મીરા ઓફિસ પાછી ફરી રહી હતી તે સમયે તેને ખ્યાલ આવ્યો કે રોહનની સાથે વાત થયાને લગભગ ૨૦ દિવસ થવા આવ્યા હતા, ના તો એણે ફોન કર્યો હતો અને ના તો મીરાએ. શું થયું હતું બંને વચ્ચે એ તો ખબર હતી પણ તેની આટલી ઊંડી અસર થશે એ વાતથી મીરા પણ અજાણ હતી.
મીરાએ પ્રેસમાંથી ફોન કાઢ્યો અને રોહનને લગાવ્યો. સામેથી ફોન ઉપડ્યો નહીં. મીરા એ બીજીવાર પ્રયત્ન કર્યો. આ વખતે સામેથી અવાજ આવ્યો, હેલો ! બોલ કેમ ફોન કર્યો ? મને એમ કે તને તો….
ના ના રોહન તું આમ ના વિચાર. મારા મનમાં એવું કંઈ જ નથી, આ તો હું જરા ઓફિસના કામમાં બીઝી થઈ ગઈ હતી. બાકી તો….
મીરા….. માય ડાર્લિગ હવે આ બધાનો શું અર્થ છે. હકીકત તું પણ જાણે અને હું પણ. આ નામનો સંબંધ ક્યાં સુધી ખેંચવાનો…. નીભાવવનો… મને છોડીને ગઈ ત્યારે તો આ બધું વિચાર્યુ નહોતું તો પછી આજે આ નાલાયકની યાદ…. કેમ મજાક કરે છે. તું ખુશ રહે ને અને મને મારી હાલત પર છોડી દે.
લગભગ છ મહિના પહેલાં નિર્મળ મીરાના જીવનમાં આવ્યો, આવ્યો તો નહી કહેવાય… કદાચ હતો જ જે ફરી એકવાર હાજરાહજૂર સામે આવીને ઉભો રહ્યો. નિર્મળ નહોતો ત્યાં સુધી મીરા અને રોહન લવ બર્ડની જેમ રહેતા. એકબીજા વગર સમ ખાવા પુરતાય કંઈ કરે તો નવાઈ લાગે. બંને ઘરનાં બધાં જ તેમની મિસાલ આપતા થાકતા નહીં. વાઉ શું કપલ છે….. સો ક્યુટ એન્ડ એડોરેબલ. છ મહિના પહેલાં જ્યારે નિર્મળ બંને ને એકદમથી એક પાર્ટી દરમિયાન મળી ગયો. પહેલી મૂલાકાતમાં તો મીરા જરા અચકાઈ હતી ખૂલીને વાત કરતા પરંતુ ધીમે ધીમે ત્રણેય વધુને વધુ મળતા થયા અને પછી ત્રણમાંથી બે થયા. રોહનની જાણ બહાર મીરા નિર્મળ ને મળવા જતી, પાર્ટી કરતી અને ક્યારેક મોડી રાત સુધી લોંગ ડ્રાઈવ પર પણ જતી.
ધીમે ધીમે મુલાકાત વધતા રોહન અને નિર્મળ ની પત્ની પ્રિયા ને પણ શંકા થવા લાગી અને જે બહાર આવવાનું હતું તે અંતે બહાર આવીને રહ્યું. રોહને નક્કી કર્યું કે બંને ને સાથી બેસાડી પૂછશે અને તેણે તેમ કર્યું પણ ખરું. નિર્મળ નો જવાબ સાંભળી રોહનની તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ.
જો રોહન અમે એકબીજાને….
શું એકબીજાને ? તમે તો ભાઈ બહેન છો ને ? આઈ મીન દૂર ના કે ભાઈ બહેન માનો છો ને એકબીજાને ? તો પછી આ બંધુ કેમ અજૂકતુ લાગી રહ્યું છે ? તમારા બંનેનું વર્તન તો….
રોહન હું તને સમજાવું… હું તને એજ કહેવા માંગતી હતી કે અમે ભાઈ બહેન તરીકે જ મળીએ છીએ. અમારા મનનમાં બીજુ શું હોય. નિર્મળ હમણાંથી ભાભીના કારણે ખૂબ જ હેરાન છે અને દિવસમાં શાંતિથી વાત કરવા નથી મળતી એટલે રાત્રે…
પણ મને કહ્યા વગર કેમ ?
અરે મારા વહાલા પતિ દેવ તને ટેન્શન ના થાયને એટલે. ( રોહનને વિશ્વાસમાં લેવો સરળ હતો તેમ મીરા ને લાગતુ અને તે હંમેશા કરતી પણ ખરી. પરંતુ આ વખતે થોડું અઘરું હતું)
આ બાજુ નિર્મળ ઘરે પહોંચ્યો ત્યાં પ્રિયા બેગ લઈ ને તૈયાર હતી… ઓછું ભણેલી એવી પ્રિયા બધુ જ જતું કરી શકે તેમ હતી પણ બેવફાઈ નહી. મહા મુશ્કેલીથી નિર્મળે તેને સમજાવી અને સાથે રહેવા માટે મનાવી.
બંને ને એક વાત તો ખ્યાલ આવી ગયો હતો કે હવે બાજી પહેલા જેવી સરળ નથી. પરંતુ દિલથી મજબૂર હતા. વર્ષો પહેલા જે કરવા ના મળ્યું એ ઉછાળા મારતું હવે બહાર આવતું હતું. જુવાનીમાં એક જ કોલેજમાં સાથે ભણ્યા અને મુંબઈના કલ્ચરમાં ઉછેર એટલે આસાનીથી કોઈનું સાંભળવાનું શીખ્યા ન હતા. આમ દૂરના સગામાં હોવાથી મીરાની મમ્મીએ બંને ને લગ્ન માટે સહમતી આપી નહીં જે કદાચ આજે આ સ્વરૂપે બહાર આવતી હશે.
શું કરવું સમજાતું ન હતું તેના કારણે બંને એ થોડા સમય માટે અલગ રહી જોવાનો નિર્ણય કર્યો. પરંતુ વિચાર્યુ હતું તેમ જ થયું. હવે ની સ્થિતિમાં અલગ રહેવું મુશ્કેલ હતું.
મીરા મને લાગે છે આપણે જો સાથે કોઈની નજરમાં ના આવીએ તેમ રહેવું હશે તો આ શહેરથી દુર જવું જ પડશે.
તારી વાત સાચી પણ શું કહું રોહનને ? એ માનશે જ નહીં અને હવે જ્યારે તેને શંકા ઊભી થઈ છે ત્યારે તો અશક્ય જ છે.
માનું છું મીરા પણ પ્રયત્ન તો કરી જ શકાય ને ? કદાચને બાજી સીધી ઉતરી જાય.
હા સારું. આ વાત થયાને લગભગ ૧૦ દિવસ પછી બ્રેકફાસ્ટ કરતાં કરતાં મીરા એ વાત કાઢી. રોહન મને દિલ્હીની બ્રાન્ચમાં શીફ્ટ કરે છે થોડો સમય ત્યાં જવું પડે તેમ છે. ગ્રોથ પણ સારો છે અને મારે જવું પણ છે.
તું મને પૂછવાનો ડોળ જ કરી રહી છે ને ? મન બનાવી જ લીધું છે તો પછી….
ના ડાર્લિગ એવું નથી…
રોહનને હવે ખબર નહીં કેમ મીરાના શબ્દો ગમવાને બદલે ચાબુકની જેમ વાગતા હતા.
સારું તારી મરજી. હું કહેનાર કોણ ? ફોન કરતી રહેજે અને સમય મળે તો આવતી રહેજે.
( અંદર ખાને ક્યાંક ને ક્યાંક આમ કેમ થઈ રહ્યું છે તેનો અંદાજો તેને આવી તો ગયો હતો.)
મીરાને તો પાંખ મળી હોય તેમ ઊડી. લગભગ ત્રણ મહિના પછી રોહનને પણ કામ અર્થે દિલ્હી જવાનું થયું, તેણે મીરાને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.
પહોંચીને તરત જ મીરાને મળવા દોડ્યો પણ આ શું મીરા તો નિર્મળ ની સાથી હતી. બંને એકબીજાના આલિંગનમાં હળવાશની પળો માણવામાં વ્યસ્ત હતા.
૪૪૦ નો કરન્ટ લાગ્યો હોય તેમ વળતી ફ્લાઈટ પકડી તે પાછો ઘર ભેગો થયો. બસ ત્યારથી મીરા ફોન કરે તો હમમમ, હા અને ના માંજ જવાબ આપવાનું પસંદ કરતો. મીરાને પણ સમય મળે અને યાદ આવે તો વાત કરતી.
આ બાજુ નિર્મળ માટે હવે મીરા સાથે રહેવું તકલીફ વાળુ થતુ ગયુ કારણકે તેના સાસરાવાળાઓએ તેને પાછો બોલાવા કોર્ટના દરવાજા ખખડાવ્યા અને પિતાએ મિલકતમાંથી બાકાત કર્યો. અંતે પ્રિયાને હાથ પગ જોડી, માફી માંગી તેણે પાછા જવાનો નિર્ણય કર્યો.
મીરા આ વાતથી દુખી હતી પરંતુ બધુ જ હાથમાંથી સરકી જાય તે પહેલાં રોહનને મનાવી લેવો જ સારો છે તેમ માની આજે ૨૦ દિવસે ફોન કર્યો હતો.
રોહન મને માફ નહીં કરે ? તને આપણાં પ્રેમના…..
શું કહ્યું મીરા ? પ્રેમ ( આટલું કહી અટ્ટહાસ્ય કરતો બોલ્યો)
હવે કોઈ પ્રેમ નથી. તારો જીવનમાં એકલા થઈ જવાનો ડર બોલે છે. મારું વિશ્વાસનું અક્ષયપાત્ર ખાલી થયું છે માટે હવે કશું જ શક્ય નથી. તું તારા જીવનમાં સુખી રહે તેવી પ્રભુને પ્રાર્થના.