Tari Pidano Hu Anubhavi - 15 in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 15

Featured Books
Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 15

'મૂવી , ગેમ્સ, ચેટિંગ... મારું એ જ રૂટીન ચાલુ રહ્યું. એ જ અરસામાં મારા જીવનમાં કંઈક નવું બન્યું જેના માટે મારી અંદર સ્ટ્રોંગ ઈચ્છા તો પહેલા જ ઊભી થઈ ગઈ હતી. અને એ ઈચ્છા હતી એક ચેટ ફ્રેન્ડ બનાવવાની.

જ્યારે બધેથી નિરાશા જ મળતી હતી, ત્યારે એક આશારૂપી કિરણના રૂપમાં મને એક નવી ફ્રેન્ડ મળી, પ્રિયંકા. પહેલા દિવસથી જ એની સાથે મને બીજા બધા ચેટ ફ્રેન્ડ્સ કરતા વધારે ફાવવા લાગ્યું. અમારા બંનેની લાઈકિંગ અને થિંકિંગ અમુક હદ સુધી મેચ થતા હતા.’

‘મારા અત્યાર સુધીના જેટલા ચેટ ફ્રેન્ડ્સ બન્યા છે એ બધામાં તું બેસ્ટ છે.’ પ્રિયંકાની આ વાત મારા માટે સૌથી મોટી ખુશીનું કારણ બની ગયું. કંઈક જીતવાની ખુશી હતી એ.

‘રિયલી?’

‘યેસ. યૂ આર સિમ્પલ એન્ડ ઓનેસ્ટ. બીજા છોકરાંઓની જેમ તું ફ્લર્ટ નથી કરતો, એ મને ગમે છે.’

‘યૂ આર ઓલ્સો વેરી નાઈસ.’ આજ સુધી કોઈ છોકરી સાથે મેં આટલી ફ્રીલી વાતો નહોતી કરી, એ વાત પ્રિયંકાને કહેવાનું મન તો થઈ ગયું પણ હું બોલી ના શક્યો.

મને પ્રિયંકાની નિખાલસતા ગમવા લાગી. સ્કૂલમાં હું છોકરીઓ સાથે માત્ર કામ પૂરતી જ વાતો કરતો. પણ જ્યારે પરમ અને નિખિલને છોકરીઓ સાથે ઓપનલી વાતો કરતા જોયા, ત્યારથી મગજમાં એક પ્રકારની ઈન્ફિરિયારિટીનું ભૂત પેઠું હતું. તે દિવસના પરમના શબ્દો ‘ઈટ્સ નોટ યોર કપ ઓફ ટી' એ મારા અહંકારને વાગી ગયા હતા. હું ખરેખર સંસ્કારી હોવા છતાં, આ બાબતે એની સાથે કમ્પેરિઝનમાં પડી ગયો. પોતાની જાતને પુરવાર કરવા માટે બહાર કોઈ યોગ્ય પાત્ર ન મળતા, ઈન્ટરનેટ પર એક ફ્રેન્ડની શોધ ચાલુ થઈ, જેમાં પ્રિયંકા ફિટ થવા લાગી.

દરરોજ પોતાનો દિવસ કેવો ગયો અને પોતે શું નવું કર્યું, એ બધું પ્રિયંકાને કહેવાની મને આદત પડી ગઈ. સામે પ્રિયંકા પણ પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સની વાતો મને શેર કરતી. થોડા જ દિવસોમાં અમારા બંને વચ્ચે એવી ફ્રેન્ડશિપ જામી કે રોજ અમે ઓછામાં ઓછી એકવાર તો વાત કરતા જ. એમ કહી શકાય કે એડિક્શન જેવું જ થઈ ગયું હતું.

આટલું બોલતા જ મિરાજ ઢીલો પડવા લાગ્યો.

‘ઈટ્સ ઓ.કે. મિરાજ. સંકોચ કરવાની જરૂર નથી. બધા દેખાદેખીથી જ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બનાવે છે. બધા પાસે કોઈ છે અને મારી પાસે કોઈ નથી, એવું પ્રેશર આવે છે. ભણવાની વાત હોય, પૈસાની વાત હોય, સ્ટેટ્સની વાત હોય કે પછી આવા સો કોલ્ડ રિલેશનની વાતો હોય, આપણા બધાની લાઈફમાં પિઅર પ્રેશર જ તો મેઈન રોલ ભજવે છે.’ મેં મિરાજને એની ગિલ્ટી ફીલિંગમાંથી બહાર લાવવા કહ્યું.

એણે આગળ બોલવાનું શરૂ કર્યું.

પ્રિયંકા મારી બધી વાતોનો રિસ્પોન્સ આપતી, મારી કેર કરતી. મને તો એમ જ લાગતું કે આટલી સારી છોકરી કોઈ હોઈ શકે ખરી?

હું ઘણીવાર પ્રિયંકાના વિચારોમાં ખોવાયેલો રહેતો. જે સંતોષ મને પહેલા વિશ્રુત અને મીત પાસેથી મળતો હતો, એવો સંતોષ હવે મને પ્રિયંકા પાસેથી મળવા લાગ્યો. મને એમ જ રહેતું કે હવે મને કોઈની જરૂર નથી. એક તરફ પ્રિયંકા સાથે મનમેળ થઈ રહ્યો હતો અને બીજી તરફ ઘરમાં બધા સાથે મતભેદ થઈ રહ્યો હતો.

મીતની પાંપણો ઝૂકી ગઈ. ચહેરા પર ગંભીરતાનું સામ્રાજ્ય છવાવા લાગ્યું.

‘મિરાજ, તારા ટ્યૂશન સરનો ફોન હતો. કાલથી ટ્યૂશન જવાનું છે.’ મમ્મીએ મારી વેકેશનની ખુશીઓ પર પાણી ફેરવતા કહ્યું.

‘ઓહ નો... કાલથી જ? સ્કૂલ અને ટ્યૂશન બંને?’ મેં જોરથી પગ પટક્યો.

‘હા. આટલું વેકેશન તો મળ્યું. હવે કાલથી ભણવામાં લાગી જાઓ.’ મમ્મીએ કડક શબ્દોમાં કહ્યું.

‘હા... હા... ખબર છે હવે... ફરીથી એ જ પાછું લેક્ચર નહીં આપ.’ મમ્મીની કડકાઈનો મેં ઉદ્ધતાઈથી જવાબ આપ્યો.

મમ્મી મારા તોછડા વર્તનથી અકળાવા લાગી હતી. પણ વધારે બોલવાથી હું હજી સામે દલીલો કરીને આડું બોલીશ એમ માનીને એ ત્યાંથી જતી રહી. મમ્મી-પપ્પાને મારા બદલાયેલા વર્તનનું કારણ સમજાતું નહોતું. એ લોકો મારી સાથે થોડો ટાઈમ પસાર કરવા લાગ્યા.

‘બેટા મિરાજ, શું ચાલે છે આજકાલ? સ્કૂલ ચાલુ થતા તું તો બહુ બિઝી થઈ ગયો છે.’ એક રાતે પપ્પા અચાનક મારી પાસે આવીને બેઠા.

‘હા.’ મેં શોર્ટમાં પતાવ્યું.

‘તારા પપ્પા અને હું વિચારતા હતા કે હવે આપણે રોજ રાત્રે વોક લેવા જઈશું.’ મમ્મીએ આવીને કહ્યું. એવું લાગતું હતું કે મારી સાથે વાત કરતા પહેલા બંને શું વાત કરવી એ નક્કી કરીને જ આવ્યા હતા.

‘જોઈશું. મને વોક કરવામાં એવો કોઈ ખાસ રસ નથી.’

‘કેમ? પરમ ક્યારેક રાત્રે ફોન કરતો હતો, ત્યારે તો તું જિદ કરતો હતો જવા માટે?’ મમ્મીએ તરત જ કહ્યું.

‘હા, પણ એની સાથે જવાનું હોય ત્યારે તો તું ના જ પાડી દે છે ને.’

‘એ તો કાયમ રાત્રે મોડા જ બોલાવે તો ના જ પાડવી પડે ને?’

‘રાત સિવાય અમારી પાસે ટાઈમ જ ક્યાં છે?’

‘અત્યારે તારી ઉંમર એવી છે કે તને કદાચ અમારી વાતો પર વિશ્વાસ નહીં આવે. પણ અનુભવ થયે ચોક્કસ સમજાશે.’

‘મેઈન વાત એ હતી કે આપણે આજથી થોડો ટાઈમ સાથે સ્પેન્ડ કરીશું.’ પપ્પાએ વાતને વાળવાની કોશિશ કરી.

‘હા, મિરાજ. આજકાલ તો મીત પણ એટલો બિઝી થઈ ગયો છે. કેટલા વખતથી આપણે બધા સાથે બેઠા પણ નથી.’

‘હવે હું મોટો થઈ ગયો છું. મને ફ્રેન્ડ્સ સાથે વધારે મજા આવે છે, તમારી સાથે નહીં.’ મારું વર્તન હજી પણ ઉદ્ધતાઈવાળું જ હતું. પહેલા પપ્પા સામે મારી બોલવાની હિંમત નહોતી, પણ હવે તો મને એમનીયે પરવાહ નહોતી.

‘ફ્રેન્ડ્સ સાથે જવાની ક્યાં ના છે. પણ એની એક લિમિટ હોય અને સમય સંજોગ પણ જોવાના હોય ને?’ મમ્મીએ કહ્યું.

‘મિરાજ, મમ્મી ના પાડતી હોય તો એનું કોઈક કારણ તો હોય ને?’ પપ્પાનો અવાજ થોડો ગંભીર થયો.

‘કોઈ કારણ નથી. મમ્મીને બસ એમ જ છે કે એકવાર આમ રાત્રે જવા દેશે તો મને આદત પડી જશે અને પછી હું બગડી જઈશ.’

‘ના બેટા, અમને તારા પર વિશ્વાસ છે. પણ સમય બરાબર નથી.’

‘પરમના મમ્મી-પપ્પા એને બધી જ ફ્રીડમ આપે છે. પણ મારા માટે આ ઘરમાં બધા જ રિસ્ટ્રિક્શન છે.’ આખરે મારા મનમાં દબાયેલી વાત આજે બહાર નીકળવાની તૈયારીમાં હતી. એ લોકોની એક પણ વાત મારા ગળે ઊતરતી નહોતી. અંદર એક અલગ પ્રકારનો આક્રોશ ઊભો થઈ રહ્યો હતો. ખબર નહીં એ બધું શું હતું?

‘તને કેમ એવું લાગે છે? તારી બધી ડિમાન્ડ પપ્પા પૂરી કરે છે. તોય તને સંતોષ નથી? મમ્મીએ પૂછ્યું.

‘બેટા, પરમનું ફેમિલી બહુ હાઈ સોસાયટીની થિંકિંગ પ્રમાણે જીવવાવાળું છે. આપણાથી એ પ્રમાણે ન જીવાય. એમાં આપણા સંસ્કાર ટકી ન શકે?’ પહેલીવાર મારા ખરાબ વર્તન સામે પણ પપ્પાના શબ્દોમાં કડકાઈ નહોતી. મારા દિલના કોઈક ખૂણે એમની લાગણીની અસર તો થઈ પણ અંદરની નેગેટિવિટીના ફોર્સ સામે એ ટકી ના શકી.

‘તમને ફક્ત બહારનું દેખાય છે. એ લોકો વિચારોથી પણ મોર્ડન છે. જ્યારે તમે અને મમ્મી જૂનવાણી જ રહી ગયા. ના તો તમારા વિચારો બદલાયા, ના રહેણીકરણી. તમે બંને દરેક વાતમાં બસ સલાહસૂચન જ આપ આપ કરો છો...’ મેં એમના તરફ જોયા વિના જ કહી દીધું. કારણ કે, ખરેખર તો મારામાં એમની આંખોમાં જોવાની હિંમત નહોતી થતી. છતાંયે આટલા વખતનો અંદર રહેલો બળાપો ઠલવાઈ ગયો. બોલતા બોલતા મારો અવાજ ખેંચાવા લાગ્યો.

આ બધું સાંભળીને મમ્મીને ખૂબ આઘાત લાગ્યો. એ આગળ કંઈ બોલી નહીં અને રસોડામાં જતી રહી. એક જ ઘરમાં રહીને પણ હું બધાથી અળગો થઈ ગયો હતો. ગુસ્સામાં શું બોલાઈ ગયું એના પર હું કંઈ વિચારી ના શક્યો. મગજની નસો ખેંચાવા લાગી, ગળું સુકાવા લાગ્યું. મન તો થયું ઊઠીને રૂમમાં જતો રહું, પણ પપ્પા હજી સામે જ બેઠા હતા. એમની લાગણી મારાથી જીરવાતી નહોતી.

મેં એક સેકન્ડ માટે એમની સામે જોયું અને આંખો ઢાળી દીધી. એક બાજુ અંદરનો રોષ ચાલુ હતો અને બીજી બાજુ મમ્મીને ખૂબ દુ:ખ થયું એનો પસ્તાવો. અંદર અજીબ મૂંઝારો હતો. મારે શું કરવું છે એ મને પોતાને જ ક્લિયર નહોતું. અનેક પ્રશ્નો અને મૂંઝવણો વચ્ચે હું ઝોલા ખાતો હતો. હું મારી પોતાની સાથે જ લડી રહ્યો હતો.

એટલામાં મીત ઘરમાં આવ્યો. ઘરનું વાતાવરણ તંગ હતું. એના આવતા બધી વાત ત્યાં જ અટકી ગઈ. પાછળથી એને શું બન્યું એ બધી વાતની ખબર પડી. રાત્રે એ મારા રૂમમાં આવ્યો.

‘કેમ છે ભઈલા. આજકાલ બહુ શાંત રહે છે?’ પલંગ પર મારી બાજુમાં પડેલો સામાન મીત હટાવવા લાગ્યો.

હું પ્રિયંકાને મેસેજ કરી રહ્યો હતો.

‘હેલ્લો... હાઉ આર યૂ’

‘વ્હેર આર યૂ???’

‘કાલથી મારી સ્કૂલ ચાલુ થાય છે. આજે કેમ તારા કોઈ મેસેજ નથી?’ મેં ફટાફટ ફોન બંધ કર્યો અને મીતની સામે જોયું.

‘ના એવું કંઈ નથી. તને પણ ક્યાં ટાઈમ છે જોવાનો કે હું શું કરું છું ને શું નહીં?’ હું જાણે બગાવત પર ઊતરી આવ્યો હતો.

‘યેસ. આઈ એમ સોરી ફોર ધેટ. પણ હવે મેં નક્કી કર્યું છે કે હું ઘરમાં ભલે ઓછો પણ ક્વોલિટી ટાઈમ આપીશ.’

‘વાહ.’ મેં આઈબ્રો ઊંચી કરીને કટાક્ષમાં કહ્યું.

‘તને એક વાત કહું?’ એણે નમ્રતાથી પૂછ્યું. મેં માથું હલાવીને હા કહી.

‘પહેલા તો તું નાનો હતો ત્યારે બધી વાતમાં મને પૂછતો હતો. પણ હવે તું મોટો થઈ ગયો છે. તને પણ સારા-ખોટાની સમજ છે. મારા અનુભવ પરથી તને ખાલી એટલું જ કહીશ કે જે વાતમાં પોતાનું દિલ ના માને એવા કામ કરતા પહેલા ત્યાં ચેતી જવાની જરૂર છે. ભલે ગમે એવી ફ્રેન્ડશિપ હોય પણ જ્યાં પોતાનું દિલ ના પાડે ત્યાં ખેંચાઈ ના જતો.’

મેં મીતની સામે જોયું. એની વેધક નજર જાણે મિરાજના મનની આરપાર જવા મથતી હોય એવું લાગ્યું.

‘મિરાજ, તું ભલે બહારથી મીતથી નારાજ હતો, તેમ છતાં એની કહેલી વાતોને તે ત્યારે ધ્યાનથી સાંભળી હતી, એ વાતનું પ્રૂફ તું અત્યારે જાતે જ આપી રહ્યો છે.’ મેં કહ્યું.

‘હું... હા, એ દિવસે એની વાત સાંભળતા જ મારા મગજમાં મૂવીવાળો દિવસ યાદ આવી ગયો. એ વખતે જે ગિલ્ટી ફીલ થયું હતું એ યાદ આવી ગયું.’

‘કાલથી એની સ્કૂલ શરૂ થાય છે. હવે સૂઈ જાવ તમે બંને.’ મમ્મીએ બહારથી જ બૂમ પાડીને કહ્યું.

‘સારું, સૂઈ જા શાંતિથી.’ મારા ખભા પર હાથ મૂકીને મીત ઊઠ્યો. મેં મોબાઈલમાં ટાઈમ જોયો પોણા અગિયાર થયા હતા. પ્રિયંકાના મેસેજીસ પણ આવ્યા હતા.

‘આજે સવારથી મારું નેટ બંધ હતું, એટલે મેસેજ ના કરી શકી. હમણાં જ તારા મેસેજ વાંચ્યા. વિલ ટોક ટુમોરો. મિસ યૂ.’

પહેલીવાર પ્રિયંકાએ ‘મિસ યૂ’ કહ્યું હતું. સામાન્યભાવે કહેવાયેલા આ શબ્દોની મારા પર બહુ અસર થઈ ગઈ.

‘મિસ યૂ’, ‘વિથ લવ’ આ બધા શબ્દો મગજ કેવું ગાંડું કરી નાખે છે એ ખબર જ નથી રહેતી. આવા શબ્દોના કારણે લખનાર વ્યક્તિ તરફ અજાણતાથી જ ઢળતા જવાય છે.

‘મને કોઈ સમજતું જ નથી. એક પ્રિયંકા જ છે જે મને સમજે છે. આજે તો મારાથી એની સાથે વાત જ ના થઈ. કાલથી તો સ્કૂલ, ટ્યૂશન અને હોમવર્કમાં જ બધો ટાઈમ પૂરો થઈ જશે...’ એ વિચારે મેં નિસાસો નાખ્યો.

પ્રિયંકા સાથે વાત કરવા નહીં મળે તો મારું શું થશે, એ દુ:ખ મારી અંદર ચાલુ થઈ ગયું હતું.

મમ્મી-પપ્પા સાથે ઉદ્ધતાઈથી વાત કરવાના કારણે સવારથી માથું ભારે હતું. ક્યાંય ચેન નહોતું પડતું. પ્રિયંકા પાસે દિલ ઠાલવવું હતું, પણ એની સાથે પણ વાત ના થઈ. કંટાળા, ભોગવટા અને અકળામણ સાથે આખો દિવસ પસાર થયો. મોબાઈલમાં ગેમ રમવાની ટ્રાય કરી પણ એમાંય દિલ ન લાગ્યું. કોઈ અલગ પ્રકારની બેચેની મારા મગજમાં હતી. આખરે લાઈટ બંધ કરીને હું સૂઈ ગયો.

આગલા દિવસે ઘરમાં જે થયું એના પછી સવારે મમ્મી-પપ્પાને ‘સોરી’ કહેવાનું મન તો થયું પણ કહી ન શક્યો. સવારે સ્કૂલ જઉ ત્યારે રોજ મમ્મી બારી પાસે બાય કહેવા ઊભી રહેતી. ત્યારે હું જ ના પાડતો કે હવે હું નાનો નથી, તું આમ બારી પાસે ઊભી ના રહે. પણ આજે ખરેખર મમ્મી બારી પાસે ઊભી નહોતી રહી, ત્યારે મારી નજર મમ્મીને શોધી રહી હતી.

સ્કૂલનો પહેલો દિવસ ઉદાસી સાથે શરૂ થયો. અનેક વિચારોની શ્રૃંખલામાં વચ્ચે વચ્ચે પ્રિયંકાનો ચહેરો આવી જતો હતો. બહુ દિવસો પછી સ્કૂલના બધા ફ્રેન્ડ્સ મળ્યા એટલે થોડીવાર બધાએ સાથે હળવી પળો વિતાવી. પરમ પણ એના જૂના ફ્રેન્ડ સર્કલમાં ખોવાયેલો હતો. અમે દૂરથી જ નજર મિલાવી, હાથ ઊંચો કરીને એકબીજાને હાય કહ્યું. મને કોઈ સાથે વધારે વાત કરવામાં રસ નહોતો. બસ, એ લોકોની વાતો અને વિચારો શાંતિથી સાંભળતો રહ્યો.

સ્કૂલમાં કોઈ ટીચરે ખાસ ભણાવ્યું નહીં. બધાએ હવે ભણવાને સીરિઅસલી લેવા પર ભાર મૂક્યો. નવમું ધોરણ એ દસમાં ધોરણનો પાયો ગણાય. એટલે ગોલ સેટ કરવાની વાતો કરી. મારે પણ ભણવાને સીરિઅસલી લઈને આગળ વધવું હતું. લાસ્ટ એક્ઝામમાં સારા માર્ક્સ આવ્યા પછી બધા સામે મારી જે ઈમેજ બની હતી, એને મારે જાળવી રાખવી હતી. સારા માર્ક્સ આવવાથી પોતાને પણ એક પ્રકારનો સંતોષ મળ્યો હતો.

પણ ભણવાના વિચારો વધારે લાંબો સમય ટકી શકતા નહોતા. વચ્ચે વચ્ચે મને પરમ, નિખિલ, પ્રિયંકા યાદ આવી જતા. જેથી હું કોઈ સર કે ટીચરની વાતો પર ફોકસ નહોતો કરી શકતો. રિસેસમાં લંચ બોક્સ હાથમાં લેતા જ ફરીથી મમ્મીની યાદ આવી ગઈ.

‘પણ શું બધી ભૂલ મારી જ છે? ના, એ લોકોની પણ ભૂલ છે જ. એ લોકો ક્યાં મને સમજે છે. મારે જે જોઈતું હોય, મારે જે કરવું હોય એ બધું મને ઈઝીલી ક્યારેય મળતું નથી. કાયમ રાહ જોવાની. બધું મારે જ સમજવાનું ને મારે જ કોમ્પ્રોમાઈઝ કરવાનું!’ ફરીથી મારી અંદર આર્ગ્યુમેન્ટ્સ ચાલુ થઈ ગઈ. મારા દિલમાં જે થોડો ઘણો પસ્તાવો હતો એ પણ જતો રહ્યો. ફરીથી વાત ત્યાં જ અટકી ગઈ જ્યાં અટકેલી હતી.

આમ સ્કૂલનો દિવસ ઉત્તર-દક્ષિણ દિશાની જેમ આ પાર ને પેલે પાર વચ્ચે ઝોલા ખાતી મનોદશા સાથે પૂરો થયો.

‘હેય મિરાજ, આજનો દિવસ કેટલો હેવી હતો ને?’ આખરે છૂટ્યા પછી પરમે સ્કૂલના ગેટ પાસે બૂમ પાડીને મને ઊભો રાખ્યો.

‘હા યાર, મને પણ બહુ હેવી લાગ્યો.’ અમારા બંને માટે દિવસ હેવી હોવાના કારણો જુદા હતા.

‘ચલ તો આજે સાંજે મળીએ ટ્યૂશન પછી.’ એ કોઈ પ્લાન કરવાના મૂડમાં લાગતો હતો.

‘અરે હા, આજે તો ટ્યૂશન પણ જવાનું છે ને?’ મને વધારે કંટાળો આવવા લાગ્યો.

‘હા યાર, જવું તો પડશે. પણ મારી પાસે એક આઈડિયા છે.’

‘શું?’

‘આજે ટ્યૂશન પછી ક્યાંક બહાર જઈએ?’

‘બહાર? ક્યાં?’

‘એ પછી વિચારીશું. જો હવે ભણવામાં બહુ લોડ વધશે એટલે જે કરવું હોય તે અત્યારે કરી લઈએ. પછી તો ઊંચુંય નહીં જોવા દે આ લોકો.’

‘જોઈશ. મને અત્યારે ઈચ્છા નથી ક્યાંય બહાર જવાની.’

‘એ તો થઈ જશે. ટ્યૂશન ક્લાસમાં મળીએ ત્યારે નક્કી કરીએ. ઓ.કે. બાય.’ પરમને આજે એનો ડ્રાઈવર લેવા આવ્યો હતો. કારણ નિખિલ પણ બેઠો હતો. એણે દૂરથી મારી સામે હાથ હલાવ્યો. મેં પણ હાથ ઊંચો કર્યો અને સ્કૂલ બસમાં બેસીને બારીની બહાર જોવા લાગ્યો. ફરીથી હું વિચારોમાં ખોવાઈ ગયો.

મીતની સામે બોલવાનો સંકોચ છોડીને મિરાજ એની વાતોમાં ખોવાઈ ગયો. જ્યારે હું ને મીત મિરાજની જિંદગીના એ પાનામાં ખોવાઈ ગયા જ્યાંથી હતાશા અને નિરાશાએ એના શાંત માનસને ડહોળવાનું ચાલુ કર્યું.

ઘરે પહોંચતા જ હાશ અનુભવાઈ. છતાં ગઈકાલના પડઘા મારા મનમાં અને ઘરમાં ગૂંજતા હતા. મમ્મી સામેથી વાત કરે એવી આશા મનમાં રાખીને હું ચૂપચાપ ઘરમાં પ્રવેશ્યો. મમ્મી સામે હું આંખ મિલાવી શકતો નહોતો. બંને વચ્ચે મૌન કામ કરી રહ્યું હતું. રોજની જેમ જમવાનું થાળીમાં પીરસાઈ ગયું, પણ એમાં કોઈ સ્વાદ અનુભવાતો નહોતો. મમ્મીની નજરો પણ મારી સામે કંઈ સાંભળવાની આશાથી જોઈ રહી હતી, પણ હું મૌન જ રહ્યો. જમીને રૂમમાં ગયો અને મોબાઈલ લઈને પલંગ પર લાંબો થયો. પ્રિયંકાનો કોઈ મેસેજ નહોતો. ટ્યૂશનમાં જવાનો ટાઈમ થયો ત્યાં સુધી અનેકવાર મોબાઈલ ચેક કર્યો પણ કોઈ મેસેજ નહોતા. પ્રિયંકાને ફટાફટ મેસેજ કર્યા અને એનો કોઈ રિપ્લાય આવે એની હું રાહ જોતો રહ્યો.

ટ્યૂશનમાં પણ એ જ ભણવાની વાતો! કંઈ મજા નહોતી આવતી. ઘરના કકળાટના લીધે અને પ્રિયંકા સાથે કોન્ટેક્ટ ના થવાથી ક્યાંય ચેન નહોતું પડતું.

‘મિરાજ, વ્હેર આર યુ?’ અચાનક સરે મને પૂછ્યું.

‘હિયર... આઈ એમ હિયર ઓન્લી સર.’ સરનો અવાજ મારા મગજમાં ટકોરાની જેમ વાગ્યો. હું થોડો સંકોચાયો. મારી આંખોના હાવભાવ અને મારા શબ્દો બંને એકબીજા સાથે મેચ નહોતા થતા એટલે સરે ફરીથી પૂછ્યું.

‘હું તને ક્યારનો નોટીસ કરું છું. તારું ધ્યાન ક્યાંક બીજે જ છે. આજે પહેલા દિવસે જ જો આ દશા હોય તો આખું વર્ષ શું કરીશ?’ સરે અચાનક બધાની સામે આમ પહેલા જ દિવસે મારી ફજેતી કરી.

‘નો સર. નથિંગ લાઈક ધેટ.’

‘તમારી ઉંમરના છોકરાંઓના આ જ પ્રોબ્લેમ છે. ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હોય, એટલે ભણવામાંથી રસ ઊડી જાય.’ સરે તો હવામાં જ બોલ ફેંક્યો પણ મને એ વાગી ગયો. એની પાછળનું કારણ મારે સમજવું જ નહોતું. ક્યાંક હું મારી જાતને જ છેતરી રહ્યો હતો. મને મારી રીતે જીવવું હતું એમાં કોઈની ડખલ મને જોઈતી નહોતી.

સરની કમેન્ટથી આખો ક્લાસ મારા પર હસવા લાગ્યો, જે મારા માટે અપમાનજનક હતું.

‘અરે, સેમ ટૂ સેમ. મારી પણ એલ.એલ.બી.ના ક્લાસમાં આવી જ હાલત હતી.’ મીતે કાયમ મુજબ મજાકિયા ટોનમાં કહ્યું.

મેં એની સામે સહેજ આંખો કાઢીને એને સીરિઅસ થવા ઈશારો કર્યો. મારી ઈચ્છા હતી કે આજે માત્ર મિરાજ નહીં, પણ મીત પણ ખાલી થઈ જાય. એ ખાલી થશે તો જ મિરાજ એને વધારે સમજી શકશે.

મિરાજ, તારી અને મારી દશામાં ખાસ ફરક નહોતો, પણ બંનેના કારણો જુદા હતા. આપણે બંને ‘પ’ માં જ અટવાયા હતા. અને એના કારણે આપણે જ્યાં અટક્યા ત્યાંથી જ આપણા વચ્ચેની દૂરી વધી રહી હતી.’ મિરાજની વાત અધવચ્ચે જ અટકાવી મીત બોલ્યો. વાતને વધારે સમય અંદર રાખવાની એની ધીરજ જાણે ખૂટી ગઈ હતી.

‘કયા ‘પ’ની વાત કરે છે?’ મિરાજે પૂછ્યું.

‘તને પિઅર પ્રેશર અને પ્રિયંકા નામના ‘પ’ એ અને મને પપ્પા નામના ‘પ’એ ગૂંચવ્યો હતો.’

મીત, મિરાજ તરફ એકીટસે જોઈ રહ્યો.

‘તારા જેવા હાલ હતા એવા જ હાલ મારા એલ.એલ.બી.માં હતા. મેં એને અપનાવી તો લીધું હતું, પણ એને સ્વીકારવામાં મારે મારી જાતને વારંવાર ધક્કો મારવો પડતો હતો. હું બહારથી નોર્મલ દેખાવાનો ડોળ કરી રહ્યો હતો, પણ અંદર પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યો હતો. એના માટે મારી શક્તિઓ ઓછી પડતી હતી. એટલે એ વખતે તારી સાથે તારા દુઃખને શેર કરી શકું એટલી શક્તિ મારામાં રહી નહોતી. ગુમસૂમ દેખાતા એ મીતની પાછળ અંદર ને અંદર જ ‘પ’ની સામે દલીલો ચાલુ હતી.’

‘જે શક્તિની શોધમાં તું હતો, એ શક્તિ તો તમારા બંને પાસે હતી જ. ઘણીવાર પોતાનું મન ખુલ્લું કરી દેવાથી જ આવી પડેલા સંજોગો સામે ટકવાનું બળ મળી રહે છે. ઘણીવાર સોલ્યુશનની નહીં પણ સાંભળનારની જ જરૂર હોય છે.’ મેં મીત અને મિરાજ તરફ જોતા કહ્યું.

‘દીદી સાચું કહે છે. જો ત્યારે આપણે બંનેએ એકબીજા સાથે વાત કરી લીધી હોત તો...’

‘ભલે તને મારા માટે ફરિયાદ હોય કે મીત પાસે મારા માટે સમય નથી. પણ હકીકતમાં તું એટલે ચૂપ રહ્યો કે તારે પોતાના પ્રોબ્લેમ્સ દેખાડીને તારા ભાઈના દુઃખમાં વધારો નહોતો કરવો.’ મીતે મિરાજની અંદરની અવસ્થાનું વર્ણન કરતા કહ્યું. એની વાતોમાં એક અલગ જ મેચ્યોરિટી તો કાયમ હતી જ.

‘અને તું કેમ ચૂપ રહ્યો હતો?’

આ સવાલ સાંભળતા જ મીત સ્થિર થઈ ગયો અને પછી હસી પડ્યો.

‘કારણ કે, મારે કાયમ તારા મોટાભાઈ બનીને રહેવું હતું. મને પહેલેથી જ તારો સહારો બનવાની આદત હતી. એટલે મને ખબર ન પડી કે ક્યારેક મારે સહારો લેવો પણ જોઈએ.’ આંખોમાં ભીનાશ અને ચહેરા પર સ્મિત સાથે એણે પોતાની વાત કહી દીધી. નીચું જોઈને એણે માથું હલાવ્યું અને ફરી એ પોતે પોતાના પર જ હસી પડયો.

આને મીતની સ્ટ્રેન્થ ગણવી કે વીકનેસ એ પણ એક પ્રશ્ન હતો. મિરાજ, એની અને મીતની વચ્ચે શું બની ગયું એ સમજી રહ્યો હોય એમ ગંભીર હતો.

‘ઘણી બધી મૂંઝવણો એકસાથે આવી પડતા તને એમ લાગવા લાગ્યું કે ઘરમાં કોઈને તારી પડી જ નથી. અમુક હદે એ સાચું પણ હોઈ શકે. છતાં શું સામે ચાલીને આપણે આપણું મન ખાલી ના કરી શકીએ? આજના આ ફાસ્ટ યુગમાં, જ્યાં બધા જ લક્ષ વિનાના જીવન પાછળ દોડી રહ્યા છે, ત્યાં બધા આપણું મન વગર કીધે વાંચી લે, એવી અપેક્ષા રાખવી યોગ્ય છે?’ મારો પ્રશ્ન એ જ મિરાજને મારો જવાબ હતો.