે.. "એ મને સમજતી અથવા સમજતો નથી એવી ફરિયાદોનો અંત આવી જાય છે.." જો સમય ન હોય તો જ્યારે સમય મળે ત્યારે આ સવાલો પૂછી લેવા. મેં પહેલા કહ્યું તેમ જેમ પ્રેમ એક લાગણી છે ,તેમ લગ્ન પણ એક લાગણી છે, જોડાયેલા રહેવાનો અહેસાસ એ જ લગ્નજીવનની ઉષ્મા છે. એકબીજા પ્રત્યે પ્રેમ, સમર્પણ, સમજદારી, વિશ્વાસ અને સ્પેસ.. આ ફોર્મ્યુલા હંમેશા કામ કરે છે.                                              જેમ સામાન્ય સંબંધોમાં આ પ્રશ્નોનું મહત્વ છે એમ અંગત જાતીય જીવનમાં પણ આ પ્રશ્નો એટલા જ મહત્વના છે. પતિ પત્ની, પ્રેમી પ્રેમિકા એ આ બાબતે ખુલ્લા મને અને સંકોચ વગર ચર્ચા કરવા એકબીજાને તૈયાર કરવા જોઈએ.. જાણીતા સેક્સોલોજીસ્ટ પ્રકાશ કોઠારી ને મતે... કામ સંવાદ એ સંભોગ જેટલો જ મહત્વનો છે. સંવાદ, સંભોગ, સંગીત, સંબંધ આ બધા જ "સં"થી આરંભ થતા શબ્દો જીવનમાં ઘણા મહત્વના છે.

      કેટલીક સ્ત્રીઓની ફરિયાદ હોય છે.. કે તેમનો પતિ સંભોગ પૂર્વે દારૂ સિગરેટ અથવા તમાકુનું સેવન કરીને સંવનન કરે છે.આ બધું અસહનીય હોવા છતાં, તેમની ખુશી માટે અમારે પણ સહન કરવું પડે છે. કેટલીક સ્ત્રીઓ વાળી એમ પણ કહે છે કે તેમનો પતિ અથવા પ્રેમી પોર્નોગ્રાફી જોઈને સંભોગ કરે છે. વળી કેટલાક પુરુષો તો સ્ત્રીઓનો સ્લીપિંગ પિલ તરીકે ઉપયોગ કરે છે.. વળી કેટલાક પુરુષોની ફરિયાદ હોય છે, કે પોતાની કોઈ ઈચ્છા પૂરી કરવા માટે.. પત્ની એક સાધન તરીકે સંભોગનો ઉપયોગ કરે છે.. કોઈ ફરમાઈશ પૂરી કરાવવા માટે અથવા કોઈ ગિફ્ટ ની ઈચ્છાથી એ સેક્સનો લાલચ તરીકે ઉપયોગ કરે છે. પોતાનો મૂડ ખરાબ હોય અથવા ઘરમાં કઈ થયું હોય તેનો ગુસ્સો પતિ પર ઉતારે છે.. અને એવા સમયે પતિની ઈચ્છાઓને અવગણે છે..

           આવી સમસ્યાઓનો ઈલાજ સામાન્ય રીતે મુક્ત મને, સહજતાથી અને સ્વીકારથી થતો પતિ પત્ની વચ્ચેનો સંવાદ છે. વધુ પડતા ખરાબ કિસ્સાઓમાં જ કન્સલ્ટન્ટ ની જરૂર પડે છે. જો અંગત સંબંધોમાં એકબીજા પ્રત્યે જવાબદારી, સુરક્ષા અને સન્માન ની ભાવના હોય.. તેમ જ સ્ત્રી અને પુરુષે વૈજ્ઞાનિક રીતે સેક્સ એજ્યુકેશન લીધું હોય, તો જીવનમાં લીલા લહેર થઈ જાય છે. 

પદ્મશ્રી ડો .પ્રકાશ કોઠારીએ ત્રણ પ્રકારના સંબંધ કહેલા છે...

(1) નોકરી જેવો સંબંધ- જેમાં સેક્સ પર્ફોમન્સ એક રોજિંદી ફરજ અથવા જવાબદારી છે. આ પ્રકારના સંબંધમાં વ્યક્તિ ન પોતાના પાર્ટનરની પરવા કરે છે, ન એને અવગણે છે.. ફક્ત યંત્રવત રીતે સંબંધ ચલાવી રાખે છે..

(2) સ્વ કેન્દ્રીય સબંધ- આવા પ્રકારના સંબંધમાં એક પાર્ટનરને ફક્ત પોતાના સંતોષની ચિંતા હોય છે.. એ પાર્ટનરના સંતોષ, તેના સ્વાસ્થ્ય, તેની ઈચ્છાઓ પ્રત્યે બેદરકાર હોય છે. 

(3) આત્મીય સંબંધ: જેમાં પતિ પત્ની વચ્ચે મુક્ત મને ચર્ચા થાય છે.. એકબીજાની ઈચ્છાઓ નું સન્માન થાય છે.. વાસ્તવિક અર્થમાં બંને વચ્ચે સમ-ભોગ થાય છે. આવા પ્રકારના સંબંધમાં સમસ્યા ને સમાધાન સુધી લઈ જવામાં આવે છે.. આવા પ્રકારનો સંબંધ ખુબ ગાઢ અને સંતોષપૂર્ણ હોય છે. આત્મીય સંબંધ લાગણી, વિચારો, આરોગ્ય અને ગરિમા બધાનો વિચાર કરે છે.

                               તો ચાલો સંબંધોની માવજત અને તાજગી ભર્યા સંબંધો જાળવવાની કળા શીખી લઈએ અને આત્મીય સંબંધ બાંધીએ..