Narad Puran - Part 38 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 38

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 38

સનંદને આગળ કહ્યું, “હે નારદ, ગાનની ગુણવૃત્તિ દશ પ્રકારની છે; રક્ત, પૂર્ણ, અલંકૃત, પ્રસન્ન, વ્યક્ત, વિકૃષ્ટ, શ્લક્ષ્ણ, સમ, સુકુમાર તથા મધુર. વેણુ, વીણા અને પુરુષના સ્વર જ્યાં એકમેકમાં ભળી જઈને અભિન્ન પ્રતીત થવાને લીધે જે રંજન થાય છે, તેનું નામ રક્ત છે. સ્વર તથા શ્રુતિની પૂર્તિ કરવાથી તથા છંદ તેમ જ પાદાક્ષરોના સંયોગથી જે ગુણ પ્રકટ થાય છે, તેને ‘પૂર્ણ’ કહે છે. પ્રથમ સ્થાનમાં રહેલા સ્વરને નીચે કરીને હૃદયમાં સ્થાપિત કરવો અને ઊંચે ચઢાવીને મસ્તકમાં લઇ જવો એ ‘અલંકૃત’ કહેવાય છે.

        જેમાં કંઠનો ગદગદ ભાવ નીકળી ગયો હોય, તે ‘પ્રસન્ન’ નામનો ગુણ છે. જેમાં પદ, પદાર્થ, પ્રકૃતિ, વિકાર, આગમ, લોપ, કૃદંત, તદ્ધિત, સમાસ, ધાતુ, નિપાત, ઉપસર્ગ, સ્વર, લિંગ, વૃત્તિ, વાર્તિક, વિભક્ત્યર્થ તથા એકવચન, બહુવચન આદિનું સારી પેઠે ઉપપાદન થયેલ હોય તે ‘વ્યક્ત’ કહેવાય છે. જેનાં પદ અને અક્ષર સ્પષ્ટ હોય, તેમ જ જે ઉચ્ચ સ્વરથી બોલવામાં આવેલ હોય, તે ‘વિકૃષ્ટ’ છે. દ્રુત અને વિલંબિત એવા બંને દોષોથી રહિત ઉચ્ચ, નીચ, પ્લુત, સમાહાર, હેલ, તાલ અને ઉપનય આદિ ઉપપત્તિઓથી યુક્ત ગીતને ‘શ્લક્ષ્ણ’ કહેવામાં આવે છે.

        સ્વરોના અવાપ-નિર્વાપ (આરોહ-અવરોહ) ના પ્રદેશોનો વ્યવહિત સ્થાનોમાં સમાવેશ થવો તેનું નામ ‘સમ’ છે. પદ, વર્ણ, સ્વર અને કુહરણ (અવ્યકત અક્ષરોને કંઠમાં દબાવીને બોલવું.) આ બધા જેમાં કોમળ હોય તેને ‘સુકુમાર’ કહેવામાં આવેલ છે. સહજ ભાવે મુખમાંથી નીકળેલું લલિત પદ તેમ જ અક્ષરોના ગુણથી સંપન્ન ગીત ‘મધુર’ કહેવાય છે. આ પ્રમાણે ગાન આ દશ ગુણોથી યુક્ત હોય છે.

        એનાથી વિપરીત ગાનના ચૌદ દોષો પણ છે. શંકિત, ભીષણ, ભીત, ઉદ્ઘુષ્ટ, અનુનાસિક, કાકસ્વર, મૂર્ધ્વગત (અત્યંત ઉચ્ચ સ્વરથી શિર સુધી ખેંચવામાં આવેલું અપૂર્ણ ગાન), સ્થાનવિવર્જિત, વિસ્વર, વિરસ, વિશ્લિષ્ટ, વિષમાહત, વ્યાકુલ તથા તાલહીન-આ બધા દોષો છે.

        આચાર્યો સમગાન ઈચ્છતા હોય છે; પંડિતો પદચ્છેદ ચાહે છે; સ્ત્રીઓ મધુર ગીતની અભિલાષા કરે છે અને અન્યો વિકૃષ્ટ ગીત સાંભળવા ઈચ્છે છે. ષડ્જ સ્વરનો રંગ કમલપત્રના રંગ જેવો લીલો છે. ઋષભ સ્વર પોપટના રંગ જેવો લીલો છે. ગાંધાર સુવર્ણના જેવી કાંતિવાળો છે. મધ્યમ સ્વર કુંદ્રના જેવો શ્વેતવર્ણનો છે, પંચમ સ્વરનો રંગ શ્યામ છે. ધૈવત પીળા રંગનો છે, નિષાદ સ્વરમાં બધા રંગો મળેલા છે. આ સ્વરોના વર્ણ છે.

         જ્યાં ઋષભ પછી પ્રકટ થયેલ ષડ્જની સાથે ધૈવત સહિત પંચમ સ્વર મધ્યમ રાગમાં પ્રાપ્ત થાય છે. તે નિષાદ સહિત સ્વરગ્રામને ‘ષાડવ’ જાણવો. જો મધ્યમ સ્વરમાં પંચમનો વિરામ થાય અને અંતર સ્વર ગાંધાર થઇ જાય ને તેના પછી ક્રમથી ઋષભ, નિષાદ તેમ જ પંચમનો ઉદય થાય તો તે પંચમને પણ ષાડવ સમજવો. જ્યાં આરંભમાં ષડ્જ હોય ને તેના અંતર સ્વરથી યુક્ત કાકલી સંભળાતી હોય; અર્થાત ચાર વાર કેવળ નિષાદનું જ શ્રવણ થતું હોય, પંચમ સ્વરમાં સ્થિત તે આધારયુક્ત ગીતને ‘શ્રુતિ કૈશિક’ જાણવું, જ્યારે પૂર્વોક્ત કૈશિક નામનું ગીત સર્વ સ્વરોથી સંયુક્ત કરીને મધ્યમથી આરંભ કરાય અને મધ્યમાં જ તેની સ્થાપના થાય તો તે ‘કૈશિક મધ્યમ’ નામનો ‘ગ્રામરાગ’ થાય છે. જ્યાં પૂર્વોક્ત કાકલી જોવામાં આવતી હોય અને પ્રધાનતા પંચમ સ્વરની હોય ને બીજા સ્વરો સામાન્ય સ્થિતિમાં હોય તો કશ્યપ ઋષિ તેને મધ્યમ ગ્રામજનિત ‘કૈશિક રાગ’ કહે છે.

        વિદ્વાન પુરુષો ‘ગા’ નો અર્થ ગેય માને છે, ‘ધા’ નો અર્થ વાજિંત્ર કલાપૂર્વક વગાડવું-એમ કહે છે અને રેફ સહિત ‘વ’ નો અર્થ વાદ્યસામગ્રી કહે છે. ‘ગાંધર્વ’ શબ્દનો આ જ લક્ષ્યાર્થ છે. સામગાન કરનારા વિદ્વાનોનો પ્રથમ સ્વર છે, તેને જ વેણુનો મધ્યમ સ્વર કહ્યો છે; જે તેમનો દ્વિતીય સ્વર છે, તે જ વેણુનો ગાંધાર સ્વર છે અને જે તેમનો તૃતીય સ્વર છે, તેને જ વેણુનો ઋષભ સ્વર માનવામાં આવે છે. સામગાન કરનારાઓનો ચોથો સ્વર વેણુનો ષડ્જ કહ્યો છે; તેમનો પંચમ વેણુનો ધૈવત થાય છે, તેમના છઠ્ઠાને વેણુનો નિષાદ જાણવો અને તેમના સાતમાને વેણુનો પંચમ માનવામાં આવે છે.

        ગાયો ઋષભ સ્વરમાં ભાંભરે છે. ઘેંટા-બકરાં ગાંધાર સ્વરમાં અવાજ કરતા હોય છે. ક્રૌંચ પક્ષી મધ્યમસ્વરમાં બોલે છે, વસંત ઋતુમાં કોયલ પંચમ સ્વરમાં ટહુકે છે. ઘોડો ધૈવત સ્વરમાં હણહણે છે અને હાથી નિષાદ સ્વરમાં ચિંધાડતો હોય છે. ષડ્જ સ્વર કંઠથી થાય છે. ઋષભ મસ્તકથી ઉત્પન્ન થાય છે; ગાંધારનું ઉચ્ચારણ મુખ સહિત નાસિકાથી પ્રકટ થાય છે અને મધ્યમ સ્વર હૃદયથી પ્રકટ થાય છે. પંચમ સ્વરનું ઉત્થાન છાતી, મસ્તક અને કંઠથી થાય છે. ધૈવત લલાટથી ઉત્પન્ન થાય છે તથા નિષાદનું પ્રાકટ્ય સર્વ સંધિઓથી થાય છે. ષડ્જ સ્વર નાસિકા, કંઠ, વક્ષ:સ્થલ, તાલુ, જિહ્વા તથા દાંતને આશ્રિત છે. છ અંગોથી તેનો જન્મ થાય છે, એટલા માટે તેને ‘ષડ્જ’ કહેવામાં આવેલ છે.

        નાભિમાંથી ઉત્પન્ન થયેલો વાયુ કંઠ અને મસ્તક સાથે અથડાઈને વૃષભના ભાંભરવા જેવો અવાજ કરે છે તેથી તેનાથી પ્રકટ થયેલા સ્વરનું નામ ‘ઋષભ’ છે. નાભિમાંથીઉત્પન્ન થયેલો વાયુ કંઠ અને શિર સાથે ટકરાઈ પવિત્ર ગંધ લઈને વહે છે, તેથી તેને ‘ગાંધાર’ કહેવામાં આવે છે. નાભિથી ઉત્પન્ન થયેલો વાયુ ઊરુ અને હૃદય સાથે અથડાઈને નાભિસ્થાનમાં આવીને મધ્યવર્તી થાય છે, તેથી તે સ્વરને ‘મધ્યમ’ કહેવામાં આવે છે. નાભિમાંથી ઉત્પન્ન થયેલો વાયુ વક્ષ:, હૃદય, કંઠ અને શિર સાથે ટકરાઈને આ પાંચે સ્થાનોથી સ્વર સાથે પ્રકટ થાય છે, તેથી આ સ્વરનું નામ ‘પંચમ’ રાખવામાં આવ્યું છે.

        ષડ્જ સ્વર અગ્નિ દ્વારા ગાવામાં આવ્યો છે. ઋષભ બ્રહ્મા દ્વારા ગાવામાં આવેલો કહેવાય છે. ગાંધારનું ગાન સોમે અને મધ્યમ સ્વરનું ગાન વિષ્ણુએ કર્યું છે. હે નારદ, પંચમ સ્વરનું ગાન તો તમે જ કર્યું છે. ધૈવત અને નિષાદ આ બે સ્વરો તુમ્બરુએ ગાયા છે. ઋષભનો પ્રકાશ તીક્ષ્ણ અને ઉદ્દીપ્ત છે, તેથી અગ્નિ જ તેનો દેવતા છે, જે ગાવાથી ગાયો સંતુષ્ટ થાય છે, તે ગાંધાર છે અને એટલા માટે જ ગાયો તેની અધિષ્ઠાત્રી દેવીઓ છે. પંચમ સ્વરનો દેવતા સોમ છે. ચંદ્રમા શુક્લ પક્ષમાં વધે છે અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે, તેવી જ રીતે સ્વરગ્રામમાં પ્રાપ્ત થયા પછી જે સ્વરનો હ્રાસ થાય છે અને વૃદ્ધિ થાય છે તેમ જ આ પૂર્વોત્પન્ન સ્વરોની જ્યાં અતિસંધિ થાય છે, તે ધૈવત છે. નિષાદમાં સર્વ સ્વરોનું નિષાદન (અંતર્ભાવ) થાય છે, તેથી જ તેને નિષાદ કહેવાય છે.

        કાષ્ઠની વીણા તથા ગાત્ર વીણા-આ બે પ્રકારની વીણા ગાન-જાતિમાં હોય છે. હે નારદ, સામગાન માટે ગાત્રવીણા હોય છે, તેનું લક્ષણ સાંભળો: સામગાન કરનારા વિદ્વાનો જેના પર ગાય છે તે ગાત્ર વીણા કહેવાય છે. તે અંગુલી અને અંગુષ્ઠથી રંજીત તથા સ્વર-વ્યંજનથી યુક્ત હોય છે. તેમાં બંને હાથોને સંયમમાં રાખીને તેમને ઢીંચણ પર ટેકવી ગુરુનું અનુકરણ કરવું કે જેથી ભિન્ન બુદ્ધિ ન થાય. પ્રથમ પ્રણવનું ઉચ્ચારણ કરવું ને ત્યાર પછી વ્યાહૃતિઓનું. તે પછી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને સામગાનનો પ્રારંભ કરવો. બધી આંગળીઓને પહોળી કરી સ્વરમંડળનું આરોપણ કરવું. આંગળીઓથી અંગૂઠાનો સ્પર્શ કદાપિ ન કરવો. આંગળીઓને જુદી ન રાખવી તેમ જ તેમના મૂલભાગને પણ સપર્શ ન કરવો. સદા તે આંગળીઓના મધ્ય પર્વમાં અંગૂઠાના ટેરવાથી સ્પર્શ કરવો જોઈએ.

        વિભાગના જ્ઞાતા પુરુષે માત્રા-દ્વિમાત્રા-વૃદ્ધિના વિભાગ માટે ડાબા હાથની આંગળીઓથી દ્વિમાત્રાનો બોધ કરાવતાં રહેવું જોઈએ. જ્યાં ત્રિરેખા જોવામાં આવે, ત્યાં સંધિનો નિર્દોષ કરવો. સામમંત્રમાં પ્રથમ અને દ્વિતીય સ્વરની વચ્ચે જવ જેટલું ને ઋચાઓમાં તલના જેટલું અંતર રાખવું. મધ્યમ પર્વોમાં સારી પેઠે નિવિષ્ઠ કરાયેલા સ્વરોનો જ નિવેશ કરવો. વિદ્વાન પુરુષે શરીરના કોઈ અવયવને કંપાવવો નહિ. નીચેના અંગો ઊરુ-જંઘા આદિને સુખપૂર્વક આરામભરી સ્થિતિમાં રાખીને તેમના પર બંને હાથોને પ્રચલિત પરિપાટી અનુસાર રાખવા. પદ અને સ્વર આદિનો પ્રુથક પૃથક વિભાગપૂર્વક બોધ કરાવવો જોઈએ. બધી ચેષ્ટાઓને વિલીન કરીને મન અને દ્રષ્ટિ લગાડીને વિદ્વાન પુરુષે સ્વસ્થ, શાંત તથા નિર્ભીક થઈને વર્ણોનું ઉચ્ચારણ કરવું, વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે નાકની સામે પૂર્વ દિશા ભણી ગાયના કાન જેવી આકૃતિમાં હાથને ઉઠાવીને રાખવો ને હાથના અગ્રભાગ પર દૃષ્ટિ રાખી શાસ્ત્રના અર્થનું નિરંતર ચિંતન કાર્ય કરવું. મંત્ર વાક્યને હાથ અને મુખ બંનેથી સાથે પ્રચારિત કરવું. વર્ણોનું જેવી રીતે દ્રુતાદિ વૃત્તિથી આરંભમાં ઉચ્ચારણ કરાય, તેવી જ રીતે તેમને સમાપ્ત પણ કરવા. અભ્યાઘાત, નિર્ઘાત, પ્રગાન તથા કંપન ન કરવાં; સમભાવથી સામ મંત્રોનું ગાન કરવું.

        ક્રુષ્ટ (સાતમા તેમ જ પાંચમા) સ્વરનું સ્થાન મસ્તકમાં છે. પ્રથમ (ષડ્જ) સ્વરનું સ્થાન લલાટમાં છે. દ્વિતીય (ઋષભ) સ્વરનું સ્થાન બંને ભ્રમરોની મધ્યમાં છે. તૃતીય (ગાંધાર) સ્વરનું સ્થાન બંને કાનોમાં છે. ચતુર્થ (મધ્યમ) સ્વરનું સ્થાન કંઠ છે.  મન્દ્ર (પંચમ) સ્વરનું સ્થાન જિહ્વા છે. અતિસ્વાર (નિષાદ) નું સ્થાન હૃદયમાં છે. અંગુષ્ઠના અગ્રભાગમાં સપ્તમ-પંચમનો ન્યાસ કરવો જોઈએ. અંગુષ્ઠમાં જ પ્રથમ સ્વરનું પણ સ્થાન બતાવવામાં આવ્યું છે. તર્જનીમાં ગાંધાર  તથા મધ્યમામાં ઋષભ રહેલ છે. અનામિકામાં ષડ્જ અને કનિષ્ઠામાં ધૈવત છે. તેના જ મૂલ ભાગમાં નિષાદ સ્વરની સ્થિતિ જાણવી.

        ક્રુષ્ટ સ્વરથી દેવતાઓ જીવન ધારણ કરે છે અને પ્રથમથી મનુષ્ય, દ્વિતીયથી પશુ અને તૃતીય સ્વરથી ગંધર્વ અને અપ્સરાઓ જીવન ધારણ કરે છે. અંડજ (પક્ષી) તથા પિતૃગણ ચતુર્થ સ્વરથી જીવનારાં હોય છે. પિશાચ, અસુર તથા રાક્ષસ મંદ સ્વરથી જીવનનિર્વાહ કરે છે. નિષાદથી સ્થાવર-જંગમરૂપ જગત જીવન ધારણ કરે છે. આ પ્રમાણે સામિક સ્વરથી બધાં જ પ્રાણીઓ જીવન ધારણ કરે છે.”

ક્રમશ: