ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 10
શિર્ષક:- તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ.
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મારા અનુભવો…
પ્રકરણઃ…10. "તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ."
બીજા દિવસે સવારે દંડી સ્વામી પોતાના માટે નિશ્ચિત થયેલા અન્નક્ષેત્રમાં જમવા ગયા. આ અન્નક્ષેત્રમાં કોઈ શેઠ તરફથી વીસ-પચીસ દંડીસ્વામીઓને એક ટાઇમ જમાડવામાં આવતા. કોઈના મરણથી કે કોઈના પ્રવાસથી એકાદ જગ્યા ખાલી પડે તો તેમાં ગોઠવાઈ જવા કેટલાય દંડીસ્વામીઓ તૈયાર રહેતા. તે તો જમવા ગયા. પણ જતાં જતાં મને ત્રણ- ચાર ઘર બતાવતા ગયા. ઇધર સે ભિક્ષા લે આના.... ઔર દેખો... ઇન ઘરોં સે ભિક્ષા નહીં લેના....' કેટલાંય ભિક્ષા લેવા યોગ્ય ઘરો બતાવ્યાં અને કેટલાંય ના લેવા યોગ્ય બતાવ્યાં. હતાં તો બધાં જ ઘરો બ્રાહ્મણોનાં. પણ ફરી પાછી પંચવિડ અને પંચગૌડની ભેદરેખા તો ખરી જ ને ?
હું બતાવેલાં ઘરોએ ભિક્ષા લેવા ગયો. મને લોકોનો ભાવ ના દેખાયો. ત્રણ રોટલી અને થોડી દાળ લઈને પાછો ફર્યો. દંડી સ્વામી જમીને આવ્યા પછી મેં મારી ભિક્ષા બતાવી. એક-બે ઘરેથી ન મળી અને એક-બે ઘરેથી મળી. ભિક્ષા સાવ ઓછી હતી. ચોવીસ કલાકમાં એક જ વાર જમનારને દસ-બાર રોટલીઓ તો જોઈએ જ ને ? આ તો ત્રણ જ હતી. દંડીસ્વામીએ કહ્યું, અચ્છા ખા લો.’ મેં જમી લીધું.
મારે મઠમાં કચરા વાળવાનાં તથા આરતી-પૂજા વગેરે કામ કરવાનાં હતાં તે કર્યાં. સાંજે એક કિલો દૂધ સ્વામીજી માટે આવ્યું. તે મેં ગરમ કરી દીધું અને તેઓ પી ગયા. સૂતાં પહેલાં મેં તેમના પગ દબાવ્યા. તેઓ મને કાશીની વિશેષતા તથા જરૂરી ઉપદેશ આપતા રહ્યા. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. મેં કહ્યું કે “મારે સંસ્કૃત ભણવું છે. તેની ગોઠવણ કરી આપો.’ તેઓ કહે કે દેખેંગે. ક્યા જલદી હૈ ? ઔર પઢને સે ભગવાન થોડે હી મિલ જાતા હૈ ?” મારા પેટમાં આગ લાગી હતી. સ્વામીજી નિશ્ચિંત હતા. ઠંડી પુષ્કળ વધી ગઈ હતી. અને મારી પાસે ઓઢવાનું ઓછું હતું. એટલે એમણે ફાટેલી ધાબળી આપી. હું સૂઈ ગયો. મને થયું કે આટલી બધી સંપત્તિ હોવા છતાં આ માણસ આટલો બધો લોભી કેમ હશે ? વળી થયું, કદાચ મારી કસોટી થતી હશે.
બીજા દિવસે પણ એ જ રીતે તેઓ અન્નક્ષેત્રમાં જમવા ગયા. અને હું પેલાં નિશ્ચિત ઘરોમાંથી ભિક્ષા લાવવા ગયો. ફરી પાછી ત્રણ રોટલી અને થોડી દાળ. સાંજે હું તેમને દૂધ ગરમ કરી આપું અને તેઓ મને ઉપદેશ આપે. પગ દબાવું અને ખૂબ ઠંડી લાગે તોય ટૂંટિયાં વાળીને સૂઈ જાઉં. તેમના ઉપદેશનો મુખ્ય સૂર એ હતો કે તું બહુ નસીબદાર છે. જો તને મારી તમામ મિલકત મળશે. આટલી મિલકત ક્યાં રસ્તામાં પડી છે ?” વગેરે. મને મિલકતમાં જરાય રુચિ ન હતી. હું તો લક્ષ્મીનો સ્પર્શ પણ કરતો નહિ. તેઓ મને ક્યાંય બહાર એકલો જવા દેતા નહિ, મારે સંસ્કૃત ભણવું હતું અને હું કોઈ પાઠશાળા શોધવા માગતો હતો. પણ તેઓ આડકતરી રીતે મારા ઉત્સાહને ઠંડો પાડી દેતા.
સાતેક દિવસ વીત્યા પછી મને લાગ્યું કે હવે અહીં રહેવું વ્યર્થ છે, વૈચારિક તથા આચારિક બન્ને રીતે મારો મેળ આ વ્યક્તિ સાથે ખાય તેમ નથી. એક દિવસ મેં તેઓને કહ્યું, “સ્વામીજી, હું હવે જાઉં છું. તમે જે હેતુ માટે મને શિષ્ય બનાવવા માગો છો તે હેતુ મારાથી સિદ્ધ નહિ થાય. અને હું જે હેતુ માટે ગુરુની શોધ કરું છું તે તમારાથી સિદ્ધ નહિ થાય.' મારી વાતથી તેઓ ચમક્યા. મારી સેવાથી તેઓ રાજી હતા અને તેમને હતું કે હું કાયમ અહીં જ રહી જઈશ પણ જવાની વાત સાંભળતાં જ તેમને ફાળ પડી.
‘ક્યોં ક્યોં’… ક્યા હુઆ ? ક્યા હુઆ. તેઓ બોલ્યા. મેં કહ્યું, “તમે મિલકત સાચવવા કોઈ શિષ્યને શોધો છો. જો આ મિલકત મારા હાથમાં આવશે તો હું માત્ર ત્રણ જ દિવસમાં ગરીબોને વહેંચી દઈશ. બોલો, આપને આ ગમશે ?” તેઓએ કહ્યું, “ઐસા કહીં હોતા હૈવ? ફના કરને કે લિયે થોડી હીં ઇકઠી કી હૈ ? મેં તેમને કહ્યું કે, મને મિલકતમાં જરાય રસ નથી. તમારે તો તમારા જેવો શિષ્ય જોઈએ. હું તો જાઉં છું.'
હું સમજેલો કે પેલી ફાટેલી ધાબળી મને કાયમ માટે આપી દીધી છે. તે એટલી બધી જીર્ણ હતી કે પાછી લેવા જેવી હતી જ નહિ, પણ તેઓ બોલ્યા, “અચ્છા મેરી કંબલ દેતે જાવ.” મેં તરત જ ધાબળીને કાઢી આપી.મને જતો જોઈને તેઓ દુઃખી થયા. બોલ્યાઃ તુમ કિસી શૂદ્ર કે શિષ્ય બન જાઓગે.' તેમના કહેવાનો અર્થ હું ત્યારે તો સમજી શક્યો નહિ પણ પાછળથીખબર પડી કે દંડીસ્વામીઓની જ માફક બીજો સંન્યાસી વર્ગ હતો જેને પરમહંસ કહેવામાં આવતો, આ પરમહંસોને દંડી સ્વામીઓ શૂદ્ર સમજતા. કારણ કે તેમાં બ્રાહ્મણોની સાથે ક્ષત્રિય તથા વૈશ્યોને પણ દીક્ષા અપાતી. ત્યારે આ બધા ભેદોને હું જાણતો નહિ. પછી મને ખબર પડી કે મને એકલાને ક્યાંય ન જવા દેવા પાછળ આ જ કારણ હતુંઃ હું ક્યાંય કોઈ પરમહંસના ઝપાટામાં ન આવી જાઉં!
દશનામ સંન્યાસીઓમાં સાડાત્રણ નામ દંડીઓનાં તથા સાડા છ નામ પરમહંસોનાં મનાય છે. તે આ પ્રમાણે સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધું ભારતી - આ સાડાત્રણ નામ દંડી સ્વામીઓનાં.
ગિરિ, પુરી, વન, અરણ્યા, સાગર, પર્વત અને અડધું નામ ભારતી - આ સાડા છ નામો પરમહંસ સંન્યાસીઓનાં.
આવા બે ભેદો થવા પાછળ એક કાલ્પનિક કથા દંડીસ્વામીઓ કહે છે :પોતાના શિષ્યો સાથે શંકરાચાર્ય કોઈ નગરમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક કલાલની દુકાન આવી તેમણે મદ્યપાન કર્યું. શિષ્યોએ પણ અનુકરણ કર્યું. આગળ જતાં એક લોઢાની ભઠ્ઠી આવી. ધગધગતો લાલઘૂમ લોઢાનો રસ લઈને તે પી ગયા. સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધા ભારતીઓ પણ લોહરસ પી ગયા. બાકીના હતા તે ભાગ્યા, “આ ધગધગતું લોઢું તે વળી પિવાતું હશે !' તેમને ભાગતા જોઈને શંકરાચાર્યે શાપ આપ્યો, ‘હત્ શૂદ્રો, જાઓ પતિત થઈ જશો. દારૂ પીવો તો સારો લાગ્યો. અને જ્યારે લોહરસ પીવાનો આવ્યો ત્યારે કેમ ભાગ્યા ?” બસ, ત્યારથી પેલા છ નામવાળા ભ્રષ્ટ થયા, પાછળથી તેઓ પરમહંસ નામથી ઓળખાવા લાગ્યા.
કહેવાની જરૂર નથી કે માત્ર પરમહંસોને હલકા ચીતરવા માટે દ્વેષબુદ્ધિથી આ ઘડી કાઢેલી કથા છે.
આભાર.
સ્નેહલ જાની