હું જામનગરથી કામ પતાવી ઘરે જવા નીકળ્યો ત્યારે એક દંપતી રસ્તાની સાઈડના બાંકડે બેઠું એની મસ્તીમાં બંને એકબીજાનાં હાથમાં હાથપરોવીને વાતું કરતા હતા. એને જોઈને મને આજે તુલસી સાથેનું મારુ વર્તન મને યાદ આવ્યું હતું. મને ક્ષણિક એમ થયું, ઓહો! તુલસીની સાથે મેં કેટલો અન્યાય કર્યો છે! મારુ એના પ્રત્યેનું વર્તન જો મને જ ખુબ વેદના આપી રહ્યું છે, તો તુલસીને કેટલી બધી ઈચ્છાઓ મારીને મારી સાથે જીવન વિતાવવાનું! મેં તુલસીને પત્ની તરીકેનું સ્થાન તો નથી જ આપ્યું, પણ એને ક્યારેય કોઈ જ જગ્યાએ કે પ્રસંગમાં પણ હું નથી લઈ ગયો. મારા ઘરને એણે પોતાનું ઘર સમજીને ખુબ જ પ્રેમથી એ એની દરેક ફરજ નિભાવી રહી છે. આજે મારું મન ખુબ અસંખ્ય વિચારોને લીધે વ્યાકુળ થઈ ગયું હતું. મને સમજાતું નહોતું કે, હું કેમ આજે આટલા બધા મારા વિચારોના વશમાં થવા લાગ્યો હતો.
મારા ભીતરમનમાં અચાનક તુલસી માટે મેં કરેલ અન્યાયનો પારાવાર અફસોસ મને થઈ રહ્યો હતો. મને ક્યારેય કોઈ વાત માટે અફસોસ થયો નથી, અને હું મારી અર્ધાંગિની જે કહેવાય છે એને જ ન્યાય આપી શક્યો નહીં! મને મારા દલાલીના ધંધા માટે પણ ક્યારેય મનમાં ઓછું આવ્યું નથી. આજે આ અજાણ્યા દંપતી દ્વારા મારી આંખ પરનો પડદો કુદરતે ખેંચ્યો હોય એવું મને લાગી રહ્યું હતું.
તુલસીનું પહેલીવારનું મિલન રાજા ધિરાજ દ્વારકાધીશના મંદિરે થયું એ સંજોગ હતો કે, કુદરતનો મને કંઈક સંકેત! ઝુમરી માટે હતું એવું જ ખેંચાણ તુલસી માટે, મારે જે સમયે દ્વારકાધીશજીના ચરણોને સ્પર્શ કરી આશીર્વાદ લેવા એજ સમયે તુલસીનો મારી સાથેનો ફરી સંજોગ, અનાયસે તુલસીનો પહેલીવાર કમર પર કરેલ સ્પર્શ વખતની ઘટના ઝુમરી સાથે થયેલ ઘટના જેવી જ સમાનતા.. એકાએક બધું જ યાદ આવવાથી મારુ મન ઝુમરી અને તુલસીની સરખામણી એકસમાન જ કરી રહ્યું હતું.
ભીતરે થયો કાંકરીચાળો, ગુનેગાર પોતાનું જ મન
લાગણીનું ઉમટ્યું પૂર, અંકુશમાં નથી રહેતું મન,
સરભર લેખાજોખા થયા, સમર્પિત કરવું મારુ મન,
સ્વીકારું તને પૂર્ણપણે, સંગાથે જીવવુ કહે મન.
તુલસીના મનમાં મારે માટે જે લાગણી ભાવ હતા, એ એણે મધુરજની વખતે મને જણાવ્યા હતા. એ દરેક શબ્દ મને આજે કરી યાદ આવી રહ્યા હતા. મને ખુદને મારા વ્યક્તિત્વ પર માન ઉપજાવે એટલો પ્રેમ એણે મારા પર શબ્દોથી વરસાવ્યો હતો. સ્પર્શ ક્યારેય મારો કર્યો જ નથી છતાં એના ભીતરે રહેલો મારે માટે અનહદ પ્રેમ એનોખો જ છે. અપેક્ષા કે પામવાની ઈચ્છા વગરનો સંપૂર્ણ મુક્ત પ્રેમ આજે મને એના પ્રેમના બંધનમાં બાંધી રહ્યો હોય એવું હું અનુભવી રહ્યો હતો.
હું ઘરે પહોંચ્યો ત્યારે મા અને તુલસી પાછળ ફળિયામાં રોટલા ને ખીચડી રાંધી રહ્યા હતા. હું અંદર આવ્યો એનો એ બંનેને ખ્યાલ જ નહોતો. માએ જોયું કે, તુલસી મનમાંને મનમાં એના વિચારોમાં જ મલકાઈ રહી હતી. તુલસીના ચહેરા ઉપરની ચમક જોઈને મા સમજી ગઈ કે એ જરૂર મારા વિચારમાં જ હતી. માએ તુલસીને પૂછ્યું, " શું વિવેક ના વિચાર કરી રહી છે?"
"તમને કેમ ખબર પડી કે હું તમારા દીકરાના વિચાર કરી રહી છું?"
"તું જ્યારે એના વિચાર કરે છે ત્યારે તારા ચહેરાની ચમક કંઈક અલગ જ હોય છે. તારા ચહેરા પરનું લાવણ્ય ખીલી ઉઠે છે. અને બેટા! તને પણ હુ ક્યાં વહુની જેમ રાખું છું, તું પણ મારી દીકરી જેવી જ છે ને! અને મા પોતાના બાળકના મનના ભાવ જાણી જ લે છે ખરી વાત ને બેટા?" માએ એકદમ પ્રેમથી અને નીખાલીસતાથી પોતાના મનના ભાવ રજૂ કર્યા હતા.
"હા મા! તમારી વાત સાચી છે. હું જ્યારે પણ તમારા દીકરા ના વિચાર કરતી હોઉં, ત્યારે હું ખૂબ ખુશ હોઉં છું."
"એક વાત કહું બેટા? પણ મારો દીકરો જેટલું તું એને મનથી સ્વીકારે છે એટલું એ સ્વીકારે છે ખરો? હું તને દુઃખી કરવા નથી ઈચ્છતી, પણ હું એ જાણવા ઇચ્છું છું કે, તું અહીં આવીને ખુશ તો છે ને બેટા? હું તમારા બંનેના સંબંધ વચ્ચે ક્યારેય કોઈ જાતની અડચણ ઊભી થાય એ ઇચ્છતી નથી. હું ચાહું છું કે, તમે બંને ખુશ રહો. બસ, આ જ હેતુથી હું તને આજે પૂછી રહી છું. તારી આ ઘરમાં લાગણી દુભાતી તો નથી ને બેટા?" માએ આજે પોતાના મનમાં ભમતા પ્રશ્નો તુલસી ને પૂછી જ લીધા હતા.
"અરે મા! આ શું પૂછી રહ્યા છો તમે? હું ખૂબ ખુશ છું આ ઘરમાં આવીને! મારું તો જે સપનું હતું એ પૂરું થયું છે. મારું નામ જ્યારથી તમારા દીકરા સાથે જોડાણુ હતું ત્યારથી હું તેમને મનોમન ખૂબ જ પ્રેમ કરું છું. તમે તમારા મનમાં જરાય મૂંઝાવ નહીં, તમારા દીકરાએ મારી સાથે કોઈ અન્યાય કર્યો નથી. અમારા લગ્ન થયા એ પહેલા જ એમણે મને એમના જીવનમાં ઝુમરી સિવાય અન્ય કોઈને એ સ્વીકારી નહીં શકે એ હકીકત મને કહી જ હતી. અને આ હકીકત જાણ્યા બાદ મને મારા પ્રેમ ઉપર ખરેખર ખૂબ જ ગર્વ થયો હતો. આજના સમયમાં કોઈ વ્યક્તિ આટલું ઈમાનદાર હોય એ ભાગ્યે જ જોવા મળે! અને હું તો ખુદને ખરેખર ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું. કારણ કે, હું તમારા દીકરાની અર્ધાંગિનીનું સૌભાગ્ય મેળવી શકી છું. અને એક વાત કહું મા... જો ઝુમરી હયાત નથી છતાં પણ તમારા દીકરા એની સાથે અન્યાય ન થાય એનું ધ્યાન રાખે છે તો એના જેટલી વફાદાર વ્યક્તિ મને દુનિયામાં બીજી કોઈ લાગતી જ નથી."તુલસી એ ખૂબ જ શાંતિથી પોતાના મનની લાગણી માને જણાવી હતા.
"પણ બેટા! તારા અસ્તિત્વ માટેની ઝંખના તું નથી રાખતી?"
"હા મા! રાખું છું. અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા દીકરા જીવનમાં એકવાર તો મને ખરા હૃદયથી સ્વીકારશે જ! મને મારા દ્વારકાધીશ પર પૂરો વિશ્વાસ છે. મારો પ્રેમ નિસ્વાર્થ છે આથી મારા પ્રેમની જીત અવશ્ય થશે જ! પ્રેમ કરતા એમણે ભલે ઝૂમરી પાસેથી શીખ્યું, પણ પ્રેમ નિભાવતા મારી પાસેથી શીખશે. અને સાચું કહું તો, મને એવું મહસૂસ થાય છે કે, તમારા દીકરાને પણ હવે મારી લાગણી સ્પર્શી રહી છે. એ હજુ વિવશ છે. એમના મનમાં હજી અનેક પ્રશ્નો એમને ચિંતિત કરી રહ્યા છે. એકવાર એમનું ભીતરમન એ જાણી લેશે ત્યારે મારા પ્રેમની જીત અવશ્ય થશે. અને મા! અમારો સગપણ તો કુદરતે કરાવેલો છે પછી એમાં કોઈ શંકા ને સ્થાન ન જ હોવું જોઈએ. હું એકદમ ચોક્કસપણે કહી શકું છું કે, કુદરતે કરેલ અમારું સહજીવન સુખી જ હશે."એકદમ લાગણીસભર શબ્દોથી તુલસીએ માને જવાબ આપ્યો હતો.
હું મા અને તુલસીની વાત સાંભળીને ખૂબ જ અચરજ પામી રહ્યો! એ બંને વચ્ચે કેટલી બધી આત્મીયતા હતી. મેં હંમેશા સાસુ અને વહુ વચ્ચે કંકાસ અને ઝઘડા જ જોયા હતા. મા અને તુલસી વચ્ચેનો અનન્ય પ્રેમ જોઈ હું પણ ગદગદ થઈ ગયો હતો. મારી આંખમાં એ બંને વચ્ચેની લાગણી આંસુ બની ભીનાશરૂપે છવાઈ ગઈ હતી. એક તો એમ જ મને તુલસી માટે આજે કંઈક અલગ જ ખેંચાણ થઈ રહ્યું હતું અને એમાં આ બંનેની વાત સાંભળી હું તુલસી તરફ ઢળી રહ્યો હતો. કદાચ અમારા પ્રેમની શરૂઆત થઈ ગઈ હતી બસ એકબીજાને સમર્પિત થવાનું જ બાકી રહ્યું હતું.
શું વિવેક તુલસીના પ્રેમને સ્વીકારી શકશે?
શું હશે વિવેક અને તુલસીનુ આવનાર જીવન?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏