Hostel - 3 in Gujarati Biography by SIDDHARTH ROKAD books and stories PDF | હોસ્ટેલ - ભાગ 3 (દળો)

Featured Books
Categories
Share

હોસ્ટેલ - ભાગ 3 (દળો)

દડો 

      આ એવો દડો હતો. જેનાથી ઘણા હોસ્ટેલના નુકસાન થતા. દડાથી બારીના કાચ, લાઈટ તથા લેમ્પ ફૂટતા, અમકુ વખત કોકના માથા ફૂટતા. આ દડાએ ઘણાને બોવ માર ખવડાવ્યા છે. છતાં તેનાથી રમવાની મજા અલગ જ હતી. આ દડો સ્પેશિયલ રીતે તૈયાર કરવામાં આવતો. આમતો બે પ્રકારના દડાઓનો ઉપયોગ કરતા. એક કાગળની ટેપનો દડો અને બીજો મોજાનો દડો.

કાગળની ટેપનો દડો બનાવા માટે ક્યાં ફર્નિચરનું કામ શરૂ છે? તે શોધવામાં રહેતું. કાગળની ટેપનો ઉપયોગ ફર્નિચરવાળાભાઈ કરતાં. હોસ્ટેલમાં કબાટ અને દરવાજા બનાવવાનું કામ ત્યાં રૂમમા કરવામાં આવતું.  

બે-ત્રણ મિત્રો ભેગા થઈને નવી કાગળની ટેપ ઉપાડવા માટે સર્વે કરતા. પહેલા જોવામાં આવતું કે ફર્નિચરવાળાભાઈ ક્યારે બહાર જાય છે?
ત્યાં નવી કાગળની ટેપ કેટલી છે?
તેમાથી આપણે કેટલી લેશું?
કોઈ આવી જશે તો શું બહાનું દેશું?

જો કોઈ પકડાઈ જાય, તો એકલા માર ખાઈ લેવો કોઈનું નામ ન આપવું. તેવું નક્કી થતું. ત્યારબાદ કાગળની ટેપને બુચ મારવામાં આવતી. જે સમયે ફર્નિચરવાળાભાઈ પોતાનું કામ કરીને ઘરે જાય ત્યાર પછી બાજુની હોસ્ટેલમાં જતા. તે હોસ્ટેલ નવી બનતી તેથી ત્યાં કોઈ રહેતું નહીં. કોણ કાગળની ટેપ લેવા જશે તે નક્કી થતું. ત્યારબાદ એકને નીચે ગેટ પાસે ઉભો રાખવામાં આવતો. જો કોઈ આવતું દેખાય તો એણે તરત જાણ કરવાની રહેતી. બીજા વ્યક્તિને જે માળ પર જવાનું હોય તેની સીડી પાસે ઉભો રાખવામાં આવતો. ત્રીજો મેઈન વ્યક્તિ કામને અંજામ દેતો. તે વ્યક્તિ એવો રાખવામાં આવતો. સમય પ્રમાણે વિવિધ પ્રકારનું બહાનું આપી શકે. જરૂર પડેતો માર ખાવાની તૈયારી રાખે. તેને ગમે તેટલું મારે તો પણ બીજાનું નામ ન આપે. આ વ્યક્તિનો રોલ મુખ્ય રહેતો. હું ક્યારેક આવો આઈડિયા આપતો પણ હું તેમાં ભાગ ન લેતો કારણકે મને બહાનું બનાવતા નથી આવળતું. કાગળની ટેપ કેટલી લેવી તે લેવા વાળાના હાથમાં હોય. જેટલી ટેપ હાથે લાગે તેમાંથી એક ટેપનો ઉપયોગ કરવામાં આવતો.       

 એક કાગળનો ડુચો વાળીને અથવા નાનો ગોળ પથ્થર શોધીને તેના પર કાગળની ટેપ ગોળ વીટીને દડો તૈયાર થતો. ખાસ આ દડો બનાવા માટે તેમાં જે હુશિયાર હોય તે વ્યક્તિને કામ આપવામાં આવતું. જો દડો બનાવતા ન આવડેતો વિખાય જતો અથવા કોઈને લાગે એવો કડક ન બનતો. તેના લીધે ઘણી વખત મહામહેનતે મળેલ ટેપ ફોગટ જતી. 

    બીજી રીત મોજાનો દડો બનાવવાની હતી. આ મોજાનો દડો બનાવવા માટે જો કોઈનું મોજું આગળથી અંગૂઠો બહાર આવતો હોય તેવું તુટેલુ હોય તે શોધવામાં આવતું. જો તેવું મોજુ ન મળે તો કોઈનું તોડવામાં આવતું. જેથી તે તૂટી ગયા પછી આપે. ત્યાર પછીની છેલ્લી રીત મોજુ ગોતવાની એવી હતી. જે માણસ બધાને વારંવાર હેરાન કરતો હોય તેનું મોજુ તેના બુટમાંથી તેને ખબર વગર ઉઠાવામાં આવતું.   

 
   મોજુ મળે પછી દડો બનાવો સરળ છે. દડો બનાવવા વધું તો કાગળના માવાનો ઉપયોગ કરતા. ક્યારેક કોઈના પર ખાર કાઢવાનો હોય ત્યારે પથ્થરનો ઉપયોગ કરી લેતા. ભરાઈ ગયેલ વધારાની નોટબુકના કાગળ ફાડીને પાણીમાં પલાળી તે કાગળ વાળું પાણી સીધું મોજામાં રેડવાનું. ત્યારબાદ મોજાને પછાડી વધારાનું પાણી બહાર કાઢવાનુ. જ્યાં સુધી દડો વ્યવસ્થિત સાઈઝનો ન થાય ત્યાં સુધી કાગળ વાળું પાણી મોજામા ઠાલવાનું. મોજામાં કાગળનો માવો છેડા પર ભેગો કરીને આંટી મારવાની. ત્યારબાદ ફરીથી મોજાને ઊંધું કરીને મોઢું દોરા વડે બાંધી દેવાનું. ફરીથી મોજાને ઉંધુ કરીને જ્યાં સુધી પહોંચે ત્યાં મોજાને ટાઈટ કરીને સોય દોરા વળે સીવી લેવાનો. આ દડા વડે રૂમ અને મેદાન પર વિવિધ પ્રકારની રમતો રમાતી.   

     આ દડેથી સ્કૂલના રિસેસના સમયમાં કિંગ રમતા. દડાને ક્લાસમાં પાછલી બેન્ચના નીચેના ખાનામાં રાખતા. ક્લાસના બધા લોકો રિસેસ પડવાની રાહ જોતા હોય. અમારા ક્લાસમાં સામે સામે દરવાજા હતા. એક દરવાજો સ્કૂલની અંદરની તરફથી આવવા-જવા માટે અને બીજો દરવાજો પાછળની બાલ્કનીમાં જવા માટે. જે પાછળની બાલ્કનીના દરવાજા પર ચોક બોર્ડ મારવામાં આવતું. જેથી અડધો દરવાજો પેક થઈ જતો અને નીચેથી ખુલ્લી જગ્યા રહેતી. જેવી રિસેસ પડે એવા બધા રમતવીરો બોર્ડ નીચેથી ગડકીને પાછળના મેદાનમાં જતા રહે. જે વ્યક્તિ છેલ્લે આવે તેના પર દાવ રહેતો. અમારે ત્યાં પાકવાની સિસ્ટમ ન હતી. કારણકે જે અડધો કલાકની રિસેસ હોય તે સમયનો પૂરો ઉપયોગ રમવામાં કરવાનો હોય. 

 કિંગ ગેમમાં જેના પર દાવ હોય તેણે બીજા બધાને દળો હથેળીમાં, પગ પર કે છાતી પર મારવાનો હોય. તે સિવાયના લોકો પોતાનો બચાવ કરવાનો. દડો હથેળીમાં, પગ પર કે છાતી પર અડવો ન જોઈએ. તે દડાને બંને હાથની મુઠ્ઠીઓ વળે પકડી શકે. દડાને પગ ઉપર લાગતો બચાવવા માટે વાંકા વડીને બંને હાથે પગનું રક્ષણ કરવાનું. દડો માથા પર વાગે તો આઉટ ન કહેવાય. દાવ દેવાવાળો વ્યક્તિ જેને પહેલા આઉટ કરે તેને બીજી વખત જ્યારે નવી ગેમ શરૂ થાય ત્યારે તેનો દાવ આવે. ત્યારબાદ એક પછી એક આઉટ થતા જાય તે બધા વ્યક્તિ બીજાને આઉટ કરવામાં મદદ કરે. છેલ્લે એક વ્યક્તિ બાકી રહે તેણે બધાને સંભળાય તેમ કિંગ બોલવાનું. છેલ્લો વ્યક્તિ કિંગ ન બોલે અને તે આઉટ થઈ જાય તો તેના પર દાવા આવે. જો બે વ્યક્તિ આઉટ થવાના બાકી હોય તેમાંથી કોઈ પોતાને છેલ્લો વ્યક્તિ સમજીને કિંગ બોલી જાય તો, તેના પર બીજી ગેમનો દાવ રહે. 

આ ગેમ રમવામાં મને ખૂબ મજા પડતી. કારણ કે આ ગેમમાં કોઈ મને મોટા ભાગે આઉટ કરી શકતું નહી. મારા ઉપર દાવ બહુ ઓછા આવતા. કેમ કે પહેલા હું આઉટ થતો નહી. મારા પર દાવ તો ત્યારે જ આવતો કે હું છેલ્લો હોય અને કિંગ બોલતા ભૂલી ગયો હોવ અથવા કોઈ બીજું બાકી હોય અને હું કિંગ બોલી ગયો હોવ ત્યારે મારા ઉપર દાવ આવતો. જ્યારે મારા ઉપર દાવ આવે ત્યારે બધાને આઉટ કરવામાં બહુ વાર લાગતી. કારણ કે મારાથી દડાનો ઘા બધાની જેમ સ્પીડમાં થતો નહીં. મારો દાવ ઓછો આવતો અને હું મોટાભાગની ગેમોમાં કિંગ બનતો એટલા માટે બધા લોકો મારા ઉપર વધારે ખાર રાખતા. છેલ્લે જ્યારે કિંગ બોલવાનું હોય ત્યારે બધા લોકો સપીને કોઈ એકને સંતાડી દેતા અથવા સામે હોય તો તેને આઉટ ન કરતા અને મારા ઉપર કિંગ બોલવા માટે દબાવ કરતા. હું કોઈ બીજું બાકી નથી એવું સમજીને ભૂલથી કિંગ બોલી જાવ, ત્યારે કોઈ બીજું આઉટ થવાનું બાકી છે. તેવું કહીને મારા પર દાવ દેવળાવતા. હું કોઈને આઉટ ન કરી શકું તેની બધા મજા લેતા. 

એક દિવસ રિસેસનો બેલ વાગ્યો એટલે તરત રમતપ્રેમી દોડીને પાછળના ગ્રાઉન્ડ પર પહોંચી ગયા. ગેમની શરૂઆત કરી. બે ગેમ થઇ અને ત્રીજી ગેમમાં આઉટ થવામાં હું બાકી હતો. મને ખબર હતી કે હું છેલ્લો છું તો પણ હું કિંગ બોલતો ન હતો. એટલે બધા લોકો ખારમાં આવી જેમ ફાવે એમ દડાનો ઘા કરતા હતા. હું નીચે નમી ક્યારેક ઉપર બે પગ પહોળા કરી કુદકો મારી દડાથી બચાવ કરતો. હું થાક્યો એટલે કિંગ શબ્દ બોલું તે પહેલા કોઈએ અચાનક દડાને મારી તરફ ફેંક્યો. ત્યારે મેં બે પગ પહોળા કરીને પુરા બાળથી કુદકો માર્યો. તેમ છતાં દડો પગ સાથે અથડાયો. કુદકો મારીને જમીન ઉપર મારાં પગ પહોંચે તે પહેલા મારું મોઢું અને મારો ખભો પહોંચી ગયા. હું ઊંધે માથે જમીન ઉપર પડ્યો. થોડીવાર તો શું થયું તે સમજાયું  નહીં. મોઢાની અંદર ઝીણી ધૂળ ઘૂસી ગઈ. જમણી આંખ નીચેના ભાગમાં મેદાનની કાંકરી સાથેના પછડાટથી બળતરા થતી હતી. જમણા ખંભા પર પણ થોડો દુખાવો થતો હતો. તરત બાજુમાં આવી બે મિત્રોએ મને ઊભો કર્યો. તે સમયે રમવામા એટલા મશગુલ હતા કે, ક્યારે રિસેસ પૂરી થઈ તેની કોઈને ખબર ન રહી. જે લોકો ક્લાસમાં બેઠા હતા એમાંથી કોઈએ અમને બોલાવ્યા નહીં. સાહેબ ક્લાસ લેવા માટે આવી ગયા હતા. આવી જાણ થતા અમે એકબીજા સામે જોઈને ગભરાઈ ગયા. હવે ક્લાસમાં જવાય તેમ હતું નહીં.

બોર્ડ નીચેથી સાહેબના પગ દેખાતા હતા. હવે ફરીને મેઈન ગેટથી સ્કૂલમાં જઈએ તો એમાં ટાઈમ લાગે એવું હતું. ત્યાં બોર્ડ પાછળના દરવાજા પાસે અમે બધા ભેગા થઈ ઉભા રહ્યા. ત્યારે અમારા અવાજના કારણે સાહેબે વાંકા વળીને બોર્ડ નીચેથી પાછળ જોયું. સાહેબનું મોઢું જોતા તરત જ બધાને થયું હવે ગયા. એ હતા અમારા સંસ્કૃત વિષયના સૌથી કડક અને ભારાડી સાહેબ. એ સાહેબ બધાને નાની વાતોમાં હેરાન કરતા. હંમેશા છોકરાના વાંધા વચકા કાઢી કારણ વગર લખવાની સજા આપતા રહેતા. તેથી બધા છોકરાવે તેનું ઉપનામ બોવ ખરાબ પાડ્યું હતું.

સાહેબને ખબર હતી બધા છોકરાઓ રિસેસના ટાઈમમાં રમતા હોય એ ઘણી વખત આવી રમત રમતા જોઈ લીધેલા એટલે સજા કરવા રિસેસ પૂરી થતાની સાથે ક્લાસમાં આવી ગયા.
સાહેબે નીચે નમી ને કહ્યું “પ્રિન્સિપાલ સાહેબને મળીને આવો.” તેને મન એવું કે પ્રિન્સિપાલ સાહેબ સજા કરશે. 

અમારા બધાના મનમાં હાશકારો થયો. પ્રિન્સિપાલ સાહેબ દયાળુ અને ભલા માણસ હતા. તેણે અમારી ભણવાની સિસ્ટમમાં એક કલાક રોજ માટે ફરજીયાત રમતનો સમય નક્કી કરેલો. જે છોકરા રમવાના સમયમાં ક્લાસમાં બેઠા દેખાય તેને કંઈક લખવાં આપી દેતા. મોટા ભાગે તે સમયમાં પણ અમારા સંસ્કૃતના સર જેવા કોઈક સાહેબ આવીને ભણાવી લેતા. તે પ્રિન્સિપાલ સાહેબને ખબર હતી. તેથી અમને અને તે સાહેબને કશું કહી શકે એમ ન હતા. 

હું મારા સ્કૂલડ્રેસ પર લાગેલી ધૂળ ખંખેરતો બધા સાથે પ્રિન્સિપાલ ઓફિસમાં જઈ પાછળ ઉભો રહી ગયો. રીસેસ પુરી થઇ તેને પાંચ મિનિટ થઇ હતી. તેથી પ્રિન્સિપાલ સાહેબે કાઈ કહ્યા વગર ક્લાસમાં મોકલી દીધા. એટલા સમયમાં અમારા સંસ્કૃતના ખળુશ સાહેબ આવીને પાછળ ઉભા રહી ગયા. પ્રિન્સિપાલ સાહેબે અમને જવા દીધા એટલે આ સાહેબને સારું ન લાગ્યું. તેથી ક્લાસમાં ન બેસવા દીધા અને ઉલ્ટાનું હોમવર્ક આપી. ક્લાસ બહાર પગના અંગુઠા પકળાવી ઉભા રાખી દીધા. ત્યારે જોયું કે રમવામાં મારું પેન્ટ ચિરાઈ ગયું. હું ધીરેથી બોલ્યો “મારું પેન્ટ તો વચ્ચેથી ફાટી ગ્યું”. આ વાત સાંભળી બધા હસવા લાગ્યા. હસતા જોઈ સાહેબે ક્લાસ બહાર નીકળી બધાની પીઠ પર વારા ફરતી એક-એક લગાવી દીધી. એટલામાં પ્રિન્સિપાલ સાહેબ આવીને અમને બધાને ક્લાસમાં બેસાડી દેવા કહ્યું. ક્લાસમાં જતા સમયે બધાની આગળ હું ફાટેલ પેન્ટ દેખાય નહિ એ રીતે બંને પગ ભેગા કરી ઢસળીને ચાલતો હતો. આ જોઈ મારાં મિત્રો ફરીથી હસવા લાગ્યા. સાહેબે મને પૂછ્યું “તને કાંઈ વાંધો છે?” હું જવાબ આપું તે પહેલા કોઈ બોલી ગયું “તેનું પેન્ટ ફાટી ગ્યું.” એ સાંભળી પ્રિન્સિપાલ સાહેબ પણ હસવા લાગ્યા તેણે મને પેન્ટ બદલવા હોસ્ટેલે મોકલ્યો. રૂમે જઈ અરીસામાં જોયું તો મોઢું રંગાઈ ગયું અને ખંભો છોલાઈ ગયો. છતાં કિંગ રમવાની મજાજ અલગ હતી.