સર્વ માંગલિક કાર્યોમાં સર્વપ્રથમ જેનું આવાહન અને પૂજન થાય છે એવા મંગલમૂર્તિ અને વિઘ્નનાશક ભગવાન શ્રી ગણેશનો આવિર્ભાવ(અવતાર, જન્મ) ભાદરવા સુદ ચોથને દિવસે થયો હતો. તેને ગણેશચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. ગણેશજીનું રહસ્ય અથાગ અને અનંત છે. જ્ઞાન તથા નિર્વાણવાચક ગણના ઇશ ગણેશ પરબ્રહ્મ છે.
સર્વ દેવોના સંરક્ષક સૃષ્ટિનાં સર્વ તત્વોના સ્વામી અને જગતની ઉત્પત્તિનું કારણ છે.
ગણેશજીના તમામ અંગોમાં ઊંડું રહસ્ય છુપાયેલું છે. તેમનું મુખ ગજ નું એટલે કે હાથી... પરબ્રહ્મનું પ્રતીક છે.લાંબી સુંઢ અને સુપડા જેવા મોટા કાન ધરાવે છે અને બાકીનું શરીર મનુષ્યનું છે.
એવું કહેવાય છે કે, યુદ્ધમાં શ્રી ગણેશ કુશળ સેના નાયક છે તો તે નૃત્યકળામાં પણ નિપુણ છે. શ્રી ગણેશ વિશ્વરૂપ દેવતા પણ છે. સંત જ્ઞાનેશ્વરજી એ કહ્યા પ્રમાણે ગણેશજીના હાથમાં ત્રિશુળ એટલે કે તર્ક છે અને લાડુનો અર્થ મહારસથી પરિપૂર્ણ વેદાંત ગણપતિનું મોટું પેટ , આંખ નાની પોતાના ભક્તોના અપરાધ માફ કરીને લંબોદર કહેવાયા. દુષ્ટ લોકોને દંડ દઇને ગણપતિ વક્રતુંડ બની ગયા. અસૂરોથી લડતાં એક દાંત તૂટયો તેથી એકદંત અને કપાળમાં ચંદ્ર એટલે ભાલચંદ્ર તરીકે પણ ઓળખાયા..
તેમને જ્ઞાન અને અવરોધ દૂર કરવાના દેવ તરીકે પૂજવામાં આવે છે, તેથી તેમને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે, ‘વિઘ્ન’ એટલે અવરોધો અને ‘હર્તા’ એટલે અવરોધો દૂર કરનાર. કોઈ પણ નવું કામ , લગ્ન કે નવી શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.
દૂર્વા, શમી અને મંદાર પુષ્પોથી તેમની પૂજા થાય છે. ગણેશજીને તુલસીપત્ર અર્પણ થતાં નથી અને મોદકનો પ્રસાદ તો તેમને અત્યંત પ્રિય....
તેઓ તેમની ચાર ભુજાઓ દ્વારા સર્વ જીવોની રક્ષા કરે છે. તેમની એક ભુજા દેવતાઓની, બીજી ભુજા માણસોની, ત્રીજી ભુજા અસુરોની અને ચોથી ભુજા, નાગોની રક્ષા કરે છે.
ગણેશજી એ પાશ, અંકુશ, દંત અને વર ધારણ કર્યા છે. પાશ મોહનાશક છે, અંકુશ નિયંત્રક છે, દંત દુષ્ટતાનાશક છે અને વર ભક્તોની ઇચ્છા પૂર્ણ કરનાર બ્રહ્મનું પ્રતીક છે.
ગણપતિજી ની ચારે ભુજા જે દરેક ભુજા માં પોતાની રૂપકાત્મક વસ્તુ ધરાવે છે - એકમાં ત્રિશુલ, બીજો હાથ આશીર્વાદવદ મુદ્રા માં છે, ત્રીજામાં કમળ અને અને ચોથા માં માળા અથવા મોદક છે.અને તેમનું વાહન ઉંદર છે.
ગણેશ પુરાણમાં એવું પણ વર્ણન કરાયું છે કે દરેક યુગમાં ગણેશજીનું વાહન બદલાતું રહે છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે. ત્રેતા યુગમાં ગણેશજીનું વાહન મયુર છે અને વર્તમાન યુગમાં એટલે કે કળિયુગમાં તેમનું વાહન ઘોડો છે.
ગણેશ ચતુર્થી સમગ્ર ભારતમાં અને એમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવે છે.
ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવામાં આવે છે અને દિવસ - રાત પૂજા કરવામાં આવે છે.
ભકતો અગિયાર દિવસ અલગ અલગ પ્રસાદ અને થાળ ગણેશજી ને ધરાવે છે.
ગણેશજી ની પૂજા સામગ્રી માં લાલ ફૂલ, કપૂર, પ્રસાદ, દુર્વા ઘાસ વગેરે જેવી સામગ્રી નો ઊપયોગ થાય છે.
ગણેશજી ની પૂજા પૂરા ભક્તિ ભાવ અને શ્રદ્ધા થી કરીયે તો મન ની બધી મનોકામના પૂર્ણ થાય છે.
ગણેશજી ની પૂજા વખતે બોલવામાં આવતો મંત્ર -
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
એનો અર્થ એમ થાય છે કે -
આપ મોટા શરીરવાળા અને વળેલી સુંઢવાળા છો અને કરોડો સૂર્યનું તેજ ધરાવો છો.
હે દેવ! આપ અમારા બધા જ કામ હંમેશા નિર્વિઘ્ને પૂરા થાય એવી કૃપા કરો!
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ તેમના ભક્તોને કૃપા આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે.
ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્તો પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિધ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે.
આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ ધૂમધામ થી થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમ્પન્નતા આવે છે. માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે.
શુભ પ્રસંગે લોકો વિઘ્નહર્તા, ભગવાન ગણેશની પૂજા કરે છે.કહેવાય છે કે કૈલાશ પર્વત પરથી માતા પાર્વતી સાથે ગણેશજી ભગવાન ના આગમન ને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.
સ્કંદ પુરાણ, નારદ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ ભગવાન ગણેશનો મહિમા કરવામાં આવ્યો છે.
ભગવાન ગણેશ ને મોદક અતિપ્રિય છે.
ચોખા, ગોળ, નારિયેળ અને સૂકામેવા નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી મીઠી વાનગી જેને મોદક તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. તેથી ભક્તો ગણેશજી ને ચઢાવવા માટે મોદક અને લાડુ તૈયાર કરે છે.
ભગવાન ગણેશના વિદાયના દિવસને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે, જે દિવસે આ 11 દિવસનો તહેવાર સમાપ્ત થાય છે.
અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે.
ભગવાન ગણેશની મૂર્તિને વહન, સંગીત, ભક્તિ ગીતો, નૃત્ય અને રંગો સાથે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે.
ભક્તો પવિત્ર નદી કે જળાશયોમાં મૂર્તિઓનું વિસર્જન કરવાં લઈ જાય છે.
એવું માનવામાં આવે છે કે માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જાય છે અને ભગવાન ગણેશ કૈલાસ પર્વત પર પાછા ફરે છે.
વિસર્જન સમારોહ "ગણપતિ બાપ્પા મોર્યા, પૂર્ચા વરશી લૌકરીયા" ગણેશજીને આવતા વર્ષની શરૂઆતમાં આવવા માટે પ્રાર્થના લોકો સાથે મળીને ઉત્સાહ અને સમર્પણ થી કરે છે.
સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક લોકમાન્ય બાલ ગંગાધર તિલકનો આભાર, જેમણે આ પ્રસંગને ભવ્ય જાહેર કાર્યક્રમમાં ફેરવ્યો. તેમણે લોકોને બ્રિટિશ શાસન સાથે ભારતીયોને એક કરવા માટે આ કાર્યક્રમને જાહેર કરવા હાકલ કરી હતી.
ઋગ્વેદની પ્રાર્થના છે :
હે ગજાનન ! હે ગણેશ !
આપ સઘળાં સ્તોત્રોનું સ્તોત્ર છો,
આપ સર્વ સ્તવનોનું સ્તવન છો,
આપ પ્રાર્થનાઓનું પરમ પરિબળ છો.
અમે કાર્યના આરંભમાં સર્વપ્રથમ આપનું સ્મરણ કરીએ છીએ.
સર્વ ના દુખ દર્દ દુર કરી નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.
બુધ્ધિ ના દેવતા શ્રી ગણપતિ બાપ્પા
આપણને બધાને સુખ, સમૃધ્ધિ અને યશ પ્રાપ્તિ માટે
આશીર્વાદ આપે, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરયા!!