Gharada gada valr in Gujarati Moral Stories by Sagar Mardiya books and stories PDF | ઘરડા ગાડાં વાળે...

Featured Books
Categories
Share

ઘરડા ગાડાં વાળે...

‘ઘરડાં ગાડાં વાળે’

“રોહન!!! કેટલી વાર?” 
અનુજાએ ત્રીજીવાર રસોડામાંથી બુમ પાડી.

સવારના પોણા સાત વાગી ગયા હતા. દસ વર્ષનો રોહન હજું સુધી સુઈ રહ્યો હતો, જાણે તેને ભણવા જવાની ઈચ્છા જ ના હોય. આ ઘટના માત્ર આજની ન હતી, રોજની હતી. અનુજા પણ રોહનને વહેલાં ઉઠવા માટે સમજાવી સમજાવીને થાકી હતી પણ રોહન ક્યારેય વહેલાં ઉઠતો ન હતો. અનુજા તેની આ કુટેવથી કંટાળી ગઈ હતી. 

રોહનની આદતથી કંટાળેલી અનુજા વિનયને વારંવાર ફરિયાદ કરતી પણ વિનયનું પુત્રપક્ષે પ્રેમનું ત્રાજવું સતત નમતું. એ કાયમ રોહનનો પક્ષ લેતો. “રોહન હજુ પ્રાથમિક શાળામાં જ ભણે છે, જ્યારે મોટો થશે ત્યારે આપમેળે સમજી જશે.”

તો સામે અનુજા દલીલ કરતી કે, “વિનય, બાળક કોરી પાટી જેવા હોય, જેવી આદત પાડીએ તેવી પડે. તમે એને પિતા તરીકે સમજાવતા કેમ નથી?’

“જો અનુજા, આ આજની જનરેશન છે. કહેવત છે ને કે, વાર્યા ના વળે, હાર્યા વળે. તે સમજાવ્યા ન સમજે. ઠોકર ખાઈને સમજે. માટે તું એ બધી ચિંતા છોડ.” 

અનુજાએ કહ્યું કે, “માત્ર ક્લાસમાં બેસી ભણવાનું હોય ત્યારે સમજ્યા કે મોડો ઉઠે અને ફટાફટ તૈયાર થઈને જાય તો ચાલે પણ આજથી તો રોહનની પરીક્ષા શરૂ થઇ રહી છે. એણે ગઈ કાલે રાત્રે મોડે સુધી વાંચ્યું હોય તો મોડો ઉઠે એ સમજી શકાય. પણ એતો ભણવા બેસતો જ નથી.”

પરીક્ષા પૂરી થઇ અને રીઝલ્ટ આવ્યું. રીઝલ્ટ જોઇને અનુજા રીતસરની રોહન પર તાડૂકી ઉઠી, “રોહન આ શું છે? રોજ તને સમજાવી સમજાવીને થાકી પણ તારા ભેજામાં તો કઈ ઉતરતું જ નથી. એક વર્ષ તો ફેલ ગયુંને? હવે ફરી વાર એ જ ક્લાસમાં ભણવાનું ને?” 

રાતે જ્યારે વિનય ઘરે આવ્યો ત્યારે ઘરનો માહોલ જોઇને આખી વાત સમજી ગયો. આવતાં વેંત જ અનુજાએ રીઝલ્ટ વિનયના હાથમાં થમાવ્યું અને ગુસ્સામાં બોલી, “જુઓ તમારા દીકરાનું પરાક્રમ.” વિનયે રીઝલ્ટ જોઇને શાંતિપૂર્વક કહ્યું, ‘અનુજા, પહેલાં શાંતિથી જમી લઈએ? પછી વાત કરીએ.”

અનુજા ગમ ખાઈ ગઈ. તેને એમ હતું કે, આજે તો વિનય રોહનને ધમકાવશે, પણ ઉલટું એ તો નિરાંતે વાત કરવાનું કહે છે. શું એ પુત્ર પ્રેમમાં એટલો પાગલ થઇ ગયો છે કે દીકરાના ભવિષ્યની પણ ચિંતા નથી? તેના મગજમાં શું ચાલી રહ્યું છે તે કંઇ સમજાતું નથી.’ 

રસોડાનું કામ આટોપી અનુજાએ બેડરૂમમાં આવીને જોયું તો વિનય કોઈ સાથે કોલ પર વાત કરી રહ્યો હતો. વાત પતાવીને વિનયે અનુજા સામે જોયું તો તેના ચહેરા પર હજુ ગુસ્સો હતો.

વિનયે શાંતિપૂર્વક કહ્યું, “અનુજા, તારી મનોસ્થિતિ અને ચિંતા સમજુ છું. એક પિતા તરીકે હું પણ રોહનના રીઝલ્ટથી દુઃખી છું.” અનુજાની આંખોમાં હજું ફરિયાદ ડોકાઈ રહી હતી. “મેં તને પહેલાં પણ કહેલું કે, સમય સાથે જનરેશન બદલાઈ રહી છે.”

“બદલાયેલ સમયનું બહાનું આગળ ધરી રોહનનો બચાવ કરવાનું રહેવા દો.” અનુજાની ધીરજ ખૂટી. તેને એમ હતું કે, વિનય રોહનને સમજાવવાનો પ્રયત્ન કરશે તેના બદલે મને સમજાવી રહ્યો છે એટલે બોલ્યા વિના રહી ના શકી, “તમારી વાત સાચી છે પણ તેના ભવિષ્યની ચિંતા માબાપ ના કરે તો બીજું કોણ કરે? મારા ગુસ્સામાં રોહન પ્રત્યેનો પ્રેમ અને લાગણી છે.”

“એ હું સમજુ છું.” અનુજાની આંખોમાં આંખો પરોવતાં આગળ બોલ્યો, “મને પણ થાય છે કે રોહનને ધમકાવું પણ બીજી પળે એમ વિચારી અટકી જાઉં છું કે તે ક્યાંક આડુંઅવળું પગલું ભરી લેશે તો?”

“એમ કોઈ નાની અમથી વાતમાં આવડું બાળક કઈ કરી ના બેસે. તમે નાહક નો ડર રાખો છો.”

“જો, આજનું બાળક ગણતરીની મીનીટોમાં મોબાઈલનો પાસવર્ડ બદલતા શીખી જતું હોય તો ગમે તે કરી શકે. અનુજા મારી ઓફિસમાં એક કલીગનો દીકરો માબાપની વાતનું ખોટું લગાડી મોતને ભેટી ગયો. બનાવ પછી કેટલાય મહિના સુધી ઓફિસમાં ગુમસૂમ બેસી પશ્ચાત્તાપની આગમાં બળ્યા કરતો. અમે તેને બહુ સમજાવ્યો, પરંતુ તે એક જ વાતનું રટણ કરતો કે, “મેં હાથે કરીને મારા વંશવેલા ઉપર કુહાડી મારી છે. કાશ...! હું એને સમજી શક્યો હોત..? તેની વરસતી આંખો અને કકળતું હૈયું મારા હદયને વલોવી નાખે છે.”

“હા, પણ માબાપનો સહેજ ડર હોવો જરૂરી છે. તમે તેને કશું કહેતા નથી અને હું કહું તો એ માનતો નથી.” અનુજા બોલી.

“હવે માનશે. મેં પપ્પા સાથે વાત કરી છે, આજકાલમાં જ ગામડેથી આવશે. દાદા-પૌત્રનો સંબંધ છે જ મિત્રતા જેવો. તેઓ ચોક્કસથી તેને સમજાવશે.”

ગામડેથી દાદાના આગમનથી રોહનને તો મજા પડી ગઈ. આખો દિવસ તેમની સાથે વાતો કરે, સાથે બહાર ફરવા જાય.

એક દિવસ વાતવાતમાં દાદા શિવરામભાઈએ રોહનને પૂછ્યું, “બેટા, તને સ્કૂલમાં ભણવાની કેવી મજા આવે છે?”

રોહન એકદમ ચૂપ થઇ ગયો.

શિવરામભાઈએ તેના માથે હાથ ફેરવતા પૂછ્યું, “દીકરા,શું થયું? કેમ ચૂપ થઇ ગયો?”

રોહને ધીમેથી કહ્યું, “દાદા, મને ભણવું નથી ગમતું!”

“રોહન, અત્યારે શહેરમાં તો સ્કૂલ કેવી સરસ મજાની હોય છે! ત્યાનું વાતાવરણ પણ એવું હોય કે બાળકો આપમેળે ભણવા જવા તૈયાર થઇ જાય.”

“પણ મને કંટાળો આવે છે.” કહી રોહન ઉભો થઇ ચાલ્યો ગયો. 

શિવરામભાઈએ દીકરા-વહુ સાથે રોહનની સ્ટડી બાબતે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે, રોહનનો આખો દિવસ સ્કૂલ અને ટ્યુશન તથા તેના હોમવર્કમાં જ પસાર થઇ જતો. તેને મોટો માણસ બનાવવાની લ્હાયમાં રોહનનું બાળપણ મુરઝાઈ જતું હતું. મનોમન તેમણે એક નિર્ણય લઈને ટાઈમટેબલ બનાવ્યું અને શિક્ષણનું મહત્વ સમજાવવાનો પ્લાન તૈયાર કર્યો. 

થોડાક દિવસો એમ જ વિતી ગયા. એક દિવસ રોહન અને શિવરામભાઈ સાંજના સમયે ફરવા નીકળ્યા. ચાલતાં ચાલતાં એક બગીચા પાસે આવ્યા.

શિવરામભાઈએ કહ્યું, “ચાલ ગરમાગરમ શીંગ ખાઈએ.” કહી રોહનને એક શીંગ-દાળિયા વેચતા છોકરા પાસે લઇ ગયા. રોહને પેલા છોકરાને ધારી ધારીને જોવા લાગ્યો. મેલું ચોળાયેલું શર્ટ, થીંગડાં મારેલું પેન્ટ, અસ્તવ્યસ્ત વાળ અને જાણે ગરીબીની ચાડી ખાતું હોય તેવું ખાડા પડી ગયેલું પેટ અને ગાલ. ચહેરા પર છવાયેલ ઉદાસી ઘણુંબધું કહી જતી હતી.


છોકરાએ શીંગનું પડીકું શિવરામભાઈ તરફ લંબાવ્યું.

 પૈસા આપતા પૂછ્યું, “તું ભણવા નથી જતો?”

દાદાના સવાલથી રોહનના કાન ચમકયા. તે પેલા છોકરાનો જવાબ સાંભળવા અધીરો બની ગયો.


પેલા છોકરાએ જવાબ આપ્યો, “પહેલાં જતો હતો. હવે...” કહેતાં કહેતાં અટકી ગયો.

આસપાસ કોઈ ઘરાકી ન દેખાતાં શિવરામભાઈએ પૂછ્યું, “હવે શું બેટા? આખી વાત કર તો કંઇક સમજાય.”

પેલા છોકરાએ માંડીને વાત કરી, “મારી માને મને ભણાવવાનો બહુ શોખ પણ અમારી આર્થિક પરિસ્થિતિ નબળી એટલે માએ લોકોનાં ઘરનાં કામ કરવાની શરૂઆત કરી. રોજ સાંજે થાકીને ઘરે આવે. ક્યારેક આવતાં મોડું થઈ જાય. રાત પડી પણ જાય. મારા બાપુને સમયસર જમવા જોઈએ અને ના મળે તો ગાળો ભાંડે અને ક્યારેક ક્યારેક તો હાથ ઉપાડે. હું લાચાર બનીને જોઈ રહેતો. એક દિવસ મારી મા બહુ બીમાર પડી. આખું શરીર તાવથી કકળતું હતું. મારી બીમાર માની દરકાર લીધા વિના મારા બાપુ તો દારૂ ઢીંચીને ખાટલા પર પડ્યા રહ્યાં. થોડા દિવસ થયા ને મારી મા...” 
કહેતાં કહેતાં તેની આંખોમાં આંસુ ઘસી આવ્યાં. રોહન પણ આ વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયો. શિવરામભાઈએ તે છોકરાની માથે વ્હાલથી હાથ ફેરવ્યો. 

બીજા દિવસે ફરી એજ સમયે બંને એ છોકરા પાસે પહોંચી ગયા. રોહને પેલા છોકરાની એકદમ નજીક જઈને કહ્યું, “તું મારી સાથે ભણવા આવીશ?” 

પેલા છોકરાની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયાં. શિવરામભાઈ તથા દૂર ઉભા રહી આ દ્રશ્ય જોતાં અનુજા અને વિનયની આંખોમાં આંસુ આવી ગયાં. જે વાત અનુજા રોહનને આજ સુધી ન સમજાવી શકી તે વાત શિવરામભાઈ અને પેલા છોકરાએ સમજાવી દીધી.   

સમાપ્ત