chalte chalte yu hi koi mil Gaya - 5 in Gujarati Classic Stories by raval uma shbad syahi books and stories PDF | ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 5

Featured Books
Categories
Share

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 5

ભાગ-૫ --ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...

(આપણે જોયું કે દેવિકાને ભેંસ વગાડે છે. ડોક્ટર એને મોટાં દવાખાને  લઈ જવાનું કહે છે.હવે આગળ)
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

" રતન તું ઘડીક દેવુંને સંભાળ હું અબિહાલ સાધનની સગવડ કરીને આવું સુ."કહી માધવ ભાઈ જાય છે.

(આંસુ સારતી રતન દેવું પાસે બેસે છે.અને સાડીનાં છેડા વડે દેવિકાને પવન નાંખે છે.અને ભગવાનને ફરીયાદ કરતાં કહે છે)

"હે... રામ રખોપાં કરજે, મારા દેવનાં દીધેલ બાળ પર.
વિશ્વાસ મારો ડગવા નાં દેતાં, રાખું છું ભરોસો તમ પર".
આમ મનમાંને મનમાં અરજ કરતી એ દેવુંને અકિટ્સ જોઈ રહે છે.

(માધવભાઈ ગામમાં રહેતાં નરેશ ભાઈનાં ઘરે જઈને)

"નરેશભઈ ઓ નરેશભઈ! તારા ભાભી ઓ તારા ભાભી"! કહેતાં ઘર બહાર ઊભા રહી ટહુકો કરે છે."
" કુણ સે ... ? એ આવી હાલ જ". કહેતાં તારા બેન બહાર આવે છે 
"ભાભી નરેશ ભઈ ચ્યાં જ્યાં સે?"
"એ તો આ જરીક આડા પાહે  થયાં સે.તમે આવો હું ચા મેલું".
"નાં નાં ભાભી.. પસી કોક'દી પીહુ,તમે લગીર નરેશ ભઈને બોલાવજો." ચિંતાતુર અવાજે કહે છે.
"હા,  હા ,હાલ ઉઠાંળું". (અંદર જાય છે) અલ્યા ઉઠો ને...આ માધો ભઈ આયા સે,કાંક કામ સે".
"બોલો મધોભાઈ શું કામ હતું"?નરેશ ભાઈ બહાર આવીને પૂછે છે.
"આ મારી દેવુંને ભેંહે પાડી દીધી સે,તે મોટાં દવાખાને લઈ જવી પડશે. તમે આ તમારી જીપમાં લઈ લ્યો તો હારુ,જીવનભર ઉપકાર માનીશ".
"અલ્યા ભલામાણસ ઈમાં તે ઉપકાર હેનો? તારી  દેવું તો આખા ગામની દીકરી સે,તું ઊભો રે.. મું હાલ જ જીપ લઈ સુ". કહીને જીપ માં બેસે છે.

(જીપ વરંડા માંથી કાઢતાં) "લે હેડ બેહી જા ઝટ".

(માધવ જીપમાં બેસી ઘરે આવે છે.)

(ઝડપથી દેવિકા પાસે જઈને ) રતન તું જીપ માં ગોદડું પાથરી દે..અને ઓશીકું એ મેલી દે ,શિવરામ તું ઝટ દેવુંને સુવડવવાં મન મદદ કર ને ભઈ".

રતન જીપમાં ગોદડું પાથરી દે છે. દેવિકાને સુવડાવી બંને બાજુ ઓશિકા મૂકી દે છે. માધવભાઈ ઘરમાં જઈ પૈસાની સગવડ કરી જીપમાં બેસે છે.શિવરામ અને સાથે ગામનાં માસ્તર નાનજી ભાઈ પણ એમની સાથે જવાં તૈયાર થાય છે.

" જો રતન તું  ચિંતા નાં કરતી. દેવું ને કંઈ નહીં થાય. એ તો જરૂર પડે ભગવાનને ય હામે થઈ જશે,તું છોકરાઓનું ધ્યાન રાખજે".રતનને હૈયાં ધારણ આપી માધવભાઈ જીપમાં બેસે છે.

(પાર્વતી બાને) "બાં તમે રતનનું ને છોકરાઓની હારે રેજો ને ધ્યાન રાખજો.હું દેવુંને લઈને ઝટ આવું સુ પાસો".

" બેટા તું ઘરની લગીરે ચિંતા નાં કરતો,મારી દેવુંને ઝટ લઈને પાસો આય ભઈ..મરો તો જીવ ઝાલ્યો નહીં રેતો ભઈ..આ હાલ તો રૂપારી રમતીતી ને ચાંથી મુંઈ ભેંહ આઈ ને મારી દેવુંને હડફેટે લેતી જઈ". કહી પાલી બા વલોપાત કરે છે.

"હા બા તું ચિંત્યા નાં કર,હું આવું સુ". માધવભાઈએ હિંમત બંધાવતા કહ્યું.

" પાલી બાં તમે ચિંતા નાં કરશો અમે છીએ ને સાથે કંઈ નહીં થાય દેવિકાને.જલ્દી સાજી થઈ જશે."માધવભાઈના મિત્ર અને શિક્ષક એવાં નાનજી માસ્તરે કહ્યું.

રતન ચોધાર આંસુ સારતી ઊભી છે. ગામ આખું સજ્જડ આંખે જોઈ રહ્યું છે.સ્નેહા હાર્દિકને હર્ષ પણ રડી રડીને અર્ધા થઈ ગયા છે.અને જીપગાડી દેવિકાને લઈને ગામમાંથી નીકડે છે.

સાંજનાં સાત વાગી ગયાં છે.આરતીનો ઘંટારવ શરૂ થયો.અને ત્યાં ઉભેલા લોકોએ દેવિકા માટે પ્રાથના કરવાં બે હાથ જોડયા.

😔🚙🚙🏥

પાંચ કલાકનો રસ્તો કાપ્યા બાદ આખરે માધવભાઈ દેવિકાને લઈને રાતનાં સાડા બાર આસપાસ અમદાવાદમાં આવેલ સિવિલ દવાખાને પહોંચે છે.કેસ લખાવી ઇમરજન્સી સારવાર હેઠળ દેવિકાને તપાસવામાં આવે છે.અને તાત્કાલિક ધોરણે ICUમાં ઓપરેશન માટે લઈ જવાંમાં આવે છે.

"જુઓ ભાઈ આપની દીકરીનું લોહી ઘણું વહી ગયું છે.અને માથાની જમણીબાજુમાં આવેલ નસ થોડી રહી ગઈ છે,ઊંડી અને ગહેરી ચોટ આવી છે. પગ પણ ફેક્ચર થયો છે,ઓપરેશન તો કરવું જ પડશે.તમે આ ફોર્મ ભરી સહી કરી દો,એટલે જેથી જેમ બને એમ જલ્દી સારવાર શરૂ થઈ શકે."ડૉક્ટરે દેવિકાની સ્થિતિ સમજાવતાં કહ્યું.

નાનજી ભાઈ અને શિવરામ ભાઈ : (હિમ્મત આપતાં)
"હા માધવ ભાઈ આમે આપણે આવતાં મોડું થઈ ગયું સે.હવે મોડું કરસુ તો છોડી ખોઈ બેસીશું.તમે માતાજીનું નામ લઈ સઈ કરો,બધું સારું થઈ જશે".

માધવ ભાઈ ભારે હૈયે સહી કરી ફોર્મ આપે છે.

" અમે અમારાથી બનતી કોશિષ કરીશું.તમે ભરોસો રાખો ને ભગવાન ને પ્રાર્થના કરો".કહી 
ડોક્ટર આઇસીયુમાં જાય છે.

લગભગ અર્ધો કલાક થયો.માધવ આમથી તેમ આંટા મારે છે. એનો જીવ તો અધ્ધર તાળવે ચોંટી ગયો છે. નાનજી માસ્તરકને શિવરામ એમને હૈયાધારણ આપવાની  કોશિષ કરી રહ્યા છે. ત્યાં જ......

(બહાર આવી ને) "અંદર રહેલાં દર્દીનાં સગાં કોણ છે"? નર્સ પૂછે છે.

માધવ ભાઈ : (તરત જ)" હ... હા..હા..બેન મુ જ સુ.અંદર મારી જ દીકરી સે. હું થયું? એ ઠીક તો હે ને?"
"જુઓ હાલ કશું  કહેવાય નહીં.હાલ તમે ગમે તેમ કરીને એનાં માટે લોહીની વ્યવસ્થા કરો.અમારી પાસે AB+ લોહીની હાલ પુરતી એક જ બોટલ હતી એ ચડાવી દીધી છે.બીજું લોહી હાલ દવાખાનામાં છે નહીં. ત્યાં સુધી તમે બીજી બે બોટલની વ્યવસ્થા કરી રાખો. જલ્દી કરો..". કહી નર્સ આઈસીયુમાં ચાલી જાય છે.

નર્સ અંદર જાય છે.આ બાજુ માધવભાઈ અને નાનજીભાઈ શિવરામને ત્યાં જ ઉભો રાખી લોહીની વ્યવસ્થા કરવા જાય છે.

દવાખાના નાં કેસ બારી પાસે આવી માધવભાઈ આજુ બાજુમાં આવેલ પ્રાઇવેટ દવાખાના અને બ્લડ બેંકની તપાસ કરી તાબડતોબ નરેશભાઈ ની જીપ લઈને લોહીની બોટલ લેવાં નીકળી પડે છે.૧૫ થી ૨૦ મિનિટ ફર્યા પછી આખરે એક જગ્યા એ થી લોહીની બોટલની સગવડ થાય છે. એ પણ ત્રણ ગણા ભાવમાં.પણ માધવ ભાઈ માટે હાલ તો દેવિકાની જિંદગીથી વધું કંઈ હતું જ નહીં.એટલે મોટી કિંમત ચૂકવી એ લોહીની બે બોટલ લઈ દવાખાને આવી પહોંચે છે.

Icu પાસે આવી અંદર લોહી ની બોટલ આપી દે છે. વળી પાછી ઑપરેશન થિયેટર ની બહાર ઊભા ઊભા માધવભાઈ બંધ - ચાલું , બંધ- ચાલું
થતી લાલ લાઈટ જોઈ રહે છે. આમ ને આમ બીજો દોઢ કલાકનો સમય વિતી જાય છે. અંદર શું  થતું હશે? વિચારોમાં ને વિચારોમાં માધવભાઈને બધાં જીવ હાથમાં લઈને બેઠાં છે.


આ બાજુ માધવભાઈનું ઘર.........

સવિતા : "ભાભી ચા હુંદી આમ ને આમ બેહી રેસો? આ છોકરા હામુ તો જોવો..બપડા રોઈ રોઈને અડધા થઈ જ્યાં સે. કાક એમનાં હામું
મન વાળો.કોળિયો ખવરાવો ઇમને. મું તો કઈ કઈ ને થાકી. ખાતાં ય નહીં ને રોયા કરે સે...બસ તમે
સમજાવો હવે".

" હા વહું...રતન..તું આમ હાવ હેમત હારી જઈશ તો ચેમનું ચાલશે. લગીર કાઠી થા.. હેડ જો". પાર્વતી બા રતનને સમજાવતાં કહે છે.
કોણ જાણે પ્રભુ તે શું ધાર્યું?
મારું પ્રાણથી પ્યારું પારેવડું આજે ઝૂરતું જીવન ન્યારું
___________ભાગ --૫ ________પૂર્ણ_________
શબ્દ સમજ=
સુ-છુ,  હુદી- સુધી,                                  ચ્યા- ક્યાં,   મું -હું,   અબિહાલ- અત્યારે જ,. ભઈ- ભાઈ,જરીક -થોડીક, પાહે- પાસે,કુણ -કોણ , ભેંહ- ભેંસ,કાંક -કંઈક,મેલું -મૂકું, હારુ -સારું, હામે -સામે, પાસો -પાછો, ચ્યાંથી -ક્યાંથી, હેમત -હિંમત, આભળી વ-ગાડી, હેનો- શેનો, હું થયું- શું થયું, હામું -સામું, હેંડ -ચાલ, હાવ- સાવ, કાઠી- મજબૂત.
***************************
> શું દેવિકા બચી જશે?
> ક્યાંક દેવિકાને દવાખાને પહોંચાડવામાં માધવભાઈ મોડાં તો નથી પડ્યાં ને?
> રતન કેવી રીતે પોતાની જાતને અને બાળકોને    સંભાળશે?
✨✨✨✨✨✨✨✨✨✨✨✨
જાણવા માટે વાંચતાં રહો ..... ભાગ --૬ ... ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં

સહું સ્વસ્થ રહો..સલામત રહો...🙏🙏🙏🙏
       
                                     લેખિકા
                       યોગી ઉમા 'શબ્દ સ્યાહી' ✍️