Muniba Mazari in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | મુનીબા મઝારી

Featured Books
Categories
Share

મુનીબા મઝારી

"મારી વાતઘાણા લોકો સુધી પહોંચશે કે કોઇને માટે પ્રેરણાદાયી બનશે એ તો જાણતી નથી પણ, એટલું જરૂર જાણું છું કે આટલી બધી તકલીફોમાં પણ મેં ક્યારેય લડત છોડી નથી" - મુનીબા મઝારી.

પાકીસ્તાનની 'લોખંડી સ્ત્રી' તરીકે જાણીતી એક ચિત્રકાર. એનાં જીવનના કેનવાસ પર એક દિવસ એવું ચિત્ર દોરાયું કે એના જીવનનો રંગ ઉડી જાત. આ મુશ્કેલીને તકમાં ફેરવી મજબૂત ઇરાદા ધરાવનાર આ યુવતીએ. ચિત્રકલા` વિશે કશું જ ન જાણતી હોવા છતાં પીંછી ઉઠાવી, સામે કેનવાસ રાખ્યો. એવું ચિત્ર દોર્યું કે લોકો 'વાહ !' બોલી ઉઠ્યા. જો કે, એ ચિત્ર તો આ યુવતીની 'આહ !' નું હતું. પારાવાર પીડાનું હતું. હા, એમાં આશાવાદ અને ભવિષ્યનાં સ્વપ્નનાં રંગો પુર્યાં.

મુનીબા મઝારીની એક કિશોરીથી પ્રચલિત ચિત્રકાર સુધીની યાત્રા ક્યાંક દર્દનાક છે,ક્યાંક 'હેટ્સ ઓફ' કહેવું પડે એવી જાનદાર છે. આ બન્નેનું કારણ એક જ છે. એક ગમખ્વાર અકસ્માત. આવો વિગતે જાણીએ.

3 માર્ચ 1987 ના રોજ રહીમ યાર ખાન, પાકીસ્તાનમાં મુનીબાનો જન્મ થયો. પાકીસ્તાનના દક્ષિણ પંજાબમાં આવેલા આ શહેરમં બલોચ ખાનદાનમાં જન્મેલ મુનીબાનું સ્કૂલ શિક્ષણ આર્મી પબ્લિક સ્કૂલમાં થયું. કોલેજનું શિક્ષણ એના જ શહેરની કોલેજમાં શરૂ તો કર્યું પણ, પુરૂં થાય એ પહેલા જ એના લગ્ન થઈ ગયાં. આ લગ્ન જીવન દરમિયાન એક સંતાનને પણ જ્ન્મ આપ્યો.

અહીં સુધી બધું બરાબર ચાલ્યુ. એક દિવસ એવો આવ્યો જે મુનીબાની ઝીંદગીના સૌથી મોટા વળાંક સમો અને સૌથી દર્દનાક બની ગયો. મુનીબા મઝારી અને એના પતિ કારમાં જઈ રહ્યા હતા. અચાનક કાર ડ્રાઇવ કરી રહેલા પતિને ઝોકું આવ્યું કે કોઇપણ કારણ હોય, કાર ઉછળીને એક મોટા ખાડામાં પડી. પતિ અગમચેતી વાપરીને કુદી ગયો અને બચી ગયો પણ, મુનીબા પાસે એવો કોઇ સમય જ ન રહ્યો.. અને કારની સાથે એ પણ ખાડામાં પછડાયા. અકસ્માત એટલો ગંભીર હતો કે કેટલી ઇજા થઈ હશે એનો અંદાજ જ ન આવે. મુનીબાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા. તાત્કાલિક સારવાર પણ શરૂ થઈ. અનેક એક્સ-રે, ઇન્વેસ્ટીગેશન્સ થયા. આખા શરીરમાં ઘણી જ ઇજાઓ હતી, મલ્ટીપલ ફ્રેક્ચર્સ હતા.

"તમારા શરીરમાં ઘણી જ ઇજાઓ છે. કરોડરજ્જુ (Spinal Cord) પર પણ ઇજાઓ છે. તમે હવે ચાલી નહીં શકો. પીઠ નીચે પણ ઇજા હોવાથી બીજું સંતાન પણ નહીં થઈ શક." - ડોક્ટરે સચોટ અને ચોટ લાગી જાય એવી જાહેરાત કરી દીધી મુનીબા મઝારીની હવે પછીની ઝીંદગી વિશે,

એક ભયંકર અકસ્માત. બધું જ અસ્ત-વ્યસ્ત થઈ ગયું. મુનીબાનું કમર નીચેનું શરીર Paralyze થઈ ગયું. હલન-ચલન અટકી ગયું. જીવન જ લગભગ અટકી ગયું. મુનીબા સ્તબ્ધ. હવે પછીનું જીવન Wheel Chair પર ગાળવાનું હતું..

"આખું જીવંન આ જ હાલતમાં રહેવાનું ? એક ડગલું પણ ચલાશે નહીં ? અડધું શરીર શિથિલ થઈ ગયું .. તો હવે આવા જીવનનો અર્થ ખરો ? મારૂં આ અસ્તિત્વા શું કામનું ? " - મુનીબા મઝારી પોતાની સ્થિતી જોઇ આવું વિચારતા.

આશરે બે-અઢી મહિના પથારીવશ રહેલા ને છેવટે ઉભા તો થયા પણ છેલ્લું નિદાન સાવ નિરાશા જનક હતું. આટલા લાંબા સમયનું હોસ્પિટલાઇઝેશન... હોસ્પિટલના રૂમની સફેદ દિવાલો.. ડોક્ટર્સ-નર્સની અવર-જવર, હોસ્પિટલની એ Typical Smell .. આ બધાથી ભારે ત્રાસ અને કંટાળો અનુભવતી મુનીબાને અચાનક જ એક વિચાર આવ્યો.. જે બહું જ મોટો વળાંક લઈ આવ્યો એના જીવનમાં. એણે એના ભાઇને બોલાવ્યા અને કહ્યું. -

"ભાઇ, મને કલર બોક્સ, પીંછીઓ અને કેનવાસ લાવીને આપોને !"

"તું ચિત્ર કરીશ ? - આવડે છે ?"

"મારે માટે જ દોરવું છે. શીખી જઇશ. આમ પણ હવે જીવનનો કેનવાસ જ બદલાયો છે. નવેસરથી ચિત્ર-રગ કરવાનાં છે."

આ જ હતો એ વિચાર. વ્હિલચેર ઉપર જ હવે પછીનું જીવન ચાલવનું છે એ નક્કી જ હતું. તો વ્હિલચેર uપર બેસીને થઈ શકે એવી મનભાવન પ્રવૃત્તિ ચિત્રકામ જ હોઇ શકે. ભલે આ પહેલા આ કલા સાથે કોઈ સંબંધ ન હતો. મુનીબા મઝારીએ એવું વિચાર્યું કે- ભવિષ્ય, જે સ્પ્ષ્ટ નથી એમાં ક્યુ ચિત્ર સામે આવશે એ ખબર નથી, તો હાલ કેનવાસ ઉપર તો કશુંક અજમાવી જોઉં, જે કલા વિશે હું સ્પ્ષ્ટ નથી-

કોઈપણ નાની એવી કલ્પના પણ, મનમાં લાવ્યા વગર પીંછી ઉઠાવી, ચિત્ર દોરવાનું શરૂ કર્યું. જે કંઇ દોરાઇ રહ્યું હતું એ છેક હ્ર્દય્ના તળિયેથી શરૂ કરી, હ્રદયને ચીરીને બહાર આવતું હતું. થોડા સમયની મથામણ પછી એક સંપૂર્ણ ચિત્ર દોરાઇ ગયું. કહો કે ઉભરી આવ્યું. ચિત્ર જોઇને બધા જ 'વાહ !' બોલી ઉઠ્યાં.

"તમારી પ્રશંસા જેને મળે છે એ મારી તો પીડા છે - પીડાનું નિરૂપણ છે" - આ હતો મુનીબા મઝારીના પ્રથમ ચિત્રને મળેલા પ્રતિસાદનો એનો પ્રતિસાદ.

આ ચિત્ર બનાવ્યું ત્યાં સુધી મુનીબા મઝારી કોઇ કલાકાર હતા જ નહીં. જે બહાર આવ્યું એ તો દર્દનો નીચોડ હતો, જો કે, અ પ્રક્રીયામાં એને ખૂબ આનંદ આવયો. જાણે બધું એકસાથે ઠલવાઇ ગયું. ઝીંદગીને એક નવો રંગ મળી ગયો. હોસ્પિટલની નિરાશાજનક મનોદશા ઉપર એક આવરણ ચડી ગયું.

સમય વીતતો ગયો, મુનીબા મઝારી હવે તો ઘરે આવી ગયાં. વ્હિલચેર તો હતી જ. એમનું ચિત્ર કલાનું અભિયાન પણ જોરમાં હતું. અહીં વધુ એક ઝટકો આવ્યો. પતિ લગ્નજીવનમાંથી છુટો થઈ ગયો. શરીર અડધું વિકલાંગ હતું. સાહચર્યનો અડધો હિસ્સો પણ ખસી ગયો. પડકાર ઉમેરાયો. સંઘર્ષ બેવડાયો કારણ, એકલા હાથે બાળકના ઉછેરની જવાબદારી આવી ગઈ. જે કંઇ થઈ રહ્યું હતું એનો સ્વીકાર જ કરવાનો હતો, નક્કર વસ્તવિકતા હતી કોઇ જ વિકલ્પ ન હતો. મુનીબાએ વિચારી લીધું કે હવે બે કેનવાસ ઉપર કામ કરવાનું છે. એક ઉપર ચિત્રો કરવાનાં. બીજો એબ્સ્ટ્રેક્ટ કેનવાસ હતો જેના ઉપર જીવન-નિર્વાહ અને બાલ ઉછેરની રંગપૂરણી કરવાની હતી. બસ, કોઇપણ વાસ્તવિકતાનો હસતે મોઢે સ્વીકાર કરી લો એટલે એ પણ તમને સ-સ્મિત સાથ આપે. જ.

Where There is a will, there is a way જેવી પ્રખ્યાત અંગ્રેજી કહેવત કે 'મન હોય તો માળવે જવાય' જેવી ગુજરાતી કહેવતને આત્મસાત કરીને સશક્ત મનના મુનીબા મઝારી ચિત્ર કલા અને પછી તો અન્ય કળાઓ જેવી કે મોડેલીંગ, એન્કરીંગ વગેરેમાં પણ પદાર્પણ કરીને આગળ વધતા ગયા. મક્કમતા અને આત્મવશ્વાસ સામે પેલી વિકલાંગતા ઓગળી ગઈ. ચોમેર સફળતા મળતી ગઈ. પ્રગતિ તરફનાં દ્વાર ખૂલી ગયાં. એક પછી એક મુકામ પાર કરીને મુનીબા મઝરીન પ્રસિધ્ધીની ટોચે પહોંચ્યા. આ અનોખી સિધ્ધીને બિરદાવીને એમને 'Iron Lady of Pakistan' નો ઇલ્કાબ આપવામાં આવ્યો છે. મુનીબા મઝારીનો 'Darring the Dreams' નામથી ચાલતી TEDx Talk આજે વિશ્વ આખું સાંભળે છે. જેના ફોલોઅર્સ મીલીયન્સમાં છે.

મુનીબા મઝારીને એક જન્મમાં બે જીવન મળ્યાં એ તો આકસ્મિક ઘટના હતી. નવા મળેલાં જીવનને એ માત્ર જીવી નથી રહ્યા માણી રહ્યા છે. એક ઝબકાર જેવો વિચાર અને નવી કેડી કંડારી.. હવે તો એ Path બની ગયો છે. સંઘર્ષને જ સાઘન બનાવ્યો ને સાધ્ય સુધી પહોંચ્યા. પડકારોને પ્રેરણાસ્રોત ગણ્યા ને પ્રસિધ્ધી મેળવી. આજે તો મુનીબા મઝારી અનેક ક્ષેત્રોમાં ચમકતી અને દમકતી સફળતા સાથે ટોચ ઉપર છે. એ સ્ત્રીઓની સમસ્યા અને પ્રશ્નો માટે અવાજ ઉઠાવે છે. પોતાની શક્તિનો બીજામાં સંચાર કરે છે. મુનીબા મઝારી સહુ મટેચિત્ર જોઈને મળતી શાંતિ, ચિત્ર જોઇને મળતો આનંદ અને ચિત્રમાં છલકતા અભિવ્યક્તિના વ્યાપનો ત્રિવેણી સંગમ છે. આપણને સહુને આ સંગમ ઉપર આવીને અનેરી પ્રેરણા મળે છે.