AI ની અસરકારક ઓળખાણ in Gujarati Science by Thummar Komal books and stories PDF | AI ની અસરકારક ઓળખાણ

Featured Books
Categories
Share

AI ની અસરકારક ઓળખાણ

સમય ખૂબ જ ઝડપથી ગતિ કરી રહ્યો છે. આંખના પલકારામાં જાણે યુગ ફરી જાય છે. એવું લાગે જાણે હજુ હમણાં બાળપણમાં જે નામુમકીન સપનાઓ જોયા હતા, જે નામુમકીન કલ્પનાઓ કરી હતી. ખૂબ જ ઓછા સમયમાં એ નજર સમક્ષ જોવા પણ મળે છે. નાના હતા ત્યારે દાદા દાદી પાસે જાદુઈ જીન ની વાર્તાઓ સાંભળી હતી. જેમાં એક મનુષ્ય જેવો જીન આવીને માણસની બધી ઈચ્છાઓ પળવાર માં પૂરી કરી શકતો. બસ એવું જ કંઈક આધુનિક યુગમાં બની રહ્યું છે. આપણે આજે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (માનવસર્જિત બુદ્ધિ) વિશે વાત કરવી છે.

મનુષ્ય જ એક એવો સજીવ છે જે બધા સજીવોથી અલગ પડે છે અને એનું મુખ્યત્વે કારણ છે મનુષ્યની વિચારવાની ક્ષમતા મનુષ્ય જ એકમાત્ર જીવ છે જેને ભગવાને બુદ્ધિ આપી છે વિચારવાની ક્ષમતા આપી છે પરંતુ આ વિશેષ સિદ્ધિ મનુષ્યને પછી નહીં હતી એટલે મનુષ્યએ એક એવું યંત્ર બનાવ્યું છે આબેહૂબ મનુષ્ય જેવું જ લાગે અને તેમાં કુત્રિમ બુદ્ધિરો પણ કર્યું. પરિણામે માનવને મળ્યો માનવ થી પણ વધુ શક્તિશાળી નિર્જીવ માનવ (દાનવ). દાનવ કહી શકાય કે નહીં એ તો આવતી પેઢી નક્કી કરશે. પરંતુ આ કૃત્રિમ બુદ્ધિ વાળો નિર્જીવ માનવ જે ગતિથી પ્રવાસ કરી રહ્યો છે એવું લાગે કે ખૂબ જ ટૂંકા સમયમાં એ દાનવ તરીકે પ્રસિદ્ધ થશે.

છેલ્લા દાયકા થી AI એ ખૂબ જ ઝડપથી ગતિ પકડી છે. આ કૃત્રિમ બુદ્ધિનું આગમન આજકાલનું નથી. 1900 ના દાયકામાં જ એનું બીજ રોપણ થઈ ચૂક્યું હતું. બસ એ છોડને પોષણ ન મળતા ત્યારે એ બધું ખીલી ન શક્યું. 1921 માં યુરોપના એક ચેક નામના દેશમાં સૌપ્રથમવાર 'રોસન્સ યુનિવર્સલ રોબોટ્સ ' નામનું નાટક ભજવવામાં આવ્યું હતું. એ સમયથી આ નિર્જીવ માનવનો વિચાર લોકોના મગજ સુધી પહોંચ્યો હતો. આ વિચારનો અમલ કરીને 1929 માં એક જાપાની પ્રોફેસરે ગાકુટેન્સાકુ નામનો રોબોટ બનાવ્યો હતો. ત્યારબાદ આ વિચાર પર સંશોધન કરીને 1949 માં એડમન્ડ કેલિસબર્કલે જે કમ્પ્યુટરના વિજ્ઞાની હતા તેમણે પુસ્તક 'મશીનસ ધેટ થિંક ' પ્રકાશિત કર્યું. જેમાં માનવ મગજની સરખામણી કમ્પ્યુટર સાથે થઈ શકે એવી સંભાવના દર્શાવી હતી. પછી તો શું હતું? આટલું સંશોધન મળ્યા પછી કમ્પ્યુટર નિષ્ણાતો પોતાનો કમાલ બતાવવા, પોતાની આવડત દુનિયા સમક્ષ દર્શાવવા માટે દિવસે દિવસે નવા સંશોધનો કરતા થયા.

શરૂઆતમાં કમ્પ્યુટર જાતે ગેમ રમી શકે એટલી બુદ્ધિ રોપવામાં આવી. ટૂંકમાં મર્યાદિત ક્ષમતા સાથે પૂર્વ પ્રોગ્રામ કરેલા નિયમોના આધારે કાર્ય કરી શકે. આજથી બાવીસ વર્ષ પહેલા રૂમ્બા નામનું ઓટોમેટિક વેક્યુમ ક્લીનર લોન્ચ થયું હતું. જે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ફર્શ સાફ કરી આપતું. તે સેન્સરની મદદથી રસ્તો નક્કી કરીને જાતે નિર્ણય કરતું. અને એ પૂર્વ પ્રોગ્રામ કરેલું સ્માર્ટ હાઉસ એપ્લાયન્સ માનું એક ગણાતું હતું. હાલ ના સમયમાં કમ્પ્યુટરનો સમાવેશ માત્ર મોનિટર કે સ્ક્રીન જેટલો મર્યાદિત નથી રહ્યો. કેટલાય અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર બેઝડ યંત્રો બજારમાં ફરતા થયા છે. માત્ર બજારમાં નહીં આપણા ઘરમાં, વ્યવસાયમાં, શાળાઓમાં અને સંસ્થાઓમાં પણ આવા યંત્રોએ હરણફાળ ભરી છે.

1985 માં 'સ્મોલ વન્ડર' નામની અમેરિકી સિરીઝ રિલીઝ થઈ હતી. જેમાં વિકી નામની ચાઈલ્ડ ગર્લ રોબોટ તરીકે બતાવવામાં આવી છે. જે ઘરના બીજા સદસ્યોની માફક ઘરમાં રહે છે અને અમાનવીય રીતે ઘરકામમાં મદદ પણ કરે છે. ભારતમાં પણ 'કરિશ્મા કા કરિશ્મા' નામની તેની રિમેક બની હતી. ત્યારે તો આ માત્ર કલ્પના હતી. જે સાક્ષાત, નજર સમક્ષ જોઈ શકાય તે રીતે સાર્થક થઈ રહી છે. ત્યારબાદ આપણે સાઉથ હીરો રજનીકાંતનું 'રોબોટ ' મુવી પણ જોયું. જે ધીમે ધીમે માનવજીવનમાં પ્રયાણ કરી ચૂક્યું છે. નવાઈની વાત તો એ છે કે તાજેતરમાં 'તેરી બાતો મેં એસા જીયા ' નામનું મુવી જેમાં ક્રિતી સેનન નામની એક્ટ્રેસને રોબોટ તરીકે બતાવવામાં આવી છે. જે ઘરના સભ્યોની સાથે રહેતી હોવા છતાં એ રોબોટ છે એવી જાણ નથી થતી. અને મશીન હોવા છતાં, જાણવા છતાં કોઈ એના પ્રેમમાં પણ પડે છે. ભગવાનને પ્રાર્થના છે કે એવા દિવસો ન જોવા પડે. જોક્સ અ પાર્ટ. એ મૂવી તો કોમેડી મુવી છે. આશા રાખીએ કે માનવ જીવનમાં આ કોમેડીના પ્રવેશે.

બીજું બધું તો ઠીક પરંતુ જે રીતે આ બુદ્ધિ વાળા મશીનો માણસોની જગ્યા લઈ રહ્યા છે. જોઈને એવું લાગે છે કે અમુક વર્ષો પછી દરેક ફિલ્ડ માત્ર AI પર જ નિર્ભર હશે. પહેલા ઓટોમેટીક વેક્યુમ ક્લીનર ની વાત કરી એ દરેક ઘરમાં પ્રવેશ કરી લે તો નીચલો વર્ગ જે સફાઈ કામદાર છે, જે બીજાના ઘર સાફ કરીને ઘર ચલાવે છે એ શું કરશે? આપણા વડીલો જે હાથથી કપડા ધોઈને સાફ કરતા હતા. જે સ્થાન ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીને લઈ લીધું. એવા અઢળક મશીનો રોટી મેકર, ડીશ વોશર જે ઘરગથ્થુ કામમાં માણસોની જગ્યા લઈ રહ્યા છે.

ધંધા, વ્યવસાયો, ફેક્ટરીઓમાં પણ મજૂરો અને કામદારોની જગ્યાઓ મશીનો છીનવી રહ્યા છે. એક માણસ આખો દિવસ દરમિયાન જે ગણતરી કરે છે, એકાઉન્ટ સંભાળે એ બધું તો કમ્પ્યુટર ગણતરીની મિનિટોમાં કરી આપે. કોઈપણ ધંધામાં માણસની જગ્યાએ મશીન સતત, થાક્યા વગર અને ભૂલ રહિત કામ કરી શકે તો પછી માણસની જગ્યાએ મશીન સ્વીકાર્ય કેમ ના હોય. એટલે ધંધા વ્યવસાયમાં મશીન અથવા કમ્પ્યુટરને પ્રાધાન્ય મળી રહ્યું છે. ન્યુઝ ચેનલ આજતકમાં લોન્ચ કરવામાં આવેલી ન્યુઝ એન્કર AI સના એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે ફોટો એડિટ કરવામાં માણસને બે કલાક જેટલો સમય લાગે છે, એ આઈ ઈમેજ જનરેટરની ઢગલાબંધ એપ્લિકેશન પાંચ સેકન્ડમાં એ કરી આપે તો પછી કોઈ એનો વિરોધ શું કામ કરે.

બજારમાં, ઘરમાં, ધંધા વ્યવસાયમાં સારી રીતે પગ પેસારો કર્યા પછી એ હવે માણસની નીજી જિંદગી માં, દિલ દિમાગમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. હાલના સમયમાં ઘરમાં માણસ દીઠ મોબાઈલ હોય છે. પાંચ વર્ષના બાળકથી લઈને પંચાણ વર્ષના વૃદ્ધ સુધી બધા જ વ્યક્તિ મોબાઈલ નો ઉપયોગ કરતા થયા છે. મોબાઇલને સ્માર્ટફોન એટલે જ કહેવામાં આવે છે કારણ કે મોબાઈલ પણ માણસની જેમ કૃત્રિમ બુદ્ધિ ધરાવે છે. એ ધીમે ધીમે તમારી બધી જ વિગતો કલેક્ટ કરીને તેને મેમરીમાં સાચવે છે. તમને શું ગમે છે, શું નથી ગમતું, કેવા વિડિયોઝ ગમે છે, તમને શું ઓનલાઇન શોપિંગ કરવું ગમે છે, તમને કઈ એપ્લિકેશન ની જરૂર છે, બધો જ ડેટા જે ઘરના સભ્યોને પણ ખબર નથી હોતી તે મોબાઈલ જાણે છે. AI પોતે માણસ ની જેમ વિચારી શકે છે, પોતાનાં અનુભવો પરથી શીખી શકવા સક્ષમ છે. 

AI માનવ મગજ પર કેવી અસર કરે છે તે દર્શાવતી એક ડોક્યુમેન્ટરી "સોશિયલ ડીલેમા" નામે રજૂ કરવામાં આવી છે. નાના બાળકોને મોબાઇલ આપી દેનાર વાલીઓએ ખાસ જોવી જોઈએ. બાળકના કુમળા માણસ પટલ પર કેવી ભયંકર અસર થાય છે અને એના પરિણામો કેવા ભયાનક આવે છે એ હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ. ધંધા વ્યવસાય માટે અને માનવ જીવનને સગવડભર્યુ બનાવવા માટે AI ખૂબ જ કામની વસ્તુ છે. પરંતુ સિક્કાની બીજી બાજુ ખૂબ જ ડરામણી છે. કારણ કે કૃત્રિમ બુદ્ધિ વાળા નિર્જીવ માણસો વાસ્તવમાં માણસ કરતા હજારો ગણા વધારે શક્તિશાળી, ઝડપી અને ચોકસાઈપૂર્વક, ભૂલ રહીત કામ પાર પાડવા સક્ષમ છે. એ ક્યારે માણસની જગ્યા લઈ લેશે કહી ના શકાય. એ માનવ જીવનના અસ્તિત્વ પરનો ખતરો છે.