41.
"આપણે જલ્દીથી હોટેલ પહોંચવું પડશે. હું ટેક્સી કરી લઉં છું. આવતાં ભલે આઠ દસ મિનિટ થાય, ત્યાં જે વીસેક મિનિટ મળી જાય એ ખૂબ મહત્વની છે." કહેતાં વ્રજલાલે ટેક્સી બુક કરી લીધી. કાંતા અત્યારે એક ટેક્સીનું ભાડું પણ આપી શકે એમ ન હતી.
કાંતાને થોડી આગળ ઉતારી ટેક્સી હોટેલ તરફ ગઈ. કાંતા ચાલતી આવતી હોય તેમ હોટેલ તરફ ગઈ અને એક ખાંચામાં લપાઈને ઊભી જોઈ રહી. વહેલી સાંજનો સોનેરી તડકો ચકાચક ગ્લાસ ડોર અને પિત્તળના અક્ષરો વાળાં હોટેલનાં બોર્ડને ચમકાવી રહ્યો હતો.
કાંતાના પગ ધ્રુજવા લાગ્યા. તેણે હિંમત કરી ઊંડા શ્વાસ લીધા અને આગળ જઈ કોફીશોપ પાછળની દીવાલની ઓથે સંતાઈને જોવા લાગી.
કેટલાક ગેસ્ટ સાઈટ સીઇંગ માટે ફૂલફટાક થઈને નીકળી પડ્યા હતા. કોઈ ટેક્સી ઊભી. તેમાંથી ફરીફરીને થાકેલાં મા બાપ અને ખુશ થઈ ચિચિયારીઓ પાડતાં ટાબરિયાં ઊતર્યાં.
મેઇન ગેટ ખાલી હતો. વ્રજલાલ હજી ઊભા ન હતા. કાંતાને સમય ખૂબ ધીમેથી સરકતો લાગ્યો. તેના પેટમાં જાણે પતંગિયાં ઊડી રહ્યાં. "હું એ કરી શકીશ." તે મનમાં બોલી. 'મુકં કરોતિ વાચલમ, પંગુમ લંધયતે ગીરીમ..' તે પ્રાર્થના કરી રહી.
ત્યાં તો વ્રજલાલ દેખાયા. તેમણે મોબાઈલ કાઢી ફટાફટ કોઈ ટેક્ષ્ટ મેસેજ કર્યો, મોબાઈલ પેન્ટનાં ખિસ્સામાં મૂકીને એ જ એલર્ટ મુદ્રામાં ઊભી ગયા.
થોડો સમય એમ જ પસાર થયો. ઓચિંતો રાઘવ ડાંફો ભરતો હોટેલ તરફ જતો દેખાયો. એક બાજુ કાંતાને એવો ગુસ્સો આવ્યો કે બહાર નીકળી તેનું ગળું દાબી દે. એ સાથે પ્લાન આગળ વધી રહ્યો છે તેની ખુશી થઈ.
રાઘવ પગથિયાં ચડી વ્રજલાલ પાસે ઊભો અને કાઈંક વાત કરી, તરત હોટેલમાં અંદર જતો રહ્યો એ સાથે જ વ્રજલાલે ફોન કાઢીને ડાયલ કર્યો. કાંતાના ડ્રેસમાં રહેલા મોબાઈલમાં રીંગ વાગી.
"હા કાકા. મેં તમને વાત કરતા જોયા. એને શું જોઈએ છીએ?" કાંતાએ પૂછ્યું.
"એને પ્રેસ કોન્ફરન્સ વિશે ખબર પડી ગઈ. તે પૂછતો હતો કે હવે કોને પકડશે. મેં કહ્યું ખબર નથી પણ મેં સરિતા મેડમને પોલીસ સાથે ફોન પર વાત કરતાં જોયાં. તેઓ મૂંઝાયેલાં લાગ્યાં."
"આવી વાત આપણા પ્લાનમાં નથી." કાંતાએ કહ્યું.
" અરે ભાઈ, કરવું પડ્યું. તાત્કાલિક જે સૂઝે એ. બહુ જલદી વિચારવું પડે એમ હતું.
ઠીક, તું હવેનું પણ કરી જ શકીશ." વ્રજલાલે કહ્યું.
"તો હવે શું કરવાનું છે?" કાંતાએ પૂછ્યું.
"પ્રેસ કોન્ફરન્સ ચાલીસ મિનિટમાં છે. તું અત્યારે જ તેને ટેક્ષ્ટ કર." વ્રજલાલે એમ કહી ફોન મૂકી દીધો.
કાંતાએ તરત રાઘવને મેસેજ ટેક્ષ્ટ કર્યો "જલ્દી મારી મદદે આવ. હું હોટેલના ગેટ પર છું. મને અંદર જવા દેતા નથી. મારે ચાવી તો લેવી પડશે ને?"
જવાબ વિચિત્ર આવ્યો - "BRT DGA ".
આમાં શું સમજવું? તેણે તરત જીવણ ને ફોન લગાવ્યો.
જીવણ પણ કહે "મને આવો કોઈ શોર્ટ મેસેજ એ કરતો નથી હમણાં કહું."
થોડી જ વારમાં તેનો મેસેજ આવ્યો.
"ગૂગલ કર્યું. Be right there. Don't go anywhere."
કાંતા એ કોફીશોપની ગલી પાછળથી હળવે રહી મુખ્ય રસ્તે આવી અને સામાન્ય દિવસની જેમ જ હોટેલનાં મેઇન ડોર પર જઈ, એક ક્ષણ આજુબાજુ જોઈ રહી.
તેણે જોયું કે પોતાની પર વ્રજલાલની નજર પડી. તેઓએ તેમનો હોટલે આપેલો વોકી ટોકી લીધો અને તેમાં બોલ્યા "હા. એ આટલામાં જ છે. હું તેને ક્યાંય જવા દઈશ નહીં."
કાંતા પહેલાં પગથિયાં પર રેલીંગ પર હાથ રાખીને ઊભી રહી. તેણે પોતાના વાળ સરખા કર્યા, પર્સ હાથમાં રાખી અને હોટેલનાં પગથિયાં ચડવા લાગી.
તરત જ ખૂણાની કેબિનમાંથી વ્રજલાલ બહાર આવ્યા. તેમણે એક હાથ આડો કરી કહ્યું "કાંતા, દીકરી, મને ગમતું નથી પણ કહેવું પડે છે કે તને હોટેલમાં ન જવા દેવાની સૂચના આપવામાં આવી છે. બેટા, હું તને ખૂબ માનથી જોઉં છું. તું અહીંથી જ પાછી ચાલી જા."
કાંતાએ આજુબાજુ જોયું. રેલીંગ પાસે સામાન લઈ જતા પોર્ટર, અમુક ગેસ્ટ અને બીજા લોકો ઊભા રહી તેની સામે જોવા લાગ્યા.
જાણે રવિવારે મોલમાં બાળકો માટેનાં આકર્ષણો માટે કોઈ કન્યા બોલતી હોય તેમ તે આજુબાજુ જોઈ, બધા ભલે સાંભળે તેમ પોતાનું આઇ કાર્ડ વ્રજલાલ સામે ધરતી બોલી "કેમ નહીં, મિ. બંસલ! હું આ હોટેલની કર્મચારી છું અને અહીં આવવું મારો હક્ક છે."
વ્રજલાલ તેને જતી રહેવા સમજાવી રહ્યા.
"કાંતા સોલંકી, તમને હું શાંતિથી સમજાવું છું તો કેમ સમજતાં નથી? અત્યારે મારી ડ્યુટી બને છે કે તમને પાછાં કાઢવાં."
તેઓ મક્કમ બની ગેટ આડા ઊભા રહ્યા.
એટલી જ મક્કમ ચાલે કાંતા પગથિયાં ચડી અને તેમનાથી બે પગથિયાં નીચે ઊભી રહી.
"શું ચાલે છે આ બધું?" કહેતા ક્યાંકથી રાધાક્રિષ્નન પ્રગટ થયા.
"અરે કાંતા, તું? જો, તું હવે આ હોટેલની એમ્પ્લોયી નથી રહી એટલે મિ.બંસલ સાચું
કહે છે. તું અંદર નહીં જઈ શકે."
કાંતાએ સરને નમસ્તે તો કર્યાં પણ તેમની બાજુમાં થઈ અંદર જવા લાગી.
વ્રજલાલે કહ્યું "સર, એ નથી માનતી તો ન છૂટકે હું સિક્યોરિટીને બોલાવીને આવું છું."
તેઓ અંદર જતાં જ કાંતા રાધાક્રિષ્નન સર ને કહી રહી -
"એમ કેમ હોય સર! તમે તો મને બેસ્ટ એમ્પ્લોયી નો એવોર્ડ પણ આપ્યો છે. હું ખૂબ સરસ સફાઈ કરું છું તેનો દાખલો બધાને આપો છો.. "
પસાર થતા ગેસ્ટ આ તમાશો જોઈ રહ્યા. અંદરથી પણ કામ કરતા સ્ટાફ કાંતા સામે જોઈ રહ્યા.
"તને કહ્યું ને, કે ચાલી જા. ડોન્ટ મેઇક એ સીન. અત્યારે તું જતી રહે એ જ સારું છે. હું તને ગેટ આઉટ કહું એ પહેલાં." રાધાક્રિષ્નને શાંત અવાજે પણ કડકાઈથી કહ્યું.
"સર, મને હજી ડીસમિસ થવાનો લેટર તો HRM એ આપ્યો નથી. તો એક એમ્પ્લોયી તેની ઓફિસમાં કેમ ન જઈ શકે?" કાંતાએ આજુબાજુ જોતાં દલીલ ચાલુ રાખી.
ત્યાં વ્રજલાલ બહાર આવ્યા.
"સર, સિક્યોરિટી નજીકમાં નથી. ચાલો, હું જ થોડો કડક થાઉં."
ક્રમશ: