Red batan - 1 in Gujarati Crime Stories by Sagar Mardiya books and stories PDF | રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 1

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી)

(નોંધ : આ વાર્તા અને તમામ પાત્રો કાલ્પનિક છે. વાર્તા માત્ર મનોરંજન માટે જ છે.)

  
“રાતના દોઢ વાગી ગયા છતાં હજુ કેમ આ છોકરી આવી નહિ.” વારેઘડીએ ઘડિયાળ સામું જોઈ વંદિતાબેન બેચેની અનુભવી રહ્યાં હતા.

   અંધકાર ઓઢીને સુતેલી રાત સાવ શાંત થઇ ગઈ હતી, પરંતુ વંદિતાબેનનું મગજ વિચારોના ઘોડાપૂરને કારણે અશાંત થઈ ગયું હતું. પ્રયત્ન કરવા છતાં મગજમાં આવી ચડી આવતાં અમંગળ વિચારો ઘણીવાર હદયના ધબકાર ચૂકવી દેતા હતા. પાંપણો પર નિંદ્રા જોર કરવા માંગતી હતી, પરંતુ મન પર આવી ચડતો એક વિચાર અને વારેઘડીએ ઉઠતો સવાલ બમણું જોર લગાડી નિંદ્રાને ગાયબ કરવામાં સફળ થઇ જતો હતો.
   
  કિયા દોશી વંદિતાબેન અને પ્રવીણભાઈનું એકમાત્ર સંતાન હોવાથી ખુબજ લાડકોડમાં ઉછરેલી. દુનિયાનો ગરીબ બાપ પણ પોતાની દીકરીની ઈચ્છાઓની પુરતી માટે અમીર બની જાય છે. મધ્યમવર્ગીય કુટુંબમાં ઉછરીને જુવાનીના ઉંબરે પહોચી ગયેલી કિયા પહેલા મમ્મી પાસે પરમિશન માંગે. યુવાન પુત્રીની ચિંતાને ખાતર વંદિતાબેન મનાઈ ફરમાવી દે, ત્યારે પપ્પાની લાડકી બની પોતાની જીદ પૂરી કરી લેતી.
   
  આજે પણ એવું જ બન્યું હતું. કોલેજના મિત્રોએ મળી થર્ટી ફર્સ્ટની પાર્ટી ગોઠવી હતી. કિયાની પણ જવાની ખુબજ ઈચ્છા હોવાથી પિતા પ્રવીણભાઈ પાસેથી સવારમાં જ પરમિશન મેળવી લીધેલી, પરંતુ પાર્ટીમાં જવાની આજ્ઞા એક શરત પર મળી કે સાડા બાર થાય ત્યાં સુધીમાં આવી જવાનું. પોતાને પાર્ટીમાં જવા મળી રહ્યું છે તે વાતથી ખુશ કિયાએ હસતાંહસતાં જ શરત સ્વીકારી લીધી.
  
   દીકરીની ચિંતામાં પડખા ઘસીને રાત વિતાવેલ વંદિતાબેન છેક વહેલી  સવારે  નિંદ્રાને આધિન થયા.
   
  સ્નાનાદિક કાર્ય પતાવી ભગવાનની પૂજા કરી પ્રવીણભાઈ બેડરૂમમાં આવી જોયું તો વંદિતાબેન હજુ ઊંઘતા હતા. પ્રવીણભાઈએ તેના માથા પર હાથ રાખી ચકાસ્યું કે તબિયત તો બરાબર છે ને. ‘તાવ આવ્યો હોય તેવું લાગતું નથી, કદાચ આખા દિવસના થાકને કારણે આટલી ઊંઘ આવી રહી હોય. વંદિતા, આમ થાકી જાય તેમાંની નથી. એકસાથે પચ્ચીસ- ત્રીસ માણસોની રસોઈ બનાવવાની હોય તો પણ સ્મિત વદને કાર્ય કરે અને કામ પૂર્ણ થયા પછી તેના ચહેરા પર થાકનો અણસાર સુદ્ધાં ના જોવા મળે. વહેલી સવારે ઉઠી ઘરના તમામમાં ફરી ચોંટી જાય, પણ આજે ...આવું તો ક્યારેય બન્યું નથી.’ મનોમન વિચાર કરતાં તે વંદિતાબેનના માથા પર હાથ ફેરવવા લાગ્યા.
વંદિતાબેનની ઊંઘ ઉડી ગઈ અને સફાળા બેઠા થઈને ઘડિયાળ સામું જોયું.

“આઠ વાગી ગયા!...” બબડતા પ્રવીણભાઈ સામું જોઇને પૂછ્યું, “કિયા આવી ગઈ?”

“આવી જશે.”

“મતલબ હજુ તે આવી નથી?” વંદિતાબેન ચોંકી ઉઠ્યા.

“શાંત થઇ જા. બની શકે કે પાર્ટી મોડી રાતે પૂરી થઇ હોય એટલે તેની કોઈ સહેલીને ત્યાં રોકાઈ ગઈ હોય.”

“તેણે તમને ફોન કર્યો?” વંદિતાબેનના ચહેરા પર ચિંતા ઘેરાયેલી હતી.

“ભૂલી ગઈ હશે.”વંદિતાબેનના સવાલથી પ્રવીણભાઈ અકળાઈ ગયા હોય તેમ ઉડાઉ જવાબ આપ્યો, “તે હમણાં આવી જશે. તું એ બધી ચિંતા છોડ અને ફટાફટ તૈયાર થઇ જા.”

  અસંતોષની લાગણી અનુભવતા વંદિતાબેન દીકરીની ચિંતામાં મગજમાં ઉઠેલ વિચારોના વંટોળ સાથે બાથરૂમમાં ઘુસ્યા.
  
***
  આખો દિવસ વિતી જવા છતાં હજુ કિયા ઘરે આવી નહોતી. હવે તો પ્રવીણભાઈને પણ દીકરીની ચિંતા થવા લાગી હતી. પ્રવીણભાઈએ કિયાની જે જે ફ્રેન્ડના  નંબર તેમની પાસે હતા તે તમામને કોલ કરી કિયા વિષે પૂછ્યું, પરંતુ નિરાશા જ મળી.
  
     બધાનો એક જ જવાબ હતો કે સાડા બાર વાગ્યે પાર્ટી ખતમ કરી અમે સાથે જ નીકળ્યા હતા.
     
   હવે પ્રવીણભાઈ એકદમ ચિંતાતુર થઈને વિચારવા લાગ્યા હતા કે, ‘કિયાને શોધવી તો શોધવી કઈ રીતે? ફોન પણ તેનો સ્વીચઓફ આવે છે. તે બધા સાથે નીકળી હોય અને રસ્તામાં કોઈએ તેનું...’ વિચારતા જ અટકી ગયા. ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ પર બાઝેલા પ્રસ્વેદના બિંદુ લૂછ્યા.
   
  ઘણીવાર સુધી સન્નાટો છવાયેલો રહ્યો. બાહ્ય વાતાવરણમાં પથરાયેલ શાંતિથી વિરુધ્ધ મનોજગતમાં તુમુલ યુધ્ધ શરુ થયું હતું.
  
  ડ્રોઈંગરૂમમાં પથરાયેલ શાંતિને ચીરતો ખુબજ લાંબા મનોમંથનને અંતે એક વિચાર પર અટકેલ મગજે આદેશ કર્યો હોય તેમ પ્રવીણભાઈનો અવાજ ગુંજ્યો, “હવે આપણી પાસે એક જ રસ્તો છે.” વંદિતાબેન આશ્ચર્યનજરે તેની સામું જોવા લાગ્યા. પ્રવીણભાઈ તેની સામું જોઇને આગળ બોલ્યા, “કિયાની મિસિંગ કમ્પ્લેન લખાવી જ દઈએ.
  
   વંદિતાબેને પણ મૂકસમંતિ આપતા ડોકું હલાવ્યું.

****

  કમ્પ્લેન લખાવ્યાને એક મહિનો વિતી ગયા હોવા છતાંય કિયાની હજુ કોઈ ભાળ મળી ના હોવાથી પતિ-પત્ની બેચેની અનુભવી રહ્યા હતા. વંદિતાબેન તો દિવસભર ભગવાનના ફોટા સામું બેસી આંસુ સારતા રહેતા.
  
   આ તરફ ઈ.રાઠોડે કીયાને શોધવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ હજુ કોઈ એવી કડી મળી ના હતી કે કીયાને શોધી શકાય.
   
   એક દિવસ અજાણ્યા નંબર પરથી પોલીસચોકીમાં કોલ આવ્યો. સામેથી કહેવાયેલ વાત સાંભળી હવાલદાર રાજુએ ઈ.રાઠોડને વાત જણાવી. ઈ.રાઠોડે તાત્કાલિક જીપ કાઢવા આદેશ કર્યો.

                                       ક્રમશ...