Veda in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | વેદા

Featured Books
Categories
Share

વેદા

વેદા

- રાકેશ ઠક્કર

       જૉન અબ્રાહમ, અભિષેક બેનર્જી અને શર્વરી વાઘ જેવા કલાકારોનો સારો અભિનય જેની જાન છે એવી ફિલ્મ ‘વેદા’ ની શરૂઆત નિર્દેશક નિખિલ અડવાણીએ જોરદાર રીતે કરી છે પણ ક્લાઇમેક્સ દમદાર બની શક્યો નથી. એક સંવેદનશીલ મુદ્દા પર દર્શકોને વાર્તા સાથે જોડી શક્યા નથી. કેમકે વાર્તાનો વિષય બહુ જૂનો છે. નવા જમાના પ્રમાણે વાર્તાને ઢાળવાની હતી.

        રાજસ્થાનની સત્ય ઘટના પર આધારિત ઊંચ-નીચ અને જાત-પાતની વાર્તા છે. જે ઘણી જગ્યાએ વર્ષોથી ચાલે છે. કેટલાક દ્રશ્યો ચોંકાવી દે એવા જરૂર છે. નિર્દેશકે સમાજને અરીસો બતાવવાનું કામ પણ કર્યું છે. પહેલો ભાગ ધીમી ગતિએ ચાલતો હોવાથી લાંબો લાગે છે. કેમકે ઇન્ટરવલ દોઢ કલાકે આવે છે. શરૂઆત થોડી આશા જગાવે છે. પણ પછી બધું કલ્પના કરી શકાય એવું આવે છે. જૉન ઊંચી જાતિના લોકોથી શર્વરીને બસ બચાવતો જ રહે છે. બીજા ભાગમાં ગંભીર સિનેમા નથી. અનેક દ્રશ્યોને જબરદસ્તી ખેંચવામાં આવ્યા છે. અઢી કલાકની ફિલ્મ બે કલાકમાં બતાવી શકાય એવી હતી. નેવુંના દાયકાની યાદ અપાવતી આ ફિલ્મ આઉટડેટેડ ગણી શકાય. હજુ પણ હીરોની સુપરમેન બનાવવાની લાલચ રોકી શકાઇ નથી.

       ‘વેદા’ માં ઘણા દ્રશ્યો માત્ર જૉનના ચાહકોને ખુશ કરવા રાખ્યા હોય એવા છે. એક જગ્યાએ જૉન પાર્ટીમાં જઈને અભિષેક અને એના દોસ્તોની પીટાઈ કરીને આવે છે. એ વાતને વાર્તા સાથે કોઈ લેવાદેવા હોતી નથી. જૉનના બાઈસેપ્સ બતાવવા જ આ દ્રશ્ય આપ્યું હતું. કોર્ટમાં એક્શન દ્રશ્યો વખતે એકપણ પોલીસ ના હોય એ માનવામાં આવે એવું નથી. સિનેમામાં સ્વતંત્રતા લેવાની આ હદ થઈ હોવાનું કહેવાયું છે. એ રીતે જૉન પોતાનું રૂપ બદલ્યા વગર મંદિરમાંથી કેવી રીતે ભાગી શકે? એમ સવાલ થશે.

       એક એક્શન હીરો તરીકે જૉન અબ્રાહમ માટે કશું નવું કરવાનું ન હતું. એ પોતાના સ્ટંટથી જ દર્શકોને આકર્ષતો રહ્યો છે. એ જાણતા નિર્દેશકોએ એના ઉપયોગની એક પેટર્ન સેટ કરી રાખી છે. એ મુજબ જૉનના બે-ચાર દમદાર સંવાદ, એક્શન દ્રશ્યો અને બોડી બિલ્ડીંગ બતાવવાનું ધ્યેય હોય છે. ‘વેદા’ માં જૉને આંખોથી અભિનયનો સારો પ્રયત્ન કર્યો છે. એણે પોતાની ભૂમિકા એટલી ગંભીરતાથી ભજવી છે કે એકપણ દ્રશ્યમાં ચહેરા પર હાસ્ય આવ્યું નથી.

       શર્વરીને બહુ ઉત્સાહથી બોક્સિંગ શીખતી બતાવી છે. જેની અસલમાં કોઈ જરૂર હોતી નથી. છેલ્લે માત્ર પાંચ મુક્કા મારતી બતાવી છે. ફિલ્મ ભલે નિષ્ફળ રહી છે પણ મુખ્ય ભૂમિકા ભજવતી શર્વરી વાઘને એના અભિનયને કારણે સંભાવના જગાવતી હોવાથી વધુ કામ મળી શકે છે. ‘મુંજયા’ પછી આ ફિલ્મ પણ શર્વરીની જ છે. એને તક ઓછી મળી છે પણ એની સંવાદ અદાયગી દમદાર છે. એટલે એને વધુ સંવાદ આપવાની જરૂર હતી. એ જ રીતે અભિષેક બેનર્જી વિલન તરીકે હવે વધુ ફિલ્મો મેળવી શકે છે. આશીષ વિદ્યાર્થી, કુમુદ મિશ્રા, તમન્ના ભાટિયા અને ક્ષિતિજ ચૌહાણ પોતાની ભૂમિકાઓને ન્યાય આપી જાય છે.

       અમાન માલિક અને મનન ભારદ્વાજનું સંગીત ઠીક છે. બે ગીત છે. એમાં મૌની રૉયનું ‘બલમ સો ગયા મેરા કલ રાત’ જમાવટ કરે છે. શર્વરી પર ફિલ્માવેલું ‘હોરિયા મેં ઊડે રે ગુલાલ’ વાર્તામાં વળાંક લાવે છે. બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. ફિલ્મમાં એક્શનનો ડોઝ વધારે છે. એને ઓછો કરીને વાર્તા પર ફોકસ કરી ઇમોશન રાખ્યા હોત તો દર્શકોને એની વાર્તા વધુ સ્પર્શી શકી હોત.

       એક સારી વાર્તાની સ્ક્રિપ્ટ નબળી લખાઈ હોવાથી વચ્ચે ભટકી જાય છે. વાર્તાને ક્લાઇમેક્સમાં પાટા પર લાવવાની જરૂર હતી. ક્લાઇમેક્સમાં કેટલાક દ્રશ્યો હસવું આવે એવા છે. અંત નિરાશ કરી જાય છે. જાતિ વ્યવસ્થા પર સંદેશ આપતી આ ફિલ્મના ટ્રેલરમાં જ મોટાભાગની વાર્તા આપી દીધી હતી. થોડું મનોરંજન છે તેથી જેણે ટ્રેલર જોયું નહીં હોય એને ફિલ્મ જોવાની વધુ મજા આવી શકે છે.