ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 12
શિર્ષક:- બેલુડ
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
પ્રકરણઃ…12.. "બેલુડ"
માણસોની શક્તિને પ્રદીપ્ત કરનાર બે તત્ત્વો છેઃ એક, લક્ષ્ય પ્રત્યે તીવ્ર ઝંખના અને બીજું, સ્પર્ધા. જીવનમાં જો આ બે વસ્તુઓ ન હોય તો શક્તિશાળી માણસ પણ પોતાની શક્તિનો ઉપયોગ પૂરેપૂરો નહિ કરી શકે. સ્પર્ધા કેટલીક વાર દ્વેષમૂલક અથવા અહંકારમૂલક પણ થઈ જતી હોય છે. એવી સ્થિતિમાં સ્પર્ધક હાનિ પહોંચાડીને સ્વયં હાનિ ઉઠાવવાનાં કામ પણ કરી બેસતો હોય છે. પણ જો ઊર્ધ્વગતિપ્રેરક લક્ષ્ય જીવનમાં સ્થિર થયું હોય તો વ્યક્તિ આપોઆપ ઉન્નત માર્ગે ચાલ્યા કરશે. વ્યક્તિને લક્ષ્યહીનતાવાળું જીવન ન મળે. લક્ષ્યહીનતા માણસને કઠોર માર્ગે ચાલતા રહેવાની હિંમત નથી આપતી. ઉચ્ચ આદર્શોની સાથે કઠોર માર્ગે ચાલવું અનિવાર્ય હોય છે.
મારું પ્રથમ લક્ષ્ય સદ્ગુરુની શોધ હતી. સદ્ગુરુની શોધમાં પ્રેરક શ્રીરામકૃષ્ણ પરમહંસની વાણી હતી. ‘કાંચન અને કામિનીનો ત્યાગી જ ગુરુ થઈ શકે' તેવું તેમનું વાક્ય મારી નસેનસમાં વ્યાપી રહ્યું હતું. આ જ વાક્યના કારણે આટલું ફરવા છતાં હું કોઈનો શિષ્ય થઈ શક્યો ન હતો. એકેએક દિવસ નિરાશામાં વીતતો હતો. ‘ગુરુ નહિ મળે’ એવું થયા કરતું હતું, પણ હજી મારી પાસે બે આશાકેન્દ્રો હતાં. એક, બેલુડ મઠ, અને બીજું, કુંભમેળો. કુંભમેળાને હજી વાર હતી એટલે હું બિહાર તથા બંગાળનું ભ્રમણ કરતો કરતો ઠેઠ બેલુડ પહોંચ્યો. શ્રીરામકૃષ્ણ પરમહંસદેવની ભૂમિ. સ્વામી વિવેકાનંદજીની જન્મ અને કર્મભૂમિ. અનેક ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકો, કવિઓ, સાહિત્યકારો, સમાજસુધારકો અને રાજનેતાઓની ભૂમિ બંગાળ. 'સોનાર બાંગ્લા' પહોંચ્યો.
આપણે એટલું સ્વીકારવું જોઈએ કે બંગાળમાં આટલા બધા મહાપુરુષો થયા હોવા છતાં બંગાળના ટુકડા થતા રોકી શકાયા નહિ. બંગાળના નવાબી શાસનને ટાળી શકાયું નહિ, અને ઇસ્લામના પ્રભાવને ખાળી શકાયો નહીં . આપણા ચિંતનમાં પાયાની કોઈ ત્રુટિની આ વાસ્તવિકતાઓ ચાડી ખાય છે.
બેલુડ હું પગે ચાલતો પહોંચ્યો ત્યારે સવારના દશ વાગ્યા હતા. ભવ્ય મંદિરમાં સ્વયં શ્રીરામકૃષ્ણદેવની સુંદર પ્રતિમા બિરાજેલી હતી તેનાં દર્શન કર્યાં. શ્રીરામકૃષ્ણદેવ સ્વયં કાલીના ભક્ત હતા, પણ સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત મિશનોમાં શ્રીરામકૃષ્ણદેવ તથા મા શારદાની પ્રતિમાઓ (કોઈ કોઈ જગ્યાએ ખુદ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પણ) સ્થાપિત થયેલી જોઈ શકાય છે. હિન્દુ પ્રજા વ્યક્તિપૂજા તરફ વધારે પડતી ઝૂકી છે. એટલે મૂળ ગુરુ સ્વયં કોઈ ઇષ્ટદેવના પૂજક હોય તોપણ અનુયાયીવર્ગ તે ગુરુને જ પરંબ્રહ્મ - પરમેશ્વર – માની પછી તેની જ પ્રતિમા સ્થાપિત કરી તેની સર્વોપરિતા માનવા-મનાવવા લાગે છે. બુદ્ધિશાળી બંગાળમાં મોટા ભાગના આશ્રમોમાં આ રીતે પોતપોતાના ગુરુઓને મુખ્ય દેવ તરીકે સ્થાપિત કરી દેવાયેલા જોઈ શકાય છે. જે બંગાળમાં થયું છે તે જ બાકીના દેશમાં પણ થઈ રહ્યું છે.આ રીતની વ્યક્તિપૂજા પ્રજાની બાદબાકી તો કરે જ છે, એકેશ્વરવાદમાં પણ અડચણરૂપ થાય છે. આ ક્ષેત્રમાં ઇસ્લામનું જે જમા પાસું છે, ઠીક તેનાથી વિપરીત બીજા છેડે આપણે બહુ મોટું ઉધાર પાસું કરતા જઈએ છીએ, જેમાંથી આપણી દુર્બળતા વધુ ને વધુ વિકસી રહી છે.
મંદિરમાં દર્શનાદિ કરીને, મેં કોઈ સ્વામીને પૂછ્યું કે મારે આ સંસ્થામાં સંલગ્ન થવું હોય તો મારે શું કરવું જોઈએ ? સિગારેટ પીતાં પીતાં સ્વામીજીએ મને ઑફિસ બતાવી અને કહ્યું કે પેલી ઑફિસમાં જાઓ અને મોટા સ્વામીને મળો. બીજા પણ કેટલાક સ્વામીજીઓને સિગારેટ પીતા મેં ભાળ્યા. પછી ખબરપડી કે સ્વામી વિવેકાનંદ પણ સિગારેટ પીતા હતા, શ્રીરામકૃષ્ણદેવ પણ હૂકો પીતા હતા, એટલે આ પરંપરા ચાલતી રહી હશે. રામકૃષ્ણમિશન નૉન-વેજિટેરિયન આહારવાળાઓને પણ પોતાનામાં સમાવી શકે છે. કદાચ બંગાળની આહારસંબંધી પ્રકૃતિ તેમાં કારણ હોય.
હું ઑફિસમાં ગયો, મોટા સ્વામીજીને પ્રણામ કર્યા અને વાત કરી કે મારે અહીં આ સંસ્થામાં દાખલ થવું છે, હું સેવા કરીશ. મને શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યે અનન્ય ભાવ છે વગેરે. તેમણે થોડાક પ્રશ્નો પૂછ્યા. વાતચીત થઈ મને “અનફિટ” કર્યો. ‘તમારામાં અહીં દાખલ થવા માટેની યોગ્યતા નથી' નો સ્પષ્ટ અભિપ્રાય આપીને તેમણે કહ્યું, ‘હું લાચાર છું કે તને અહીં દાખલ કરી શકતો નથી.' તેમના ઉત્તરથી મને થોડું દુઃખ તો થયું પણ મનને સમજાવ્યું કે ખરેખર તું યોગ્ય નહિ હોય ત્યારે તો આવું કહે છે.' પણ બીજી તરફ એમ થયું કે માનો કે મારામાં અધૂરાપણું હોય તો મને થોડા દિવસ રાખીને તેને દૂર કરવા પ્રયત્ન પણ થવો જોઈએ ને ?” પણ પાછું થયું, નહિ, નહિ... મારા જેવા કેટલાય લેભાગુઓ અહીં દાખલ થવા રોજ આવતા હશે, અને રોજ આ સ્વામીજીને મને આપ્યા તેવા જવાબ આપવા પડતા હશે. વ્યક્તિને પરખવાની શક્તિ તેમનામાં હોય જ એટલે જે કહ્યું તે બરાબર જ હશે.
પ્રણામ કરીને હું બહાર નીકળ્યો. અગિયાર સાડા અગિયાર વાગ્યા હશે. હજી મારે જમવાનું બાકી હતું. શ્રીરામકૃષ્ણદેવના મંદિરને ફરીથી દૂરથી પ્રણામ કરીને હું દરવાજા બહાર નીકળી ગયો.
અપેક્ષાઓ દુઃખદાયી હોય છે, કારણ કે મોટા ભાગે તે પૂરી નથી થતી હોતી. તેમાં પણ જેમનાં મોટાં નામ, મોટાં ઠામ અને મોટાં કામ હોય છે તેમના પ્રત્યે લોકો મોટી મોટી અપેક્ષાઓ રાખતા હોય છે. આ મોટા લોકો ઘણી વાર નાના લોકોની અત્યંત નાની આવશ્યકતા કે અપેક્ષા પ્રત્યે પણ ધ્યાન નથી આપી શકતા. જાણતાં-અજાણતાં તેમનાથી ઉપેક્ષા થઈ જાય છે. બસ, અહીંથી જ મોટાઈ નીચે ઊતરવા લાગે છે. નાના માણસોએ જ કોઈ નાના માણસને મોટો બનાવ્યો હોય છે. મોટા થયા પછી તે મોટા ગણાતા માણસોમાં ઘેરાઈ જાય છે. એ મોટા ગણાતા માણસો, તેની મોટાઈને પંપાળે છે, ફુલાવે છે, પણ સાથે સાથે એક વાડ પણ ઊભી કરી દે છે. જે વાડની એક બાજુએ ઊભો ઊભો તે સંસારની સર્વોચ્ચ સગવડો અનાયાસે ભોગવે છે, પણ વાડની બીજી તરફ ઊભેલા માણસોની પ્રાથમિક આવશ્યકતાઓ પ્રત્યે પણ તેનું ધ્યાન નથી જતું હોતું. આનું નામ તો માયા.
આભાર
સ્નેહલ જાની