બપોરના 12.39નો સમય થયો હતો. શહેરના રિચેસ્ટ એરિયામાં રહેલા "નાણાવટી હાઉસ"ના માલિક શ્રી કમલેશભાઈના ઘરે આજે કુળ દિપકનો જન્મ થયો હતો. આખાયે પરિવારમાં ખુશીની છોળો ઉછળી રહી હતી વાતાવરણ આનંદથી ભરપુર બની ગયું હતું બરાબર સત્યાવીસ વર્ષ પછી આ ઘરમાં દિકરાનો જન્મ થયો હતો. નાણાવટી કુટુંબના વારસદારનો જન્મ થયો હતો. શ્રી કમલેશભાઈ નાણાવટીના કુળનો દિપક તેના ડેડી મિતાંશના જેવો જ રૂપાળો અને ઉંચો હતો અને મોમ સાંવરીના જેવો જ તેજસ્વી બનશે તેવું તેના મોં ઉપર તેજ રેલાઈ રહ્યું હતું અને તેટલે જ તો તેનો જન્મ શ્રી કમલેશભાઈ નાણાવટીના કહેવાથી બરાબર બપોરના 12.39 વાગ્યે પંચાંગમાં જોયા વગરના આ શુભ મુહૂર્તે જ કરાવવામાં આવ્યો હતો.આજે ઘરમાં કંઈક અલગ જ આનંદ છવાયેલો હતો અને આ વખતે શ્રી કમલેશભાઈએ નક્કી કર્યું હતું કે અહીંની ઓફિસમાં અને લંડનની ઓફિસમાં દિકરો આવ્યાની ખુશાલીમાં મીઠાઈ અને દશ ગ્રામનો ચાંદીનો સિક્કો દરેક એમ્પલોઈને ભેટમાં આપવો છે.સાંવરીએ બરાબર નવ માસ પૂર્ણ થયે દિકરાને જન્મ આપ્યો હતો એટલે તે ચાર કિલો વજનનો પૂરેપૂરો હેલ્ધી હતો. હોસ્પિટલમાં તેની સાથે તેની મોમ સોનલબેન ખડેપગે હાજર હતા. તેને જોવા માટે ઉત્સુક મિત પોતાના મોમ અલ્પાબેનને લઈને હોસ્પિટલમાં આવે છે અને પોતે પોતાની સાંવરીની બાજુમાં બેસે છે. પોતાના નાના માસુમ પૌત્રને જોઈને અલ્પાબેન ખૂબજ ખુશ થાય છે અને સાંવરીને તેની તબિયત સાચવવા સમજાવે છે પછીથી થોડીકવાર મિતને અને સાંવરીને અંગત વાત કરવા માટે એકલા છોડવાના ઈરાદાથી તે અને સાંવરીના મમ્મી સોનલબેન બંને સાંવરીના ડીલીવરીના સ્પેશિયલ રૂમમાંથી બહાર નીકળે છે. મિતાંશ સાંવરીનો હાથ પોતાના હાથમાં લે છે અને તેની આંખોમાં આંખો પરોવીને તેને કહે છે કે, "થેન્કસ માય ડિયર મને ડેડી બનાવવા બદલ... અને આટલો બધો સુંદર દિકરો ભેટ આપવા બદલ... મારા બાળકની માં બનવા બદલ... બાકી મેં તો તને છોડી દીધી હતી..એ તો તે જ મને પકડી રાખ્યો અને તારા સાચા પ્રેમને કારણે જ હું દરેક વખતે બચી શક્યો છું બાકી અત્યારે ક્યાંય રખડતો હોત.... સાંવરીએ મિતાંશના હોઠ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તે બોલી કે, "રહેવા દે અત્યારે આ બધી વાતો... જો તારો દિકરો તારા જેવો જ લાગે છે... તેની વાતને વચ્ચે જ અટકાવતાં મિતાંશ બોલ્યો કે, "હા આપણે બંને જ્યારે પ્રેમ કરતાં હતાં ત્યારે ઘણીવાર મને એવો વિચાર આવતો કે, આપણે જ્યારે બાળક આવશે ત્યારે તે કેવું દેખાતું હશે... થોડું મારા જેવું અને થોડું તારા જેવું... આપણાં બંનેનું એ મિશ્રણ કેવું હશે..!! ત્યારથી હું આ દિવસની રાહ જોઈ રહ્યો હતો... આજે તે દિવસ આવી ગયો પણ હા સાવુ એક વાત કહું તને આ મારા લાડલાને મારે મારા જેવો બિલકુલ નથી બનવા દેવાનો બસ આબેહૂબ તારા જેવો બનાવવાનો છે, ભણવામાં હોંશિયાર..દેખાવમાં સ્માર્ટ...દરેક કામમાં પરફેક્ટ...નાનામાં નાના માણસને પણ પ્રેમથી અને માનથી બોલાવે તેવો લાગણીશ અને પ્રેમાળ તેમજ વ્યવહારિક પણ ખરો....મિતાંશ પોતાની સાંવરીના વખાણ કર્યે જતો હતો અને સાંવરીએ તેની સાથે મજાક કરી અને તે વચ્ચે જ બોલી કે, "એય, બસ બસ આટલા બધા મારા વખાણ પણ ન કર્યા કરીશ નહીંતો હું ઓર ફુલાઈને જાડી થઈ જઈશ અને પાગલ મીતુ સાંભળ મારી વાત, મોરના ઈંડા કંઈ ચિતરવા ન પડે...એ તો ચિતરાઈને જ આવે.."મિતાંશ: હા, એ વાત તારી સાચી હોં...અને પછી મિતાંશ પ્રેમથી સાંવરીના માથા ઉપર હાથ ફેરવ્યો અને તે બોલ્યો કે, "તું જાડી હોય કે પાતળી.. ગોરી હોય કે કાળી મને કોઈ ફરક નથી પડતો બસ મને તો ફક્ત મારી સાંવરી જોઈએ.. મમ્મી કહેતી હતી કે, ડિલિવરી એટલે સ્ત્રીનો બીજો અવતાર કહેવાય બસ તેમાંથી તે હેમખેમ બાળકને જન્મ આપીને પોતાના ઘરે પાછી આવે એટલે બસ.. મારે તો બસ એટલું જ જોઈએ... મેં મોમની આ વાત સાંભળી ત્યારથી થોડો ડર લાગતો હતો કે, મારી સાંવરીને તો કંઈ થઈ નહીં જાય ને? અને દરરોજ ભગવાનને પ્રાર્થના કર્યા કરતો હતો કે, મારી સાંવરીને પ્રભુ કંઈ ન થવું જોઈએ....અને સાંવરી તેને અટકાવતાં વચ્ચે જ બોલી કે, "જોને એટલે તો હું અને તારો આ દિકરો હેમખેમ સાજા સમા છીએ...."બંનેની પ્રેમની આ મીઠી મીઠી રસપ્રદ વાતો ચાલી રહી હતી અને એટલામાં અલ્પાબેને દરવાજા ઉપર નૉક કર્યું એટલે મિત બોલ્યો કે, "યસ, હુ ઈઝ ધેર?"અલ્પાબેન: યોર મોમ બેટા.મિતાંશ: યસ મોમ કમ ઇન સાઈડઅને અલ્પાબેન તેમજ સોનલબેન અંદર રૂમમાં દાખલ થયા અને અલ્પાબેન બોલ્યા કે, "તમારી બંનેની વાતોમાં અમે ભંગ તો નથી પડાવ્યો ને?"મિતાંશ તરતજ બોલ્યો કે, "ના ના મોમ શું તમે પણ..."સોનલબેન: ના ભાઈ અત્યારના છોકરાઓનું કંઈ કહેવાય નહીં બાકી અમારા વખતે તો આ સાંવરીના પપ્પાથી મારી ખબર કાઢવા માટે પણ નહોતું અવાતું અને અત્યારે આ લો પતિદેવ હોય તે આ વહુનાં ખાટલામાં બેસી જાય છે બોલો એવું છે!સાંવરી: શું તું પણ મોમ હવે સમય બદલાઈ ગયો છે ગયો એ જમાનો તું કયા જમાનાની વાત કરે છે?અલ્પાબેન: હા ભાઈ હા હું એમ જ કહું છું કે, હવે સમય બદલાઈ ગયો છે અને સમયની સાથે સાથે આપણે પણ બદલાવું પડે અને એટલે જ તો લો અમે બંને તમને બંનેને એકલાં મૂકીને બહાર ન ઉભા રહ્યા? અને પછી સોનલબેન અને અલ્પાબેન બંને હસી પડ્યા... વાતાવરણમાં જાણે ખુશી છવાઈ ગઈ. દરેકનાં મુખ ઉપર હાસ્ય છવાયેલું દેખાઈ રહ્યું હતું આમ હસી ખુશીથી બધા વાતો કરી રહ્યા હતા અને સોનલબેને અલ્પાબેનના પ્રેમાળ હાથમાં તેમનો લાડકવાયો પૌત્ર સોંપ્યો અલ્પાબેન ખૂબજ ખુશીથી એકીટશે તેની સામે જોઈ રહ્યા હતા અને બોલ્યા કે, "બિલકુલ મારા મિત જેવો જ લાગે છે"અને મિતાંશ હસતાં હસતાં કહેવા લાગ્યો કે, "ના ભાઈ આપણાં જેવો ના થતો હોં.. આ તારી ડાહી મોમ જેવો જ ડાહ્યો થજે હોં..."અને અલ્પાબેન પણ હસી પડ્યા અને મિતાંશની વાતમાં ટાપસી પુરાવતાં તરતજ બોલ્યા કે, "હા હોં એ વાત સાચી..." અને બધાજ ખડખડાટ હસવા લાગ્યા.વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 26/8/24