Red batan - 2 in Gujarati Crime Stories by Sagar Mardiya books and stories PDF | રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 2

Featured Books
Categories
Share

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 2

રેડ બટન ( મર્ડર મિસ્ટ્રી) ભાગ :2
   (એક દિવસ અજાણ્યા નંબર પરથી પોલીસચોકીમાં કોલ આવ્યો. સામેથી કહેવાયેલ વાત સાંભળી હવાલદાર રાજુએ ઈ.રાઠોડને વાત જણાવી. ઈ.રાઠોડે તાત્કાલિક જીપ કાઢવા આદેશ કર્યો.)

*ગતાંકથી શરૂ...
   
   ગણતરીની મીનીટોમાં જ જીપ ઘટના સ્થળે પહોંચી ઉભી રહી. ઈ.રાઠોડે જીપમાંથી ઉતરી આજુબાજુમાં નજર ફેરવી. દિવસે પણ ડરામણો લાગતા રસ્તા પર અત્યારે કોઈ નજરે પડતું નહોતું ત્યાં રાતે તો કોણ આવવાની હિંમત કરે? કાચી સડકની બંને બાજુ ઝાડી-ઝાંખરા નજરે પડતા હતા.
   
  “સાહેબ! મે જ તમને કોલ કરેલો.” રાઠોડ સાહેબને નજદીક આવતા જોઈ ત્યાં ઉભેલ આધેડ ઉમરના વ્યક્તિએ કહ્યું.
“ક્યાં છે લાશ?”

પેલાએ રસ્તાની સાઈડમાં એક ઢાળિયા તરફ આંગળી ચીંધી કહ્યું, “આ રહી.”

“તમને કઈ રીતે ખબર પડી કે અહિયાં લાશ છે?”

“સાહેબ! ખોટું નહિ બોલું.” પેલાના અવાજમાં આછી ધ્રુજારી ભળી, “હું અહિયાથી પસાર થતો હતો. એક પથ્થરની ઠેંસ વાગવાથી સાઈકલ પરથી હું બેલેન્સ ગુમાવી બેઠો. હું નીચે પડ્યો. કપડા ખંખેરી ઉભો થાવ ત્યાં જ મે કોઈ માણસ હોય તેવું આ ઝાડી પાછળ દેખાયું. એકદમ નજીક જઈને જોયું તો મારા હોશ જ ઉડી ગયા. તાબડતોબ તમને ફોન કર્યો.” એકીશ્વાસે બધી વાત કરી તેણે ઊંડો શ્વાસ લીધો.

ઈ.રાઠોડને પણ તેની વાતમાં સચ્ચાઈ જણાઈ એટલે આશ્વાસન આપતા કહ્યું, “તમારે ગભરાવાની જરૂર નથી. તમે પોલીસની મદદ કરી છે એ બદલ અમને તમારી પર ગર્વ છે.” કહેતા તેના ખભા પર હાથ મૂક્યો.

પેલા આધેડે રાહતનો શ્વાસ લીધો.

ઈ.રાઠોડ પોતાની જાતને સંભાળતા ઢોળાવ ઉતર્યા અને બંને હવાલદારને આજુબાજુમાં પથરાયેલ પથરાયેલ પાંદડા દુર કરવાનો આદેશ કર્યો. બંને એ ઈ.રાઠોડની આજ્ઞાનું પાલન કર્યું. પાંદડા હટાવતા જ બે લાશ નજરે પડી એક યુવક અને યુવતીની. ઈ.રાઠોડે હાથમાં ગ્લવ્ઝ પહેરી ઉભડક બેસી લાશનું નિરીક્ષણ કરવા લાગ્યા અને બંને હવાલદારને આજુબાજુમાં તપાસ કરવા જણાવ્યું. બંનેના પેટ પર એક ચપ્પુનો ઊંડો ઘાવ હતો.

“સર, આજુબાજુમાં તપાસ કરી પરંતુ કશું જ ના મળ્યું.” રાજુએ જણાવ્યું.

“બધી જગ્યા ફેંદી નાખી, પણ કોઈ વેપન ના મળ્યું.”

   ઈ.રાઠોડે પેલા યુવકના ખિસ્સા તપાસ્યા. જેમાંથી તેના જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા. તેને એક પોલીથીન બેગમાં પેક કરી મૂકી દીધા અને બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવા જણાવ્યું.
   
****
  તે બંને લાશમાં થોડા મહિના પહેલા જેની મિસિંગ કમ્પ્લેન નોંધવામાં આવેલી તે કિયાની હતી તે પોલીસને ખબર પડી ગઈ, પરંતુ તેની સાથે પેલા યુવકની લાશ? તે વાત ઈ.રાઠોડને હજમ થતી નહોતી. એટલે ઈ.રાઠોડે કીયાના ઘરે જઈ પેલો મૃત યુવક યજ્ઞેશ અંગે કીયાના માબાપને પૂછપરછ કરી. કીયાના માબાપે જવાબ આપ્યો કે, “અમે આ યુવકને ઓળખતા પણ નથી, ઓળખવાની વાત તો દુર અમે ક્યારેય જોયો પણ નથી!!..” આ જવાબ સાંભળ્યા પછી ઈ.રાઠોડ સામે એક કોયડો આવ્યો.

ઈ.રાઠોડે યજ્ઞેશના માબાપની પણ પુછતાછ કરી જોઈ, પરંતુ તેઓએ પણ એક જ જવાબ આપ્યો કે, “અમે પણ આ યુવતીને ઓળખતા નથી!”

  બંને પરિવારજનોનાં જવાબ સાંભળ્યા પછી ઈ.રાઠોડ પાસે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોયા વિના છૂટકો નહોતો.
  
  ઈ.રાઠોડ પોતાની ચેમ્બરમાં બેસી તે દ્રશ્ય યાદ કરી કોઈ તાગ મેળવવાનો પ્રયત્ન કરતાં હતા. આંખો બંધ કરી ખુરશીને ટેકો દઈ તે જગ્યાને અને બંને લાશને નિહાળતા હોય તેવું વિઝ્યુલાઈઝેશન કરવા લાગ્યા. કિયા સાથે કોઈએ બળજબરી કરી હતી. વળી બંનેના ચહેરા પર હાથના નખના નિશાન મળ્યા હતા. આ બાબત પરથી ઈ.રાઠોડે અનુમાન લગાવ્યું કે, ‘યજ્ઞેશે કિયા સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હોય અને બંને વચ્ચે ઝપાઝપી થઇ હોય. જેમાં યજ્ઞેશે ખિસ્સામાંથી ચપ્પુ કાઢી કીયાને મારવાનો પ્રયત્ન કર્યો હોય. ચપ્પુના વારથી બચવા કીયાએ મરણીયો પ્રયાસ કર્યો હોય. ઝપાઝપીમાં કિયા દ્રારા યજ્ઞેશનું ખૂન થઇ ગયું હોય. ખૂન કર્યા બાદ કિયા પકડાઈ જવાના ડરથી ત્યાનો ભાગવાનો પ્રયત્ન કરતી હોય તે જ ઘડીએ યજ્ઞેશે છેલ્લા શ્વાસે હિંમત કરી કીયાના પેટમાં ચપ્પુ હુલાવી દીધું હોય તેવું પણ બની શકે!!....’ શક્યતા ઘણીબધી હતી, પરંતુ કોઈ નક્કર પુરાવો નહોતો.

   કીયાના પોસ્ટમાર્ટમ રીપોર્ટને ઈ.રાઠોડ ધ્યાનપૂર્વક વાંચી રહ્યાં હતા. પોતાને અત્યાર સુધી જે વાતની શંકા હતી તે સાચું સાબિત થવાને કારણે પોતે આરંભેલી તપાસ યોગ્ય દિશામાં છે તે વાતથી તેણે  આનંદસહ સંતોષની લાગણી અનુભવી.

   ઈ.રાઠોડે ફરી એ જગ્યાનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું. તેમણે રાજુને બોલાવી બંનેના મોબાઈલની કોલ ડીટેલ તાત્કલિક ચેક કરી તેનો રીપોર્ટ જલ્દી આપવાનો હુકમ કર્યો અને તે ઘટના સ્થળે જવા ફટાફટ પોતાનું બુલેટ સ્ટાર્ટ કરી તે ઘટના સ્થળે જવા નીકળ્યા.

**** 
  બીજા દિવસે ઈ.રાઠોડ પોતાની ચેમ્બરમાં બેસી રાજુની રાહ જોઈ રહ્યા હતા. થોડીવારમાં જ રાજુ ચા સાથે હાજર થયો. ચાના કપ ભરતા રાજુએ વાત કરવાની શરૂઆત કરી, “સર, બંનેની કોલ ડીટેલ મળી ગઈ છે.”

“હં...” કહેતા ચાની ચૂસકી ભરી રાજુ સામે પ્રશ્નાર્થ નજરે નિહાળ્યું.

“કીયાના મોબાઈલ પર છેલ્લે તેની કોઈ ફ્રેન્ડ મીતાલીનો કોલ આવેલો અને યજ્ઞેશના મોબાઈલ પર કીયાએ કોલ કરેલો.”
ચાનો ખાલી કપ ડસ્ટબીનમાં નાખતા કહ્યું, “મારો શક સાચો છે. યજ્ઞેશ અને કિયાએ જ બંનેએ એકબીજાનું મર્ડર કર્યું છે.” 

“સર, એવું પણ બની શકે ખરું કે આપણને કોઈ ગુમરાહ કરી રહ્યું હોય, કારણકે આપણને તે દિવસે ત્યાંથી કોઈ મર્ડર વેપન મળ્યું નહોતું કે કોઈ એવીડન્સ...”

“એવીડન્સ...” રાજુની વાત કાપતા ઈ. રાઠોડે ખિસ્સામાંથી એક પોલીથીન બેગ કાઢી બોલ્યા, “એવીડન્સ પરથી યાદ આવ્યું કે, મને તે જગ્યાએથી આ બટન મળ્યું છે.”

“લાગે છે આ બટન ખૂનીનું જ હોઈ શકે?”
“આર યુ સ્યોર?”

“યસ સર.” એકદમ ઉત્સાહપૂર્વક રાજુએ કહ્યું, “આ બટન ખૂનીનું જ છે કેમકે મે પોસ્ટમોર્ટમ ફરી વાંચ્યો ત્યારે તેમાં એક વાત એ પણ નોંધેલી છે કે બંનેના શરીર પર જે ફિંગરપ્રિન્ટ છે તે એકબીજાના નથી.”

આ સાંભળી ઈ.રાઠોડ ચોંકી ઉઠ્યા, “હા આ વાત તો મારા ધ્યાન બહાર જ રહી ગઈ. કારણ કે બનેનું મર્ડર થયું છે તે વાતથી એટલો ખુશ થઇ ગયેલો કે આગળ કશું વાંચ્યું જ નહોતું. વેરી ગુડ એન્ડ થેંક્યું ફોર યુ ગીવીંગ મી ઈમ્પોર્ટન્ન્ટ ઇન્ફોર્મેશન.”

રાજુએ સ્મિત કરતાં પૂછ્યું, “હવે?”

“હવે એક કામ કર, પહેલા તો કીયાના તમામ ફ્રેન્ડ જેમની સાથે તે રાત્રે પાર્ટીમાં ગયેલી તેના ફિંગરપ્રિન્ટ ફોરેન્સિક લેબમાં મોકલ અને ફોરેન્સિક રીપોર્ટ આવે ત્યારે  બધાને પોલીસ સ્ટેશનમાં હાજર કર.”

રાજુએ હકારમાં ડોક હલાવી રજા લીધી.

****

                          ક્રમશ....