42.
હજી કાંતા ટસ ની મસ ન થઈ. "પ્લીઝ, સર, એ તો કહો કે એવું કયું કારણ છે કે ભલે મારી ખાતાકીય તપાસ થાય, મને મારી પોતાની ઓફિસમાં જવા મળતું નથી? મને, જેને A+ ગ્રેડ આપેલો, જેની સેવા બધા ગ્રાહકો વખાણે છે અને હોટેલની બુકમાં પણ લખે છે તે હું, આજે મને ધુત્કારીને કાઢી મૂકવામાં આવે છે? ખોટું થાય છે, સર!" તેણે એમ કહેતાં આજુબાજુ જોયું.
એટલી વારમાં તો વ્રજલાલ અંદરથી આવી ગયા. બહાર આ બધું ચાલતું જોયું એટલે અંદર પણ વાત ફેલાઈ ગઈ. રિસેપ્શન કાઉન્ટર, ટ્રોલીઓ સાથે ક્લીનર્સ, રૂમ સર્વિસ વાળા, બધા મેઇન ડોરના કાચ નજીક આવી ગોઠવાઈ ગયા .
બધા જ સ્ટાફ અને ગેસ્ટ ઉપરાંત નજીકથી જતા લોકો ઊભા રહી આ તમાશો જોવા લાગ્યા.
રાધાક્રિષ્નન તેની નજીક આવતાં ધીમેથી બોલ્યા, "કાંતા, તને ખબર છે કારણ. આમ જાહેરમાં તમાશો સારો નથી લાગતો. આપણી આબરૂ જાય છે અને બીજા ગેસ્ટ લોકોને પરેશાની થાય છે. તું શાંતિથી નીકળી જા."
કાંતાએ વ્રજલાલ તરફ જોયું. તેઓ નજીક આવ્યા અને કહે "કાંતા, આ બાજુ આવ. તને સમજાવું. મારે બળપ્રયોગ નથી કરવો."
તેઓ લોકોથી થોડે દૂર ગયા. કાંતા પાસે આવતાં જ કહે "કામ થઈ ગયું."
"કેવી રીતે? ચાવી મળી?" કાંતા આશ્ચર્યથી પૂછી રહી.
"મને ગ્રાઉન્ડ ફ્લોર પર જ મોના મળી ગઈ. તાત્કાલિક મેં પ્લાનમાં થોડો ફેરફાર કર્યો. એને કહ્યું કે તે દિવસે તારી તો સુપરવાઈઝરની ડ્યુટી હતી અને કાંતા બીજે દિવસે સવારે આવવાની હતી તે તેં ડ્યુટી ચેન્જ કરી એને રાત્રે બોલાવી. તેં ગ્રાહકો દ્વારા તારા સ્ટાફને અપાતી બક્ષિસ પડાવી લીધી છે એવી તારી સામે ફરિયાદ પણ થઈ છે. ખાસ તો તે દિવસ માટે. તે એકદમ બઘવાઈ ગઈ અને પછી ગુસ્સે થઈ દલીલબાજી કરવા માંડી એ તકનો લાભ લઈ મેં માસ્ટર કી જ તેની પાસેથી લઈ લીધી.
તેં જોયું? આજે મેં હાથે ગાર્ડના યુનિફોર્મમાં આવતાં સફેદ હાથમોજાં પહેર્યાં છે!
કાંતાએ હાથ લંબાવ્યો. ચૂપચાપ ચાવીની હેરાફેરી થઈ.
"એક વાર રણકાવીને ચેક કર." કહી વ્રજલાલ દૂર ખસી ગયા.
કાંતાએ ઉપરથી પકડીને ચાવીનો હળવો રણકાર કર્યો.
કાંતા હજી ત્યાં ગેટ પાસે ઊભી રહી.
"પ્લીઝ, સર, પોલીસે મને ત્યાં કહેલું કે.." તે હજી ઊભી રહીને બોલવા લાગી.
"અરે, અરે! બધાની દેખતાં તો ચૂપ રહે! જો, તું હવે હોટેલની નોકરીમાં નથી. અમે તને ચાલ્યા જવા કહ્યું છે. તું માનતી નથી. શું કરવું?" વ્રજલાલે થોડા મોટા અવાજે સમજાવવાનું ચાલુ રાખ્યું.
તેમણે અંદર ડોકું નાખી કહ્યું "કોઈ આને સમજાવો કે ઘેર જતી રહે. આમ ને આમ ક્યાં સુધી બધાનો ટાઇમ બગાડતી રહેશે?"
ડોર પાછળથી રાઘવ આવ્યો.
"સર, એને સમજાવવાનું એક વાર મારી ઉપર છોડી જુઓ." કહી જવાબની રાહ જોયા વગર તે કાંતા પાસે આવ્યો અને તેના ખભે હળવેથી હાથ મૂકી તેને એક બાજુ લઈ ગયો.
"કાંતા, અત્યારે તું ઘેર ચાલી જા. પછી હું લાગતા વળગતાઓને સમજાવી જોઈશ. તું અત્યારે સીધી ઘેર જતી રહે." તેણે બધા સાંભળે એમ કહ્યું .
પછી તેની નજીક જઈ કહે "ચાવીનું કશું થયું?"
કાંતાએ "અરે માંડ થયું. આ માસ્ટર કી છે. તું તારું કામ પતાવ જલ્દી" કહેતાં તેના હાથમાં ચાવી સરકાવી દીધી.
"લે, જબરું કામ કર્યું તેં તો. ઠીક, તો હું જાઉં બધું સરખું કરી નાખવા. અને હા, હમણાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. તને ખબર છે તેઓ શું કહેવાના છે?" રાધવે હળવેથી પૂછ્યું.
"ના. મને નથી ખબર." કાંતાએ કહ્યું અને જાણે રડતી હોય તેમ કરી દૂર જવા લાગી.
"તો પોલીસ આવે તે પહેલાં બધું ઠીકઠાક કરી દઉં. આજે મારે કરવું પડશે. તારી જેવી ઝડપ અને ચોખ્ખાઈ મારી નથી પણ.."
"બેસ્ટ લક. તો જા." કાંતાએ કહ્યું.
"અને રાઘવ, થેંકસ. તું સાચે જ બેસ્ટ ફ્રેન્ડ છો. તું તારા મિત્રો માટે કઈ હદ સુધી જઈ શકે છે એ જોયું ."
"આ તો કાઈં નથી. તું જો તો ખરી, હું હજી ઘણું ઘણું કરી શકું એમ છું." કહેતો તે ઉપર પગથિયાં ચડવા તરફ ગયો. રાધાક્રિષ્નન સામે જોતાં કહે "સર, મેં સમજાવી દીધી છે. હવે તે ચાલી જશે." તેમની સામે માથું નમાવી રાઘવ અંદર જતો રહ્યો.
કાંતા રડતી રડતી પાછળ ફરીને જવા લાગી. જતાં જતાં તેણે જોયું તો રાઘવ એક સાથે બબ્બે પગથિયાં ચડતો હોય એમ જતો હતો. તેનાથી થોડું અંતર રાખી એક હાથ લાંબો કરી વ્રજલાલ અને તેની પાછળ તેના દોરાયા રાધાક્રિષ્નન.
કાંતા હોટેલ ઉપરની ઘડિયાળમાં જોયું.
5.45 વાગેલા.
ક્રમશ: