શ્રીકૃષ્ણ ભગવાનના હજારો નામો છે. તેમાં કૃષ્ણનો અર્થ છે, જે કર્મને કૃષ કરે તે !
આપણે શ્રીકૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે તો જાણીએ છીએ. પણ એ લીલાઓ પાછળનું રહસ્ય નથી જાણતા. ખરેખર શ્રીકૃષ્ણ કોણ હતા અને તેમની લીલાઓ પાછળ શું રહસ્ય હતું, એ કોઈ જ્ઞાની પુરુષ જ આપણને સમજાવી શકે. એવા કેટલાક રહસ્યો અહીં ખુલ્લા થાય છે.
૧) નાનપણમાં શ્રીકૃષ્ણ ભગવાન અને તેના મિત્રો યમુના નદીને કિનારે રમતા હતા. દડો નદીમાં પડી ગયો અને બાલકૃષ્ણ તે લેવા નદીમાં ગયા. ત્યાં ફણીધર નાગ જાગ્યો અને તે કાલિયા નાગને નાથીને શ્રીકૃષ્ણએ તેના ઉપર નૃત્ય કર્યું. આ વાર્તા ખૂબ પ્રચલિત છે. પણ અહીં ફણીધર નાગ એ ખરેખર ક્રોધનું પ્રતિક છે. જે યમુના નદીમાં નહીં, પણ આપણા બધાની અંદર રહે છે અને જીવનના સંબંધોમાં ઝેર રેડે છે. આપણી અંદર સૂતેલા ક્રોધરૂપી નાગને જો કોઈ છંછેડે, તો એ નાગ એની સામે ફેણ મારે છે. લોકોને સરળ ભાષામાં સમજાવવા માટે મૂકેલું એ રૂપક હજુ પણ ચાલ્યું આવ્યું છે. વાસ્તવિકતામાં આ કાલિયાદમનમાં નાગ એટલે ક્રોધ અને ક્રોધને વશ કર્યો તે કૃષ્ણ.
૨) બીજી એક લીલા જેમાં શ્રીકૃષ્ણ ભગવાને ભારે વરસાદમાં લોકોને રક્ષણ આપવા ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો એવું કહેવામાં આવે છે. પણ ગોવર્ધનનો સાચો અર્થ ગો-વર્ધન એટલે કે ગાયોનું વર્ધન છે.
શ્રીકૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. ભારતમાં ગાયોને પવિત્ર ગણવામાં આવે છે, પણ તે સમયમાં ગાયોની હિંસા કરીને તેનું માંસ ખાવાનું શરૂ થયું હતું. એટલે શ્રીકૃષ્ણ ભગવાને શું કર્યું? ગોવર્ધન અને ગોરક્ષા શરૂ કરાવ્યા. ગોરક્ષાથી ગાયોની હિંસા અટકાવી અને ગોવર્ધનથી તેમની વસ્તી વધારવાના પ્રયત્નો આદર્યા. શ્રીકૃષ્ણ ભગવાને બહુ ઊંચું કામ કર્યું હતું. પણ ગોવર્ધન પર્વત આંગળી પર ઊંચક્યો, એ શબ્દ સ્થૂળમાં રહ્યો અને એની સૂક્ષ્મ ભાષા સમય જતા ભૂંસાઈ ગઈ. શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ ગોવર્ધનના પ્રયોજન માટે ઠેર ઠેર ગોશાળાઓ સ્થપાઈ હતી, જેમાં હજારો ગાયોનું પોષણ થાય તેવી વ્યવસ્થા કરી હતી. ગોવર્ધન અને ગોરક્ષા, આ બંને થતા ઠેર ઠેર દૂધ-ઘીનું ઉત્પાદન વધ્યું. આ પ્રયોજનમાં તેમની સાથે ગોવર્ધન કરનારા લોકોને ગોપ અને ગોપી કહેતા. ગોપ એટલે ગોપાલન કરનારા!
3) આપણે રાધાને ઓળખીએ છીએ, જેમનો શ્રીકૃષ્ણ ભગવાન સાથેનો સંબંધ પ્રચલિત છે. પણ ખરેખર રાધા શબ્દ “રાધ” ઉપરથી પડ્યો છે. તદ્રૂપ થવાનો પ્રયત્ન એને રાધ કહે છે, જેનો અર્થ થાય આરાધના. જ્યાં પ્રભુની આરાધના હોય, પછી એ આરાધના સ્ત્રીઓ કરે કે પુરુષો, પણ જ્યાં આરાધના એટલે કે ‘રાધા’ હોય ત્યાં ‘કૃષ્ણ’ હોય જ!
૪) શ્રીકૃષ્ણને હજારથીય વધુ રાણીઓ હતી. પણ લોકો એ નથી જાણતા કે તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું? કે જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે. જેમ કોઈ માણસ બહાર ચોરી કરતો હોય પણ એના ભાવમાં હોય કે, “મારે ચોરી કરવી જ નથી.” તો એ નૈષ્ઠિક અચૌર્ય (ચોરી ન કરવી તે) કહેવાય. બીજી બાજુ કોઈ દાન આપતું હોયપણ ભાવ કરે કે, “આ લોકોને દાન આપવા જેવું જ નથી.” તો એ દાન જમા નથી થતું. બહાર ક્રિયા શું થાય છે તે નહીં પણ અંદર નિષ્ઠામાં શું છે તેનાથી કર્મ બંધાય છે. શ્રીકૃષ્ણ ભગવાન પણ તેમની નિષ્ઠામાં શુદ્ધ બ્રહ્મચારી હતા.
એક વખત ગોપીઓને યમુના નદી પાર કરીને સામે કાંઠે દુર્વાસા મુનિ માટે ભોજન લઈને જવાનું હતું. પણ નદીના ધસમસતા પાણીમાંથી પસાર થવું અશક્ય હતું. ત્યારે ગોપીઓએ શ્રીકૃષ્ણને પૂછ્યુ કે હવે શું કરવું? તેમણે કહ્યું કે, “જાઓ, યમુના નદીને કહો કે જો શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો માર્ગ કરી આપે!” ગોપીઓએ યમુના નદીને એમ કહ્યું અને યમુનાએ માર્ગ કરી આપ્યો. તેવી જ રીતે પાછા ફરતી વખતે દુર્વાસા મુનિએ કહ્યું કે, “જો દુર્વાસા મુનિ આજીવન ઉપવાસી હોય તો યમુના નદી માર્ગ કરી આપે” અને એમ જ થયું. આમ, આહાર લેવા છતાં દુર્વાસા મુનિ કાયમ નિરાહારી હતા અને શ્રીકૃષ્ણ કાયમ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા તેનું પ્રમાણ મળે છે.
૫) શ્રીકૃષ્ણ ભગવાનનું હથિયાર સુદર્શન ચક્ર હતું, એ આપણે જાણીએ છીએ. પણ સુદર્શન એ ખરેખર કોઈ શસ્ત્ર નહોતું. પણ તેમના પિતરાઈ ભાઈ જે તીર્થંકર હતા, તે શ્રી નેમિનાથ ભગવાન પાસેથી શ્રીકૃષ્ણ ભગવાનને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું હતું, જેને સુદર્શન કહે છે.
જ્યારે આ નામધારી, દેહધારી હું નથી એવું જ્ઞાન થાય ત્યારે બધી રોંગ બિલીફો તૂટે અને “હું શુદ્ધ આત્મા છું” એવી રાઈટ બિલીફ બેસે. એ રાઈટ બિલીફ એટલે જ સમ્યક્ દર્શન.
શ્રીકૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની વચ્ચે અર્જુનને એ જ સમ્યક્ દર્શન આપ્યું હતું. તેમણે પ્રબોધેલા ગીતાના જ્ઞાન થકી મહાભારતનું યુદ્ધ લડવા છતાં અર્જુનને એક પણ કર્મ ન બંધાયું. છેવટે શ્રી નેમિનાથ પ્રભુના શરણે જઈને તે મોક્ષે પણ ગયા.
શ્રીકૃષ્ણ ભગવાન વાસુદેવ હતા અને આવતી ચોવીસીમાં તીર્થંકર થશે. આજકાલ વીસ-પચ્ચીસ વર્ષના ગેપમાં બાળકો તેમના પિતાનો આશય નથી સમજી શકતા, તો હજારો વર્ષો પહેલા શ્રીકૃષ્ણ ભગવાનનો આશય કેવી રીતે સમજી શકાય? શ્રીકૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, “હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્મા રો આશય સમજી શકે!” એ જ એક શ્રીકૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે.