પ્રકરણ ૧
આચાર્ય રજનીશ પોતાના શિષ્યો અને અનુયાયીઓ માટે ફક્ત ઓશો જ હતા. પરંતુ ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમના અનુયાયી અને શિષ્યોની સંખ્યા જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેમને પહેલા આચાર્ય રજનીશ અને પછી ભગવાન શ્રી રજનીશના નામથી બોલાવવામાં આવ્યા હતા.
ઓશો રજનીશે અંતિમ વિદાય લીધી તે વાતને આજે ત્રણ દાયકા કરતા વધારે સમય વિતી ગયો છે. તેમ છતાં ભારત જ નહીં વિશ્વમાં આજે પણ તેમના અનુયાયીઓ અને શિષ્યોની સંખ્યા ઓછી થઇ નથી. આજે પણ લોકો તેમના સંદેશનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એટલું જ નહીં તેમને ફોલો પણ કરે રહ્યા છે. ત્યારે રજનીશ સાથે જાેડાયેલા નામ ઓશોનો અર્થ સમજવો જરૂરી છે. ઓશોનો અર્થ એ થાય છે કે, એવી વ્યક્તિ જેને પોતાને સાગરમાં સમાવી લીધી હોય.
ઓશો રજનીશનો જન્મ મધ્ય પ્રદેશમાં ૧૧મી ડિસેમ્બર ૧૯૩૧ના રોજ જૈન પરિવારમાં થયો હતો. જન્મ બાદ તેમના માતા-પિતાએ તેમનું નામ ચંદ્રમોહન રાખ્યું હતું. ઓશોએ તેમના જીવનકાળ દરમિયાન લોકોનું ધ્યાન ખેંચ્યું તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે, તેઓ કોઇ પરંપરા, દાર્શનિક વિચારધારા કે ધર્મના કંડારેલા માર્ગે ચાલ્યા ન હતા.
ઓશોના જીવન પર વસંત જાેશીએ પુસ્તક ધ લ્યૂમનસ રેબેલ, લાઇફ સ્ટોરી ઓફ એ મેવરિક મિસ્ટિક લખી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ઓશોનો જન્મ બાદ ઉછેર એક સામાન્ય બાળકની જેમ જ થયો હતો. પરંતુ તે સમયે તેમનામાં કેટલાક એવા લક્ષણો હતાં જે તેમને બીજા બાળકોથી જુદા તારવતા હતા. નાનપણથી જ તેમનામાં એક સૌથી મહત્વનોનો ગુણ હતો. તેઓને પ્રશ્નો પુછવાનો અને પ્રયોગ કરવા બહુ ગમતા. તેમને મનુષ્યમાં રસ પડયો હતો. તેઓ માનવ પ્રવૃતિને ખુબ જ ઝીણવટ ભરી નજરે જાેતા હતા. જેને જ તેમણે પોતાનો મુખ્ય શોખ બનાવી લીધો હતો. તેઓના શરૂઆતના જીવનમાં તેઓ બાહ્ય દુનિયા અને મનુષ્યના મન ચાલી રહેલા વમળો પર જ ઝીણવટથી વિચારતા હતા.
ચંદ્રમોહન એટલે કે રજનીશ આટ્ર્સ વિષયમાં સ્નાતક થયા બાદ ૧૯૫૧માં જબલપુરની હિતકારિણી કોેલજમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ દરમિયાન દર્શન શાસ્ત્રના અધ્યાપક સાથે તેમની જામી ગઇ હતી. દર્શન શાસ્ત્રના લેક્ચર દરમિયાન ચંદ્રમોહન એવા એવા સવાલો પુછતા કે અધ્યાપક જવાબ આપી કંટાળી જતાં હતા. લેક્ચરમાં અન્ય વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય પણ ચંદ્રમોહનના પ્રશ્નોના જવાબ આપવામાં જ પસાર થતો હતો.
તેમના પુસ્તકમાં વસંત જાેશી કહે છે કે, ચંદ્રમોહનના પ્રશ્નોના જવાબ આપતા અધ્યાપકની સહનશક્તિની આખરે મર્યાદા આવી ગઇ હતી. જેથી અધ્યાપકે કોલેજના આચાર્યને એલ્ટેમેટ આપ્યું અને કહ્યું કે, આ કોલેજમાં કાતો હું રહીશ અને કાંતો ચંદ્રમોહન જૈન રહેશે. જેથી આચાર્યએ ચંદ્રમોહનને બોલાવીને કોલેજ છોડવા આદેશ કર્યો હતો. જાેકે, આચાર્યએ એવું પણ કહ્યું હતું કે, સમગ્ર ઘટનામાં ચંદ્રમોહનનો કોઇ જ વાંક નથી. પરંતુ આવા મુદ્દે કોલેજના એક વરિષ્ઠ અધ્યાપકે રાજીનામુ આપવું પડે તે કોલેજ માટે યોગ્ય ન કહેવાય. જેથી ચંદ્રમોહન પણ કોલેજ છોડવા તૈયાર તો થયા પરંતુ તેમને એક શરત મુકી કે બીજી કોલેજમાં તેમનો પ્રવેશ કરાવવાની જવાબદારી આચાર્યની રહેશે.
જબલપુરની કોલેજમાં અભ્યાસ કરતા ચંદ્રમોહનનું નામ આસપાસની તમામ કોલેજમાં એટલું પ્રસરી ગયું હતંુ કે એક પણ કોલેજમાં તેમને પ્રવેશ મળી શકે તેમ ન હતો. જેથી તેમને અન્ય કોલેજમાં પ્રવેશ અપાવવા માટે આચાર્યએ પણ ઘણી મહેનત કરવી પડી હતી. આખરે ડીએન જૈન કોલેજમાં ચંદ્રમોહનનો પ્રવેશ કરાવવામાં આચાર્યને સફળતા મળી હતી. કોલેજકાળ દરમિયાન ચંદ્રમોહનને માથાના દુખાવાની સમસ્યા રહેતી હતી. એક વખત ચંદ્રમોહનના માથાનો દુખાવો એટલો બધો વધી ગયો કે તેઓ પણ સહન કરી શક્યા ન હતા. જેથી તેમના ફોઇના દિકરાઓ ક્રાંતિ અને અરવિંદને ચંદ્રમોહનના પિતાને ફોન કરી બોલાવવાની ફરજ પડી હતી. તે સમયે પિતાને લાગતું હતું કે, વધારે પડતાં અભ્યાસના કારણે ચંદ્રમોહનનું માથું દુખતું હતું. ભૂતકાળમાં પણ જ્યારે ચંદ્રમોહનનું માથું દુખતું ત્યારે તે માથામાં બામ લગાવીને પણ સતત અભ્યાસ કરતો હતો. જે વાત તેમના પિતાને યાદ હતી.