unfulfilled love in Gujarati Fiction Stories by Sagar Mardiya books and stories PDF | અધૂરો પ્રેમ

Featured Books
Categories
Share

અધૂરો પ્રેમ

‘અધૂરો પ્રેમ’


“કુછ કહાનિયાં અક્સર અધૂરી રહ જાતી હૈ!
કભી પન્ને કમ પડ જાતે હૈ તો,
                       કભી સ્યાહી સૂખ જાતી હૈ!”

                                        (શાયરી :  હરી મોદી) 
                
  
ટ્રેન ધીમી ગતિએ સ્ટેશનમાં પ્રવેશી અને એક ઝટકા સાથે ઉભી રહી. ટ્રેન ઉભી રહેવાની રાહ જોતાં યાત્રીઓ ફટાફટ બેગ લઈને ઉતરવા લાગ્યાં. સામે બીજાં યાત્રીઓ ચડવા લાગ્યાં. એક તરફ યાત્રીઓનો શોરબકોર અને બીજી તરફ...

‘ટોસ, ખારી, બિસ્કિટ...ગરમાગરમ પકોડા...ભજીયા...ઠંડુ પાણી દસની બોટલ વીસની બોટલ...ચાય ગરમાગરમ ચાય...ઈલાયચીવાળી ચાય...’ફેરિયાઓના શોરબકોરથી અનુરાગની ઊંઘ ઉડી ગઈ. આંખો ચોળતાં ચોળતાં બારીની બહાર જોયું તો ટ્રેન કોઈ સ્ટેશન પર ઉભી હતી. એણે બેગ લઈને નીચે ઉતરી રહેલા એક વ્યક્તિને સ્ટેશનનું નામ પૂછ્યું પણ મુસાફર જાણે ખૂબ ઉતાવળમાં હોય તેમ “કાલુપુર સ્ટેશન આવી ગયું." કહી ફટાફટ બોગીમાંથી ઉતરી ગયો.

અનુરાગે ફટાફટ શોલ્ડરબેગ ઉઠાવી અને બોગીમાંથી ઉતર્યો. આંખોમાં હજુ ઊંઘ પોતાનું સ્થાન જમાવી બેઠી હતી. એક મોટું બગાસું ખાઈને અનુરાગે આસપાસ નજર દોડાવી. સામેની દિશા તરફ ચાલવા માંડ્યો. પાણીની પરબમાં મોઢું ધોયું અને સ્ટેશનની બહાર નીકળી ચા પીવાનો વિચાર કર્યો.

જેટલાં લોકો સ્ટેશનની બહાર નીકળી રહ્યા હતા તેટલાં લોકો અંદર પ્રવેશી પણ રહ્યાં હતા. સામે ઘસી આવતી ભીડમાં જેમતેમ રસ્તો કરતાં કરતાં અનુરાગ સ્ટેશનની બહાર નીકળ્યો. સ્ટેશનની બહાર એણે હાશકારો અનુભવ્યો. પેસેન્જરને તેની મંઝીલે પહોંચાડવા આતુર રિક્ષાવાળા બહાર આવતાં મુસાફરોને ઘેરી વળતા. “બોલો ભાઈ ક્યાં જવું છે?”

અનુરાગ ચૂપચાપ ત્યાંથી પસાર થઇ ગયો. નજીકની ચાની ટપરી પર જઈ પહેલાં તો આદુ ફૂદીનાવાળી ગરમાગરમ ચાનો આસ્વાદ માણ્યો. પછી ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢી નજીકમાં એક સાઈડ ઉભેલા ટ્રાફિકપોલીસને બતાવ્યું. કાર્ડ જોઈ સામેની દિશામાં ઈશારો કરતાં કહ્યું, “રોડ ક્રોસ કરી સામેની  ચાલ્યા જાઓ ત્યાં બસસ્ટોપ ઉપર તમને સીટી બસ મળી જશે.”

સડસડાટ દોડતાં વાહનો વચ્ચેથી માંડ માંડ રસ્તો કરતો અનુરાગ રોડ ક્રોસ કરી સામે છેડે પહોંચ્યો. વાહનોના અને કર્કશ હોર્નના અવાજથી અનુરાગને ઘડીભર તો ખૂબ ચીડ ચડી. નાનપણથી જ ટ્રાફિક અને બિનજરૂરી ઘોંઘાટ તેને પસંદ ન હતો પણ આજે તે મજબૂર હતો. હવે તે કામ પતાવ્યા સિવાય પાછો રાજકોટ જઈ શકે તેમ નહોતો.

રાજકોટમાં જન્મેલા અને ત્યાંજ ઉછરેલા અનુરાગે પહેલીવાર અમદાવાદમાં પગ મૂક્યો અને એ પણ તેના બોસના કહેવાથી. રાજકોટની એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતાં અનુરાગની કામ પ્રત્યેની નિષ્ઠા અને ધગશથી બોસ એના એટલા ખુશ હતા કે ટૂંક સમયમાં તેમનો માનીતો બની ગયેલો. વળી મિલનસાર સ્વભાવને કારણે આખા સ્ટાફમાં બધા સાથે સારું બનતું. એની સામેની વ્યક્તિ પાસેથી ધાર્યું કામ કઢાવવાની આવડતના કારણે બોસે અનુરાગને ખાસ કામ માટે અમદાવાદ મોકલ્યો હતો.

વારંવાર રિસ્ટવોચમાં સમય જોઈ બસની રાહ જોઈ અકળાઈ જતો. તેને થોડો ગુસ્સો પણ આવતો હતો. એક તરફ અવાજનું પ્રદુષણ અને અમદાવાદની કાળઝાળ ગરમી! અનુરાગના હાલ બેહાલ થઈ ગયા હતા. બસની રાહ જોઈ કંટાળેલ અનુરાગે કન્ફર્મ કરવા અન્ય મુસાફરોને પૂછી પણ લીધું કે, "આંબાવાડી વિસ્તારની બસ અહીંયા જ ઉભી રહેશે ને?" મુસાફરોએ હકારમાં માથું હલાવ્યું. 

વીસેક મિનિટ પછી અનુરાગની આતુરતાનો અંત આવ્યો. આંબાવાડી જતી બસ આવી એટલે એ ફટાફટ બસમાં ચડી ગયો અને છેલ્લી ખાલી સીટ પર બેસી રાહતનો દમ લીધો.

બપોરના ત્રણ વાગ્યા ત્યાં બધું કામ પતાવી અનુરાગ સેન્ટ્રલ એસી કોમર્શીયલ બિલ્ડીંગમાંથી બહાર નીકળ્યો. ત્રણ કલાક એસીમાં વિતાવ્યા પછી બહાર નીકળતાંની સાથે સખત ગરમીનો અહેસાસ થવા લાગ્યો.

રાજકોટ જતી ટ્રેન આવવામાં હજુ ઘણો સમય હતો એટલે સ્ટેશનની નજીકની હોટેલમાં જઈને કલાક આરામ કરવાનું વિચાર્યું. અને સીટી બસ સ્ટોપ તરફ જવા નીકળ્યો. ખખડધજ થઇ ગયેલ સીટીબસ સ્ટેન્ડમાં અંદર જઈ ખાલી બેંચ પર બેઠો. તૂટેલું પતરાનું છાપરું હોવા છતાં તડકાથી રાહત આપતું હતું. અનુરાગ મોબાઈલ મચડતાં મચડતાં આમતેમ જોઈ લેતો હતો.

અચાનક એક મહિલા તેની નજીક આવતી દેખાઈ. પહેલા તો એણે એને નજરઅંદાજ કરી, પણ બીજી પળે મગજમાં ઝબકારો થયો કે, અનુરાગે તેને ક્યાંક જોઈ છે. થોડીક નજીક આવતા જ યાદ આવ્યું કે, અરે! આતો ‘મિતાલી.’  પણ મનમાં બીજી ક્ષણે સવાલ ઉઠ્યો, 'તે અહીંયા?'  જેમ જેમ તે નજીક આવતી ગઈ તેમ પાકી ખાતરી થઈ ગઈ કે માનો કે ના માનો આ મિતાલી જ છે. મિતાલી પણ અનુરાગની બાજુમાં આવીને બેસી ગઈ. ઘણા સમય  સમય પછી તેને જોઇને અનુરાગને કોલેજકાળની યાદો માનસપટ પર ઉપસી આવી.

અનુરાગ અને મિતાલી બંને સાથે રાજકોટની કોલેજમાં ભણતાં. એક દિવસ કોલેજમાં એક ફંક્શનનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિવિધ ટીમોને કામ સોંપવામાં આવેલું. અનુરાગની ટીમમાં મિતાલી હતી. બંને એકબીજાથી અપરિચિત હતાં.

‘હાય...હેલ્લો...’ થી એકબીજાને બોલાવવાની થયેલી શરૂઆત ફંક્શન પૂરું થતાં નામ અને મોબાઈલ નંબરની આપ લે સુધી પહોંચી ગઈ. ટૂંક સમયમાં બંને સારા મિત્રો બની ગયાં. બંનેના શોખ પણ સરખા હોવાથી પોતાના ગમતા વિષયો પર રોજ ચર્ચાઓ કરવા લાગ્યાં. રોજબરોજની ચર્ચા સાથે હવે અંગત વાતો પણ શેર થવા લાગી. બંને વચ્ચે વધતી નિકટતાથી એકબીજાની જાણ બહાર બંનેની અંદર પ્રેમના બીજ રોપાઈ ગયા હતા.

પહેલાં તો કોલેજમાં, કેન્ટીનમાં જ મળતાં પણ  ધીરે ધીરે કેન્ટીન બહાર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પણ ઘણો સમય વિતાવવા લાગ્યાં. એક સલૂણી સાંજે અનુરાગે વાતવાતમાં પોતાનાં હૃદયની વાત કહી દીધી. એ વાત સાંભળવા તરસતી મિતાલીના કાનને અનુરાગના એ ત્રણ મીઠા શબ્દોનો સ્પર્શ થયો કે તેના ગાલ શરમથી લાલ થઇ ગયા. શરમાઈને ચહેરો બન્ને હાથથી ઢાંકી દીધો. મિતાલીના બંને હાથને તેના ચહેરા પરથી ધીમેથી હટાવતાં અનુરાગ મસ્તી ભર્યા સ્વરે બોલ્યો, “ચહેરો ઢાંકવાનો હજુ સમય બાકી  છે.” આ સાંભળી મિતાલીના ચહેરા પર ખુશી તો છવાઈ ગઈ પણ બીજી પળે ઉદાસીએ તેનું સ્થાન જમાવી લીધું.

“મિતાલી, અચાનક ઉદાસ કેમ થઇ ગઈ? મારી વાતનું ખોટું લાગી ગયું?”

“ના એવી વાત નથી.” એકદમ ગંભીર થઈને આગળ બોલી, “અનુરાગ આપણે હજુ આપણા બંનેના  પરિવારની સંમતિ લેવાની બાકી છે.”

“સંમતિ મળી જશે. ચિંતા છોડ. બધું આપણું ધાર્યું જ થશે.” અનુરાગના અવાજમાં ઉત્સાહ છલકાતો હતો. તેણે મિતાલીને આલિંગન આપ્યું. પણ કહેવત છે ને  કે, ‘ધાર્યું તો ધણીનું જ થાય.’ બસ તેવું જ બંનેના જીવનમાં બન્યું.

બસના હોર્નના અવાજથી તે વર્તમાનમાં પાછો આવ્યો. તે સ્વસ્થતા કેળવે ત્યાં તો બસ આગળ વધી ગઈ હતી. એકદમ નિરાશ થઈને માથું ઝાટકતાં બાજુમાં નજર નાખી તો મિતાલી મોબાઈલમાં વ્યસ્ત હતી. અનુરાગ વિચારમાં પડી ગયો કે, ‘શું મિતાલી તેને ભૂલી ગઈ હશે? કે પછી મને નહીં ઓળખવાનો ડોળ કરે છે? ક્યાંક તેને તો ભ્રમ નથી થઇ રહ્યો ને? બની શકે તેના જેવી દેખાતી બીજી વ્યક્તિ પણ હોઈ શકે?’ અનુરાગ વિચારોના ચકરાવે ચડી ગયો કે ઘડીભર બે હાથ વચ્ચે માથું દબાવી બેસી ગયો. થોડીવાર પછી ઊંડો શ્વાસ ભરી હિંમત કરતાં બોલ્યો, “મિતાલી...!”

પોતાનું નામ સાંભળી એ યુવતી ચોંકી ઉઠી. તેણે અનુરાગ સામે જોઈ ઓળખવાનો પ્રયત્ન કર્યો. પોતાની સામે મિતાલીને તાકતી જોઇને અનુરાગ બોલ્યો, “મિતાલી, મને ઓળખ્યો?”

મિતાલીએ મગજને જોર આપ્યું. તેની સામે ચહેરો સ્પષ્ટ થયો અને બોલી ઉઠી, “અનુરાગ!”

“હા મિતાલી, હું અનુરાગ. પણ તું અહીં ક્યાંથી?”

“અમદાવાદ મારું સાસરિયું છે.” અનુરાગ તેની સામે જોઈ રહ્યો.

“પણ અનુરાગ, તું અહીં ...?"

“ઓફીસના કામથી આવ્યો છું. તારી સાથે વાત કરવી છે પણ...” 
મિતાલી સમજી ગઈ કે અનુરાગ કંઇક વાત કરવા માંગે છે પણ અહીં પબ્લિક પ્લેસમાં નહી. એટલે તેણે અનુરાગને બસ સ્ટોપની સામે આવેલી કાફે કોફી ડેમાં કોફી પીવાની ઓફર કરી. 

બે મિનીટ પછી બંને સી.સી.ડી.માં એક ટેબલ પર સામસામે ગોઠવાયાં. કોફીનો ઓર્ડર આપ્યા પછી અનુરાગે મૌન તોડ્યું, “હું તને એક વાત કહેવા માંગું છું.”

“મને ખબર છે એટલેજ તો હું તને અહિયાં લઇ આવી.”

“મિતાલી પહેલાં તો મારે તને સોરી કહેવું છે.” મનમાં શબ્દો ગોઠવી અનુરાગ આગળ બોલ્યો, “તે દિવસે મેં સાંજે મારા પેરેન્ટ્સને આપણા પ્રેમ વિષે વાત કરેલી.” અનુરાગ તે દિવસની વાત કરી રહ્યો હતો પણ તેની આંખો સામે તે દ્રશ્ય ઉપસી આવ્યું.

અનુરાગની વાત સાંભળી તેની મમ્મી તો રાજીના રેડ થઇ ગયાં પણ તેના પપ્પાના ગુસ્સાનો પારો તો સાતમા આસમાને પહોંચી ગયો. “શું કહ્યું? પ્રેમલગ્ન અને એ પણ બીજી જ્ઞાતિની છોકરી સાથે.” અનુરાગના પપ્પાનો અવાજ ગુસ્સાથી ધ્રુજતો હતો, “તું એવડો મોટો થઇ ગયો કે પોતાની જિંદગીનો ફેંસલો પોતાની જાતે લઇ લીધો? જો અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાનો વિચાર પણ કર્યો છે તો તારા ટાંટિયા તોડી નાખીશ. કાલથી તારી કોલેજ બંધ. કાલથી મારી સાથે દુકાનમાં આવવાનું છે અને લગ્ન પણ આપણી જ્ઞાતિની કન્યા સાથે જ કરવાના છે. બીજી વાત તે છોકરીને આજ પછી મળવાનો કે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે તો તમારા બંનેની ખેર નથી.” તેના પપ્પાએ એક ઝાટકે અંતિમ નિર્ણય સંભળાવી દીધો.

કોફીનો ખાલી કપ ટેબલ પર મૂકી અનુરાગ ચૂપ થઇ ગયો.

“અનુરાગ, તે કોલેજ આવવાનું બંધ કર્યું એના થોડા દિવસ પછી તને મળવાનો વિચાર કરેલો. હું તને મળવા આવું તે પહેલા જ મને તારા પપ્પાનો એક કાગળ મળ્યો. જેમાં ગર્ભિત ધમકી હતી. કાગળ વાંચી તને મળવાનું માંડી વાળ્યું.” અનુરાગ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. 

“અનુરાગ, મારી કોલેજ પૂર્ણ થઇ, ત્યાંજ પપ્પાને કેન્સર થયું. તેમની અંતિમ ઈચ્છા મારું કન્યાદાન કરવાની હતી. જે પૂર્ણ થયાના થોડા મહિનામાં જ પપ્પાનું અવસાન થયું. તેના આઘાતમાં થોડા દિવસમાં મમ્મીએ પણ તેની પાછળ અનંતની વાટ પકડી. મારા સાસુ-સસરાના સ્નેહ અને લાગણીમાં બધું દુઃખ ભૂલી ગઈ અને પતિના પ્રેમમાં આપણા પ્રેમની યાદોને હદયમાં એક ખૂણામાં ધરબી દીધી.”
   
ઘડીભર ચૂપકીદી છવાઈ ગઈ. મિતાલીએ ધીમેથી આગળ કહ્યું, “અનુરાગ મેં તને ભૂલવાનો ઘણો પ્રયત્ન કર્યો અને તેમાં મહદ્ અંશે સફળ પણ થઈ. કેમ કે, લગ્ન પછી મારા પતિનો પ્રેમ એજ મારા માટે સર્વસ્વ છે. આપણા પ્રેમભરી ક્ષણોને યાદ કરી વાગોળી લઉં ક્ષણભર માટે, પણ મારું બાકીનું જીવન તો મારા પતિ માટે જ.”

અનુરાગ ધીમે રહીને બોલ્યો, “મિતાલી, હું પણ આજ સુધી તને ભૂલ્યો નથી. અચાનક તને જોઇને મારી આંખો સામે ભૂતકાળ ખડો થયો અને હૃદયમાં સંઘરી રાખેલી વેદના તને કહેતા રોકી ન શક્યો.”

અનુરાગે રિસ્ટવોચમાં જોઇને કહ્યું, “મિતાલી, ટ્રેનનો સમય થઇ ગયો છે પણ જતાં જતાં તને એક વાત કહેતો જાઉં છે કે, “કદાચ ઈશ્વરે આપણી આ મુલાકાતની ગોઠવણ કરી હશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું તારા દામ્પત્યજીવનમાં ખૂબ જ ખુશ રહે." જતાં જતાં તારા માટે એક શાયરી કહેતો જાઉં છું,

"તુમ્હેં મુબારક નયા જમાના, હમેં મુબારક પૂરાની યાદેં;
   હો સકેં તો યાદ કરના, યાદ આયેં તો ભૂલ જાના!"
                                        (શાયરી : હરી મોદી)

શાયરી કહીને અનુરાગ ફટાફટ કોફી કાફે ડેમાંથી બહાર નીકળી ગયો. સાંજની રાજકોટ જત્તી ટ્રેનમાં બેસી મિતાલીની વાતોને વાગોળવા લાગ્યો અને તેની વાતનું તારણ કાઢ્યું. તેના મનમાં મિતાલીની વાત સ્પષ્ટ થતા મનોમન નિર્ણય કર્યો. જાણે તેના આ નિર્ણય સાથે સાથ પૂરાવતા હોય તેમ એક જુના હિન્દી ગીતના શબ્દો તેના કાને અથડાયા,

‘તેરી ગલિયો મેં ના રખેંગે કદમ આજ કે બાદ...(2)
તેરે મિલને કો ના આયેંગે સનમ આજ કે બાદ...’

                             

                           *સમાપ્ત*