Bhitarman - 25 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 25

Featured Books
Categories
Share

ભીતરમન - 25

બાપુને આઈ.સી.યુ. રૂમમાં દાખલ કર્યા હતા. મેં મારા એક મિત્ર દ્વારા બાપુને જામનગરના દવાખાને દાખલ કર્યા છે એ સમાચારની જાણ મુક્તારને કરી હતી. મુક્તાર એના વ્યસ્થ સમય માંથી સમય કાઢીને મારી પાસે હાજર થઈ ગયો હતો. 

બાપુના રિપોર્ટ આવી ગયા હતા. દાક્તરની ધારણા કરતા બાપુને વધુ તકલીફ હતી. બાપુને જો આઠ દશ દિવસમાં સારું નહીં થાય તો આ તકલીફ જીવનભર બાપુને રહેશે એવું દાક્તરે કીધું હતું. બાપુની પરિસ્થિતિ વધુ જણાવતા દાક્તરે કહ્યું કે, બાપુને હજુ ૮/૧૦ દિવસ તો દવાખાને રહેવું જ પડશે અને પરિસ્થિતિમાં સુધારો નહીં હોય તો વધુ પણ રોકાવું પડશે.

મેં તેજાને કહ્યું, "તું કાલ સવારે જ પોસ્ટઓફિસે જજે અને અમારા અંગત પરિવારના સંબંધીઓને તાર કરીને બાપુના ખબર પહોચાડજે! તું અને મુક્તાર અહીં રહો હું ઘરેથી મા અને તુલસીને અહીં લઈ આવું છું."

હું ખુબ ઝડપે ઘરે આવ્યો હતો. રાત્રીના ૧ વાગી ચુક્યા હતા. મેં જેવી ડેલી ખોલી કે તુલસીને ભાસ થઈ ગયો કે, હું જ આવ્યો છું. એ તરત જ બહાર આવી હતી. માં ઊંઘી ગઈ હોય એવું મને લાગ્યું હતું. હું મા ઠીક છે એ જોવા એમના ઓરડામાં ગયો હતો. હું ઓરડામાં પ્રવેશ્યો અને મા તરત જાગી ગઈ હતી. એમણે મને બાપુના સમાચાર પૂછ્યા હતા. મેં બાપુની ગંભીર પરિસ્થિતિની જાણ માને કરી હતી. મા બાપુના સમાચારથી દુઃખી થઈને રડવા લાગી હતી. મા બાપુ વગર અધૂરી હતી એ હું પણ જાણતો અને અનુભવતો હતો. મને એક જ ડર હતો કે, મા ફરી બીમાર ન પડે! મેં માને સાંત્વના આપતા કહ્યું, તું ચિંતા ન કર! મા તારી લાગણી બાપુને કઈ જ નહીં થવા દે! મેં માને કહ્યું, "તારા અને તુલસીના કપડાં પેક કરી લ્યો. બાપુને હજુ ઓછામાં ઓછા દસ દિવસ તો દવાખાને રહેવું જ પડશે.

હું માના રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. હું ફળિયામાં માની રાહ જોતો બેઠો હતો, ત્યાં જ રુમઝુમ પાયલનો અવાજ મારી તરફ આવી રહ્યો હોય એવું મેં અનુમાન કરતા જાણ્યું કે, તુલસી મારી પાસે જ આવતી હતી. તુલસીએ કોઈ જ શબ્દ ઉચ્ચાર્યા વગર મારી સામે નિવેદનો પ્રસાદ થાળીમાં ધર્યો હતો. મેં એ થાળી લીધી અને હું પણ ચુપચાપ એ પ્રસાદને આરોગવા લાગ્યો હતો. મેં પ્રસાદ ખાય લીધો એટલે તુલસી કળશિયો ભરીને મારે માટે પાણી લાવી હતી એ હજુ મને પાણી આપે એ પહેલા જ એને ચક્કર આવવાના લીધે એનું સંતુલન ગુમાવી બેઠી હતી. એ પડી જ જાત જો મેં એને પકડી ન હોત! કળશિયાનું પાણી મારા પર ઉછળીને ઉડ્યું હતું. આ ક્ષણ મને ઝુમરી સાથે બનેલ બનાવને તાજો કરી ગઈ હતી. તુલસીનો આજે મેં ચહેરો જોયો હતો. એ આંખબંધ અને બેશુદ્ધ મારા હાથ પર ટેકવેલ હતી. સામાન્ય અને ખુબ જ પ્રેમાળ એનો ચહેરો કોઈને પણ એના પ્રત્યે આકર્ષણ જન્માવે એટલો લાવણ્ય ધરાવતો હતો. આંખનું આંજણ પતે ત્યાં આંજણના  એકદમ નાના ત્રણ ટપકાં આંખ પાસે કરેલા હતા જે એની અહીયારી આંખને વધુ આકર્ષિત કરી રહ્યા હતા. ઘાટા કેસરી રંગના પટોળામાં એનો ગોરો વાન વધુ આકર્ષિત લાગી રહ્યો હતો. એના માથામાં વાળેલ અંબોળો એક લાકડાની ઘુઘરી વાળી સુશોભિત લાકડી પર જ ટેકવેલ હોવાથી થડકો લાગતા લાકડી સરકી જવાથી એના વાળ ખુલ્લા થઈ ગયા હતા. એકદમ સાદાઈથી સજેલી હોવા છતાં તુલસી કોઈ અપ્સરાથી ઉતરતી નહોતી! મેં અજાણતા જ એના રૂપનું નિરીક્ષણ કરી લીધું હતું. મારી નજર સાડીની કિનારી માંથી ડોકિયાં કરી રહેલ એની નાભિ પર અટકી અને એજ ક્ષણે મારા મોઢા પર ઉડેલ પાણી એના નાભિ પર પડતા એ સહેજ સળવળી, એનો હાથ એના માથા પાસે લેતા એ પોતાનું સંતુલન જાળવવા પ્રયત્ન કરતા એણે પોતાની આંખ ખોલી અને જેવી આંખ ખોલી અને મારો ચહેરો એને જોયો અને એની આંખ વધુ મોટી થઈ ગઈ હતી. તુલસીની કથ્થાઈ આંખ સામે હું ક્ષણવાર જોઈ જ રહ્યો! તુલસીની આંખમાં મને ઝુમરી નજર આવી ગઈ અને મેં તુલસીને ખાટલા પર બેસાડી દીધી હતી. 

માએ બહાર આવી તુલસીને બેઠેલી જોઈ એટલે એ તરત બોલ્યા, "કેમ છે તારી તબિયત? તે પ્રસાદ હવે લીધો કે નહીં?"

હું બોલ્યો "કેમ એણે પ્રસાદ હજુ નથી લીધો?"

"પ્રસાદ જ નહીં, પાણી પણ નથી પીધું. મને કહે, તમારા દીકરા આવશે અને એ પ્રસાદ લેશે પછી જ હું પાણી પીવાની છું." માએ ખોલ પાડતાં કહ્યું હતું.

હું માની વાત સાંભળીને અવાચક થઈ ગયો હતો. મેં માને કહ્યું તું એને પ્રસાદ ખવડાવી દે, હું અહીં બહાર રાહ જોઉં છું. મા એને પ્રસાદ ખવડાવા લઈ ગઈ અને હું મારા વિચલિત થઈ ગયેલ મનને સિગરેટના દમ મારી શાંત કરવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગ્યો હતો. ઝુમરી માંથી મન છૂટું પડતું જ નહોતું, છતાં મેં તુલસીના રૂપનું કરેલ નિરીક્ષણ ઝુમરીના પ્રેમ સાથે મેં કરેલ અન્યાયભાવ મારા મનમાં જન્માવી રહ્યો હતો. મેં થોડી જ વારમાં સિગરેટના બે પેકેટ ફૂંકી નાખ્યા હતા. મેં એટલી ઝડપી સિગરેટ પીધી હતી કે, એના ધુંવાડા હવામાં ભળે એ પહેલા જ બીજી સિગરેટ મેં શરૂ કરી દીધી હતી. મારી આસપાસ સિગરેટના ધુંવાડાથી આખું વાતાવરણ પ્રદુષિત મેં કરી નાખ્યું હતું.

મા અને તુલસી થોડીવારે બહાર આવી ગયા હતા. માએ મને ઠપકો આપતા કહ્યું, "તને શું મજા આવે છે? આમ જો તો ખરા! ઉધરસ ચડી જાય એટલો બધો ધુમાડો તે કર્યો છે. દીકરા! સમજી જા બેટા. તું તારા જ શરીરને હાનિ પહોંચાડે છે."

મેં માની વાત ચુપચાપ સાંભળી લીધી અને વાત ફેરવવાના હેતુથી હું બોલ્યો, "મા તારી બધી દવા તે લીધી ને!"

"મારે માટે તું અને તારા બાપુ જ સાચી દવા છે."માએ પણ વળતો જવાબ અમારી ચિંતામાં આપ્યો હતો.

મેં અમારી ગાડીમાં સામાન ગોઠવ્યો અને એમને બંનેને ગાડીમાં બેસવા કહ્યું હતું. હું ગાયને વહાલ કરી અને ઘાસ તથા પાણી ત્યાં ભરીને ગાડી તરફ વળ્યો હતો.

મારે જામનગર જલ્દી પહોંચવું હતું, મને તુલસીની હાજરી ખુબ જ વ્યાકુળ કરી રહી હતી. મા થોડીવારમાં ઊંઘી ગઈ હોય એવું મને લાગ્યું હતું. તુલસીની બંગડીઓનો ખનકાર થોડી થોડી વારે આવતો હતો આથી એ જાગતી જ હોય એવું મેં અનુમાન કર્યું હતું. હું છેલ્લી અઢી કલાકથી સતત તુલસી સાથે જ હતો પણ હજુ સુધી મેં એનો અવાજ જ સાંભળ્યો નહોતો. તુલસી ખરેખર બધાથી કંઈક અલગ જ હતી. મેં મનમાં જ માતાજીને પ્રાર્થના કરી કે, 'આ તુલસીને ન્યાય કરજે! આ સીધી છોરી મારા સાથે ખુશ રહી શકશે નહીં!'

અમે જામનગર પહોંચી ગયા હતા. તેજો, અને મુક્તાર બંને બહાર ના બાંકડે બેઠા આરામ કરી રહ્યા હતા. મેં એ બંનેને કહ્યું, તમારે બંનેને હવે ઘરે જવું હોય તો જાવ! હું હવે અહીં બધું સાચવી લઈશ!

તેજાએ તરત કહ્યું, "મુક્તાર તું આરામ કરી આવ! હું કાલ બપોર સુધી અહીં છું. સવારે વિવેકના બહારગામના સગાવ્હાલાને બાપુના સમાચારના તાર અહીંથી જ બધાને મોકલાવીને ઘરે જઈશ! તું બપોર પછી આવજે એટલે વિવેકને પણ સાથ રહે!"

મુકતારે તેજાની વાતને માન્ય રાખીને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હતું. એણે માને હિંમત રાખવા કહ્યું હતું. એ માની રજા લઈને પોતાના ઘરે ગયો હતો.

બાપુ ભાનમાં આવશે ત્યારે કેવો હશે એમનો વ્યવહાર?

શું હશે તુલસીનો આવનાર સમય?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏