ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 11
શિર્ષક:- સસૂર પગલા હૈ ક્યા ?
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મારા અનુભવો…
પ્રકરણઃ…11.. "સસૂર પગલા હૈ ક્યા ? "
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.
સંસ્કૃત ભણવાની તીવ્ર ઉત્કંઠા છતાં કોઈ પાઠશાળાનું પગથિયું પણ જોયા વિના નિરાશ થઈને હું કાશીથી વિદાય થયો. હવે મારી આશાનું કેન્દ્ર બેલુડ મઠ હતો. મારા પ્રેરણામૂર્તિ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવની ભૂમિ. સ્વામી વિવેકાનંદજીની ભૂમિ બંગાળની. એ શક્તિશાળી ધરતી, જ્યાંથી અસંખ્ય નરરત્નો પેદા થયાં હતાં. અહીં મને અવશ્ય કોઈ સદ્ગુરુ મળી રહેશે એવી આશા મારામાં હતી.
કાશીથી હું રઘુનાથપુર આવ્યો. મારા ખ્યાલ પ્રમાણે બિહાર શરૂ થઈ ગયું હતું. અહીંનો એક પ્રસંગ જાણવા જેવો છે. રેલવેની નજીક જ એક વૈરાગી મહાત્માનું નાનું સરખું મંદિર. ભ્રમણકાળનો મારો અનુભવ છે કે વૈરાગી તથા કબીર મંદિરો રોટલાની બાબતમાં વધુ ઉદાર રહ્યાં છે. સંન્યાસીઓનાં સ્થાનો,તેમાં પણ પંડિત સંન્યાસીઓનાં સ્થાનો તેટલાં ઉદાર નથી રહ્યાં.વૈરાગી સાધુ મોટા ભાગે બહુ ભણેલ નથી હોતા. તુલસીકૃત રામાયણ તથા હનુમાનચાલીસા – બસ, આ બે ગ્રંથો તો ઘણા થઈ ગયા. યુ.પી, બિહારમાં રામાયણની ચોપાઈઓ તો જનજનના કંઠે રમતી હોય. વેદ તો કહેવા પૂરતા ધર્મગ્રંથ રહ્યા છે. તે કદી આમજનતા સુધી પહોંચ્યા જ નથી. આમ જનતા સુધી તો રામાયણ-મહાભારત જેવા કથાગ્રંથો જ વધુ પહોંચ્ય છે. વૈરાગી સાધુ એટલે કર્મઠ સાધુ. વહેલી સવારે ઊઠે. ઠંડા પાણીએ સ્નાન કરે, લંગોટીમાત્ર કે પછી ઉપર વેંતનું કપડું પહેરે. મંદિરમાં કચરા-પૂંજા બધું કરે. ગાય હોય તો વાસીદું કરે, કાવડ લઈને વસ્તીમાં જાય. લોટ લાવે. જાતે રસોઈ બનાવે, આવ્યા-ગયા સાધુ-સંત ભગત-ભિખારીને જમાડે. કોઈ કોઈ વળી વ્યાયામની પ્રવૃત્તિ પણ કરે. આમ, પૂર્ણ સ્વાવલંબી અને પરમાર્થી જીવન જીવે. સીતારામ સીતારામનો જાપ કરે. કસાયેલું શરીર, ભસ્મ અને જટાઓથી અવરણાગી રૂપ. આ બધું જોઈને એમ લાગે છે કે ભણેલા કરતાં આ અભણ સાધુ, સંતવૃત્તિની વધુ નજીક છે.
હું એ વૈરાગી સંતના ત્યાં સાંજે પહોંચ્યો હતો. આરતી-પૂજા વગેરે થતાં થતાં નવ વાગી ગયા. મારી પાસે ઓઢવાનું ઘણું ઓછું હતું, પણ કોઈએ મને એક રવેશી બતાવી જે ત્રણ તરફ બંધ હતી અને એક તરફ ખુલ્લી હતી. તેમાં ડાંગરનું પરાળ ઢીંચણ સુધી ભર્યું હતું. આ સૌની પથારી હતી. સૌની માફક હું પણ તેમાં પેસી ગયો. એક ચાદર પાથરી અને બીજી ઓઢીને ઉપર પરાળ લઈ લીધું. મજા પડી ગઈ. ઠંડી જરાય ન લાગી. ખૂબ ઊંઘ આવી. ઘસઘસાટ ઊંઘમાં કેટલો સમય વીત્યો તેની ખબર જ ન પડી. ઘણા દિવસે ટાઢ વિનાનું સૂવા મળ્યું હતું.
એક માણસે આવીને મને જગાડ્યો ત્યારે મારી આંખ ઊઘડી. બીજા બધા હરફર કરી રહ્યા હતા. મને સંકોચ થયો, અરે મારાથી મોડું ઉઠાયું ! બધા જ ઊઠી ગયા છે. દાતણ કરવા હું કૂવા તરફ ગયો, હજી તો હું ઊભો જ હતો ત્યાં એક સાધુ આવીને કહે, “અરે દેખતે ક્યા હો ? ચલો, ચલો, જલદી ચલો, ભોજન કર લો.' મને નવાઈ લાગી. અત્યારે પરોઢિયે ભોજન !દાતણે કર્યું નથી અને ભોજન ! હું ગૂંચવાયો, શું કરવું, શું કહેવું ? ત્યાં તો તેમણે જ કઠોર સ્વરમાં કહ્યું “સસૂર પગલા હૈ ક્યા ?”કાંઈ જ વિચાર કર્યા વિના પંદરેક મણસોની પંગત બેઠી હતી તેમાં જઈને સૌથી છેલ્લો હું પણ બેસી ગયો. વૈરાગી સાધુઓમાં તો પોતપોતાનું જળપાત્ર લાવે. અહીં તો પતરાળાં પણ ન હતાં. સૌ ડાબા હાથમાં રોટલી લેતા હતા. દાલ-રોટીનું ભોજન હતું. મેં મન મનાવ્યું કે અહીં પરોઢિયે જમી લેવાની પ્રથા હશે. પીરસનાર કોઈ સાધુ ઝડપભેર પીરસતા મારી પાસે આવ્યા અને બોલ્યા, 'બોલો, કિતની રોટી ? હું ઉતાવળમાં બોલ્યો, “દો.” તેમણે તરત જ બે રોટલીઓ મારા હાથમાં પછાડી. એ બે રોટલી કેવી હતી ! હથેળી જેવડી જાડી ! બધાં અનાજોના લોટવાળી શેર શેરની બે ભારે ભાખરીઓ હતી.રોટલીઓના પછડાવાથી મારા હાથ નીચા પડી ગયા. અરે... આ ખવાશે કેવી રીતે ?" હું ચિંતામાં પડી ગયો, અનેક દેવોની જય બોલ્યા પછી સૌએ જમવાનું શરૂ કર્યું. હું માંડ માંડ અડધી રોટલી ખાઈ શક્યો. વધેલી આ દોઢ રોટલીનું શું કરવું ? જો કોઈ સાધુ જોઈ જશે તો ? એક વાર તો માત્ર સસૂર શબ્દનું હુલામણું સંબોધન જ સાંભળવા મળ્યું. ફરી કાંઈ તેથીયે વધારે હુલામણાં સંબોધનો સાંભળવા ન મળે તો સારું !
મારી બાજુમાં જે સાધુ બેઠા હતા તે કાંઈક ઠરેલ અને ભલા હતા. તેમણે કહ્યું, “નહિ ખાઈ જાતી તો રહને દો, જાવ ગઉકો ખિલા દો.’ હાશ, પ્રાણમાં પ્રાણ આવ્યા. હું ઊઠ્યો. કોઈ જુએ નહિ તેમ ગાયને રોટલી ખવરાવી. હાથ મોઢું ધોઈને હું મંદિર આગળ ઊભો. હમણાં આરતી થશે એ આશાએ. ત્યાં તો મેં જોયું કે સૌ કોઈ પેલા પરાળમાં જઈને સૂવા લાગ્યા.
“અરે ! દિવસ ઊગવાની તૈયારી છે ને આ લોકો ઊંઘે છે કેમ !' મને એકલાને ઊભેલો જોઈને એક સાધુએ કહ્યું, “અરે દેખતે ક્યા હો ? જાવ, સો જાઓ.' મારી ગૂંચવણ વધી રહી હતી. હું પણ કશું બોલ્યા વિના પરાળમાં જઈને સૂઈ ગયો. પછી ખબર પડી કે હજી તો રાતના બાર જ વાગ્યા છે. અડધી રાત બાકી છે.
અહીં બિહારમાં રાતના દશ વાગ્યે સીધું કાઢવાનો રિવાજ. પછી રસોઈ શરૂ થાય, અગિયાર વાગ્યે સૌ જમવા ઊઠે. બાર-સાડાબાર વાગ્યે સૌ જમી રહે, પછી સૂઈ જાય.જેણે ભ્રમણ નથી કર્યું તેને દેશાચારની શી ખબર પડે ?
આભાર.
સ્નેહલ જાની