મુંબઈ હાઇવે પર સડસડાટ ચાલી રહેલી ચકચકિત લેમ્બોર્ગીની ટોલ પ્લાઝા નજીક આવતા બ્રેક લગાવે છે. ગાડીઓની કતાર લાંબી હોવાથી કારચાલક ગાડી થોભાવે છે. એવામાં એક બાર તેર વર્ષનો છોકરો હાથમાં થોડા તિરંગા લઈને દોડતો ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઇવર પાસેથી કોઈ પ્રતિભાવ ન મળતા તે પાછળની વિન્ડો પાસે ઉભો રહ્યો. ચહેરા પર મજબૂરીના ભાવ ખેંચી લાવીને તેણે પાછળ બેઠેલા વ્યક્તિને પોતાનો ઝંડો ખરીદવા ઈશારાથી આગ્રહ કર્યો. પાછળ બેઠેલા નવ દસ વર્ષના છોકરાએ બિસ્કીટ ખાતા ખાતા બાજુમાં બેઠેલી તેની મમ્મી સામે જોયું. શેરિંગ ઇઝ કેરીંગ ના મૂલ્યો શીખવવાની તક ઝડપી લઈને મમ્મીએ કહ્યું "બેટા તારી પાસે તો ઘણા બધા બિસ્કીટના પેકેટ છે, એક પેકેટ આ છોકરાને આપી દે." કારમાં બેસેલા છોકરાએ ખુશીથી એક પેકેટ પેલા ઝંડા વાળાને આપી દીધું.
ભીખ માંગવા કરતા પોતાની મહેનતથી, આત્મબળે કમાઈને પોતાનું પેટ ભરવાની માનસિકતા ધરાવતા એ ખુદદાર છોકરાએ બિસ્કીટના પેકેટ ના બદલામાં બે ઝંડા આપી દીધા. જગ્યા મળતા કાર ચાલી ગઈ. સાંજ થવા આવી હતી. છોકરો પોતાના બચેલા ઝંડા અને બિસ્કીટ નું પેકેટ લઈને ઘર તરફ જવા રવાના થયો. રસ્તામાં એક ભીખ માંગતો છોકરો દેખાયો. તેણે પોતાની પાસે રહેલા બિસ્કીટ ના પેકેટ માંથી અડધા બિસ્કિટ પેલા છોકરાને આપી દીધા. કારણ કે કોઈ ભૂખ્યાને ખવડાવવું એ એને ગમતું હતું. એને એમાં આનંદ આવતો હતો. બંનેના ચહેરા પર ખુશીના ભાવ પ્રગટ થયા. પેલા ભીખ માંગતા છોકરા ને ખાવાનું મળ્યું એટલે ખુશ હતો. અને પોતાના બિસ્કીટમાંથી અડધા બિસ્કીટ બીજાને આપીને આ છોકરાએ એ આનંદ અનુભવ્યો જે બધા નથી અનુભવી શકતા.
કારમાં બેઠેલા છોકરાએ જ્યારે બિસ્કીટ નું પેકેટ આપ્યું ત્યારે એને કશુંક શેર કરવાની ખુશી હતી. પરંતુ એ આનંદ નહીં હતો જે અંદરથી આવે. જે આનંદ આત્મા સાથે જોડાયેલો હોય છે. કારણ કે એની પાસે તો ઘણું બધું હતું, તેમાંથી થોડુંક બીજાને આપે તો એને વધારે કંઈ ફરક પડે એવું હતું નહીં. એને જે ખુશી થઈ એ ઉપરછલ્લી હતી. જે આજના જમાનામાં દરેક વ્યક્તિ અનુભવે છે.
આપણે બધા આવી જ ઉપરછલ્લી ખુશીમાં ખુશ રહીએ છીએ. પેલા ઝંડા વાળા છોકરાએ પોતાની મહેનતથી કમાઈને જે મેળવ્યું હતું એમાંથી અડધું બીજાને કોઈ સ્વાર્થ વગર આપી દીધું. કેટલા એવા માણસો છે જે આવા વ્યવસાયમાં જોડાઈ ગયા છે જે કરવામાં એને કોઈ આનંદ નથી આવતો. ઘર ચલાવવા માટે, પૈસા કમાવા માટે કરવું પડે છે એટલે કરવા વાળા ની સંખ્યા વધારે છે. બહુ ઓછા લોકો એવા છે જેમણે પોતાના ગમતા કાર્યને વ્યવસાય બનાવ્યો છે.
ઘણીવાર સાંભળ્યું છે કે સંગીતનો શોખ ધરાવતા, ગાવાના શોખીન કે ચિત્રકારી માં પ્રભુત્વ ધરાવતા લોકો પોતાની અંદર કળા હોવા છતાં કોઈ અલગ જ ક્ષેત્રમાં કાર્યરત હોય છે. કારણ કે જે તે સમયે જ્યારે સફળ કારકિર્દી ની ચર્ચા કરવામાં આવી હોય ત્યારે પુષ્કળ આવક થઈ શકે એ વ્યવસાયને મને કમને અપનાવો પડે છે. એટલે એ કામ કરવું છે આનંદ આવે કે ન આવે આવક આવવી જોઈએ. ઘણીવાર સમાજના પ્રેશરથી પ્રેરાઈને કે આવું કામ કરીશ તો લોકો શું કહેશે અથવા તો ઘણા મા-બાપ એવું ઇચ્છે છે કે પોતાના સંતાનો એવી પદવી પર હોય જ્યાં બધા તેમને માનની દ્રષ્ટિએ જોવે. એટલે ઘણીવાર નિજાનંદ છોડીને બીજાના આનંદ માટે એ કારકિર્દી પસંદ કરવી પડે છે જેમાં કોઈ આનંદ નથી હોતો.
સુભાષ ભટ્ટ સાદગી પૂર્ણ જીવન જીવવા વાળા ખૂબ જ જાણીતા કવિ અને લેખક છે. જિંદગીના લગભગ ત્રીસ વર્ષથી સતત ભ્રમણ કરતાં, દર વર્ષે હિમાલયનો પ્રવાસ કરે છે. સામાન્ય રીતે હિમાલયમાં કે પર્વતોમાં લોકો મનની શાંતિ મેળવવા જતા હોય છે. જ્યારે આવા પ્રવાસ શક્ય ના હોય ત્યારે લોકો બીયર બારમાં મનની શાંતિ મેળવવા પહોંચી જાય છે.એકવાર સુભાષ ભટ્ટ ને એક ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવ્યું કે આવા પ્રવાસથી તમને શું મળે છે, ત્યારે તેમણે ખૂબ જ સુંદર જવાબ આપેલો કે "આનંદ" ,'મને ગમે છે પ્રવાસ કરવો'. આપણે હંમેશા ત્યાં જ દોડીએ છીએ જ્યાંથી કંઈક (ભૌતિક રીતે ) મળતું હોય. 'મને ગમે છે એટલે હું કરું છું' આવું ખૂબ ઓછા લોકો કરે છે.
ખાસ કરીને એ મહિલાઓ જે માત્ર ઘરમાં રહીને ઘર સંભાળે છે. આખા પરિવારનું ધ્યાન રાખશે. બધાની પસંદ ના પસંદ ની પૂરતી કાળજી રાખશે. પરંતુ જ્યારે પોતાની ઈચ્છાઓની, સપનાઓની, ગમા અણગમા ની વાત આવશે ત્યારે એક જ વાક્ય હશે "અમારે તો ચાલે". આ બધું ચલાવી લેવાની ભાવના ભારતીય નારીના મૂળમાં જ છે. અરે ના! 'આમ નહીં ચાલે', "મને મેક્સિકન ડિશ ભાવે છે તો હું એ ઓર્ડર કરીશ", "ના મારે એ મૂવી જોવું છે તમારે સમય હોય તો આવો નહીં તો હું એકલી જઈને જોઈ આવીશ", "મને દિવસના આટલા કલાક તો આરામ જોઈશે જ" કે પછી "મને આવા કપડાં પહેરવા ગમશે" આ બધા વાક્યો એક મહિલાની અંદર રોજ બહાર નીકળવા તડપતા હશે. પરંતુ એ નહીં નીકળી શકે. કારણ કે સ્ત્રીઓને એ જ કરવું છે જેમાં બીજાને આનંદ આવે. ઘરમાં પડેલા કામને બે કલાક અવગણીને પોતે આરામથી બેસીને ચા પીવી જેમાં નિજાનંદ છે એવું નહીં કરી શકે. જે કરવાની જરૂર છે. ક્યાં સુધી દુનિયાની ખુશી માટે જ જીવ્યા કરવાનું? ક્યારેક તો પોતાના આનંદ માટે જિંદગી માંથી થોડીક ક્ષણો ચોરી શકાય. ક્યાં સુધી વિચારતા રહેવાનું કે લોકો શું કહેશે? ઓશો રજનીશનું એક ખૂબ સુંદર વાક્ય છે જે જીવનમાં ઉતારવા જેવું છે. "સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ" એના કરતા એ રોગને દૂરથી સલામ. પોતાની જાતને આનંદમય રીતે વ્યસ્ત રાખો. પોતાના શોખ, સપનાઓ, ઈચ્છાઓ ને પ્રાથમિકતા આપો. જ્યારે માણસ પોતે અંદરથી ખુશ હોય છે ત્યારે તેની સાથે જોડાયેલા બધા આપમેળે ખુશ થાય છે. એટલે પોતાની જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. પહેલા સમજો કે તમને કઈ બાબતથી ખુશી મળે છે અને પછી એને અનુસરો.