આજના સમયમાં શિક્ષણ એ ખૂબ અગત્યની બાબત બની રહી છે. માણસ જન્મે ત્યારથી મરણ સુધી કંઈક ને કંઈક શીખતો રહે છે. એટલે શિક્ષણ માત્ર શાળામાં જ મળી શકે એ વિધાનને આપણું સંપૂર્ણ સમર્થન નથી. બાળક પાંચ વર્ષનું થાય પછી શાળાએ જતું થાય છે. ત્યાં સુધીમાં તો બાળક કેટલું બધું શીખી ચૂક્યું હોય છે. બોલતા, ચાલતા, બેસતા, જમતા, રમતા આ બધું પણ શિક્ષણનો જ એક પ્રકાર છે. જે સારું જીવન જીવવા માટે અનિવાર્ય છે એ બધું તો બાળક પોતાની માતા પાસે શાળાએ જતા પહેલા જ શીખી લે છે. જે જીવન પર્યંત ઉપયોગી નીવડે છે. હવે એ સમજીએ કે આ બધું બાળક ક્યાં માધ્યમમાં શીખે છે. આ બધું બાળક પોતાની માતૃભાષામાં શીખે છે. જે માતૃભાષામાં શીખેલું હોય છે તે સહજતાથી યાદ રહી જાય છે અને જીવન પર્યંત ભુલાતું નથી હોતું.
ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભળાતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો.
માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે.ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે.બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે !
જાપાન અને જર્મનીમાં આ મુદ્દા પર ઘણા સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્ર્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જીંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે.ઈઝરાયલ કે જે આપણા દેશના દસમાં ભાગમાં પણ નથી આવતો તેવો આ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. તેમજ આપણાથી દસ ગણા વધુ નોબેલ પુરસ્કારો પણ મેળવ્યા છે. તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને કોઈ પણ દેશ પ્રગતિમાં પાછા નથી રહ્યા.
મગજના કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના શબ્દો કે વાક્ય પ્રયોગોનું પહેલા આ કમ્પ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરશે. પછી, વિષયવસ્તુને સમજવા માટે મગજનો ઉપયોગ કરશે. તેની મગજની ઘણી બધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષા ભણનાર બાળકના મગજની પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે, તેનું આ રહસ્ય છે.
‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહ માટે નોબલપ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમર્ત્યસેન માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા. અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે છે અને તેની સાથે જ આપણી મહાન સંસ્કૃતિ ક્ષતિ પામે છે.વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ વગેરે અનેક ખિતાબો, એવોર્ડસ અને ઈનામો પ્રાપ્ત કરનાર, સાયન્સ અને એન્જીન્યરિંગના વિષયમાં ૨૫ જેટલી યુનિવર્સિટીઓમાંથી જેમણે ડોક્ટરેટ કરેલું છે. અરૂણભાઈ ગાંધી તાતા કંપનીના ડિરેક્ટર અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. રતન તાતાના જમણો હાથ સમા અરૂણભાઈએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કૂલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો.અવકાશયાત્રા દરમ્યાન પોતાનો જાન ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે તે બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના ધારક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. આવા તો અઢળક મહાનુભાવો ના ઉદાહરણો નજર સમક્ષ છે.
મોરારિબાપુ કહે છે, 'અંગ્રેજી કામની ભાષા છે. તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય.
અંગ્રેજી ભાષાનો વિરોધ નથી. અંગ્રેજી શીખવું, સમજવું અને બોલવું તો હાલના સમયમાં ખૂબ જ આવશ્યક બની ગયું છે. અંગ્રેજી શબ્દોએ રોજિંદા વપરાશમાં સારો એવો પગ પેસારો કર્યો છે. દરેક ક્ષેત્રમાં, સંસ્થામાં અંગ્રેજી આવડવું જરૂરીયાત બની ચૂક્યું છે. કારણ કે દરેક ક્ષેત્ર માં ટેકનોલોજીનો ભરપૂર માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. અને બધી જ ટેકનોલોજી પોતાની સાથે અંગ્રેજીના શબ્દો લઈને આવે છે. એક સામાન્ય મોબાઈલ ઘરમાં આવે તો પણ કેટલાય અંગ્રેજી શબ્દો જેવા કે સિગ્નલ, સીમકાર્ડ, નેટવર્ક, કોલ, મેસેજ, વિડીયો જેનું કોઇ ગુજરાતી નથી, તેવા શબ્દો સાથે લઈને આવે છે. તો પછી હાલનો સમય તો અધ્યતન ટેકનોલોજીનો છે. દરેક ક્ષેત્રમાં લેપટોપ, કમ્પ્યુટર, ઈમ્પોર્ટ કરેલી મશીનરી, મેડિકલ સાયન્સ એટલું જ નહીં ઘરમાં પ્રવેશતાની સાથે ટીવી, રેફ્રિજરેટર, ફિલ્ટર, ગીઝર, ઓવન, હીટર, એસી, ચાર્જર જેવા કેટલાય સાધનો જોવા મળે છે. જે પોતાની સાથે કેટલાય અંગ્રેજી શબ્દો લઈને આવે છે. અને એ બધા સાધનોના મેન્યુઅલ પણ અંગ્રેજીમાં જ હોય છે. તો બધા સાધનો ઓપરેટ કરતા પહેલા બેઝિક અંગ્રેજી આવડવું જરૂરી હોય છે. અંગ્રેજી વાસ્તવમાં લિંક લેંગ્વેજ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એક એવી ભાષા છે અલગ અલગ ભાષાના લોકોને જોડી શકે. શીખવા, સમજવા માટે માતૃભાષા જેટલી આવશ્યક છે, બહારની દુનિયા સાથે જોડાવા માટે અંગ્રેજી ભાષા પણ એટલી જ આવશ્યક છે. પરંતુ અંગ્રેજી ભાષા કામ ચલાઉ એટલે કે બહાર નીકળ્યા હોય ત્યારે ક્યાંય અટવાયા વગર કામ પાર પાડી શકાય એટલું આવડવું જરૂરી છે. અંગ્રેજી ના આવડતું હોય એ સ્માર્ટ, હોશિયાર નથી એવું કથન તદ્દન ખોટું છે.
ઘણા વાલીઓ જે માતૃભાષામાં શિક્ષણનું મહત્વ સમજે છે તે લોકો પોતાના બાળકનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થાય તેવો આગ્રહ રાખે છે. પરંતુ આજના સ્પર્ધાત્મક યુગમાં એવી ગુજરાતી માધ્યમની શાળાઓ પણ હોવી જોઈએ ને જેમાં અંગ્રેજી પણ એટલા જ કૌશલ થી શીખવવામાં આવતું હોય. ગુજરાતી માધ્યમની શ્રેષ્ઠ શાળાઓના અભાવે પોતાનું બાળક સમાજથી પાછળ ન રહી જાય એવું વિચારીને વાલીઓ સારામાં સારી શાળાની શોધમાં અંગ્રેજી માધ્યમની શાળા સુધી પહોંચી જાય છે. અને પોતાના બાળકની હાલત 'ના ઘર કા ના ઘાટ કા' જાણવા છતાં કરતા રહે છે.