(નોંધ : વેદાંગોનું જેમાં વર્ણન છે એવા કેટલાક અધ્યાયો છોડીને આગળ વધુ છું, જેમાં કલ્પ, વ્યાકરણ, ગણિત, છંદશાસ્ત્ર અને જ્યોતિષનું વિસ્તૃત વર્ણન છે. યોગ્ય સમયે હું તેમને લખીશ.)
નારદ બોલ્યા, “વેદના સર્વ અંગોનું વિભાગવાર સંક્ષિપ્ત વર્ણન સાંભળીને તૃપ્ત થયો. હે મહામતે, હવે શુકદેવજીની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે કથા મને કહો.”
સનંદન બોલ્યા, “મેરુ પર્વતના શિખર ઉપર આવેલા કર્ણિકાર વનમાં યોગધર્મપરાયણ પ્રભુ કૃષ્ણ દ્વૈપાયન યોગમુક્ત થઈને દિવ્ય તપ કરતા હતા. અગ્નિ, ભૂમિ, વાયુ તથા અંતરિક્ષ જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય તે હેતુ માટે તપ કરી રહ્યા હતા. તે પ્રખ્યાત વનમાં બ્રહ્મર્ષિઓ, બધા દેવર્ષિઓ, લોકપાલો, આઠ વસુઓ સહિત સાધ્યો, આદિત્યો, રુદ્રો, સૂર્ય, ચંદ્ર, વિશ્વાવસુ, ગંધર્વ, સિદ્ધો, અપ્સરાઓનો સમૂહ પણ ભગવાન શંકરની આરાધના કરતા હતા.
મહર્ષિ વ્યાસ ઉત્કૃષ્ટ તપ કરવામાં ઉદ્યત થયેલા હતા. આટલા કઠણ તપ છતાં તેમનું શરીર કરમાયું ન હતું, તેમના શરીરની કાંતિ ઝાંખી પડી ન હતી.. તેમના અપ્રતિમ તપના તેજથી તેમની જટા અગ્નિની શિખા સમાન પ્રજ્વલિત જણાતી હતી. તેમના તપથી પ્રસન્ન થઈને મહેશ્વરે તેમને અગ્નિ, વાયુ, ભૂમિ, જળ તથા અંતરિક્ષ જેવા તેજસ્વી પુત્ર પ્રાપ્ત થવાનું વરદાન આપ્યું.
સત્યવતીના સુત તેજસ્વી વ્યાસ ભગવાન શંકર પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા પછી અગ્નિ પ્રકટ કરવાની ઈચ્છાથી અરણી કાષ્ઠનું મંથન કરવા લાગ્યા. હે વિપ્ર, અરણી મંથન કર્યા પછી ઋષિ વેદ વ્યાસે તેજના અંબારરૂપ અત્યંત લાવણ્યવતી ‘ઘૃતાચી’ નામની અપ્સરાને જોઈ.
હે મુનીશ્વર, ભગવાન વ્યાસ તે અપ્સરાને ઓચિંતી જોઇને કામવિહ્વળ થઇ ગયા. ઘૃતાચીએ વ્યાસને કામાતુર ચિત્તવાળા કરીને અત્યંત રમણીય શુકીની રૂપ ધારણ કર્યું ને તેમની પાસે ગઈ. અન્ય રૂપમાં પરિવર્તન પામેલી તે અપ્સરાને જોઇને વ્યાસના શરીરમાં કામદેવનો સંચાર થયો. હૃદયમાં વ્યાપેલા કામના વેગને અત્યંત ધૈર્યપૂર્વક રોકી રાખવા છતાંય મન તે પ્રત્યે આકર્ષાયેલ હોવાથી તેઓ કામનું દમન કરી શક્યા નહીં. ઘૃતાચીમાં શરીરે હરી લીધેલા મનનો યત્નપૂર્વક સંયમ કરી રાખેલો હોવા છતાં પણ વ્યાસનું શુક્ર અરણી કાષ્ઠ પર પડ્યું. એ અરણી કાષ્ઠ સાથે શુક્રનું મંથન થતાં મહાતપસ્વી શુકદેવજી ઉત્પન્ન થયા.
અરણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ મહાયોગી શુકદેવજી હવ્ય પામવાથી પ્રજ્વલિત થયેલા અગ્નિ સમાન તેજસ્વી જણાતા હતા. હે વિપેન્દ્ર, એમનું રૂપ અને વર્ણ અત્યંત કમનીય હતાં. ગંગાએ તેમને પોતાના જળથી સ્નાન કરાવ્યું. અંતરિક્ષમાંથી શુક માટે કૃષ્ણ મૃગચર્મ પૃથ્વી ઉપર આવી પડ્યું. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવતાઓની દુંદુભીઓ ભારે અવાજ સાથે વાગવા લાગી. વિશ્વાવસુ ગંધર્વ, તુમ્બરું નારદ, હાહા અને હૂહૂ નામના ગંધર્વો શુકદેવજીનો જન્મ પામવા લાગ્યા. ત્યાં શક્રના અગ્રેસરો, લોકપાલો, દેવર્ષિઓ આવ્યા. વાયુએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી.
ભગવાન શંકરે દેવી પાર્વતીને સાથે રાખી વ્યાસ મુનિના નવજાત પુત્ર શુકદેવનો પ્રીતિથી વિધિપૂર્વક ઉપનયન સંસ્કાર કર્યો. દેવેશ્વર ઇન્દ્રે દિવ્ય અને અદ્ભુત આસન તથા કમંડળ આપ્યાં અને દેવતાઓએ વસ્ત્રો આપ્યાં. હંસો, શતપત્રો અને હજારો સારસ પક્ષીઓ, પોપટ તથા ચાષોએ, હે નારદ, તે શુકદેવજીની પ્રદક્ષિણા કરી. આરણેય મહામુનિ શુક દિવ્ય જન્મ પામ્યા પછી ધર્માચરણપૂર્વક નિવાસ કરીને રહ્યા. સર્વ વેદો રહસ્ય તથા અંગ સહિત મુનિઓમાં શ્રેષ્ઠ તેમના પિતાને પ્રાપ્ત થયા હતા તેવી રીતે જન્મતાંની સાથે જ શુકદેવજીને પ્રાપ્ત થયા.
હે દ્વિજશ્રેષ્ઠ, વેદનાં અંગો અને ભાષ્ય સહિત વેદને જાણનારા શુકદેવ ધર્મનું ચિંતન કરતા રહીને દેવગુરુ બૃહસ્પતિ પાસેથી સર્વ વેદો, તેમનાં અંગો તથા સર્વ પુરાણોનું અધ્યયન કરીને સમાવર્તન સંસ્કાર પ્રાપ્ત કર્યા અને ગુરુને દક્ષિણા આપી. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને શુકદેવજીએ ઉગ્ર તપ આદર્યું. દેવતાઓ અને ઋષીઓ માટે આદરણીય તથા આદર્શરૂપ હતા. હે મુનીશ્વર, ગૃહસ્થાદિ આશ્રમોનું સેવન કરવામાં એમની બુદ્ધિ કદી રમમાણ થતી નહીં. એમને એ આશ્રમોના મૂલમાં મોક્ષધર્મનાં જ દર્શન થતાં હતાં; તેથી મોક્ષધર્મનો જ વિચાર કરતા કરતા શુકદેવ પોતાના પિતા ભગવાન વેદ વ્યાસ પાસે ગયા અને બોલ્યા, “ભગવન, આપ મોક્ષધર્મમાં નિપુણ છો તેથી મને પરમશાંતિ પ્રાપ્ત થાય એવો ઉપદેશ કરો.”
હે મુને, પુત્રની આ વાત સાંભળીને મહર્ષિ વ્યાસે તેમને કહ્યું, “વત્સ, નાના પ્રકારના ધર્મોનું પણ તત્વ સમજો અને મોક્ષશાસ્ત્રનું અધ્યયન કરો.”
આથી શુકે પિતાની આજ્ઞાથી સંપૂર્ણ યોગશાસ્ત્ર અને કપિલ પ્રોક્ત સાંખ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું. પોતાનો પુત્ર બ્રહ્મતેજથી સંપન્ન, શક્તિમાન અને મોક્ષશાસ્ત્રમાં કુશળ થઇ ગયો છે એવું જણાયા પછી તેમણે શુકને કહ્યું, “હે પુત્ર, હવે તમે મિથિલા નરેશ જનકની પાસે જાઓ. રાજા જનક તમને મોક્ષતત્વ પૂર્ણ રૂપથી જણાવશે.”
પિતાની આજ્ઞાથી શુકદેવ નિષ્ઠા અને મોક્ષના પરમ આશ્રયના સંબંધમાં પ્રશ્ન કરવા માટે મિથિલાપતિ રાજા જનક પાસે જવા નીકળ્યા. જતી વખતે વ્યાસજીએ કહ્યું, “વત્સ, સામાન્ય મનુષ્યો જે માર્ગે ચાલતા હોય તે જ માર્ગ ઉપર તમે ચાલજો. આશ્ચર્ય અથવા તો અભિમાનને મનમાં સ્થાન આપશો નહીં. પોતાની યોગશક્તિના પ્રભાવથી અંતરિક્ષમાર્ગ દ્વારા ક્યારેય ગમન કરશો નહીં. સરલ ભાવથી ત્યાં જજો. માર્ગમાં સુખસગવડ મેળવવાનો વિચાર ન કરશો. વિશેષ વ્યક્તિ કે સ્થાનોની ખોજ કરશો નહીં; કારણ કે તે આસક્તિ વધારનારા હોય છે. રાજા જનક શિષ્ય અને યજમાન છે-એમ માની અહંકાર પ્રકટ ન કરશો. તેમના વશમાં રહેશો. તેઓ તમારો સંદેહ દૂર કરશે. રાજા જનક ધર્મમાં નિપુણ તથા મોક્ષશાસ્ત્રમાં કુશળ છે. તેઓ મારા શિષ્ય છે છતાં તમને તેઓ જે આજ્ઞા કરે, તેનું નિસંદેહ પાલન કરજો.”
પિતાએ કહ્યા પ્રમાણે શુકદેવ પગે ચાલીને વિદેહનગરમાં પહોંચ્યા, પહેલા રાજદ્વાર પર પહોંચતાં જ દ્વારપાળોએ તેમને અંદર જતાં રોક્યા; પરંતુ આથી તેમના મનને કશી જ ગ્લાની થઇ નહીં. નારદજી, મહાયોગી શુક ભૂખતરસથી રહિત થઈને ત્યાં જ તડકામાં જઈને બેઠા અને ધ્યાનમાં મગ્ન થઇ ગયા. થોડા સમય બાદ દ્વારપાળોમાંથી એકને પોતાના વ્યવહારથી ભારે દુઃખ થયું અને તેમને હાથ જોડીને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમનું પૂજન અને સત્કાર કરીને રાજમહેલના બીજા ભાગમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં ચૈત્રરથ વનના જેવું એક વિશાળ રમણીય ઉપવન હતું. દ્વારપાળે શુકદેવજીને એક સ્થળે સુંદર આસન ઉપર બેસાડ્યા અને રાજા જનકને તેમના આગમનની જાણ કરી.
શુકદેવજી પોતાના આંગણે આવ્યા છે એવું જાણતા જ તેમના હૃદયના ભાવોને જાણવાના ઉદ્દેશથી તેમની સેવા કરવા માટે અનેક યુવતીઓને નિયુક્ત કરવામાં આવી. તે સર્વેના વેશ મનોહર હતા. તે બધી તરુણ અવસ્થાની અને જોવામાં મનને પ્રિય લાગે તેવી હતી. તેમણે લાલ રંગના બારીક અને રંગીન વસ્ત્રો ધારણ કરેલાં હતાં. તેમનાં શરીર પર તપાવેલા શુદ્ધ સુવર્ણનાં આભૂષણો ચળકી રહ્યાં હતાં. તેઓ વાતચીત કરવામાં ઘણી ચતુર અને સમસ્ત કળાઓમાં કુશળ હતી. તેમની સંખ્યા પચાસથી વધારે હતી. તે યુવતીઓએ શુકદેવજી માટે પાદ્ય, અર્ઘ્ય આદિ પ્રસ્તુત કર્યા તથા દેશ અને કાળ અનુસાર પ્રાપ્ત થયેલ ઉત્તમ ભોજન કરાવીને તેમને તૃપ્ત કર્યા. તેઓ જમી રહ્યા પછી તે યુવતીઓએ શુકદેવજીને અંત:પુરનું ઉદ્યાન દેખાડ્યું.
મનના ભાવો સમજનારી તે સર્વ યુવતીઓ હસતી ગાતી ઉદાર ચિત્તવાળા શુકદેવ મુનિની પરિચર્યા કરવા લાગી. શુકદેવ મુનિનું અંત:કરણ પરમ શુદ્ધ હતું. તેઓ ક્રોધ અને ઇન્દ્રિયોને જીતી ચૂક્યા હતા તથા નિરંતર ધ્યાનમાં જ લીન રહેતા હતા. સંધ્યાનો સમય થતાં જ શુકદેવજીએ હાથપગ ધોઈ સંધ્યા ઉપાસના કરી. પછી મોક્ષધર્મનો વિચાર કરવા લાગ્યા. રાતના પહેલા પ્રહરમાં તેઓ ધ્યાન લગાવી બેસી રહ્યા. બીજા અને ત્રીજા પ્રહરમાં શુકદેવે ન્યાયપૂર્વક નિદ્રાનો સ્વીકાર કર્યો. પછી પ્રાતઃકાળે બ્રહ્મવેળામાં જ ઊઠીને તેમણે શૌચ-સ્નાન કર્યું. ત્યારબાદ સ્ત્રીઓથી ઘેરાયેલા હોવા છતાં પણ પરમ બુદ્ધિમાન શુક ફરીથી ધ્યાનસ્થ થયા.
હે નારદ, આ પ્રમાણે તેમણે શેષ રહેલો તે દિવસ અને સંપૂર્ણ રાત્રિ રાજકુલમાં વ્યતીત કરી.”
ક્રમશ: